તલવારો કે તોપોથી નહીં પણ કૂતરાંની સેનાથી સામ્રાજ્ય કબજે કરવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડારિયો બ્રૂક્સ
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો@હે ફેસ્ટિવલ અરેક્વિપા 2025
આશરે 500 વર્ષ પૂર્વે પ્રી-હિસ્પેનિક લોકો પર વર્ચસ્વ જમાવવા માટે સ્પેનિશ શોધકો યુરોપથી જે જીવિત હથિયારો લઈ આવ્યા હતા, તે તલવાર, ધનુષ, તોપ અને અશ્વો જેટલાં જ ભયાનક હતાં. આ હથિયાર હતાં: કૂતરાં.
સ્પેનિશ રાજસત્તાના ઘણા હુમલાઓ પોતાની સાથે સ્પેનિશ અલનો કે જર્મન બુલેનબીસર જેવી પ્રભાવશાળી ઓલાદોનાં કૂતરાં લઈ આવ્યા, જેનો ઉપયોગ મિશનો કે વસાહતોની સુરક્ષા અને દેખરેખ ઉપરાંત સ્થાનિક લોકો વિરુદ્ધ આક્રમણ કરવા માટે પણ થતો હતો.
ઇન્કા સામ્રાજ્ય સામેના હુમલા વખતે સ્થાનિકોમાં ભય ફેલાવવા માટેની રણનીતિમાં કૂતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આ જાનવરની નાના કદની, મિલનસાર પ્રજાતિથી પરિચિત હતા, પરંતુ આટલા આક્રમક સ્વભાવનાં ઝુંડ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
"શ્વાન શસ્ત્રનું કામ કરે છે. શ્વાનના કદ, તેની તાલીમ તથા ડૉગ હેન્ડલર (શ્વાનની દેખભાળ કરનાર)ને લગતી સમગ્ર પ્રક્રિયા રહેતી હતી," એમ લેખક તથા પેરુવિયન લશ્કરના કર્નલ કાર્લોસ એનરિક ફ્રેયરે બીબીસી મુંડોને જણાવ્યું હતું.
તેમની તાજેતરની નવલકથા, "લેન્ડ ઑફ ડૉગ્ઝ"માં પેરુ ઉપરના સ્પેનના વિજયના અભિયાનમાં સ્પેનિશ ટુકડીના કૂતરાંના ઝુંડને તાલીમ આપતા અને તેમનું રક્ષણ કરતા એક પ્રભારી "ડૉગ હેન્ડલર્સ"ની વાત છે.
કૂતરાં સદીઓથી મહત્ત્વપૂર્ણ કેમ હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનિશ સૈન્યમાં કૂતરાંના ઉપયોગ અંગે ઘણું ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે અને તે સમયની કળામાં પણ તેનાં ગણ્યાં-ગાંઠ્યાં વર્ણનો જ જોવા મળે છે.
ફ્રેયર જણાવે છે કે, તેમણે પેરુના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા ટુમ્બેસ શહેરનો પ્રવાસ ખેડ્યો, ત્યારે આ વિષય પર તેમનું ધ્યાન ગયું. ત્યાં તેમણે જુઆન ડી બેટાનજોસ કે બાર્ટોલોમે ડી લાસ કેસાસ જેવા તે સમયના કેટલાક ઇતિહાસકારોનાં લખાણોની સમીક્ષા કરી હતી. આ બંને ઇતિહાસકારો સ્પેનિશ હતા, જેમણે મૂળનિવાસીઓની સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો અને વિજય દરમિયાન થયેલા અત્યાચારો પણ વર્ણવ્યા.
લેખક નોંધે છે, "તેઓ આ કૂતરાં વિશે વાત કરે છે અને તેમનાં નામ જણાવે છે. ઘણા કિસ્સાઓમાં તેમની લાક્ષણિકતાઓ પણ વર્ણવે છે. આ કૂતરાં ટુમ્બેસ પહોંચ્યાં અને તેમણે ત્યાં વસતી પ્રજાને ખતમ કરી નાખી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત તેમની કાલ્પનિક નવલકથામાં ટોમાસ ડી ઝેરેઝ બાલ્ડોમેરો નામના એક પ્રભાવશાળી શ્વાનના હેન્ડલર બને છે. જોકે, અમેરિકાનાં પ્રારંભિક અન્વેષણો દરમિયાન પણ લશ્કરી આગેવાન વાસ્કો નુનેઝ ડી બાલ્બોઆ પાસે લિયોનસિકો નામના સ્પેનિશ માસ્ટિફ સહિતનાં કૂતરાં હતાં.
લિયોનસિકો વાસ્તવમાં બેસેરિલો નામના એક અન્ય જાતવાન કૂતરાનાં બચ્ચાંઓ પૈકીનો એક હતો, જેને સૈન્યના આગેવાન જુઆન પોન્સ ડી લિયોને હિસ્પાનિયોલા ટાપુ તથા હાલના પુએર્ટો રિકોમાં આગેકૂચ દરમિયાન સાથે રાખ્યો હતો.
ફ્રેયર નોંધે છે, "વાસ્કો નુનેઝ ડી બાલ્બોઆને તેના કૂતરા બેસેરિલો પર ઘણો સ્નેહ હતો."
નવલકથા માટે સંશોધન કરવા દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતી વિશે વાત કરતાં લેખક કહે છે, "વાસ્તવિક જીવનમાં એક પ્રસંગ એવો બન્યો હતો કે, વાસ્કો નુનેઝ પ્રથમ વખત પ્રશાંત મહાસાગર જોવા જાય છે. તે સમુદ્ર પ્રથમ વખત જોવાનો અધિકાર તે પોતાની પાસે રાખે છે, અને તે પણ પોતાના શ્વાન સાથે. તેના તમામ અધિકારીઓ અને ટુકડીઓ પાછળ રહે છે."
તેમણે જણાવ્યું હતું કે, "તેના પરથી મને શ્વાન અને ડૉગ હેન્ડલર - બંને વચ્ચેના ગાઢ સંબંધની જાણ થઈ."
16મી સદીના પૂર્વાર્ધમાં મૂળ અમેરિકન પ્રદેશોની શોધ અને ત્યાં વર્ચસ્વ જમાવવાના પ્રારંભિક સમયથી જ કૂતરાં ઘણાં મહત્ત્વનાં હતાં.
કૂતરાં કેવી રીતે યુદ્ધ અને સજાનું હથિયાર બની ગયાં?

ઇમેજ સ્રોત, Getty Images
એમેઝોન પ્રદેશની શોધ દરમિયાન, સ્પેનિશ શોધકો તેમની સાથે 2,000 જેટલાં શ્વાન લઈ ગયાં હતાં. ફ્રાન્સિસ્કો પિઝારો તે શોધનું નેતૃત્વ કરનારી વ્યક્તિઓ પૈકીના એક હતા, જેમાં આખરે ઇન્કા સામ્રાજ્યને તાબે કરી લેવાયું. અને શરૂઆતમાં તેઓ જે સ્થળોએથી પસાર થયા હતા, તેમાંનું એક ટુમ્બેસ હતું.
ફ્રેયરે જણાવ્યું હતું કે, "લોકોની માન્યતાથી વિરુદ્ધ, તેમની પાસે એટલા બધા ઘોડા નહોતા. વળી, બંદૂક, પિસ્તોલ જેવાં શસ્ત્રો હાલની તુલનામાં ઘણાં ઓછાં પ્રાપ્ય હતાં. જ્યાં ગન, તલવાર કે ઘોડા નહોતા જઈ શકતાં, ત્યાં કૂતરાં પહોંચી શકતાં હતાં."
કૂતરાંના પ્રશિક્ષકોએ તેમને સ્થાનિક વસ્તી સામે છોડી મૂક્યાં. સ્થાનિકો યુરોપથી લવાયેલાં આટલાં મોટાં અને આક્રમક રીતે તાલીમબદ્ધ થયેલાં કૂતરાંની પ્રજાતિઓથી અજાણ હતા.
તેમણે સમજાવ્યું હતું કે, "સ્પેનિશ લોકોનાં આ કૂતરાં મોટાં કદનાં હતાં. માંસ ખાનારું જાનવર મોટું થઈ જાય છે અને આ ઓલાદનાં કૂતરાંનો અગાઉથી જ ઉછેર કરવામાં આવ્યો હતો. આથી, સ્થાનિક પ્રજાએ જે જોયાં, તે કૂતરાં નહીં, બલ્કે સિંહ હતા."
કૂતરાં કેવી રીતે યુદ્ધ ભૂમિમાં અડીખમ રહેતાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
કૂતરાંના ઝુંડનો ઉપયોગ કેવળ ઇન્કા સામ્રાજ્યને તાબે કરવા પૂરતો સીમિત ન હતો. કેરેબિયન, મધ્ય અમેરિકા અને મેસોઅમેરિકાનાં ઘણાં ક્ષેત્રોમાં તે પ્રથા મોજૂદ હતી.
આદિવાસી પ્રતિરોધને ડામવા અને સજા આપવા માટે કૂતરાંનો ઉપયોગ થતો હતો.
"16મી સદીના મધ્ય ભાગમાં, કોએટલ ડી અમિતતાનને મૂર્તિપૂજા કરવા બદલ, ધૂપ કરવા બદલ, શૈતાનનું આહ્વાન કરવા બદલ, ખ્રિસ્તી સિદ્ધાંતોનું સમર્થન ન કરવા બદલ, ચર્ચની સ્વચ્છતાની અવગણના કરવા બદલ તથા પોતાના શહેરના મૂળનિવાસીઓને ધાર્મિક વિધિમાં હાજર ન રહેવાનો આદેશ આપવાના આરોપસર કૂતરાં દ્વારા મારી નાખવાની અને સળગાવવાની સજા ફટકારાઈ હતી," આ માહિતી મેક્સિકોની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તક - "ધ મેગ્નિફિસન્ટ લૉર્ડ અલોન્સો લોપેઝ, મેયર ઑફ સાન્તા મારિયા ડી લા વિક્ટોરિયા ઍન્ડ ઇન્ડિયન ડૉગ કિલર"માં જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર મિગુએલ લિયોન પોર્ટિલાએ હાલના મેક્સિકોનાં મૂળ લોકોની કથાઓ તેમના પુસ્તક "ધ ડેસ્ટિની ઓફ ધ વર્ડ"માં સંગ્રહી છે.
"અને તેમના કૂતરાં વિરાટ કદનાં છેઃ તેમના કાન વળી ગયેલા છે, તેમનાં મોટાં જડબાં કાંપે છે, તેમની આંખોમાં આગ ભભૂકે છે, અંગારા જેવી આગ, આંખો પીળી છે, તેમનાં પેટ પાતળાં છે, ચરબી વિનાનાં, તે કૂતરાં શાંત નથી, તે હાંફતાં-હાંફતાં દોડે છે, તેમની જીભ બહાર લટકે છે, તેમનાં શરીર પર જગુઆર જેવાં ટપકાં છે, શરીર પર જુદા-જુદાં રંગનાં ટપકાં છે," એવું વર્ણન નાહુઆટલ ભાષાની એક વાર્તામાં કરવામાં આવ્યું છે.
ફ્રેયરે "લૅન્ડ ઑફ ડૉગ્ઝ"ની વાર્તા પેરુમાં કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો, જેથી "વાર્તા પર પકડ જમાવી શકાય". તેમનું માનવું હતું કે, પ્રાચીન કાળની નિષ્ઠુર વાર્તાઓને નરમ બનાવવી જરૂરી હતું.
લેખકે નોંધ્યું હતું કે, "લખાણમાં હિંસાનો ઉપયોગ વર્ણનાત્મક છે, પણ એટલો બધો નહીં કે, લોકો પુસ્તક બંધ કરીને કહે કે, 'કેટલું ઘૃણાસ્પદ છે.' તેમાં થોડું સંતુલન રહે, એ જરૂરી હતું."
કૂતરાંનું કામ પૂરું થયું પછી તેમની સાથે શું થયું?

ઇમેજ સ્રોત, Alfaguara
વસ્તીઓ અને પ્રદેશો પર વર્ચસ્વ જમાવી દીધા બાદ, કૂતરાં નકામાં થઈ પડ્યાં અને સમય વીત્યે સ્પેનિશો માટે તે માથાનો દુખાવો બની ગયાં.
સ્પેનિશ લોકોને શ્રમિકોની જરૂર હતી, જેમાં ગુલામોનો પણ સમાવેશ થતો હતો, આથી, સ્થાનિકોની વસ્તી ઘટાડી શકાય એમ નહોતું. આ સ્થિતિમાં કૂતરાંની હાજરી અને તેમની આક્રમકતા સમસ્યારૂપ બનવા લાગી.
ફ્રેયર જણાવે છે કે, સ્પેનની રાજસત્તા દ્વારા અમેરિકામાં વિવિધ કમાન્ડરોને પત્ર પાઠવવામાં આવ્યાં, જેમાં વધુ સમસ્યાઓ ન સર્જાય, તે માટે કૂતરાંઓથી છુટકારો મેળવવાનો આદેશ આપવામાં આવ્યો.
લેખકના વર્ણન પ્રમાણે, "તેમણે જોયું હતું કે, કૂતરાંને છોડી મૂકી દેવાથી તે ઝુંડ બનાવી લેતાં હતાં, જે આખરે સ્પેનિશો અને સ્થાનિકો, બંનેને પજવતાં હતાં. અને આથી જ, કૂતરાંથી થતા નુકસાન અંગે રાણીના વટહુકમો જારી કરવામાં આવ્યા."
જોકે, વર્ષોના સાથને કારણે ડૉગ હેન્ડલર્સ અને તેમનાં કૂતરાં વચ્ચે વિશિષ્ટ નાતો બંધાઈ ગયો હતો, જે "લૅન્ડ ઑફ ડોગ્ઝ"ની કથામાં પણ વ્યક્ત થાય છે.
ફ્રેયરે જણાવ્યું હતું કે, "કૂતરાં અને તેની દેખભાળ કરતા સિપાઈઓ વચ્ચે ગાઢ સ્નેહ હતો."
પરિણામસ્વરૂપે, શાહી ફરમાન હોવા છતાં કેટલાક પ્રશિક્ષકો માટે તેમના પ્રિય શ્વાનથી છુટકારો મેળવવું મુશ્કેલ હતું.
આદિવાસી પ્રદેશોમાં સ્પેનિશ શાસનનાં મૂળ મજબૂત થવા સાથે ધીમે-ધીમે હથિયાર તરીકે કૂતરાંનો ઉપયોગ બંધ થઈ ગયો અને સ્થાનિકોને તાબામાં લેવાની રણનીતિમાં તેમની ચાવીરૂપ ભૂમિકા માનસપટ પરથી ભૂંસાવા માંડી.
તેમની ભૂમિકા ક્રમશઃ સુરક્ષા અને સંગાથ સુધી મર્યાદિત થઈ ગઈ. બેસેરિલો કે લિયોનસિકો જેવા ગણ્યા-ગાંઠ્યા શ્વાનની સ્મૃતિ જ અકબંધ રહી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












