અમેરિકા-ઇઝરાયલના હુમલાઓ સામે ઝઝૂમતા ઈરાનનું "ગાઢ મિત્ર" ચીન ક્યાં છે?

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ચીને ઈરાનના સુપ્રીમ લીડર પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાને તથા તેમની હત્યાને ઈરાનના સાર્વભૌમત્વ તથા સુરક્ષાનું "ગંભીર ઉલ્લંઘન" ગણાવ્યા હતા.
    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાન ઉપર ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલા જારી છે. સામે છેડે ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન, સમગ્ર વિશ્વનું ધ્યાન હુમલાના વધી રહેલા વ્યાપની સાથે-સાથે અન્ય એક પાસા તરફ દોરાયું છે.

સમગ્ર વિશ્વની આંખો તેના પર મંડાયેલી છે કે, કયા દેશો ઇઝરાયલ અને અમેરિકાનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે તથા કયા દેશોએ કટોકટીની આ ઘડીમાં ઈરાનની પડખે ન રહેવાનું મુનાસિબ માન્યું છે. ખાસ કરીને ઈરાન સાથે ગાઢ સંબંધ ધરાવતા ચીન જેવા દેશોના દરેક નિવેદન, દરેક લશ્કરી પગલાં અને દરેક રાજદ્વારી સંકેતની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

ચીને ઈરાન ઉપરના ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓને 'યુએન ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોની વિરુદ્ધ' ગણાવ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયે તેની યાદીમાં જણાવ્યું હતું, "ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો તથા તેમની હત્યા એ ઈરાનના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન છે."

"આ પગલું આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણો અને યુએન ચાર્ટરના હેતુઓ તથા સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. ચીન તેની સામે સખ્ત વિરોધ નોંધાવે છે અને તેને વખોડે છે."

સાથે જ ચીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ચીને કહ્યું હતું, "અમે સૈન્ય કાર્યવાહી તાકીદે અટકાવી દેવાની, પરિસ્થિતિને વધુ તણાવગ્રસ્ત ન બનાવવાની અને મધ્ય પૂર્વ તથા વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરીએ છીએ."

નોંધપાત્ર વાત એ છે કે, ચીને તેના પ્રતિભાવમાં ઇઝરાયલ કે અમેરિકા વિરુદ્ધ એક પણ કઠોર શબ્દ ઉચ્ચાર્યો નથી. ચીનના આવા વલણ પાછળ કયું કારણ જવાબદાર છે?

નિષ્ણાતો તથા આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષજ્ઞો તે પાછળનાં કારણો વર્ણવતા લેખ લખી રહ્યા છે. આ કારણોને વિગતવાર સમજતાં પહેલાં, ચાલો જાણીએ કે, ગયા વર્ષના જૂન મહિનામાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સમાન સ્થિતિ ઉદ્ભવી, તે સમયે ચીને કેવી પ્રતિક્રિયા આપી હતી?

અગાઉના ઘર્ષણ સમયે ચીનનું વલણ

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@MFA_China

ઇમેજ કૅપ્શન, ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા વર્ષે ઈરાન પર થયેલા હુમલા પછી ચીને તેની પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ઇઝરાયલે 'રેડ લાઇન ક્રોસ કરી છે.'

એક દિવસ પછી, 14મી જૂનના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)એ ઈરાન પરના હુમલાની આલોચના કરતું નિવેદન જારી કર્યું હતું. 15મી જૂને, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે વાતચીત કરી હતી.

ચીનના વિદેશ મંત્રાલયે યાદી જારી કરીને તેને ઈરાનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સાથે જ ઈરાનના અધિકારીઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલા અને નાગરિકોનાં મોતની નિંદા કરી હતી.

યાદીમાં ચીને કહ્યું હતું, "ઇઝરાયેલની આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્રોના નિયમો તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ખાસ કરીને, ઈરાનનાં પરમાણુ મથકો પર ઇઝરાયલનો હુમલો ભારે ઘાતક છે અને તેનાં ગંભીર પરિણામો નીપજી શકે છે."

આમ, હજુ ગયા વર્ષ સુધી ચીનની પ્રતિક્રિયામાં કોઈ એવો મોટો ફરક જોવા મળ્યો નહોતો. આથી, ગયા વર્ષે પણ આ જ સવાલ ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો હતો કે, ચીન શા માટે આટલો સંતુલિત પ્રતિસાદ આપી રહ્યું છે?

તે સમયે નવી દિલ્હીસ્થિત સ્વતંત્ર થિન્ક ટેન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વિશિષ્ટ ફેલો મનોજ જોશીએ એક લેખમાં નોંધ્યું હતું કે, ઈરાન સાથે દૃઢ સંબંધો ધરાવવા છતાં ચીન સતર્ક અને સંતુલિત અભિગમ દાખવી રહ્યું છે.

ચીનના સંતુલિત પ્રતિભાવ પાછળનાં કારણો

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકાના ન્યૂયોર્કમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલની એક તાકીદની બેઠક દરમિયાન વક્તવ્ય આપી રહેલા સંયુક્ત રાષ્ટ્રોમાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગ

હવે, તાજેતરના હુમલાઓને પગલે લંડનમાં વિદેશી બાબતોની થિન્ક ટેન્ક ચેથમ હાઉસ ખાતે મિડલ ઇસ્ટ ઍન્ડ નોર્થ આફ્રિકા પ્રોગ્રામના ઍસોસિએટ ફેલો અહમદ અબુદુએ ચીનની સંયમી પ્રતિક્રિયા પર એક લેખ લખ્યો છે.

તેઓ લખે છે, "ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના સંયુક્ત હુમલા અંગે ચીનની પ્રતિક્રિયાથી કેટલાક લોકો એવું માનતા હશે કે, તેણે ઈરાનને તરછોડી દીધું છે કે પછી ઈરાનના મુશ્કેલ સમયમાં તે તેનું ભરોસાપાત્ર ભાગીદાર સાબિત થયું નથી."

"પણ, અમેરિકાએ જ્યારે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી થકી દેશનું ઑઇલ ક્ષેત્ર કબજે કરી લીધું અને ચીનના નિકટવર્તી નિકોલસ માદુરોનું અપહરણ કરી લીધું, ત્યારે પણ ચીને કોઈ એવી નક્કર પ્રતિક્રિયા આપી નહોતી. આમ, ચીન માટે આ કોઈ નવી વાત નથી."

ઈરાનના સંદર્ભમાં તેઓ લખે છે, "ચીન હંમેશથી ઈરાનને સીધી લશ્કરી સહાય પૂરી પાડવાથી દૂર રહ્યું છે. 2025ના 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં પણ ચીને તહેરાનને કોઈ સીધી સૈન્ય સહાય કે મહત્ત્વની આર્થિક સહાય પૂરી પાડી નહોતી." ચીનના આ વલણ માટે તેઓ બે મુખ્ય કારણો ટાંકે છે:

1. ચીન નથી ઈચ્છતું કે, ઈરાન પરમાણુ શક્તિ બને: અહમદ અબુદુ લખે છે કે, ચીન અને ઈરાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો જરૂર છે, તેમ છતાં ચીને 2015ની ઈરાન ન્યૂક્લિયર ડીલ (જેસીપીઓએ - જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન) પહેલાં ઈરાન ઉપર સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળના આર્થિક પ્રતિબંધોનું સમર્થન કર્યું હતું.

ચીન ખુલ્લેઆમ કહે છે કે, તે ઈરાનનાં પરમાણુ શસ્ત્રો બનાવવાની વિરુદ્ધ છે. તે ચિંતા વ્યક્ત કરે છે કે, જો ઈરાન પરમાણુ સત્તા બનશે, તો મધ્ય પૂર્વમાં ગંભીર યુદ્ધ છેડાઈ શકે છે.

જો આમ થયું, તો અખાત પ્રદેશના મહત્ત્વના દરિયાઈ માર્ગો બંધ થઈ જવાની ભીતિ છે, જેની અવળી અસર ચીનની ઑઇલની આયાતો પર પડશે અને સાથે જ ખાડી દેશોમાં રહેલાં ચીનનાં આર્થિક હિતો પણ જોખમાશે.

આટલું ઓછું હોય તેમ, જો ઈરાન પરમાણુ સત્તા બની જાય, તો જાપાન, દક્ષિણ કોરિયા અને ઑસ્ટ્રેલિયા જેવા ચીનના અન્ય હરીફોમાં પણ પરમાણુ શસ્ત્રો બનાવવાની હોડ જામશે, જેના કારણે ચીનની સલામતી સામે નવો પડકાર ઊભો થશે. જોકે, ચીને એ પણ કબૂલ્યું હતું કે, ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન સંધિના સભ્ય દેશ તરીકે ઈરાન શાંતિપૂર્ણ રીતે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે.

'અમેરિકા સાથે સંતુલિત સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન'

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2021ની તસવીર, જ્યારે ઈરાન અને ચીને 25 વર્ષની વ્યૂહાત્મક સંધિ કરી હતી.

બીજા કારણ પર ભાર મૂકતાં તેઓ લખે છે, ચીન ઈરાનના નબળા શાસનને પોતાની સામેના જોખમની સાથે-સાથે એક અવસર તરીકે પણ જુએ છે.

ચીન નથી ઈચ્છતું કે, ઈરાનમાં કોઈ પશ્ચિમ સમર્થક સરકાર સત્તા પર આવે, પણ હાલના શાસનની કમજોરીનો ફાયદો ઉઠાવીને તે ઈરાનને પોતાના પર વધુ નિર્ભર બનાવી શકે છે. આ ઉપરાંત, ચીન તેના લાંબા ગાળાના વ્યૂહાત્મક લક્ષ્યાંકો હાંસલ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, પણ આમ કરતી વખતે તે અમેરિકા નારાજ ન થાય, તેનું પણ ધ્યાન રાખી રહ્યું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી એપ્રિલ માસમાં ચીનની મુલાકાત લે તેવી શક્યતા છે, તેને પગલે ચીન બંને દેશોના સંબંધોમાં સંતુલન અને સ્થિરતા જાળવી રાખવા માગે છે.

ચોથી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં તાઇવાન તથા વેપાર જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દર્શાવે છે કે, ચીન ઈરાન મુદ્દે પ્રમાણમાં નરમ વલણ અખત્યાર કરીને તાઇવાન તથા વ્યાપાર જેવા તેના મુખ્ય હિતો પર અમેરિકા પાસેથી રાહત મેળવવાની રણનીતિ અપનાવી રહ્યું હોય તે સંભવ છે.

ચીનની જટિલ વિદેશ નીતિ

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં ચીનનો પ્રવાસ ખેડે, એવી શક્યતા છે.

નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ચાઇનીઝ સ્ટડીઝના ઍસોસિએટ પ્રોફેસર અરવિંદ યેલેરીના મત અનુસાર, ચીન માટે વિદેશ નીતિના નિર્ણયો લેવાનું વધુ મુશ્કેલ બન્યું છે.

તેઓ કહે છે, "ચીન એવી વ્યવસ્થા હેઠળ કામ કરે છે, જેમાં સત્તા એક જ કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં કેન્દ્રિત થયેલી છે. આવી વ્યવસ્થામાં વિદેશ નીતિ ઘણી જટિલ હોય છે."

"ઈરાન પ્રત્યેનું ચીનનું વલણ સિદ્ધાંતો પર આધારિત હોય એવું જણાય છે. તે સંવાદ, સાર્વભૌમત્વ અને સ્થિરતા પર ભાર મૂકે છે. પણ સવાલ એ છે કે: શું માત્ર સિદ્ધાંતોને મહત્ત્વ આપવાથી પ્રાદેશિક કટોકટીનો ઉકેલ આવશે ખરો?"

"છેલ્લાં 30-35 વર્ષોથી ચીન સ્વયંને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના સમર્થક તરીકે સ્થાપિત કરતું આવ્યું છે. તેણે વારંવાર કહ્યું છે કે તે અલગ પ્રકારની વૈશ્વિક વ્યવસ્થા ઈચ્છે છે, પણ જ્યારે આવી જટિલ સ્થિતિ ઉદ્ભવે, ત્યારે તેની સક્રિયતા અત્યંત સીમિત થઈ જાય છે."

ચીન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરનાં વર્ષોમાં જ ચીને ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર એકલું પડી જતું અટકાવવાની પણ કોશીશ કરી છે. (ચીનના પ્રમુખ શી જીનપિંગની ફાઇલ તસવીર)

"ઈરાનનો મામલો આ સીમા ઉજાગર કરે છે, જેમાં તેનાં આર્થિક હિતો વિશાળ છે, પણ રાજકીય પ્રભાવ પ્રમાણમાં ઓછો છે."

વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સામે ઝઝૂમી રહેલા ઈરાનના અર્થતંત્ર માટે ચીન એક મોટો સહારો છે. ચીને 2025માં ઈરાનની ઑઇલ નિકાસોનો સૌથી મોટો હિસ્સો ખરીદ્યો હતો.

અલબત્ત, ચીન પણ સસ્તા દરે ઑઇલ મેળવતું હોવાથી, આ લાભ એકતરફી નથી. પરંતુ, ચીને તાજેતરનાં વર્ષોમાં ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર એકલું પડતું બચાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને બ્રિક્સ તેમજ એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન)માં તેના સભ્યપદને સમર્થન આપ્યું હતું.

વધુમાં, 2021માં બંને દેશો વચ્ચે 25 વર્ષના વ્યૂહાત્મક કરાર થયા હતા. અરવિંદ યેલેરીના જણાવ્યા પ્રમાણે, ચીન ઈરાનને બૅલેસ્ટિક મિસાઇલના પાર્ટ્સ તથા ઇંધણનો પુરવઠો પણ પહોંચાડતું રહ્યું છે. આ ઉપરાંત તેણે બૅલિસ્ટિક મિસાઇલ ટૅકનૉલૉજીમાં પણ ઈરાનને મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, એન્ટિ-પ્રોલિફરેશન (હથિયાર પ્રસાર પ્રતિરોધક) પ્રતિબંધોમાં કેવળ પરમાણુ શસ્ત્રો જ નહીં, બલ્કે બૅલિસ્ટિક મિસાઇલ્સનો પણ સમાવેશ થાય છે.

તેમ છતાં, અત્યારે ઈરાન સીધા લશ્કરી દબાણ અને પ્રાદેશિક તણાવોનો સામનો કરી રહ્યું છે, તેવા સમયે ચીનની ભૂમિકા પ્રમાણમાં ઘણી સીમિત અને સતર્ક જણાઈ રહી છે. તેણે આર્થિક અને રાજદ્વારી સહાય આપવાનું ચાલુ રાખ્યું છે, પણ તેણે ખુલ્લેઆમ સૈન્ય સહાય આપવાથી કે સીધા ટકરાવથી અંતર જાળવી રાખ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન