ગુજરાત : મહિલામાં વધુ થતી મૂત્રમાર્ગની બીમારીના નિદાનનો ભાવનગરની લૅબોરેટરીએ કયો વિકલ્પ શોધ્યો?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સહિત દુનિયાના દેશોમાં મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ એક સામાન્ય બીમારી છે. આ બીમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે, કારણ કે પુરુષોની સરખામણીએ તેમની પેશાબનળી ટૂંકી અને મળદ્વારની વધારે નજીક હોય છે જ્યાંથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે.

મૂત્રમાર્ગના ચેપને અંગ્રેજીમાં Urinary Tract Infection-યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ) કહેવાય છે.

એક અહેવાલ અનુસાર 2019માં દુનિયામાં યુટીઆઇના 40 કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હતા અને 2.37 લાખ કરતાં વધારે લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી ચોથા ભાગના કેસ અને 55,000 કરતાં વધારે લોકોનાં મોત ભારતમાં નોંધાયાં હતાં.

અમુક બૅક્ટેરિયાએ અમુક પ્રકારની ઍન્ટિબાયૉટિક દવાઓ સામે પ્રતિકાર શક્તિ મેળવી લીધી છે. પરિણામે, જ્યાં સુધી કયા બૅક્ટેરિયાનું સંક્રમણ થયું છે તે નક્કી ન થઈ શકે ત્યાં સુધી આ બીમારીની અસરકારક સારવાર થઈ શકતી નથી.

જો મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન લાગી જાય તો તે કયા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન છે તેને જાણવા માટે લૅબોરેટરીમાં ટેસ્ટ કરવા પડે છે. જો હયાત નિદાન પદ્ધતિઓથી આવા ટેસ્ટ કરાય તો તેનાં પરિણામો આવતા દોઢથી ત્રણ દિવસ થાય છે.

પરંતુ ભાવનગર ખાતે આવેલી સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસએમસીઆરઆઇ) એટલે કે કેન્દ્રીય મીઠા અને સામુદ્રિક રસાયણ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ સમસ્યાના ઉકેલ માટે એક રસ્તો શોધ્યો છે.

કોઈ લૅબોરેટરી કે તાલીમ પામેલ લૅબોરેટરીના સ્ટાફ વગર માત્ર પેશાબના નમૂનાને આધારે ફક્ત નવ જ કલાકમાં ચોક્કસ નિદાન કરી આપતી એક રેપિડ ટેસ્ટ કીટ સીએસએમસીઆરઆઇએ વિકસાવી છે.

ભારત સરકાર સંચાલિત આ લૅબોરેટરી (પ્રયોગશાળાના)ના વૈજ્ઞાનિકો આ કીટને એક 'ક્રાંતિકારી શોધ' ગણાવે છે.

U-AST કીટ કઈ રીતે કામ કરે છે?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, Alpesh Dabhi/BBC

ઇમેજ કૅપ્શન, સીએસમસીઆરઆઇનું ભાવનગરમાં આવેલ મુખ્ય મથક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીએસએમસીઆરઆઇના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય હલ્દાર અને તેમની ટીમના સભ્ય મહેશ્વરી બેહેરેએ આ કીટ વિકસાવી છે.

બીબીસી સાથે વાત કરતા ડૉ. હલ્દારે કહ્યું કે જેના કારણે યુટીઆઇ થાય છે તે બૅક્ટેરિયા હાઇડ્રોફોબિક હોય છે, એટલે કે તેને પાણી ગમતું નથી. તેથી, આવા બૅક્ટેરિયા જે પદાર્થો હાઇડ્રોફોબિક હોય તેના તરફ આકર્ષાય છે.

તેમનું કહેવું છે કે "પોલિવિનાયલીડિન ફ્લોરાઇડ (પીવીડીએફ) પણ આવું જ એક હાઇડ્રોફોબિક મટીરિયલ છે. આ કીટ તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ વીસ ટકા પીવીડીએફ ધરાવતા દ્રાવણના આવરણવાળું એક મેમ્બ્રેન એટલે કે એક પ્રકારનું ફિલ્ટર તૈયાર કર્યું."

"આ મેમ્બ્રેનમાં વૈજ્ઞાનિકોએ બૅક્ટેરિયાનો ખોરાક તેવું ગ્લોકોઝ ઉમેર્યું. વૈજ્ઞાનિકોએ મેમ્બ્રેનમાં ગ્રેફાઇન ઑક્સસાઇડ પણ ઉમેર્યું જે બૅક્ટેરિયાની હાજરી શોધી કાઢતું બાયૉસેન્સર છે અને દવાને બૅક્ટેરિયા સુધી પહોંચાડવામાં મદદ કરે છે."

આ ઉપરાંત, વૈજ્ઞાનિકોએ મેમ્બ્રેનમાં 2,3,5 ટ્રાઇફિનાઇલ ટેટ્રાઝોલિયમ ક્લોરાઇડ પણ ઉમેર્યું. ટેટ્રાઝોલિયમ ક્લોરાઇડ એક એવું રસાયણ છે જે તેની આજુબાજુના પ્રવાહીમાં અમ્લતા (પીએચ વેલ્યુ)ના પ્રમાણમાં ફેરફાર થાય તો તે પ્રવાહીને ગુલાબી રંગનું બનાવી દે છે.

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, Maheshwari Behere

ઇમેજ કૅપ્શન, સીએસએમસીઆરઆઇની લૅબોરેટરીમાં વૈજ્ઞાનિક સંશોધન કરી રહેલાં મહેશ્વરી બેહેરે

ડૉ. હલ્દારે જણાવ્યું કે "યુટીઆઇ સામાન્ય રીતે એશ્ચેરીકિયા કોલાઈ (ઈ. કોલાઈ), સ્યુડોમોનાસ અરુઝૂનોસા, વિબ્રીઓ કોલરે, એન્ટેરોકૌકસ ફિકાઇલે અને સ્યુડોમોનાસ સ્પીસીઝ બૅક્ટેરિયાથી થાય છે. બૅક્ટેરિયાથી થતા રોગોની સારવાર માટે અપાતી ઍન્ટિબાયૉટિક દવાઓમાં એમ્પિસિલિન, અમોક્સિલિન, એમિકાસિન અને સીપ્રોફ્લોક્સાસિન મુખ્ય છે."

પરંતુ બૅક્ટેરિયાએ અમુક પ્રકારની દાવાઓ સામે રેઝિસ્ટન્સ (Resistance) એટલે કે દવાઓને સહન કરવાની ક્ષમતા કેળવી લીધી હોવાથી જો દર્દીઓ તે દવા લે તો પણ બીમારીમાં સુધારો થતો નથી.

ડૉ. હલ્દારે જણાવ્યું કે ઈ. કોલાઈ બૅક્ટેરિયા એમ્પિસિલિન સામે રેઝિસ્ટન્સ ધરાવે છે, પરંતુ આ જ દવાથી સ્યુડોમોનાસ અરુઝૂનોસા બૅક્ટેરિયા મરી જાય છે. તેથી, સ્યુડોમોનાસ અરુઝૂનોસા બૅક્ટેરિયા એમ્પિસિલિન પ્રત્યે સેન્સિટિવિટી (Sensitivity) એટલે કે સંવેદનશીલતા ધરાવે છે તેમ કહેવાય છે.

બૅક્ટેરિયાની ઍન્ટિબાયૉટિક સેન્સિટિવિટી જાણવા માટે વૈજ્ઞાનિકોએ ટેસ્ટિંગ કીટમાં આ ચાર મુખ્ય ઍન્ટિબાયૉટિક દવાઓના પાવડર સ્વરૂપનો સમાવેશ કર્યો, તેમજ જરૂરી કસનળીઓ રાખી. હવે કીટ તૈયાર હતી.

નિદાન માટે ઇન્ફેક્શન લાગેલા હોય તેવી વ્યક્તિના પેશાબના નમૂના ચાર ટેસ્ટ ટ્યૂબ્સ (કસનળીઓ)માં રેડવામાં આવે છે. પછી તે ચારેય ટ્યૂબમાં અલગ-અલગ દવાની ભૂકી ઉમેરવામાં આવે છે અને તેને છ કલાક સુધી રૂમ ટેમ્પરેચરે જ રાખી મૂકવામાં આવે છે.

છ કલાક બાદ ચારેય ટ્યૂબમાં એક-એક પીવીડીએફ મેમ્બ્રેન ડુબાડવામાં આવે છે અને તેને ત્રણ કલાક સુધી રખાય છે.

સૅમ્પલ ગુલાબી થઈ જાય તો?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, CSMCRI

ઇમેજ કૅપ્શન, U-AST કઈ રીતે નિદાન કરે છે તેનો ડાયાગ્રામ

ડૉ. હલ્દારે કહ્યું કે "ઍન્ટિબાયૉટિક દવાઓ સામાન્ય રીતે છ કલાકમાં બૅક્ટેરિયાને મારી નાખે છે. જે ટ્યૂબમાં બૅક્ટેરિયા પર દવાની અસર થાય અને બૅક્ટેરિયા મરી જાય તો પેશાબના તે સૅમ્પલના કલરમાં કશો ફેરફાર થતો નથી, પરંતુ જે ટ્યૂબમાં બૅક્ટેરિયા પર દવાની અસર ન થઈ હોય તેમાં બૅક્ટેરિયા ગ્લુકોઝ ખાવા લાગે છે અને ગ્લુકોઝને આરોગી જતા બૅક્ટેરિયાની આજુબાજુના પ્રવાહીમાં અમ્લતા ઘટે છે."

તેઓ કહે છે, "મેમ્બ્રેનમાં રહેલ ટેટ્રાઝોલિયમ ક્લોરાઇડ ડાઈ આ ફેરફારને પામી જાય છે અને રાસાયણિક પ્રક્રિયા થતા તે સૅમ્પલમાં રહેલા પેશાબનો કલર મેમ્બ્રેન ડુબાડ્યા બાદ દોઢથી ત્રણ કલાકમાં ગુલાબી થઈ જાય છે."

પોતાની કીટ હાલની નિદાન પદ્ધતિઓની સાપેક્ષ કેવાં પરિણામ આપે છે તે ચકાસવા સીએસએમસીઆરઆઇના વૈજ્ઞાનિકોએ અમદાવાદની એક પ્રાઇવેટ લૅબોરેટરી સાથે સમજૂતી કરી.

આ લૅબોરેટરીમાં આવેલા પેશાબના 50 નમૂનાને બે ભાગમાં વહેંચી એક ભાગ પર પરંપરાગત લૅબોરેટરી પદ્ધતિથી અને બીજા ભાગ પર સીએસએમસીઆરઆઇની રેપિડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા.

ડૉ. હલ્દાર કહે છે કે બંને પદ્ધતિથી કરાયેલા ટેસ્ટનાં પરિણામ સરખાં જ આવતાં રેપિડ ટેસ્ટ કીટના પરિણામની ચોકસાઈ પણ 100 ટકા હોવાનું સાબિત થયું.

વૈજ્ઞાનિકોએ આ કીટને U-AST કીટ નામ આપ્યું છે. તે UTIમાંથી લેવાયેલ 'U' અને 'Antibiotic-Sensitivity Test'માંથી લેવાયેલા ASTનું ટૂંકું રૂપ છે.

તેમના આ સંશોધનનો ચિતાર આપતું એક રિસર્ચ પેપર એક નામાંકિત જર્નલમાં પ્રકાશિત થયું છે.

લૅબોરેટરી ટેસ્ટમાં ત્રણ દિવસ કેમ લાગે છે?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, CSMCRI

ઇમેજ કૅપ્શન, લૅબોરેટરીમાં પરંપરાગત પદ્ધતિથી કરતા ટેસ્ટ અને U-AST કીટથી કરાતી ટેસ્ટમાં પ્રક્રિયાઓ દર્શાવતો ડાયાગ્રામ

રાજકોટ સિવિલ હૉસ્પિટલ સાથે જોડાયેલા અને ગુજરાત સરકાર સંચાલિત પીડીયુ મેડિકલ કૉલેજના માઇક્રોબાયૉલૉજી વિભાગના વડા પ્રોફેસર ઘનશ્યામ કાવઠિયા કહે છે કે "લૅબોરેટરી ટેસ્ટમાં સૅમ્પલમાં રહેલા બૅક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકે તે માટે બૅક્ટેરિયાને એક પેટ્રી ડિશમાં મૂકવામાં આવે છે અને તે ડિશને 24 કલાક સુધી એક ઇન્કયુબેટરમાં રાખવામાં છે. ત્યાર બાદ આવા બૅક્ટેરિયાની સેન્સિટિવિટી તપાસવા તે ડિશમાં દવાઓ મૂકવામાં આપવામાં આવે છે અને ડિશને વધુ એક દિવસ ઇન્કયુબેટરમાં રખાય છે. પછી પેટ્રી ડિશને તપાસી બૅક્ટેરિયા પર કઈ દવાની કેવી અસર થઈ છે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે."

જે દવાની આજુબાજુ બૅક્ટેરિયા ન દેખાય તે દવાએ બૅક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી તેવું તારણ કરાય છે. જે દવાની આજુબાજુ બૅક્ટેરિયા હેમખેમ રહ્યા હોય તે દવા તે બૅક્ટેરિયા સામે અસરકારક નથી તેવું અર્થઘટન કરાય છે.

આમ, આ ટેસ્ટમાં બેથી ત્રણ દિવસ થાય છે અને પ્રો. કાવઠિયા કહે છે કે પ્રાઇવેટ લૅબોરેટરીમાં તેનો ખર્ચ અંદાજે 1200 રૂપિયા થાય છે.

ઝડપી અને સસ્તી કીટનો વિચાર કઈ રીતે આવ્યો?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

ઇમેજ સ્રોત, Dr Soumya Haldar

ઇમેજ કૅપ્શન, સીએસએમસીઆરઆઇના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય હલ્દાર

ડૉ. હલ્દાર કહે છે કે યુટીઆઇના કેસોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ તેનું ચોક્કસ નિદાન કરવાની સુવિધાઓ માત્ર મોટાં શહેરોમાં જ છે તે બાબત તેમને ખૂંચતી હતી.

તેમણે કહ્યું, "સીએસએમસીઆરઆઇ ભાવનગર શહેરમાં આવેલી છે, પરંતુ ભાવનગર શહેરમાં પણ એક પણ માઇક્રોબાયૉલૉજી લૅબોરેટરી નથી. તેથી, જો કોઈ વ્યક્તિ બીમાર પડે અને નિદાન માટે કલ્ચર અને સેન્સિટિવિટી ટેસ્ટની જરૂર પડે તો સૅમ્પલ 200 કિલોમીટર દૂર અમદાવાદ મોકલવા પડે છે. લાંબા અંતર સુધી સૅમ્પલ મોકલવા હોય તો કોલ્ડ ચેઇનની જરૂર પડે અને સૅમ્પલને પહોંચાડવામાં જતા ટાઇમના કારણે બૅક્ટેરિયાનું પ્રોફાઈલ બદલી જવાની શક્યતા રહે છે. જો ભાવનગર જેવા શહેરમાં આ સ્થિતિ છે તો ગ્રામ્ય વિસ્તારોના લોકો આવી સુવિધાની કલ્પના પણ ન કરી શકે."

ડૉ. હલ્દારે ઉમેર્યું કે આ પરિસ્થતિને કારણે તેમણે વિચાર્યું કે નિદાનની કોઈ અન્ય પદ્ધતિ શોધવા પ્રયત્ન કરવો જોઈએ.

તેમણે કહ્યું, "અમે વિચાર્યું કે ગ્રામ્ય વિસ્તારના કોઈ વ્યક્તિને યુટીઆઇ થઈ જાય અને તે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જાય તો તેની બીમારીનું તે આરોગ્ય કેન્દ્રમાં જ લૅબોરેટરી કે લૅબોરેટરીના તાલીમ પામેલા સ્ટાફ વગર આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ જ નિદાન કરી શકે તેવી કોઈ કીટ વિકસાવવી જોઈએ."

"પાણીમાં બૅક્ટેરિયાના પ્રદૂષણને તપાસવા અમે અગાઉ પીવીડીએફ મેમ્બ્રેન વિકસાવેલું. આ મેમ્બ્રેનને બીમારીના નિદાન માટે પણ વાપરી શકાય તેવી ધારણા કરી અમે તે મેમ્બ્રેનમાં થોડા ફેરફાર કર્યા અને U-AST કીટ બનાવવામાં સફળતા મળી. આ કીટ 50 રૂપિયાના ખર્ચે બનાવી શકાય તેમ છે. તે ન માત્રા ભારત, પરંતુ આફ્રિકાના કેટલાય દેશોમાં યુટીઆઇના નિદાનમાં ક્રાંતિ લાવે તેમ છે."

સીએસમસીઆરઆઇના પબ્લિક રિલેશન્સ ઑફિસર કાંતિ ભૂષણ પાંડેએ બીબીસીને જણાવ્યું કે આ કીટનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવા માટે સીએસએમસીઆરઆઇ પ્રાઇવર્ટ મૅન્યુફૅક્ચર્સને લાઇસન્સ આપશે અને આ બાબતે કેટલીક કંપનીઓ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

આ કીટ અન્ય બીમારીનું નિદાન કરી શકે?

મૂત્રમાર્ગમાં બૅક્ટેરિયાનો ચેપ, Urinary Tract Infection, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુટીઆઇ, ગુજરાત, ભાવનગર, બીબીસી ગુજરાતી, બૅક્ટેરિયા, સાયન્સ, સીએસએમસીઆરઆઇ, કીટ

પ્રો. કાવઠિયા કહે છે કે આ કીટ બૅક્ટેરિયાથી થતા અન્ય રોગનું નિદાન કરી શકે તો વધારે ઉપયોગી સાબિત થઈ શકે.

તેઓ કહે છે, "રૂટિન યુરિન ટેસ્ટમાં યુરીનને સેન્ટ્રિફ્યુઝ કરી, તેને કાચની એક સ્લાઇડ પર મૂકી માઇક્રોસ્કૉપથી તેનું નિરીક્ષણ કરી પસ સેલ્સ એટલે કે શ્વેતકણોની હાજરી છે કે નહીં તે તપાસી યુટીઆઇનું પ્રાથમિક નિદાન તાત્કાલિક થઈ શકે છે અને ડૉક્ટર સારવાર ચાલુ કરી શકે છે."

"જો દર્દીની સ્થિતિ ન સુધરે તો કલ્ચર અને સેન્સિટિવિટી ટેસ્ટની જરૂર પડે. મોટા ભાગે આવા ઇન્ફેક્શન જીવને જોખમમાં મૂકે તેવા ન હોવાથી નિદાનમાં થોડા કલાક મોડું થાય તો બહુ ચિંતા કરવા જેવું નથી હોતું, પરંતુ મેનેન્જાઇટિસ (મગજનો તાવ) વગેરે જેવી બીમારી પણ બૅક્ટેરિયા દ્વારા થતી હોય છે અને તેની સારવાર માટે ઝડપી નિદાન થાય તે બહુ અગત્યનું હોય છે. જો સીએસમસીઆરઆઇએ વિકસાવેલી કીટ આવા નિદાન કરવામાં પણ સફળ રહે તો તે એક મોટી વાત ગણાશે."

ડૉ. હલ્દાર કહે છે કે મેમ્બ્રેનમાં ડાઇનો કલર ગુલાબી થતો હોવાથી આ ટેસ્ટ કીટ લોહીમાં રહેલા બૅક્ટેરિયાનું નિદાન કરવામાં બહુ ઉપયોગી ન થાય, પરંતુ તેઓ ઉમેરે છે કે બ્લડ પ્લાઝ્માના સૅમ્પલના ટેસ્ટ કદાચ કરી શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન