'ચાર ચાર બંગડી'નાં ગાયિકા કિંજલ દવેની જેમની સાથે સગાઈ થઈ તે ધ્રુવિન શાહ કોણ છે?

બીબીસી ગુજરાતી ધ્રુવિન શાહ કિંજલ દવે સિંગર

ઇમેજ સ્રોત, dhruvinshahofficial/Instagram

ઇમેજ કૅપ્શન, કિંજલ દવે અને ધ્રુવિન શાહે સોશિયલ મીડિયા પર સગાઈના ફોટા અને વીડિયો શૅર કર્યા છે.

ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમૅન ધ્રુવિન શાહ સાથે સગાઈ થઈ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા દ્વારા આ સગાઈની જાહેરાત કરી હતી, જેમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વીડિયો અને ફોટોગ્રાફ પણ શૅર કરવામાં આવ્યા છે.

કિંજલ દવે પોતાનાં ગરબા અને ગીતો માટે જાણીતાં છે. ખાસ કરીને 'ચાર ચાર બંગડી' ગીતથી તેઓ લાઇમલાઇટમાં આવ્યાં હતાં અને દેશવિદેશમાં નવરાત્રિ ઉત્સવોમાં હાજરી આપે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો વીડિયો શૅર કરીને તેને 'ગૉડ્સ પ્લાન' એવું કૅપ્શન આપ્યું છે.

યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ આ સગાઈ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

કોણ છે ધ્રુવિન શાહ?

બીબીસી ગુજરાતી ધ્રુવિન શાહ કિંજલ દવે સિંગર

ઇમેજ સ્રોત, dhruvinshahofficial/Instagram

ઇમેજ કૅપ્શન, ધ્રુવિન શાહ રતન તાતા સાથે

ધ્રુવિન શાહ એક ઔદ્યોગિક પરિવારમાંથી આવે છે અને પોતે બિઝનેસમૅન હોવાની સાથે સાથે અભિનેતા પણ છે. તેઓ 'જોજો ઍપ'ના સ્થાપક છે જે ગુજરાતી ફિલ્મો અને બીજા કન્ટેન્ટ માટેની ઍપ્લિકેશન છે.

તેઓ માર્શલ આર્ટ સાથે પણ સંકળાયેલા છે અને સ્વૉર્ડ ફાઇટની તાલીમ લીધેલી છે. તેમણે અમેરિકાથી ઍક્ટિંગની તાલીમ મેળવેલી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ ગુજરાતી ઉપરાંત હિંદી, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષા જાણે છે.

મીડિયા અહેવાલો પ્રમાણે કિંજલ દવે અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતાં હતાં.

ફિલ્મ અને કળા જગતની ઘણી હસ્તિઓએ કિંજલ દવે અને ધ્રુવિન શાહને સગાઈ પર અભિનંદન પાઠવ્યાં છે, જેમાં મલ્હાર ઠાકર, ઇશાની દવે, ભાવિન ભાનુશાળીનો સમાવેશ થાય છે. ગુજરાતના જાણીતા કલાકાર આમીર મીરે પણ કિંજલ દવેને અભિનંદન પાઠવ્યાં છે.

બાળપણથી ગીતો ગાય છે કિંજલ દવે

બીબીસી ગુજરાતી ધ્રુવિન શાહ કિંજલ દવે સિંગર

ઇમેજ સ્રોત, dhruvinshahofficial/Instagram

મૂળ પાટણ જિલ્લાનાં કિંજલ દવેએ નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતથી તેમણે અભૂતપૂર્વ ખ્યાતિ મેળવી હતી.

ગુજરાતી સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવનારાં કિંજલ દવે એ અનેક ગીતો ગાયાં છે.

વર્ષ 2016માં કિંજલે 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' ગીત ગાયું, જેણે તેમને પ્રખ્યાત બનાવી દીધાં.

યુ-ટ્યૂબ પર જેવું જ 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' આવ્યું કે તરત જ પ્રખ્યાત બની ગયું હતું.

ત્યાર બાદ તો લગ્નનો વરઘોડો હોય કે નવરાત્રી, કોઈ પણ કાર્યક્રમ, આ પ્રસંગો 'ચાર ચાર બંગળીવાળી ગાડી...' ગીત સિવાય અધૂરાં મનાતાં.

ત્યાર બાદ કિંજલ દવેએ વર્ષ 2017માં 'લેરી લાલા...' અને વર્ષ 2018 'છોટે રાજા...' ગીતો ગાઈને લોકચાહના મેળવી હતી.

અગાઉ 2018માં કિંજલ દવેએ પોતાના બાળપણના મિત્ર પવન જોશી સાથે સગાઈ કરી હતી, પરંતુ 2023માં આ સગાઈ તૂટી ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન