શિવાજી સુરતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા અને અંગ્રેજોને તેમણે હાથ પણ કેમ નહોતો લગાડ્યો?

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવાજીએ સુરત પર બે વખત આક્રમણ કરીને લગભગ 1.66 કરોડ રૂપિયાની સંપત્તિ લૂટી હતી.
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

છત્રપતિ શિવાજી મહારાજે સુરતને બે વખત લૂંટ્યું હતું. બંને હુમલામાં શિવાજીના લશ્કરે લાખોની લૂંટ કરી હતી. પરંતુ તમને ખબર છે કે આ બંને હુમલા વખતે તેઓ સુરતમાં અંગ્રેજોને લૂંટી શક્યા નહોતા? તે વખતે સુરતમાં અંગ્રેજો અને વલંદા (ડચ)ઓની કોઠી હતી. આ કોઠીમાં લાખોનો માલ પડેલો હતો. પરંતુ એવું શું થયું કે મરાઠાઓ અંગ્રેજોને જરા પણ નુકસાન ન કરી શક્યા? આ સમજવા માટે આપણે આખા ઇતિહાસને સમજીએ.

સુરતમાં 'લક્ષ્મી હેલે ચઢી હતી' પરંતુ તેની ફરતે બહારના આક્રમણને ખાળવા માટે કોઈ સુરક્ષાવ્યવસ્થા નહોતી. શહેરની મધ્યમાં માટીનો કોટ હતો. શાસકો પૈકી કોઈને તેની સુરક્ષા વિશે વિચારવાની ફુરસદ નહોતી. મોઘલોએ મરાઠાના છત્રપતિ શિવાજી મહારાજ પર દક્ષિણમાં ભીંસ વધારી હતી. તેથી તેનો 'બદલો' લેવા માટે શિવાજીનું ધ્યાન સુરત તરફ ગયું.

સન 1662માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં તેમની કોઠીમાં એક ગવર્નરની નિયુક્તિ કરી હતી. આ ગવર્નરનું નામ જ્યૉર્જ ઑક્સન્ડન હતું. તે સમયે કેટલાક અંગ્રેજો સુરતની કોઠીમાં ખાનગી ધંધો કરીને કંપનીને નુકસાન પહોંચાડતા હતા. ઑક્સન્ડનનું કામ આ નુકસાનને અટકાવવાનું હતું.

જદુનાથ સરકાર તેમના પુસ્તક 'ઔરંગઝેબ-1618-1707'માં લખે છે, "6ઠ્ઠી જાન્યુઆરી, 1664માં ચાર દિવસ સુધી શિવાજીએ મોઘલ સામ્રાજ્યના સૌથી ધનિક અને સમૃદ્ધશાળી બંદર સુરતને ખૂબ લૂંટ્યું. તે નગરની સુરક્ષા માટે ચારેય તરફ કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાં અપાર સંપત્તિ હતી. માત્ર શાહી ચુંગી (જકાત)થી જ ત્યાં મોઘલ સામ્રાજ્યને પ્રતિ વર્ષ બાર લાખ રૂપિયાની આવક થતી હતી."

મંગળવારે 5મી જાન્યુઆરી, 1664માં સવારે જ સમાચાર ફેલાઈ ગયા કે શિવાજી સુરતને લૂંટવાના ઇરાદે આવી રહ્યા છે. તે સમયે શિવાજીનું લશ્કર સુરતથી થોડે દૂર ગણદેવી પાસે પહોંચી ગયું હતું. સુરતના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ભયને કારણે તેઓ નાસભાગ કરવા લાગ્યા. અચાનક લોકો પર આતંક છવાઈ ગયો. લોકો પોતાનાં સ્ત્રી-બાળકોને લઈને તાપી નદીની પેલે પાર પહોંચી ગયા.

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં અંગ્રેજોએ બનાવેલો કોટ

તે વખતે સુરતમાં મોઘલ ગવર્નર અને કિલેદાર તરીકે ઇનાયત ખાન હતા. તેમણે અંગ્રેજો અને ડચ લોકોની મદદ માગી પરંતુ તેમણે કહ્યું, "અમે મદદ નહીં કરી શકીએ, અમે અમારી સુરક્ષા કરી લઈશું." જદુનાથ સરકાર લખે છે, "ઇનાયત ખાને લાંચ લઈને ધનવાન લોકોને કિલ્લામાં શરણ આપ્યું. નગરના લોકોને ભગવાન ભરોસે છોડીને પોતે પણ કિલ્લામાં છુપાઈ ગયા."

બુધવાર, 6ઠ્ઠી જાન્યુઆરીની સવારે શિવાજી સુરત પહોંચ્યા અને પૂર્વ તરફના બુરહાનપુરી દરવાજાથી થોડે દૂર પડાવ નાખ્યો. મરાઠા સેનાએ સુરત પર હલ્લો મચાવ્યો. ઘરોમાં લૂંટફાટ કરી અને આગજની કરી. બુધવારથી શનિવાર સુધી આ વિધ્વંસ ચાલતો રહ્યો. સેંકડો મકાનો ખાખ થઈ ગયાં.

જદુનાથ સરકાર લખે છે, "શહેરનો લગભગ બે-તૃતીયાંશ ભાગ નષ્ટ થઈ ગયો. ડચ ફેક્ટરી પાસે જ તે સમયે સંસારના સૌથી ધનવાન વેપારી વિરજી વહોરાનો મહેલ હતો. તે સમયે તેમની કુલ સંપત્તિ 80 લાખ રૂપિયા મનાતી હતી. શુક્રવારની સાંજ સુધીમાં મરાઠાઓએ વિરજી વહોરાના મહેલમાં લૂંટફાટ મચાવી. અંતમાં તેને આગ પણ લગાવી દીધી."

"અંગ્રેજોની ફેક્ટરીની પાસે હાજી સૈયદ બેગ નામના વધુ એક ધનિક વેપારીનું ગગનચુંબી મકાન હતું. સાથે મોટાં-મોટાં ગોદામ હતાં. હાજી પોતાની સંપત્તિ છોડીને કિલ્લામાં ભરાઈ ગયા હતા. મરાઠાઓએ તેમના ઘરને પણ લૂંટ્યું."

મરાઠાઓ અંગ્રેજોને ન લૂટી શક્યા

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ ઇસ્ટ ઇન્ડિયા કંપની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતનું સુરત મુઘલોનું આર્થિક કેન્દ્ર અને મુખ્ય વ્યાપારી બંદર હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુસ્તકમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે, ઇસ્તંબુલના એક ધનાઢ્ય યહૂદી એ જ સમયે સુરત આવ્યા હતા. બાદશાહ ઔરંગઝેબ માટે તે ઘણું ઝવેરાત લાવ્યા હતા. મરાઠાઓએ તેને પકડી લીધો પરંતુ તે મક્કમ રહેતા કોઈ પણ નુકસાન વગર છૂટી ગયા.

જદુનાથ સરકાર લખે છે, "ગુરુવારે ત્રીજા પ્રહરમાં અંગ્રેજોએ સડક પર ફરતા લૂંટારાઓ પર આક્રમણ કર્યું. તેથી તેઓ ત્યાંથી ભાગી ગયા. બીજે દિવસે અંગ્રેજોએ હાજી સૈયદ બેગના ઘર પાસે પહેરો ગોઠવી દીધો, જેથી તેમને વધારે નુકસાન થતું બચી ગયું. સુરતની લૂંટફાટને કારણે મરાઠાઓને એક કરોડ રૂપિયા હાથ લાગ્યા."

સુરતના ઇતિહાસકાર ઇચ્છારામ દેસાઈ તેમના પુસ્તક 'શિવાજીની સુરતની લૂંટ'માં લખે છે, "થોડાક શાહુકારો અંગ્રેજોની કોઠી આગળ આવીને પોતાના જાનમાલને બચાવવાની વિનતી કરવા લાગ્યા. તેઓ બચી ગયા. એ વર્ષે અંગ્રેજોની કોઠીમાં 87 લાખનો માલ હતો."

અંગ્રેજ ગવર્નર જ્યૉર્જ ઑક્સન્ડને સુવાળીના બંદરે નાંગરેલાં તેમનાં વહાણોમાંથી તોપો મંગાવી હતી. આ તોપો તેમણે કોઠીના મકાન પર ગોઠવી દીધી હતી. લગભગ 150 જેટલા અંગ્રેજો તથા 60 જેટલા સ્થાનિક સિપાહીઓને લઈને ઑક્સન્ડને પોતાના બચાવ માટેની તજવીજ હાથ ધરી હતી.

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ ઇસ્ટ ઇન્ડિયા કંપની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1670ના સમયના સુરતનું એક ચિત્ર

ઇચ્છારામ દેસાઈ લખે છે, "ઑક્સન્ડને શહેરની આસપાસ કૂચ કરી તથા પડઘમો અને રણભેરીના નાદો કરીને લોકોને હિંમત ન હારવા ઉત્તેજન આપ્યું." બીજી તરફ શિવાજીએ અંગ્રેજો પાસે દૂત મોકલ્યો હતો. તેમણે કહેણ મોકલ્યું કે 'જો જીવ બચાવવાની અપેક્ષા રાખતા હોવ તો મોં માગ્યો દંડ આપવો પડશે'. અંગ્રેજોએ શિવાજીની માંગ ઠુકરાવી દીધી હતી.

ઇચ્છારામ દેસાઈ લખે છે, "મરાઠાઓએ તેનાથી ચીઢાઈને અંગ્રેજોની કોઠીની આસપાસનાં મકાનોને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો. જિરાલ્ડ ઑંગિયેર નામના બહાદુર અંગ્રેજની આગેવાનીમાં એક નાની ટુકડીએ મરાઠા પર જોરદાર હુમલો કર્યો. કેટલાકને ઝપાઝપીમાં મારી નાખ્યા. તેથી શિવાજીએ તેમને સતાવવાનું માંડી વાળ્યું. એટલું જ નહીં પરંતુ અંગ્રેજોની કોઠીની આસપાસ જે ધનાઢ્યો અને શ્રીમંતો રહેતા હતા તેઓ પણ મરાઠાની લૂંટફાટ અને મારફાડમાંથી બચી ગયા."

અંગ્રેજો અને વલંદા (ડચ) તેમની સામે થયા. તેમાં પણ અંગ્રેજો તો એટલી બહાદુરીથી ઊભા રહ્યા કે તેમણે પોતાની સાથે અન્ય લોકોના માલની પણ સુરક્ષા કરી. જો શિવાજીને વલંદા અને અંગ્રેજોની કોઠી હાથ લાગી હોત તો તેમને કરોડ રૂપિયાની સંપત્તિ મળી શકી હોત.

દરમિયાન એક અંગ્રેજ મરાઠાના હાથે ચડી ગયો. સુવાળી બંદરથી શહેરમાં આવી રહેલા ઍન્થની સ્મીથ નામના અંગ્રેજ કોઠીદારને શિવાજીના માણસો પકડી ગયા. મરાઠાઓએ તેને છોડાવવા માટે ખંડણી માગી. સ્મીથે નજરે જોયેલી વાતો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દફતરોના દસ્તાવેજી પુરાવા તરીકે સચવાયેલી છે. તેમાં કરાયેલા ઉલ્લેખને ટાંકતા ઇચ્છારામ દેસાઈ લખે છે, "આ દસ્તાવેજી પુરાવા પરથી અંદાજો આવે છે કે મરાઠાઓએ સુરતને કેવી ભયંકર રીતે લૂંટ્યું હતું. તેમણે 6 માણસોનાં હાથનાં કાંડાં અને મસ્તકો કાપી નાખ્યાં હતાં."

હો. વે. શેષાદ્રીના 'યુગપ્રવર્તક શિવાજી' પુસ્તકનો અનુવાદ કિશોર મકવાણાએ કર્યો છે. તેમાં નોંધાયું છે કે "શિવાજી મહારાજે સ્મીથના હાથ ભાંગી નાખવાનો હુકમ કર્યો. સ્મીથે જવાબ આપ્યો કે માત્ર મારા હાથ જ કેમ તોડો છો, મસ્તક કેમ નથી કાપતા? જવાબ સાંભળીને મહારાજે તેમને માત્ર 350 રૂપિયાનો દંડ વસૂલીને જીવતા જવા દીધા હતા."

પુસ્તકમાં ઉલ્લેખ છે કે શિવાજી પાસે અંદાજે 5,000 સૈનિકોનું બળ હતું જ્યારે અંગ્રેજો પાસે માત્ર 210 સૈનિકોનું. પરંતુ અંગ્રેજોની 'બહાદુરી અને કૂનેહ' મરાઠા પર ભારે પડી. સુરતની મદદે બહારથી કોઈ સેના આવે તે પહેલા મરાઠાઓએ ઘરભેગા થવાનું હતું, તેથી તેમણે અંગ્રેજો અને ડચ લોકોનો સામનો કરવાને બદલે શાણપણ દાખવ્યું અને તેમની સાથે સંઘર્ષ ટાળ્યો. 10મી જાન્યુઆરીના રોજ શિવાજી સુરત છોડીને જતા રહ્યા.

દસ હજાર કિલોમીટર દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજો પોતાની સંપત્તિનું રક્ષણ કરી શક્યા, જ્યારે સુરતની પ્રજાએ બધું ગુમાવવાનો વારો આવ્યો, જ્યારે કે તે સમયે સુરતની વસ્તી લગભગ 8 લાખની આસપાસ હતી. સુરતના જે શ્રીમંતોએ પોતાનાં ઘરેણાં-દાગીના ભરેલી પેટીઓ અંગ્રેજોને સોંપી હતી, શિવાજીના ગયા પછી અંગ્રેજોએ તેમને પરત આપી હતી.

જોકે, 'સુરત સોનાની મૂરત' પુસ્તકમાં ઉલ્લેખ મળે છે કે ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર ઍમ્બ્રૉઝની આજીજી ઉપરથી સુરતમાં વસતા ખ્રિસ્તીઓને મરાઠાઓએ સતાવ્યા નહોતા. ખ્રિસ્તીઓ અને કેટલાક ધનિકો પોતાનું ધન ચર્ચની આસપાસ દાટી આવ્યા હતા. પરંતુ શિવાજીના માણસોને તેની ગંધ આવી ગઈ અને તેમણે તેને ખોદી કાઢ્યું. વલંદાના એક દલાલ મોહનદાસ પારેખ હંમેશાં દાન-ધર્મ કરતા રહેતા હતા. તેમના ઘરને પણ મરાઠાઓએ હાથ ન લગાડ્યાનો ઉલ્લેખ વિવિધ પુસ્તકોમાં મળે છે.

અંગ્રેજ ગવર્નર ઑક્સેન્ડનને મુઘલોનો સરપાવ

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ

ઇમેજ સ્રોત, Print Collector via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ જ્યારે ઇંગ્લૅન્ડના વૂલવિચથી વર્ષ 1601માં રવાના થયું તેનું ચિત્ર

જ્યારે અમદાવાદમાં મોઘલ સુબા મહમદ ખાને સુરતની મદદ માટે લશ્કર મોકલ્યું ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને મરાઠાઓ સુરત લૂંટીને ભાગી ગયા હતા.

અંગ્રેજ કોઠીના ગવર્નર ઑક્સન્ડને જે બહાદુરીભર્યું કામ કર્યું હતું તે બદલ મોઘલ સરકારે તેમનો આભાર માન્યો હતો. અમદાવાદથી આવેલી મોઘલ સેનાના ઉપરીએ ઑક્સન્ડનને સુરતની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. તેણે બજાવેલી સેવા બદલ મોઘલ સેનાએ તેમને એક ઘોડો અને સોનેરી કીનખાબનો કબ્જો એનાયત કર્યો હતો.

જોકે, ઑક્સન્ડને મોઘલોને કહ્યું કે તેઓ એક વેપારી છે તેથી તેઓ ઇચ્છે છે કે તેમને કોઈ લાભ થાય તેવું આપવામાં આવે. અમદાવાદના સુબાએ દિલ્હીના શહેનશાહ ઔરંગઝેબની રજાથી અંગ્રેજોના માલ પર જે જકાત લેવાતી હતી તેમાં એક ટકાની રાહત આપી હતી.

શિવાજીએ બીજી વખત સુરત લૂટ્યું ત્યારે પણ અંગ્રેજો અડગ રહ્યા

ગુજરાત શિવાજી સુરત લૂટ અંગ્રેજ ડચ વલંદા, વિરજી વહોરા વેપાર મરાઠા બીબીસી ગુજરાતી, ઇતિહાસ ઔરંગઝેબ મુઘલ

ઇમેજ સ્રોત, CLASSIC IMAGE ALAM

ઇમેજ કૅપ્શન, અંગ્રેજોની એક કોઠીનું દૃશ્ય

2જી ઑક્ટોબર, 1670ના રોજ સુરતમાં સમાચાર વાયુવેગે પહોંચી ગયા કે શિવાજી બીજી વખત સુરત લૂંટવા આવી રહ્યા છે. ફરીથી પ્રજામાં ગભરાટ વ્યાપી ગયો.

જદુનાથ સરકાર લખે છે, "સુરતના વેપારીઓ અને સરકારી કર્મચારીઓ એક દિવસ પહેલાં જ ત્યાંથી ભાગી ગયા હતા. 3જી ઑક્ટોબરના રોજ શિવાજીએ નગર પર ફરી આક્રમણ કર્યું."

શિવાજીની પહેલી લૂંટ બાદ ઔરંગઝેબની સૂચનાથી સુરતમાં તે વખતે કોટ બની ગયો હતો. જોકે, કેટલોક સમય શિવાજીના સૈનિકોનો સામનો કર્યા બાદ કોટના રક્ષકો ભાગી છૂટ્યા.

તે વખતે અંગ્રેજો, ડચ, તુર્કો, ફ્રેન્ચ, ઈરાની લોકોના વેપાર-ધંધા અગાઉની લૂંટમાં થયેલા નુકસાન બાદ ફરીથી જામી ચૂક્યા હતા. કેટલાંક સ્થાનોને છોડીને મરાઠાઓએ આખા શહેર પર અધિકાર કરી લીધો. ફ્રેન્ચ લોકોએ મોટા ઉપહાર આપીને મરાઠાઓને પોતાના પડખે કરી લીધા.

જદુનાથ સરકાર લખે છે, "અંગ્રેજોની કોઠી ખુલ્લા મકાનમાં હતી. પરંતુ તેમણે 50 નૌસૈનિકોની મદદથી મરાઠાઓનો મુકાબલો કર્યો અને તેની રક્ષા કરી."

મરાઠાઓએ સુવિધાપૂર્વક મોટાં-મોટાં મકાનો લૂંટ્યાં અને લગભગ અડધા શહેરને આગને હવાલે કરી દીધું. 5મી ઑક્ટોબરે તેઓ સુરતને બીજી વખત લૂંટીને ભાગી ગયા.

જદુનાથ સરકારના લખવા પ્રમાણે બીજી લૂંટમાં શિવાજીની સેનાએ 66 લાખની મત્તા મેળવી. મરાઠાઓનાં આક્રમણો અને ત્રાસને કારણે સુરતનો વેપાર ચોપટ થઈ ગયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન