યોનિમાં રહેલા બૅક્ટેરિયા મહિલાના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકે, તેનો ગર્ભાવસ્થા સાથે કેવો સંબંધ છે?

મહિલા આરોગ્ય , બીબીસી ગુજરાતી, વજાઇના

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જાસ્મિન ફોક્સ-કેલી
    • પદ, બીબીસી ફ્યૂચર

મહિલાઓની યોનિમાંના માઇક્રોબાયોમ પર, આંતરડામાં રહેતા માઇક્રોબાયોમ કરતાં ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે.

યોનિમાર્ગમાં રહેલા માઇક્રોબાયોમ એકંદરે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

યોનિમાર્ગની અંદર એક નાજુક ઇકોસિસ્ટમ છે, જે વિવિધ પ્રકારના હજારો બૅક્ટેરિયા, ફૂગ અને વાયરસની બનેલી છે. એ બૅક્ટેરિયા, ફૂગ અને વાયરસ પોષક તત્ત્વો અને જગ્યા માટે યોનિમાર્ગમાં એકમેકની સાથે ટક્કર લેતા રહે છે.

યોનિમાર્ગમાં રહેતા કેટલાક જંતુઓ વ્યાપક સુખાકારીમાં, રોગ અટકાવવાથી માંડીને ગર્ભાવસ્થાનું પરિણામ સુધારવા સુધી આશ્ચર્યજનક રીતે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.

લેક્ટોબેસિલસ તરીકે ઓળખાતા બૅક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્યારે વંધ્યત્વ, કસુવાવડ, અકાળ જન્મ અને સર્વાઇકલ કૅન્સરનું જોખમ પણ ઓછું થાય છે.

આ મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મજીવોને વધુ સારી રીતે મૅનેજ કરવા માટે વિજ્ઞાનીઓ હવે ડાયગ્નોસ્ટિક પરીક્ષણો અને સારવાર વિકસાવવા માટે મહેનત કરી રહ્યા છે.

તે ખરેખર સાકાર થશે તો વ્યક્તિગત દવાઓનો આ નવો યુગ પ્રજનન આરોગ્ય વ્યવસ્થામાં ક્રાંતિ લાવી શકે છે.

વેજાઇનલ બૅક્ટેરિયા કેવા હોય છે

વેજાઇના, મહિલા આરોગ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashanti Aswani

હવે સવાલ એ થાય કે યોનિમાર્ગ માઇક્રોબાયોમ સ્વાસ્થ્યની આગાહી કેવી રીતે કરે છે અને તેને સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાળપણ દરમિયાન યોનિમાર્ગના માઇક્રોબાયોમ પર, ઓછા ઑક્સિજનવાળી સ્થિતિમાં ખીલતા બૅક્ટેરિયાનું વર્ચસ્વ હોય છે. તેને એનારોબિક માઇક્રોબ્સ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, તરુણાવસ્થા દરમિયાન ઍસ્ટ્રોજનમાં થતો વધારો લૅક્ટોબેસિલસ નામના બૅક્ટેરિયાના પરિવાર માટે નિવાસસ્થાન બનાવવા યોગ્ય વાતાવરણ રચે છે.

લેક્ટોબેસિલસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પૂરતી સંખ્યામાં તેની હાજરી હાનિકારક, રોગકારક જીવાણુઓને યોનિમાં પગદંડો જમાવતા અટકાવીને ચેપ સામે રક્ષણ આપે છે.

યુનાઇટેડ કિંગ્ડમની મેડિસિન ઍન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)માં માઇક્રોબાયોમ વિભાગના વડા ક્રાયસી સેર્ગાકી કહે છે, "તે પોષક તત્ત્વો અને જગ્યા માટે સ્પર્ધા કરીને રોગકારક જીવાણુઓને હાંકી કાઢે છે."

બેક્ટોબેસિલસ લેક્ટિક એસિડ પણ ઉત્પન્ન કરે છે, જે યોનિને રોગકારક જીવાણુઓ માટે ઓછી આવકાર્ય જગ્યા બનાવે છે.

સેગાર્કી કહે છે, "એ હાનિકારક માઇક્રોબ્સ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવે છે. તેથી માઇક્રોબ્સ ત્યાં આવવાની હિંમત કરતા નથી. લેક્ટોબેસિલસ ચેપ સામે રક્ષણ આપવા માટે સ્થાનિક રોગપ્રતિકારક પ્રતિભાવોને પણ નિયંત્રિત કરી શકે છે અને નેચરસ ઍન્ટીબાયોટિક્સ ઉત્પન્ન કરી શકે છે તેમજ અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા બૅક્ટેરિયાને ખતમ કરી શકે છે."

સિક્કાની બીજી બાજુ એ છે કે યોનિમાર્ગ માઇક્રોબાયોમમાં ખલેલ સર્જાય અને લેક્ટોબેસિલસનું વજાઇનલ ડિસબાયોસિસ તરીકે ઓળખાતું અસંતુલન સર્જાય તો બૅક્ટેરિયલ વેજિનોસિસ (બીવી), થ્રશ અને પેશાબની નળીઓમાં ચેપ (યુટીઆઈ) લાગવાની શક્યતા વધી જાય છે.

એ ઉપરાંત કોઈ સ્ત્રી જાતીય રીતે વધુ સક્રિય હોય તો વજાઇનલ ડિસબાયોસિસ એ મહિલાને જાતીય રીતે સંક્રમિત ચેપ (એસટીઆઈ) લાગવાનું જોખમ વધી જાય છે. દાખલા તરીકે, લેક્ટોબેસિલસનું ઓછું પ્રમાણ ધરાવતી મહિલાને એચઆઈપી થવાનું જોખમ વધુ હોય છે.

યુનાઇટેડ કિંગ્ડમની લિવરપૂલ યુનિવર્સિટીમાં મહિલા તથા બાળ સ્વાસ્થ્યના ક્લિનિકલ વ્યાખ્યાતા લૌરા ગુડફેલો કહે છે, "દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં એચઆઈનો દર 20થી 30 ટકાની વચ્ચે છે. તેમ છતાં કેટલીક સેક્સ વર્કર નસીબદાર છે અને તેમને ચેપ લાગતો નથી."

ગુડફેલોના કહેવા મુજબ, "આફ્રિકામાં સેક્સ વર્કર તરીકે કાર્યરત વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતાને વજાઇના માઇક્રોબાયોટામાં થતી ક્રિયા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. તમારા શરીરમાં લેક્ટોબેસિલસનું પ્રમાણ ઓછું હોય તો તમને એચઆઈવી થવાની શક્યતા વધારે હોય છે."

લેક્ટોબેસિલસનું ઓછું પ્રમાણ ધરાવતી મહિલાઓને હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી)નો ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે. એચપીવી સર્વાઇકલ, વલ્વલ અને યોનિમાર્ગના કૅન્સરનું મુખ્ય કારણ છે.

વજાઇનલ ડિસબાયોસિસ ધરાવતી મહિલાઓમાં એચપીવીનો ચેપ દૂર કરવામાં વધુ સમય લાગે છે અને એ ચેપ સર્વાઇકલ કૅન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા વધારે હોય છે.

ગુડફેલો કહે છે, "માઇક્રોબાયોમ થોડું જંગલ જેવું હોય છે. સ્વસ્થ જંગલમાં જમીન પર તમે કેટલાક બીજ ફેંકો તો તે ઊગશે નહીં, કારણ કે ત્યાં પહેલાંથી જ એક સ્વસ્થ ઇકોસિસ્ટમ છે, પરંતુ ત્યાં રહેલા માઇક્રોબાયોમ સારી રીતે સેટ ન થયેલ હોય તો ખરાબ બૅક્ટેરિયા અથવા વાયરસ વધારે સરળતાથી વિકસી શકે છે."

ગર્ભાવસ્થાની આગાહી કરે છે

વેજાઇના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashanti Aswani

રસપ્રદ વાત એ છે કે મહિલાના શરીરના નીચલા પ્રદેશમાં રહેતો બૅક્ટેરિયાનો સમુદાય મહિલાની ગર્ભધારણ કરવાની અને બાળકને જન્મ આપવાની શક્યતા નક્કી કરવામાં પણ ભૂમિકા ભજવે છે.

દાખલા તરીકે, ઓછા પ્રમાણમાં લેક્ટોબેસિલસ ધરાવતી મહિલામાં ગર્ભપાત થવાની અથવા ઍક્ટોપિક પ્રેગ્નેન્સીની શક્યતા વધારે હોય છે. (એક્ટોપિક પ્રેગ્નેન્સીમાં ગર્ભાશયની બહાર ગર્ભ વિકસતો હોય છે) વજાઇનલ ડિસબાયોસિસ ધરાવતી મહિલાઓમાં બાળક અકાળ જન્મવાની શક્યતા પણ થોડી વધારે હોય છે. 37 સપ્તાહની ગર્ભાવસ્થા પહેલાં જન્મતા બાળકને પ્રિમેચ્યોર બેબી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ગુડફેલો કહે છે, "બાળકના અકાળ જન્મનું કારણ બનતી તે એકમાત્ર બાબત નથી. ડિસબાયોસિસ ધરાવતી ઘણી મહિલાઓ યોગ્ય સમયે બાળકોને જન્મ આપે તે શક્ય છે, પરંતુ અમે માનીએ છીએ કે તેનાથી જોખમમાં થોડો વધારો જરૂર થાય છે."

બિફિડોબેક્ટેરિયમ નામના એક આરોગ્યવર્ધક બૅક્ટેરિયમને અકાળ જન્મ સામે રક્ષણકર્તા માનવામાં આવે છે. અલબત, બિફિડોબેક્ટેરિયમ ખૂબ જ દુર્લભ છે અને સામાન્ય રીતે પાંચ ટકાથી ઓછી મહિલાઓમાં જ હોય છે.

ડિસબાયોસિસ અને પ્રજનન સારવાર(આઈવીએફ)માં ઓછી સફળતા વચ્ચે સંબંધ હોવાનું કેટલાક અભ્યાસો પણ સૂચવે છે. "તેથી કોઈને ડિસબાયોસિસ હોય અને તે આઈવીએફ કરાવે તો તેમાં સફળતાની શક્યતા ઓછી હોઈ શકે છે, એવું અમે માનીએ છીએ," ગુડફેલો કહે છે.

વજાઇનલ ડિસબાયોસિસ ગર્ભાવસ્થાના પરિણામને પ્રતિકૂળ શા માટે બનાવે છે તેની એક થિયરી ઇન્ફ્લેમેશન સંબંધી છે. તે ઈજા અથવા ચેપ સામેની તમારી રોગપ્રતિકારક શક્તિની પ્રતિક્રિયાનો એક ભાગ છે. શરીરમાં ચોક્કસ પ્રમાણમાં ઈન્ફ્લેમેશન અસ્તિત્વ માટે જરૂરી છે, પરંતુ તેનું વધુ પડતું પ્રમાણ લોકોમાં હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને અલ્ઝાઇમર્સ સહિતના તમામ પ્રકારના રોગને નોતરે છે.

વજાઇના, પ્લેસેન્ટા અથવા વિકાસશીલ બાળકમાં ઇન્ફ્લેમેશન અકાળ જન્મ અથવા કસુવાવડનું કારણ બની શકે છે અથવા મહિલાની ગર્ભધારણ સંભાવનાને ઘટાડી શકે છે.

ગુડફેલો કહે છે, "આપણે જાણીએ છીએ કે લેક્ટોબેસિલસ હોય તેવી મહિલાઓના યોનિમાર્ગ પ્રવાહીમાં ઓછા ઇન્ફ્લેમેટરી પ્રોટિન્સ હોય છે. તેથી વર્તમાન ધારણા એવી છે કે ડિસબાયોસિસ વધારે ઇન્ફ્લેમેશનનું કારણ છે અને કેટલીક મહિલાઓમાં ઇન્ફ્લેમેટરી પાથવે અકાળ જન્મને ઉત્તેજિત કરે છે."

રસપ્રદ વાત એ છે કે લેક્ટોબેસિલસને આંતરડામાં "સારા બેક્ટેરિયા" ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ ઈન્ફલેમેશનને દબાવવાની તેની ક્ષમતા છે.

ક્લેમીડિયા, ગોનોરિયા, સિફિલિસ અને બૅક્ટેરિયલ વેજાઇનોસિસ જેવા એસટીઆઈ ઇન્ફેક્શન્સ મહિલાઓમાં અકાળ જન્મ, વંધ્યત્વ, કસુવાવડ અને સર્વાઇકલ કૅન્સરનું કારણ બની શકે છે. લેક્ટોબેસિલસ આ ચેપનું કારણ બનતા પેથોજેન્સ સામે ટક્કર લઈને, તેમને કબજો જમાવતા અટકાવવીને તેની સામે રક્ષણ આપી શકે છે.

સેગાર્કી કહે છે, "સારું માઇક્રોબાયોમ જાળવી રાખવાથી બૅક્ટેરિયલ વજાઇનોસિસ અટકાવવામાં મદદ મળી શકે છે અને તે બાળકના અકાળ જન્મને રોકવામાં મદદ કરે છે."

પર્સનલાઇઝ્ડ દવાનો નવો યુગ

વેજાઇના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashanti Aswani

આ બધું જાણ્યા પછી સવાલ થાય કે આપણે વજાઈનલ માઈક્રોબાયોમ બદલીને, લેક્ટોબેસિલસ, બાયફિડોબેક્ટેરિયમ અથવા અન્ય ઓછા જાણીતા ફાયદાકારક બેક્ટેરિયાની પ્રજાતિઓ તરફ ઝૂકીને બાળ જન્મના પરિણામને બહેતર બની શકીએ?

ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકો એક નવી ક્લિનિકલ ટ્રાયલ સાથે એવું કરવા મથી રહ્યા છે. જીવંત બેક્ટેરિયમ લેક્ટોબેસિલસ ક્રિસ્પેટ્સ ધરાવતું પ્રોબાયોટિક Lactin-V અત્યંત વધારે જોખમ ધરાવતી મહિલાઓમાં અકાળ જન્મનો દર ઘટાડી શકે કે કેમ તેનું પરીક્ષણ ટ્રાયલમાં કરવામાં આવશે.

આ ટીમના અત્યાર સુધીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે લેક્ટોબેસિલસ ક્રિસ્પેટ્સનું પ્રભુત્વ ધરાવતા વજાઇનલ માઇક્રોબાયોમ અકાલ જન્મના ઓછા જોખમ સાથે સંકળાયેલ છે અને લેક્ટોબેસિલસ ક્રિસ્પેટ્સ સાથેનું વજાઇનલ સપ્લિમેન્ટેશન વજાઇનલ માઇક્રોબાયોમને બદલી શકે છે. ટીમે સગર્ભા મહિલાના બ્લડ ગ્રૂપ અને અકાળ જન્મના જોખમ વચ્ચેની કડીને પણ શોધી કાઢી છે. દાખલા તરીકે, B અને O બ્લડ ગ્રૂપ અકાળ જન્મના ઊંચા જોખમ સાથે સંકળાયેલા છે, જ્યારે A બ્લડ ગ્રૂપ ઓછા જોખમ સાથે સંકળાયેલું છે. સંશોધકોના મતે તેનું કારણ એ છે કે A બ્લડ ગ્રૂપ ધરાવતી મહિલાઓમાં ફાયદાકારક લેક્ટોબેસિલસ ક્રિસ્પેટ્સનું પ્રમાણ વધારે હોય છે.

એચઆઈવીના સંક્રમણનું ઉચ્ચ જોખમ ધરાવતી મહિલાઓને લેક્ટિન-V રક્ષણ આપી શકે કે કેમ તેની તપાસ અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને દક્ષિણ આફ્રિકામાં વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

સેર્ગાકી અને ગુડફેલો પણ માઇક્રોબાયોમ આધારિત નિદાનના સાધનોના વિકાસની હિમાયત કરતા સંશોધકોના સંઘનો એક ભાગ છે. આ સાધનો સૈદ્ધાંતિક રીતે સ્ત્રીના અનન્ય વજાઇનલ બૅક્ટિરિયલની "ફિંગરપ્રિન્ટ્સ" ઝડપથી તથા બિન-આક્રમક રીતે વાંચી શકે છે અને તેનો ઉપયોગ કસુવાવડ, અકાળ જન્મ, વંધ્યત્વ અથવા સર્વાઇકલ કૅન્સરના જોખમની આગાહી માટે કરી શકે છે.

આ સાધનોથી નિદાન વહેલું થઈ શકે છે અને રોગનું વધુ અસરકારક રીતે નિવારણ થઈ શકે છે તેમજ વ્યક્તિગત સારવાર પણ મળી શકે છે.

સેર્ગાકી કહે છે, "આ અદ્યતન વિજ્ઞાનને આપણા દર્દીઓની નજીક ઝડપથી અને સુરક્ષિત કેવી રીતે લાવી શકાય તેમાં મને ખાસ રસ છે."

"આંતરડાના માઇક્રોબાયોમ બૅક્ટેરિયાના હસ્તાક્ષરો છે, જે ચોક્કસ રોગની સ્થિતિ સાથે સંકળાયેલા છે, એ આપણે પહેલેથી જ જાણીએ છીએ. હવે આપણને જાણવા મળ્યું છે કે વજાઇનલ માઇક્રોબાયોમની બાબતમાં પણ આવું જ છે."

આ બાબત મુખ્યધારાના ઔષધમાં પ્રવેશી ચૂક્યાનું એક ઉદાહરણ એ છે કે કૅન્સરગ્રસ્ત અથવા કૅન્સરની સંભાવના હોય તેવા કોષોના સીધા પરિક્ષણને બદલે રેગ્યુલર સ્મીયર ટેસ્ટ્સ દરમિયાન એચપીવી વાયરસના વ્યાપનું પરીક્ષણ કરવામાં આવે છે.

એચપીવી ટેસ્ટિંગ હવે સર્વાઇકલ સ્ક્રીનિંગની પ્રાથમિક પદ્ધતિ છે, કારણ કે તે સર્વાઇકલ કૅન્સરનું ઊંચુ જોખમ ધરાવતા લોકોને શોધવાનો વધુ સચોટ માર્ગ છે.

વજાઇનલ માઇક્રોબાયોમની સંભાળ કેવી રીતે રાખવી

વજાઇનલ માઇક્રોબાયોમની સંભાળ રાખવા માટે મહિલાઓ કેટલીક વસ્તુઓ કરી શકે છે અને કેટલીક વસ્તુઓ ન કરવામાં શાણપણ છે.

વજાઇનલ ડાઉચિંગ (યોનિ પ્રક્ષાલન) જેવી ઘનિષ્ઠ સ્વચ્છતા પદ્ધતિઓ ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. ડાઉચિંગમાં યોનિ પાણી અથવા ક્લિન્સિંગ પ્રોડક્ટ્સ વડે સાફ કરવામાં આવે છે. ડાઉચિંગથી યોનિમાર્ગના સ્વાસ્થ્યમાં સુધારો થવો તો દૂર રહ્યો, તેને કારણે બીવી, અકાળ જન્મ અને પેલ્વિક ઇન્ફલેમેટરી રોગ(પીઆઈડી)ના જોખમમાં વધારો થાય છે. તે વંધ્યત્વનું કારણ બની શકે છે. જેલ, સ્પ્રે અને વાઈપ્સ જેવી મહિલાઓ માટેની અન્ય સ્વચ્છતા પ્રોડક્ટ્સ પણ નાજુક માઇક્રોબાયોટાને નુકસાન કરી શકે છે.

મહિલા જાતીય રીતે સક્રિય હોય તો બેરિયર ગર્ભનિરોધકોનો ઉપયોગ વજાઇનલ માઇક્રોબાયોટાનું રક્ષણ કરી શકે છે. દાખલા તરીકે, અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે કોન્ડોમનો વપરાશ કરતા લોકોમાં લેક્ટોબેસિલસનું પ્રમાણ વધુ હોય છે, વીર્યનો પોતાનો માઇક્રોબાયલ સમુદાય હોય છે, જે યોનિમાં રહેતા બૅક્ટેરિયાના નાજુક સંતુલનમાં દખલ કરી શકે છે.

સ્વસ્થ આહાર લેવો એ પણ એક સારો વિચાર છે. સંશોધન દર્શાવે છે કે વિટામિન A, C, D અને E, β-કેરોટીન, ફોલેટ અને કેલ્શિયમ જેવા પૂરતા સૂક્ષ્મ પોષકતત્ત્વો ન મળવાથી BV થવાનું જોખમ વધી શકે છે. ખોરાકમાં ચરબીનું વધુ પ્રમાણ BVના જોખમ સાથે પણ સંકળાયેલું છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે મેદસ્વી મહિલાઓમાં ઓછા લેક્ટોબેસિલસ ધરાવતા માઇક્રોબાયોમ હોવાની શક્યતા વધારે હોય છે, જેમાં સ્વસ્થ બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) જાળવવા પર મહત્ત્વ પર વધુ ભાર મૂકવામાં આવે છે.

આખરે એવું લાગે છે કે ધૂમ્રપાનની વજાઇનલ માઇક્રોબાયોમ પર માઠી અસર થઈ શકે છે.

એક અભ્યાસમાં ધૂમ્રપાન કરતી અને ધૂમ્રપાન ન કરતી 20 મહિલાઓના યોનિમાર્ગના સ્વેબ લેવામાં આવ્યા હતા. પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે ધૂમ્રપાન કરતી મહિલાઓ પૈકીની અડધોઅડધમાં, ધૂમ્રપાન ન કરતી મહિલાઓની સરખામણીએ 15 ટકા ઓછા લેક્ટોબેસિલસ ક્ષતિગ્રસ્ત માઇક્રોબાયોમ્સ હતા. અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓમાં BVનો વ્યાપ વધ્યો છે તેમજ અકાળ જન્મનું જોખમ પણ વધારે છે.

તેથી ધૂમ્રપાનનો ત્યાગ, સ્વસ્થ બીએમઆઈની જાળવણી અને વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવો એ યોનિમાર્ગની સંભાળ રાખવાના સારા માર્ગો હોઈ શકે છે.

ગુડફેલો કહે છે, "પાંદડાવાળા લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખાવા, પૂરતી ઊંઘ લેવી અને પૂરતું પાણી પીવું. આવી બધી સામાન્ય બાબતો તમારા સ્વાસ્થ્યને સુધારે છે. તે તમારા વજાઇનલ માઇક્રોબાયોમ્સને પણ સુધારશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન