સોમનાથ સ્વાભિમાન પર્વ : ભાજપ ફરીથી સોમનાથને શરણે જઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, X/NarendraModi
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
હિંદુઓ માટે પવિત્ર મનાતા 12 જ્યોતિર્લિંગો પૈકી પ્રથમ સોમનાથનું ઇતિહાસ અને સંસ્કૃતિમાં 'આગવું મહત્ત્વ' રહ્યું છે.
ઘણા માટે 'ભુલાયેલાં સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુત્થાન' અને 'રાષ્ટ્રવાદી ભાવનાનું ઉગમબિંદુ' પણ ખરું.
જોકે, 'ઇતિહાસ અને ધાર્મિક માન્યતાઓમાં આગવું સ્થાન ધરાવતું' સોમનાથ આજકાલ ફરી એક વાર ચર્ચામાં છે. કારણ છે, સોમનાથ ખાતે યોજાઈ રહેલું ચાર દિવસીય 'સોમનાથ સ્વાભિમાન પર્વ.' જેમાં ભારતના વડા પ્રધાન પણ હાજર રહ્યા છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની એક પ્રેસ રિલીઝ અનુસાર જાન્યુઆરી 1026 દરમિયાન સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ નોંધાયેલા આક્રમણનાં 1000 વર્ષની રાષ્ટ્રીય સ્મૃતિ તરીકે આ પર્વનું આયોજન કરાયું છે.
રિલીઝ અનુસાર, 'આ પર્વ વિનાશની યાદગીરી તરીકે નહીં, પરંતુ શ્રદ્ધા, સાંસ્કૃતિક આત્મસન્માન અને ફરી બેઠા થવાની ભાવનાને અંજલિ' તરીકે ઉજવાઈ રહ્યું છે.
આ ચાર દિવસોમાં સોમનાથને આધ્યાત્મિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રતિબિંબ, રાષ્ટ્રીય યાદગીરીના પ્રતીકમાં તબદીલ કરી દેવાયું છે. પર્વ દરમિયાન સોમનાથમાં જાતભાતનાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી યોજાનાર આ પર્વનું સોમનાથ ખાતે 'ભવ્ય' આયોજન કરાઈ રહ્યું છે ત્યારે આ પર્વના રાજકીય સંદેશ અને મર્મ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
આડવાણીની રથયાત્રા જ્યારે સોમનાથથી શરૂ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા રાજકીય નિષ્ણાતો આજે દેશના રાષ્ટ્રીય રાજકારણ પર 'ભાજપના દબદબા' અને 'હિંદુ રાષ્ટ્રવાદની ભાવના' વધુ જલદ બનવાની ઘટનાઓને સોમનાથથી શરૂ થયેલા પ્રયત્નો સાથે સાંકળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય વિશ્લેષકો પ્રમાણે સોમનાથથી શરૂ થયેલી આડવાણીની રથયાત્રા ભારતીય રાજકારણનો એક 'મોટું ટર્નિગ પૉઇન્ટ' હતો.
આ યાત્રાને કારણે માત્ર ભાજપ અને આડવાણી જ નહીં, પરંતુ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાતાં નામો પૈકી એક બની ગયા હતા.
વાત છે વર્ષ 1989માં ડિસેમ્બરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓની. આ વર્ષે ભાજપે પોતાના ચૂંટણીઢંઢેરામાં પહેલી વાર રામમંદિરનિર્માણની વાત સામેલ કરી હતી.
પરિણામ એ આવ્યું કે અગાઉની ચૂંટણીમાં માત્ર બે બેઠક પર સમેટાઈ ગયેલી આ પાર્ટી આ ચૂંટણીમાં 85 બેઠક સુધી પહોંચી ગઈ.
ઘણા જાણકારો આ ઘટનાને દેશમાં 'હિંદુ રાષ્ટ્રવાદના ઉદયની શરૂઆત' ગણાવે છે.
વર્ષ 1991માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની પોતાની રથયાત્રા શરૂ કરી તો મોદીને યાત્રાના ગુજરાત તબક્કાની જવાબદારી આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Gujarat Information/WhatsApp
'ધ આર્કિટેક્ટ ઑફ ન્યૂ બીજેપી, હાઉ નરેન્દ્ર મોદી ટ્રાન્સફૉર્મ્ડ ધ પાર્ટી'ના લેખક અજયસિંહ જણાવે છે, "જ્યારે અડવાણી અને પ્રમોદ મહાજન સોમનાથ મંદિર પાસે વેરાવળ પહોંચ્યા તો તેમને ન તો પાર્ટીનાં પોસ્ટર જોવા મળ્યાં ન ઝંડા. પાર્ટીમાં આ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ યાત્રા માટે સારી રીતે તૈયારી કરવામાં આવી નથી. પરંતુ જ્યારે આગામી દિવસે યાત્રા શરૂ થઈ તો હજારો લોકોની ભીડ રસ્તા પર હતી."
"સમાજનો દરેક વર્ગ તેમાં સામેલ થયો હતો. પહેલી વખત ભાજપે એ લોકો સુધી પોતાની પહોંચ બનાવી જેમની સાથે જોડાવાનો પ્રયાસ સંઘ પરિવારે અત્યાર સુધી કર્યો ન હતો."
પત્રકાર શકીલ અખ્તર પ્રમાણે, "રામજન્મભૂમિની ચળવળે હિંદુઓમાં રહેલી વેરવિખેર રાષ્ટ્રવાદની ભાવનાને રાજકીય ચળવળ અને ધર્મને આધારે હિંદુ રાષ્ટ્રવાદમાં ફેરવી નાખી."
"રામજન્મભૂમિની ચળવળે દેશમાં પહેલી વાર હિંદુ રાષ્ટ્રવાદને સાંકળીને હિંદુઓના અંતરાત્માનો અવાજ બનાવવાનું કામ કર્યું."
આ રથયાત્રાનાં લગભગ 35 વર્ષ બાદ આજે દેશમાં ભાજપની સરકાર છે અને સરકારે સોમનાથમાં આ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કર્યું છે.
અડવાણીની યાત્રાનાં 35 વર્ષ બાદ

ઇમેજ સ્રોત, Gujarat Information/WhatsApp
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય પ્રમાણે સોમનાથ અંગેની કોઈ પણ વાત હિંદુ સમાજને 'તાત્કાલિક સ્પર્શે' છે.
જગદીશ આચાર્ય આગળ કહે છે કે, "આ વખતે ભારતમાં પાંચ-છ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને સાથસાથ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ વાતને ધ્યાને રાખીને ભાજપ સોમનાથ પરના આક્રમણનાં 1000 વર્ષ પૂરાં થવાની વાતને એક મોટી ઇવેન્ટમાં ફેરવી દઈ, તેનો શક્ય તેટલો રાજકીય લાભ ઉઠાવવાની આ વ્યૂહરચના ઘડી હોય તેવું લાગી રહ્યું છે."
તેઓ કહે છે કે ભાજપે આ સમગ્ર આયોજનને ખૂબ 'ભવ્ય' સ્વરૂપ આપીને તેને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
"આ આખી ઘટનાને ભાજપે મુસ્લિમ આક્રમણકારોની ક્રૂરતા અને હિંદુ સમાજના શૌર્ય સાથે વણી લોકોને સ્પર્શે એવું એક અલગ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ પ્રસંગ સાથે ભાજપને પોતાનો કટ્ટર હિંદુવાદ ફરી રજૂ કરવાની વધુ એક તક સાંપડી છે. તેમજ પૂર્વ વડા પ્રધાન નહેરુ મંદિરો બાંધવાના વિરોધી હતા એ વાત ફરી વહેતી મૂકવાની તક મળી, આ હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવાના ભાજપના પ્લાનને ખૂબ મોટો ટેકો મળે એવો એક કાર્યક્રમ છે."
સૌરાષ્ટ્રના જાણીતા વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના મતે આ કાર્યક્રમ ફરીથી એ વાત તરફ ધ્યાન દોરે છે કે "વડા પ્રધાન મોદી પોતે નહેરુ કરતાં વધુ સારા શાસક છે એવું પુરવાર કરવાના પ્રયત્નોમાં છે."
"નહેરુ પર ટીકા-ટિપ્પણી કરવાની કે તેમને ઉતારી પાડવાની કોઈ તક નરેન્દ્ર મોદી અને ભાજપ ચૂકતા નથી. આ કાર્યક્રમ પણ આ જ વલણનો એક ભાગ લાગે છે. આ પ્રંસગ આ હેતુ માટે યોગ્ય છે અને તેમાં સાચું-ખોટું બધું ચલાવાઈ રહ્યું છે. આ હેતુ સાધવા માટે આ પ્રસંગનો બરોબર ઉપયોગ કરાઈ રહ્યો છે."
તેઓ આ કાર્યક્રમને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી સાથે સાંકળતાં કહે છે કે, "સોમનાથ હિંદુ આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે અને મુસ્લિમ આક્રાંતાઓનાં આક્રમણો રજૂ કરવા માટે આ પ્રસંગ ખૂબ મહત્ત્વનો છે. ઉપરથી ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે અને આ સમગ્ર મુદ્દો એ ભાજપની આખી રાજકીય નીતિને એકદમ ફાવે એવો છે."
જોકે, સોમનાથ સ્વાભિમાન પર્વના આયોજનને ભાજપનો 'રાજકીય લાભ ઉઠાવવા માટેનો પ્રયાસ' હોવાની રાજકીય વિશ્લેષકોના મત અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવે જણાવે છે કે, "જ્યારે કોઈ પણ ધાર્મિક મહોત્સવ તેની તિથિ-તારીખ મુજબ ઊજવાતો હોય અને તેની ઉજવણીમાં સમગ્ર દેશ લાગી જતો હોય ત્યારે તેને રાજકીય દૃષ્ટિએ જોવાની વાત મને યોગ્ય લાગતી નથી."
તેઓ આગળ કહે છે કે, "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદીરના ટ્રસ્ટી પણ ખરા તેમજ સોમનાથ કૉરિડૉર અને તેની આસપાસ થયેલા વિકાસમાં તેમનો ખૂબ મોટો ફાળો છે. આખું ભારત જ્યારે ધાર્મિક રંગે રંગાઈને આ પ્રસંગને જ્યારે તહેવાર તરીકે ઊજવી રહ્યું હોય તો તેને રાજકીય રંગ આપવું એ યોગ્ય નથી."
ભાજપ સામે કેવા પડકારો છે?

ઇમેજ સ્રોત, Gujarat Information/WhatsApp
જગદીશ આચાર્ય આ અંગે જણાવે છે કે જો ગુજરાતની વાત કરીએ તો ભાજપ માટે રાજ્યમાં કોઈ ઝાઝા પડકાર નથી, પરંતુ આ જ વાત રાષ્ટ્રીય સ્તરે સત્ય નથી.
તેઓ કહે છે કે, "ભાજપને રાષ્ટ્રીય સ્તરે શાસનમાં પણ ઘણાં વરસનો સમય થઈ ગયો છે. હવે આગામી સરકારોનાં ગાબડાં પૂરવામાં આ શાસનનો સમય વેડફાઈ રહ્યો છે એ દલીલો કોઈ કામ નહીં લાગે."
"ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે હવે સરકાર લોકોનાં હિત અને વિકાસ માટે શું કરી શકી એ માટે સરકારે જવાબ આપવા પડશે. આવું એટલા માટે, કારણ કે ઘણાં વર્ષો સુધી તમે એક ને એક મુદ્દા પર ચૂંટણી ન લડી શકો. તેમાં હિંદુત્વ પણ સામેલ છે."
"હવે જે સવાલો આવશે એ પ્રદર્શનને લગતા આવશે. વિદેશ નીતિ, ભારતના અમેરિકા અને અન્ય દેશો સાથેના સંબંધો અને તેના પડકારો અંગે સવાલો થશે. આ ઉપરાંત ભારતની આર્થિક નીતિ સાથે સંકળાયેલા સવાલો પણ પુછાવા માંડ્યા છે."
કૌશિક મહેતા માનવું છે કે આગામી દિવસોમાં ભાજપ સામે સ્થાનિક સહિત રાષ્ટ્રીય સ્તરે ઘણા પડકારો છે.
તેઓ કહે છે કે, "તાજેતરમાં ઇંદૌર ખાતે પ્રદૂષિત પાણીથી લોકોના જીવ ગયા. જે શહેરને સૌથી સ્વચ્છ શહેરના ઍવૉર્ડ મળે છે ત્યાં આવું બને છે. આ પ્રકારના વિરોધાભાસો લોકોની આંખે ઊડીને વળગે જ છે."
"આ ઉપરાંત રાજકોટ, ગાંધીનગર સહિતનાં શહેરોમાં સ્થાનિક સ્તરે લોકોને ઘણી હાલાકીઓ પડે છે, જેની સામે અવારનવાર લોકો અવાજ પણ ઉઠાવે છે. ભાજપ માટે સ્થાનિક સ્તરે આ બધી વાતો પડકારો સર્જે જ છે."
જોકે, કૌશિક મહેતા અને જગદીશ આચાર્ય બંનેનું માનવું છે કે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ઘણા પડકારો હોવા છતાં આ મુદ્દા ઉઠાવવામાં વિપક્ષની નબળાઈને કારણે ભાજપને ઝાઝી અસર થતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












