એગ્ઝ ફ્રીઝિંગ કરવાનો મહિલાઓમાં વધી રહ્યો છે ટ્રૅન્ડ, તે કોને માટે જોખમી બની શકે છે?

બીબીસી ગુજરાતી મહિલા આરોગ્ય એગ્સ ફ્રીઝિંગ પ્રજોત્પતિ અંડાશય આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કૅટ બૉવી
    • પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ

લિબી વિલ્સને 25 વર્ષની વયે તેમનાં એગ્ઝ (નારીદેહમાં પેદા થતો રજઃ પિંડ, જેમાંથી સંતાનની ઉત્પત્તિ થાય છે) ફ્રીઝ કરાવ્યાં હતાં. તેઓ કહે છે, "ડેટિંગમાં મારા પર કેટલું દબાણ હતું તેનો અહેસાસ કરવો મુશ્કેલ છે. હવે, મેં મારાં એગ્સ ફ્રીઝ કરાવ્યાં, ત્યારે એ દબાણ હઠી ગયું છે."

લિબી વિલ્સન આયુષ્યની વીસીના દાયકામાંની, જનરેશન ઝેડની એવી મહિલાઓ પૈકીનાં એક છે, જે સંબંધો અંગેની અનિશ્ચિતતા અને પ્રજનનક્ષમતાની મર્યાદાની પરવા કર્યા વિના સ્વતંત્રતાનો આનંદ માણવાની ઇચ્છા સાથે પોતાની ફર્ટિલિટી જાળવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

મહિલામાં એગ્સની ગુણવત્તા તથા માત્રામાં વય વધવાની સાથે ઘટાડો થાય છે અને એ કારણે ગર્ભધારણ કરવાનું મુશ્કેલ બની શકે છે.

વર્ષ 2000ના દાયકાથી બિન-તબીબી કારણોસર એગ્ઝ ફ્રીઝિંગની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમાં આયુષ્યની ત્રીસીના દાયકામાં હોય તેવી મહિલાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. હવે યુવતીઓ પણ આ વૃદ્ધિમાં ફાળો આપી રહી છે.

એગ્ઝ ફ્રીઝિંગની પ્રક્રિયા વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે, પરંતુ દરેક દેશમાં તેના નિયમો અલગ-અલગ છે. ચીનમાં સિંગલ સ્ત્રીઓને બિન-તબીબી કારણોસર એગ્ઝ ફ્રીઝિંગ કરાવવાની છૂટ નથી, જ્યારે હંગેરી અને ઑસ્ટ્રિયા સહિતના દેશોમાં એગ ફ્રીઝિંગ પર સ્વાસ્થ્ય સંબંધી કોઈ તર્કવિહોણો પ્રતિબંધ છે.

હ્યુમન ફર્ટિલાઇઝેશન ઍન્ડ ઍમ્બ્રિયૉલૉજી ઑથોરિટી (એચએફઈએ)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં 18થી 24 વર્ષના યુવાવર્ગમાં એગ્ઝ ફ્રીઝિંગ સાઇકલ પૂર્ણ થયાનું પ્રમાણ ચાર વર્ષમાં 46 ટકા વધ્યું છે.

2019થી 2023 દરમિયાન યુવા વર્ગની મહિલાઓની સંખ્યા 196થી વધીને 287 થઈ, જ્યારે 30થી 34 વર્ષની મહિલાઓમાં તે સંખ્યા 505થી વધીને 2012 થઈ હતી.

જોકે, સફળતાની ખાતરી હોતી નથી અને ડૉક્ટર્સ ચેતવણી આપે છે કે ફ્રીઝ કરેલાં એગ્સમાંથી બાળક થવાની શક્યતા બહુ ઓછી હોય છે.

'ડેટિંગની દુનિયામાં ગરબડ છે'

બીબીસી ગુજરાતી મહિલા આરોગ્ય એગ્સ ફ્રીઝિંગ પ્રજોત્પતિ અંડાશય આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં એરેન્જ્ડ મૅરેજ હોય ત્યારે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે ઘણું વિચારીને નિર્ણય લેવો પડે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

25 વર્ષીય નસ્ત્યા સ્વાન છેલ્લાં આઠ વર્ષથી અમેરિકામાં રહે છે. તેમણે ગયા વર્ષે એગ્સ ફ્રીઝ કરાવ્યાં હતાં.

નસ્ત્યાના કહેવા મુજબ, પોતે યંગ છે એ તેઓ જાણે છે, પરંતુ "લાંબા સમયથી" સિંગલ છે અને તેમને માતા બનવું છે.

નસ્ત્યા કહે છે, "કોની સાથે જીવન પસાર કરવું તેની પસંદગીમાં હું બહુ કાળજી રાખું છું અને ડેટિંગની દુનિયામાં ગરબડ છે."

મૂળ રશિયાનાં નસ્ત્યાના કહેવા મુજબ, તેમણે તેમના પિતાને આ બાબતે જણાવ્યું ત્યારે તેઓ "શબ્દશઃ પાગલની જેમ હસ્યા" અને કહ્યું હતું, "તારી જિંદગી જીવી લે. તું હજુ બહુ યંગ છે."

પરિવારે આખરે નસ્ત્યાને ટેકો આપ્યો હતો.

ભારતીય ફર્ટિલિટી સપોર્ટ પ્લૅટફૉર્મ 'ફર્ટિલિટી દોસ્ત'નાં સ્થાપક ગીતાંજલિ બેનરજી જણાવે છે કે આ બાબતે મહિલાઓની જાગૃતિમાં "આમૂલ પરિવર્તન" આવ્યું છે, પરંતુ આવા પ્રતિભાવ તેમને નિરાશ કરી શકે છે.

ગીતાંજલિ કહે છે, "હે ભગવાન, મારો પરિવાર મારી કારકિર્દીને સમજી શકતો નથી ત્યારે તેઓ એગ્ઝ ફ્રીઝિંગને કેવી રીતે સમજી શકશે? એવો પ્રતિભાવ અમને મળે છે."

ગીતાંજલિ ઉમેરે છે કે તેમનાં મહિલા દર્દીઓને, ખાસ કરીને તેમનાં એરેન્જ્ડ મૅરેજ થયાં હોય તો, ભાવિ જીવનસાથી અને સાસરિયાઓનાં મંતવ્યોની ચિંતા પણ હોય છે, કારણ કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ આજે પણ "અનિચ્છનીય" ગણાય છે.

પીસીઓએસનું નિદાન બને છે 'મુખ્ય કારણ'

બીબીસી ગુજરાતી મહિલા આરોગ્ય એગ્સ ફ્રીઝિંગ પ્રજોત્પતિ અંડાશય આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓમાં હૉર્મોનલ સમસ્યાઓના કારણે પ્રજનનને લગતી તકલીફો થઈ શકે છે

ઑસ્ટ્રેલિયાનાં લિબીને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ) નામનો હૉર્મોનલ ડિસૉર્ડર છે. પીસીઓએસને લીધે પ્રજનન સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે અને વિશ્વમાં પ્રત્યેક 10 મહિલાઓમાંથી એકને પીસીઓએસની બીમારી હોય છે.

લિબી કહે છે, "મારાં એગ્સ ફ્રીઝ કરાવવાનું એક પ્રેરક બળ ચોક્કસપણે પીસીઓએસ હતું."

યુનિવર્સિટી કૉલેજ લંડનના મહિલા આરોગ્યના વ્યાખ્યાતા અને એચએફઈએ ઑથોરિટીના સભ્ય ડૉ. ઝેનપ ગુર્ટિનના કહેવા મુજબ, મોટાભાગની યુવતીઓ કૅન્સરની સારવાર જેવાં તબીબી કારણોસર ફ્રીઝિંગ કરાવે છે.

આ વધારો દર્શાવે છે કે અંડાશય સંબંધી મૂળભૂત અપૂર્ણતા (જેમાં અંડાશય 40 વર્ષની વય પહેલાં કામ કરવાનું બંધ કરી દે છે) અથવા ઍન્જૉમેટ્રિઓસિસ (જેમાં ગર્ભાશયના અસ્તરમાં, શરીરના અન્ય ભાગોની જેમ વધતા કોષોનો સમાવેશ થાય છે) જેવી તકલીફો વિશે યુવતીઓમાં જાગૃતિ વધી રહી છે.

સ્ત્રીઓ માટે ઍન્ટિ-મ્યુલેરિયન હૉર્મોન (એએચએમ) પરીક્ષણો જેવી ફર્ટિલિટી ટૅક્નૉલૉજીની સુવિધા આસાનીથી ઉપલબ્ધ છે. આ બ્લડ ટેસ્ટ્સ અંડાશયમાં બાકી રહેલા એગ્સની સંખ્યા દર્શાવે છે અને તે પ્રિસ્ક્રિપ્શન વિના વૈશ્વિક સ્તરે ઑનલાઇન ઉપલબ્ધ છે.

જોકે, દર્દીઓ તેને નાની સમસ્યા ગણવાને બદલે "ફર્ટિલિટી રિપોર્ટ કાર્ડ" માની શકે છે, એવું ગીતાંજલિ બેનરજી જણાવે છે.

આ પરીક્ષણ એગ્સની ગુણવત્તા માપતું નથી અથવા કુદરતી રીતે ગર્ભધારણ કેટલું સરળ હોઈ શકે તેની આગાહી કરતું નથી. વળી અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક ટેસ્ટ્સ ખોટું પરિણામ આપે છે.

એગ્ઝ ફ્રીઝિંગમાં ખર્ચો ઘણો થાય છે

બીબીસી ગુજરાતી મહિલા આરોગ્ય એગ્સ ફ્રીઝિંગ પ્રજોત્પતિ અંડાશય આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાનાં ઈંડાંને ફ્રીઝ કરીને ભવિષ્યમાં ઉપયોગ કરવાની પદ્ધતિ અત્યંત ખર્ચાળ છે.

આ સારવારનો ખર્ચ પણ મોટો હોય છે.

કિંમત અલગ-અલગ હોય છે, પરંતુ ફ્રીઝિંગ પ્રોસેસમાં હજારોનો ખર્ચ થઈ શકે અને તેમાં મોટી સ્ટોરેજ ફીનો સમાવેશ થતો હોય છે.

એગ્ઝ ફ્રીઝિંગ પ્રોસિજર માટે 5,467 પાઉન્ડ (અંદાજે 4.64 લાખ રૂપિયા) ઉપરાંત માસિક સ્ટોરેજ ચાર્જ માટે 25 પાઉન્ડ (અંદાજે 3,000 રૂપિયા) ખર્ચવા પડે છે. લિબી સ્વીકારે છે કે આ નાણાકીય બોજ "યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે બહુ મોટો" હતો.

લિબીએ નિવૃતિની બચતમાંથી પૈસા કાઢ્યા હતા, પરંતુ તેઓ આ નિર્ણયથી ખુશ છે અને કહે છે, "એ મારાં સંતાનો હોવાં અને ન હોવાં વચ્ચેનો ફરક હોઈ શકે છે."

અન્ય સ્ત્રીઓને આ પ્રોસિજર તેમના અપેક્ષા કરતાં ઓછી સરળ લાગી. આર્જેન્ટિનાની મોરા મોનાકોએ દોસ્તની ભલામણ પછી 26 વર્ષની વયે પોતાના એગ્સ ફ્રીઝ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

"મારા ડૉક્ટરે કહ્યું હતું, તારા માટે બહુ અદ્ભુત સાબિત થશે. તું 26 વર્ષની છે. પ્રોસિજર માટે આ શ્રેષ્ઠ ઉંમર છે," એમ કહેતાં મોરા ઉમેરે છે, "જોકે, મારા કિસ્સામાં ખરેખર એવું ન હતું."

મોરાના શરીરમાં એગ્સનો ઓછો જથ્થો હતો અને એગ્સ પ્રાપ્તિ માટે તેમણે સંઘર્ષ કરવો પડ્યો હતો, જે તેમને "પીડાદાયક" લાગ્યું હતું.

કોઈ વ્યક્તિ સંતાન પ્રાપ્ત કરવા ઇચ્છતી હોય ત્યારે ફ્રોઝન એગ્સને ડિફ્રોસ્ટ કરી શકાય છે અને તેનો ઉપયોગ ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) જેવી સારવારમાં કરી શકાય છે, પરંતુ આ પ્રોસેસમાં કોઈ ગૅરંટી હોતી નથી, એવી ચેતવણી ડૉ. ગુર્ટિન આપે છે.

ઉંમર, આરોગ્ય, કેટલાં એગ્સ સફળતાપૂર્વક ફ્રીઝ કરવામાં આવ્યાં છે અને ફલન યોગ્ય છે એ ઉપરાંત શુક્રાણુની ગુણવત્તા જેવાં ઘણાં પરિબળોનો પ્રભાવ સફળતા પર પડતો હોય છે.

સફળતાના દરનું આકલન કરવું મુશ્કેલ છે, કારણ કે મોટાભાગની મહિલાઓએ તેમનાં ફ્રોઝન એગ્સનો ઉપયોગ આજ સુધી કર્યો નથી, પરંતુ એચએફઈએના 2016ના ડેટા અનુસાર, એ વર્ષે 18 ટકા એગ્ઝ ફ્રીઝિંગ સાઇકલના પરિણામે એક જ બાળક જન્મ્યું હતું.

એગ્ઝ ફ્રીઝિંગમાં સફળતાની ગૅરંટી નથી

બીબીસી ગુજરાતી મહિલા આરોગ્ય એગ્સ ફ્રીઝિંગ પ્રજોત્પતિ અંડાશય આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ-તેમ સારવારમાં અનિશ્ચિતતા વધે છે.

એચએફઈએ હવે સફળતાના દરના આંકડા એકત્ર કરતું નથી, કારણ કે તેને એગ્ઝ ફ્રીઝિંગ સમયની સ્ત્રીની ઉંમર અને સારવાર કરાવતી વખતની મહિલાની વય સાથે વિશ્વસનીય રીતે સાંકળી શકાતા નથી, જેનો અર્થ એ થાય કે તેમની સફળતાનો દર વધારે પડતો હોઈ શકે.

આઈવીએફ કરતાં આ શક્યતા થોડી ઓછી છે, જેમાં ફ્રેશ એગ્સ સ્ત્રીના અંડાશયમાંથી મેળવવામાં આવે છે અને શુક્રાણુ સાથે તેનું ફલન કરવામાં આવે છે. પછી તેને ફરી મહિલામાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તેમાં સફળતાનો દર સ્ત્રીની વય અનુસાર, પ્રતિ રાઉન્ડ 5થી 35 ટકાની વચ્ચે હોઈ શકે છે.

ડૉ. ગુર્ટિન કહે છે, "સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સ્ત્રી એગ્ઝ ફ્રીઝિંગનો વિચાર કરતી હોય તેને સફળતાના દરની માહિતી હોવી જોઈએ. તેમણે જાણવું જોઈએ કે એગ્ઝ ફ્રીઝિંગની કોઈ ગૅરંટી હોતી નથી અને તેનાં સંભવિત જોખમો અને આડઅસરો વિશે વ્યાપક માહિતી ઉપલબ્ધ છે."

તેની આડઅસરોમાં ડિસ્રેગ્યુલેશન, પેટનું ફૂલવું, હૉર્મોન ઇન્જેક્શનને લીધે માથાનો દુ:ખાવો, એગ્સ રિટ્રાઇવલ્સને લીધે પેટમાં પીડા અને હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમની દુર્લભ, પરંતુ ગંભીર શક્યતાનો સમાવેશ થાય છે. હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમમાં તીવ્ર પીડા થઈ શકે છે, વજનમાં ઝડપી વધારો થઈ શકે છે અને લોહી ગંઠાઈ શકે છે.

મોરાએ રિટ્રાઇવલ્સના ત્રણ રાઉન્ડ પછી નવ એગ્સ ફ્રીઝ કર્યાં હતાં. તેઓ કહે છે, "મારાં એગ્સને જાળવી રાખવા માટે મેં ઉત્તમ કામ કર્યું છે, એ હું જાણું છું."

બીબીસીએ જેમની સાથે વાત કરી એ ત્રણેય મહિલાઓએ ટિક-ટૉક પર તેમની સ્ટોરી શૅર કરી હતી. તેને લાખો વ્યૂઝ મળ્યા હતા.

મોરા કહે છે, "મારી સ્ટોરી શૅર કરવા બદલ આભાર વ્યક્ત કરતા અને હું મારા ડૉક્ટર સાથે આ બાબતે વાત કરીશ એવું જણાવતા હજારો મૅસેજીસ મળ્યા હતા."

અલબત, બહુ જ યુવા મહિલાઓએ ચિંતા કરવાની જરૂર નથી, એવું જણાવતાં ડૉ. ગુર્ટિન કહે છે, "24 વર્ષથી ઓછી વયની સ્ત્રીઓએ તેમનાં એગ્સ ફ્રીઝ કરાવવા વિશે વિચારવાની જરૂર નથી. તેમની પાસે પુષ્કળ સમય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન