આરતી સાંગાણીનાં 'પ્રેમલગ્ન'નો વિવાદ : કોણ છે આરતી અને તેમના 'જીવનસાથી' દેવાંગ ગોહેલ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુરત, આરતી સાંગાણી, દેવાંગ ગોહેલ,

ઇમેજ સ્રોત, Aarti Sangani/FB/Devang Gohel/Insta

ઇમેજ કૅપ્શન, આરતી સાંગાણી અને તબલાવાદક દેવાંગ ગોહેલનાં 'પ્રેમલગ્ન'ના સમાચાર બહાર આવ્યા બાદથી તેમનો વિરોધ શરૂ થયો છે

થોડા દિવસ પહેલાં સુરતનાં પ્રખ્યાત ગાયિકા આરતી સાંગાણીએ પોતાની સાથે પ્રોગ્રામ્સમાં પર્ફૉર્મ કરનાર અને તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે 'લગ્ન' કર્યાના સમાચાર આવતાં આખો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

નોંધનીય છે કે આ પહેલાં ગાયિકા કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા મામલે જ્ઞાતિ બહાર સગપણ કર્યા મામલે કિંજલ અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજ્યમાં દીકરીઓનાં જ્ઞાતિ બહાર લગ્ન અને સગાઈ કરવા મામલે ચર્ચા છેડાઈ હતી. આ મુદ્દે ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોમાં પક્ષવિપક્ષમાં દલીલો પણ થતી જોવા મળી હતી.

હવે ફરી એક વાર આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલનાં 'લગ્ન'ના સમાચાર બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.

આરતી સાંગાણીનાં 'પ્રેમલગ્ન'ના દાવા બાદ પાટીદાર સમાજના ઘણા અગ્રણીઓ, રૂઢિચુસ્ત વિચારો ધરાવતા લોકો અને આરતીના પરિવાર દ્વારા આરતી અને દેવાંગ ગોહેલનાં 'લગ્ન'નો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.

આરતીના પરિવારજનો આ 'લગ્ન'ને 'દીકરીનો વિશ્વાસઘાત' ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક પાટીદાર અગ્રણીઓ અને દીકરીનાં અન્ય જ્ઞાતિમાં લગ્ન વિરુદ્ધનો મત ધરાવતા લોકો આરતીના 'સામાજિક બહિષ્કાર' અને તેમના મ્યુઝિક પ્રોગ્રામોના 'વિરોધ અને બહિષ્કાર'ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

જોકે, આ બધી ટીકાટિપ્પણીઓનો આરતીએ પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર વીડિયો જાહેર કરીને જવાબ આપ્યો છે.

તેમણે તેમનાં 'લગ્ન'ની ટીકા મામલે વીડિયોમાં કહ્યું છે કે 'પ્રેમ કરવો કોઈ ગુનો નથી.' તેમણે પટેલ સમાજ સામે માર્મિક સવાલ કરતાં કહ્યું હતું કે, 'જો પટેલ સમાજમાં મારાં લગ્ન થયાં હોત અને ત્યાં મને દુ:ખ પડ્યું હોત તો શું સમાજ ઊભો થાત?'

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "ટીકાને બદલે એવું વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી દીકરીઓ આવું પગલું ન ભરે અને કહી શકે કે મને પ્રેમ છે."

નોંધનીય છે કે કેટલાક લોકોએ આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલનાં 'પ્રેમલગ્ન'ની કાયદેસરતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરતી સાંગાણી દ્વારા સેંથો પૂરવા અને મંગળસૂત્ર પહેરવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર દેવાંગ ગોહેલની લગ્ન માટેની ઉંમર પૂરી ન થતી હોવાના અને આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલે 'મૈત્રીકરાર' કર્યાના દાવા પણ કરાયા હતા.

કોણ છે આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુરત, આરતી સાંગાણી, દેવાંગ ગોહેલ, પટેલ પાટીદાર પ્રેમલગ્ન વિરોધ જ્ઞાતિવાદ

ઇમેજ સ્રોત, Aarti Sangani/FB

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરતી સાંગાણી જોડે પરિચય ધરાવતા સુરતના ચિંતન સાંઘાણી કહે છે કે તેઓ તેમને પાછલાં એકાદ વર્ષથી ઓળખે છે.

તેઓ કહે છે કે, "તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ સુરતના લોકલ કાફેમાં પર્ફૉર્મ કરતાં હતાં. ત્યાંથી શરૂ કરીને એકાદ વર્ષમાં તેઓ બીજા ગાયન કાર્યક્રમો અને પ્રોગ્રામો કરવા લાગ્યાં."

આરતી સાંગાણીની લોકપ્રિયતા અંગે વાત કરતાં ચિંતન કહે છે કે, "તેઓ અહીં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય છે. જોકે, હજુ સુધી એવું કહી શકાય કે તેમની કારકિર્દી શરૂઆતના તબક્કામાં જ છે. તેઓ સ્થાપિત ગાયક કલાકારો જેવું મોટું નામ નથી."

ચિંતનના જણાવ્યા પ્રમાણે આરતી સાંગાણીની મોટા ભાગે લગ્ન કાર્યક્રમો અને અન્ય પ્રસંગોએ યોજાતા કાર્યક્રમોમાં ડિમાન્ડ રહેતી. જોકે, તાજેતરના ઘટનાક્રમ બાદ એક પછી એક તેમના ઘણા કાર્યક્રમો રદ થયા છે. લોકો સામેથી તેમના કાર્યક્રમો રદ કરાવી રહ્યા છે, તો કેટલાકમાં અન્ય લોકો આયોજકોને તેમના કાર્યક્રમો રદ કરવા સમજાવી રહ્યા છે.

આરતી સાંગાણીએ સુરત અને આસપાસનાં વિસ્તારનાં એક લોકપ્રિય સિંગર છે. તેઓ સ્ટેજ શો અને ગાયન કાર્યક્રમો થકી જાણીતાં બન્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ આપેલી માહિતી પ્રમાણે ગત 16 ડિસેમ્બરના રોજ આરતી ભાવનગરના મેંદરડા ખાતે પ્રોગ્રામ પૂરો કરીને બસમાં પરત આવે છે એવું જણાવીને ઘરે પરત ફર્યાં નહોતાં.

આરતીનો ફોન અચાનક ફોન બંધ થઈ જતાં 17 તારીખે તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

જોકે, એ બાદ પરિવારજનો અને અન્યોને આરતી સાંગાણીએ તેમની સાથે કાર્યક્રમોમાં પર્ફૉર્મ કરતાં તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે 'પ્રેમલગ્ન' કરી લીધાં હોવાની જાણ થઈ હતી. જે બાદ વિવાદ થયો હતો.

આરતીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને જોતાં ખબર પડે છે કે તેમના ગાયન અને પર્ફૉર્મન્સના ઘણા ચાહકો છે.

ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.47 લાખ ફોલોઅર છે. તેમના એકેક વીડિયોને હજારો વ્યૂઝ અને લાઇક્સ મળે છે.

તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેમણે પોતાની જાતને 'ગાયિકા' અને ફેસબુક એકાઉન્ટ પર તેઓ પોતાની જાતને 'ક્લાસિકલ લોક ગાયિકા, ગીત લેખિકા અને ડિજિટલ ક્રિએટર' ગણાવે છે.

તેમના ફેસબુક પ્રોફાઇલ પર પણ 19 હજાર ફોલોઅર છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુરત, આરતી સાંગાણી, દેવાંગ ગોહેલ,

ઇમેજ સ્રોત, Devang Gohel/Instagram

દેવાંગ ગોહેલના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમણે પોતાની ઓળખ મ્યુઝિશિયન અને તબલાવાદક તરીકે રજૂ કરી છે.

દેવાંગ ગોહેલના પણ ઇન્સ્ટાગ્રામમાં 64.5 હજાર જેટલા ફોલોઅર છે.

તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક નજર કરતાં તેમના ઘણા ગાયકો સાથે પર્ફૉર્મ કરતા વીડિયો જોવા મળે છે.

તેમના પણ એકેક વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. પોતાના પર્ફૉર્મન્સના કેટલાક વીડિયો પણ તેમણે પોતાના પેજ પર મૂક્યા છે. આ મોટા ભાગના વીડિયોમાં તેઓ તબલા કે ઢોલ વગાડતા નજરે પડે છે. તેમની પ્રોફાઇલ પર ઘણા ખ્યાતનામ કલાકારો સાથે તસવીરો પણ જોવા મળે છે.

દેવાંગ ગોહેલ અંગે વાત કરતા ચિંતન સાંઘાણી કહે છે કે, "એકાદ વર્ષ પહેલાં અમારી સોસાયટીમાં એક પ્રોગ્રામમાં દેવાંગ પર્ફૉર્મ કરવા આવ્યો હતો. આરતી સાથે તેણે ઘણા કાર્યક્રમો કર્યા છે. એ મોટા ભાગે ઑર્કેસ્ટ્રામાં રહેતો."

આરતી સાંગાણીએ લેટેસ્ટ વીડિયોમાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુરત, આરતી સાંગાણી, દેવાંગ ગોહેલ,

ઇમેજ સ્રોત, Aarti Sangani/FB

દેવાંગ ગોહેલ સાથે 'લગ્ન'ના સમાચાર બાદ ગાયિકા આરતી સાંગાણીની પટેલ સમાજ અને કેટલાંક અન્ય વર્તુળોમાં વ્યાપક ટીકા થતી જોવા મળી હતી.

તેમને આ 'પ્રેમલગ્ન'ના સમાચાર બાદ પોતાના પરિવાર અને સમાજ સાથે 'વિશ્વાસઘાત કરનાર' તરીકે ચીતરતી કૉમેન્ટોનો સોશિયલ મીડિયા પર રીતસર વરસાદ જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર મૂકેલા પોતાના લેટેસ્ટ વીડિયોમાં આરતી આ બધી ટીકાનો મક્કમતાપૂર્વક જવાબ વાળતાં રડતાંય જોવા મળ્યાં હતાં.

'લગ્ન'ના સમાચાર બાદ આરતીએ પોતાના ખુલાસા માટે મૂકેલા પ્રથમ વીડિયોમાં જાણે સમાજ અને ટીકાકારોને અરીસો બતાવતાં હોય એમ હિંમતપૂર્વક પોતાની વાત મૂકી હતી.

તેમના આ વીડિયોમાં આરતીની પાછળ તેમના જીવનસાથી દેવાંગ પણ દેખાઈ રહ્યા છે.

તેમણે આ ટીકાઓનો જવાબ આપતાં વીડિયોમાં કહ્યું છે કે, "સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વીડિયો અને કૉમેન્ટ સામે અમારો કોઈ વિરોધ નથી."

"અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?"

તેમણે પટેલ સમાજના અગ્રણીઓ અને યુવાનોને ટાંકીને વીડિયોમાં કહ્યું કે,

"બેટી બચાઓ બેટી પઢાઓની વાત કરો છો, તો શું બેટીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનોય અધિકાર નથી?"

તેમણે વીડિયોમાં આગળ માફી માગતાં કહ્યું કે, "અમે જે કાર્ય કર્યું, તેનાથી ઘણાને દુઃખ થયું અને લાગણી દુભાઈ છે. આ માટે હું તેમની માફી માંગુ છું."

"હું આશા રાખું છું કે અમારા આઝાદીથી જીવવાના અધિકારને તમે સમજશો."

આ વીડિયો બાદ પણ આરતીની ટીકાનો સિલસિલો ચાલુ રહ્યો હતો, પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર 'લગ્ન'ના સમાચાર બાદથી તેમના કેટલાક કાર્યક્રમો રદ કરાવી દેવાયા છે.

આ પ્રથમ વીડિયો બાદ તેમના બીજા ત્રણ વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં તેઓ રડતાં રડતાં સમાજની 'જાતિવાદી માનસિકતા' સામે સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે પોતાના એક વીડિયોમાં કહ્યું, "કોરોનામાં તમે લોકોએ ડૉક્ટરની જાતિ પૂછેલી? લોહીની જરૂર પડે ત્યારે લોહી આપનારને તેની જાતિ કે સમાજ વિશે પૂછો છો? એ પટેલ છે કે નહીં એ જુઓ છો?"

"લોહીનોય રંગ અલગ નથી, તો આપણે જાતિભેદ કરનારા કોણ છીએ? તમે લોકો મને કહો છો કે, 'તને સુરતમાં નહીં આવવા દઈએ. આ દીકરીનો બહિષ્કાર કરો.' જ્યાં સુધી મેં તમારા સમાજની મર્યાદા રાખી, મારા પિતાની ઇજ્જત રાખી, રમવાની ઉંમરે કામ કર્યું, ઉજાગરા કર્યા. ત્યારે હું બધાને સારી લાગી. પણ આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું, તો હું લોકોને ડાકણ લાગું છું."

"આવો તો કેવો તમારો સમાજ, આવા તે કેવા તમારા બધાના વિચારો? હું મંગળસૂત્ર પહેરું તો તેનોય તમને વાંધો છે. જ્યાં બાળલગ્ન થાય છે, ત્યાં વિરોધ કરોને."

તેઓ વીડિયોમાં રડમસ અવાજ અને ભીની આંખો સાથે કહે છે કે, "હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જ્યાંથી આવી છું એ જ્ઞાતિ નીચી નથી, ના કે હું જ્યાં આવી છું એ જ્ઞાતિ નીચી છે. કદાચ કોઈ જ્ઞાતિ નીચી નથી હોતી. માણસ માણસ હોય છે."

"મારા પપ્પાને તમે લોકોએ દબાણ કર્યું. એ વાતના પુરાવા છે. હું આજે કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને આપઘાત કરી લઉં, તો શું સમાજ જવાદારી લેશે ખરો? સમાજ મારા પિતા અને આખી દુનિયાને જવાબ આપશે?"

"મારા જીવનને આજે તમે તમારું જીવન સમજી લીધું છે. મારે હસવુંય ન જોઈએ, બોલવુંય ન જોઈએ. તમે કહો ત્યાં પરણવું જોઈએ, તમે ના પાડો ત્યાં ન પરણવું જોઈએ.આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે. અને આવા સમાજમાં તો ન જ આપે, જ્યાં દીકરીને આજે જીવન જીવવાનોય કોઈ અધિકાર નથી. તમને લોકોને એવું લાગે છે કે મેં મારા પપ્પાનું નથી જોયું. પણ તમે તમારા ઘરમાં એવો માહોલ તો બનાવો જેથી દીકરી કહી શકે કે 'પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને અહીં પરણાવો.' આજે મારી ખુશી મારા ઘરના લોકો નથી જોઈ શકતા. તો મને સમાજનું કોઈ દુ:ખ નથી."

આરતીના પિતા અને અલ્પેશ કથીરિયાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સુરત, આરતી સાંગાણી, દેવાંગ ગોહેલ,

ઇમેજ સ્રોત, Rupesh Sonawane

ઇમેજ કૅપ્શન, અલ્પેશ કથિરીયાએ પણ વીડિયો નિવેદન જાહેર કરીને આરતી સાંગાણીનાં પ્રેમલગ્ન અંગે 'માતાપિતા અને સમાજ ચિંતામાં' હોવાનું કહ્યું હતું

આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ એક વીડિયોમાં પોતાની વાત મૂકતાં કહ્યું કે, "પરિવાર વિરોધ કરતો હતો, ત્યારે મેં દીકરીનાં સપનાં પૂરાં કરવા સપોર્ટ કર્યો છે."

"દીકરી પર મેં દીકરો માની આંખ બંધ કરી વિશ્વાસ કર્યો અને મારી સાથે વિશ્વાસઘાત થયો."

"દીકરી હજુ પાછી આવવા માગતી હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું."

"દીકરીએ જે પગલું ભર્યું છે તેના કારણે સમાજ અને પરિવાર દસ દિવસથી ચિંતામાં છે."

ભાજપના નેતા અને સુરતના પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ આ મામલે વીડિયો નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, "માતાપિતા દીકરી માટે ચિંતામાં છે."

"17 ડિસેમ્બરે પિતાએ કાપોદ્રામાં ગુમ થવાની ફરિયાદ આપી છે અને દીકરીએ માતાપિતા સાથે વાત પણ નથી કરતી. સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી જવાબ અપાય છે, પરંતુ માતાપિતા સાથે વાત કરી શકતાં નથી."

તેઓ આરતી સાંગાણીનાં 'પ્રેમલગ્ન' અંગે કહે છે કે, "આજે સમાજે અને માતાપિતાએ આપેલી સ્વતંત્રતા સામે સવાલો ઊભા કર્યા છે."

"આ પ્રકારની ઘટનાઓથી તમામ લોકો દીકરીઓને સ્વતંત્રતા આપતા ખચકાશે. સમાજની અન્ય દીકરીઓ ઉપર પણ તેની ખોટી અસરો પડશે."

તેમણે સરકાર સામે કરેલી રજૂઆતો અંગે જણાવતાં કહ્યું કે, "આ જ કારણસર પાટીદાર સમાજ અને 18 વર્ણના સમાજ સરકાર પાસે પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિના કાયદાની માંગ કરી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન