સુરતમાં લાગેલી એ આગ જેમાં 500 લોકો ભૂંજાઈ ગયા અને 10 હજાર મકાનો બળીને ખાખ થઈ ગયાં

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, 24મી એપ્રિલ, 1837ના રોજ સુરતમાં માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક પારસી શખસના મકાનમાં આગ લાગી હતી. આ આગ આખા સુરતમાં પ્રસરી હતી અને તેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં સુરતની શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગવાને કારણે લગભગ 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતના રિંગરોડ પર આવેલી આ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ લાગેલી આ આગમાં વેપારીઓનો કરોડોનો માલ સ્વાહા થઈ ગયો હતો.

સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લગભગ 38 કલાકની જહેમત બાદ આ આગ કાબૂમાં આવી હતી. જેમાં 30 જેટલા ફાયર ફાઇટર્સ કામે લગાડાયા હતા. તેમણે 45 લાખ લિટર પાણીનો સતત મારો કરવામાં આવ્યો હતો ત્યારે આ આગ ઓલવાઈ હતી.

આ માર્કેટમાં કુલ 850 જેટલી દુકાનો આવેલી છે અને આ માર્કેટમાં લગભગ પાંચ હજાર લોકો રોજગારી મેળવે છે. આ આગ બુઝાવવા માટે 200 જેટલા ફાયરફાઇટર્સ કામે લાગ્યા હતા. આ આગને કારણે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશને 400 કરોડના નુકસાનનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ, તમને ખબર છે કે આના કરતાં પણ ભયંકર આગ સુરતમાં વર્ષ 1837માં લાગી હતી? આ આગમાં આશરે 500 લોકો બળી ગયા હતા અને લગભગ 10 હજાર જેટલાં ઘરો સળગી ગયાં હતાં.

વર્ષ 1837માં લાગેલી આ ભયાનક આગ વિશેનો ઉલ્લેખ સુરતના ઇતિહાસ પર લખાયેલાં વિવિધ પુસ્તકોમાં છે. સુરતના ઇતિહાસની આ ભયાનક વિપદા વિશે અમે સુરતના કેટલાક ઇતિહાસના જાણકારો સાથે વાત કરી.

કેવી રીતે લાગી હતી આ ભયાનક આગ?

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતનું સુરત મુગલોનું આર્થિક કેન્દ્ર અને મુખ્ય વ્યાપારી બંદર હતું

1837માં સુરત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ હતું.

દિવસ હતો 24મી એપ્રિલ, 1837. સમય આશરે સાંજે પાંચ કલાક. સોમવારના દિવસે અચાનક સુરતમાં માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક પારસી શખસના મકાનમાં આગ લાગી હતી.

સુરતના ઇતિહાસ પર ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ નામના શહેરના સ્વતંત્રતાસેનાની, કૉંગ્રેસી નેતા, કેળવણીકાર અને ઇતિહાસકારે 'સૂરત સોનાની મૂરત' નામનું પુસ્તક લખ્યું હતું.

આ પુસ્તકમાં આ આગનો વિસ્તૃત ઉલ્લેખ આપવામાં આવ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે "દીનશાહ મંચેરશાહ રુવાળાના ઘરમાં ઊકળતા કોલટાર કે તેલ-ધૂપેલમાંથી આ આગની શરૂઆત થઈ. જોતજોતાંમાં પાંચ ઘર સળગી ગયાં. તેમાંથી આતશના એવા ગોળા ઊઠ્યા કે થોડા કલાકોમાં આગ ત્રણ માઇલ સુધી પ્રસરી ગઈ."

આ ભયંકર આગ વિશેનો એક ઉલ્લેખ વધુ એક પુસ્તક 'પારસી પ્રકાશ'માં પણ થયો છે. જેમાં લેખક બહમનજી બેહરામજી પટેલ લખે છે કે "આ આગની શરૂઆત માછલીપીઠના ઉગમણના મહોલ્લા મઘ્યમાં ફરાંમજી નરીમન અને દાદાભાઈ આલપાઇવાલા અને મહેતા શાપુરજીના ઘરની વચ્ચેનાં કોઈ એક ગાળામાંથી થઈ હતી."

'સૂરત સોનાની મૂરત'માં લખાયું છે કે "માછલીપીઠનો પારસીવાડ અને શહેરનો મધ્યભાગ બળીને ભસ્મ થઈ ગયો. આગ તો ઊડતી જ જાય. કોઈ જગાંના વસનારા લાચાર થઈને લેવાય તેટલું ગાડાંમાં ભરીને બીજા લત્તામાં સગાંવહાલાંને ત્યાં આશ્રય શોધતા નીકળે તો આગ ત્યાં ય તેમને પીછો પકડતી"

મંગળવારની સવારે નૈઋત્વનો પવન એવા જોરથી ઉપડ્યો કે નવા વિસ્તારો પણ આગની ચપેટમાં આવી ગયા.

સુરતમાં વહોરવાડમાં પુરુષો બીજા લત્તામાં આગ ઠારવા ગયેલા ત્યાં તેમનો વિસ્તાર પણ આગમાં લપેટાઈ ગયો. આખો વહોરવાડ ભસ્મીભૂત થઈ ગયો. કેટલીક મહિલાઓએ મસ્જીદમાં આશરો લીધો. પરંતુ મસ્જિદ પણ આગની ચપેટમાં આવી ગઈ.

મંગળવારના મધ્યાહને આગે જે દેખાયું તેને લપેટમાં લઈ લીધું. સુરતના સેંકડો વિસ્તારો ભડકે બળી રહ્યા હતા.

બુધવારે આગ નરમ પડી. પણ ત્યાં સુધીમાં તો સુરતમાં સર્વનાશ વેરાઈ ચૂક્યો હતો. માલમિલ્કતની ખુવારી ઉપરાંત જાનની પણ ખુવારી મોટા પ્રમાણમાં થઈ હતી.

સુરત મહાનગરપાલિકામાં હેરિટેજ અને સાંસ્કૃતિક વિભાગના પૂર્વ ક્યૂરેટર ભામિનીબહેન મહિડા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં આ આગ વિશે જણાવતાં કહે છે, "જ્યારે પારસીના ઘરે આગની શરૂઆત થઈ તે વખતે તેમણે આસપાસનાં ઘરોના કૂવાઓમાંથી પાણી માગ્યું પરંતુ તેમને પાડોશીઓએ પાણી આપવાનો ઇન્કાર કર્યો. જેથી આ આગ ઓલવાઈ નહીં અને બાદમાં ચારે તરફ પ્રસરી."

સુરત ખાતેની એમટીબી કૉલેજના પૂર્વ આચાર્ય અને હાલમાં રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા આદીજાતિ વિશ્વવિદ્યાલયના કુલપતિ તથા સુરતના ઇતિહાસના જાણકાર ડૉ. મધુકર પાડવીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં આ વિશે જણાવ્યું, "70 હજાર માણસો ઘર વગરના થઈ ગયા. આગ એટલી ભયંકર હતી કે તેનો ધૂમાડો 20-30 માઇલ સુધી દેખાતો હતો."

લગભગ 500 લોકોનાં મોત

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, CLASSIC IMAGE ALAM

ઇમેજ કૅપ્શન, 1680માં સુરતમાં સ્થાપાયેલ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ફેક્ટરીની તસવીર

'સૂરત સોનાની મૂરત'માં લખાયું છે, "સાત માણસો તો સોમવારે પહેલાં ઝપાટામાં જ ઘેરાઈને બળી મુંઆ. 32 માણસો માલ બચાવવા જતાં ફસાઈ ગયા અને બળી મુંઆ. કેટલીય સ્રીઓ પ્રસૂતિના બિછાનામાં બળી મરી. દસ માણસ કૂવા અને હોજમાંથી મરેલા નીકળ્યા. કંઈ કેટલા ભંગારમાં ભિંસાઈને મરણ પામ્યા. આગ બાદ કૂવા કાંકામાં નાખેલી જણસ કાઢવા જનાર કેટલાક અંદર ઉતરતાની સાથે જ ટાઢા પડી ગયા.

વિગતો મળે છે કે આગથી બચવા માટે લોકો કૂવામાં પણ કૂદ્યા હતા અને તેમનાં પણ મરણ થયાં હતાં.

કેટલાકે તેમની કિંમતી ચીજવસ્તુઓ જેવી કે જણસ લૂંટફાટથી બચાવવા માટે કૂવામાં નાખી દીધી હતી, તેને બહાર કાઢવામાં પણ કેટલાકે જાન ખોઈ હતી.

સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં અને બૉમ્બે ગૅઝેટિયરમાં પણ આ આગથી થયેલા ભયંકર નુકસાનનો ઉલ્લેખ છે.

ભામિની મહિડા જણાવે છે, "સુરત પર લખાયેલાં વિવિધ પુસ્તકો અને લખાણો પ્રમાણે આ ભયાનક આગમાં લગભગ 500 લોકોનાં મૃત્યુ થયાં હતાં."

ધ ઍન્યુઅલ રજિસ્ટ્રર: વર્લ્ડ ઇવેન્ટ્સ 1837-1838ના દસ્તાવેજો પ્રમાણે પણ આ આગમાં '500થી વધુનાં મૃત્યુ થયાં' નો ઉલ્લેખ જોવા મળે છે.

જોકે મોતના સ્પષ્ટ આંકડાની કોઈ ચોક્કસ વિગતો બ્રિટિશ દસ્તાવેજોમાં નથી છતાં વિવિધ લખાણોમાં મોતનો આંકડો 500 ઉપર હોવાનું જોવા મળે છે.

ડૉ. મધુકર જણાવે છે, "માણસો તો મરી ગયા સાથે માલ-સામાન અને ઢોરઢાંખરને પણ ઘણું નુકસાન થયું. આગ બાદ અફરાતફરી મચી ગઈ અને ભયંકર લૂંટફાટ મચી."

ડૉ. મોહન વ. મેઘાણી નામના લેખકે ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન- સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી- સુરત વતી સુરતના ઇતિહાસ પર એક પુસ્તક લખ્યું છે. જેમાં ડૉ. મેઘાણી લખે છે, "ઓગણીસમી સદીની શરૂઆતથી 1837 અને ત્યાર પછી બનેલી દુર્ઘટનાઓને કારણે સુરત પાયમાલ થઈ ગયું. વેપાર વાણિજ્ય ઓસરી ગયાં. નગર છેક ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ ગયું. વેપારીઓ અને ધંધાદારીઓ તથા કારીગરો મુંબઈ ભણી ગયા. શહેરની વસ્તી જે 1818માં 1,57,185ની હતી તે ઘટીને 1847માં માત્ર 80 હજાર રહેવા પામી."

9,373 ઘરો બળીને ખાખ

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, SMC/SHEETAL PATEL

ઇમેજ કૅપ્શન, સુરતના ઇતિહાસ પર લખાયેલું પુસ્તક 'સૂરત સોનાની મૂરત'નું મુખપૃષ્ઠ

ભામીની મહિડા જણાવે છે, "તે સમયે લોકોનાં મકાનોનાં બારી-બારણાં લાકડાંનાં બનેલાં હતાં. તેથી આ આગ વધારે ઝડપથી ફેલાઈ."

હીરાલાલ પારેખના પુસ્તક 'અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન'માં લખવામાં આ્વ્યું છે તે પ્રમાણે, "મોટી આગથી શહેરના મહોલ્લામાં આવેલાં મકાનો નાશ પામ્યાં. તેનો અંદાજો મળી આવેલી એક જૂની નોંધપોથી પરથી જણીતા મહેતાજી છગનલાગ વિદ્યારામ રાવળે જણાવ્યો છે. આ વિશેની ટૂંકી નોંધ પ્રમાણે 9,373 મકાનો બળીને ખાખ થઈ ગયાં."

આ જ પુસ્તકમાં કવિ નર્મદની એક નોંધને ટાંકવામાં આવી છે. જે પ્રમાણે, "લોકોએ ઘરબાર-માલ-મિલ્કત છોડીને નાસવા માડ્યું. ગભરામણનું તો પૂછવું જ શું? લોકો ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈને નીકળી પડ્યા. ઘરનું કોઈ માણસ ક્યાં ને ક્યાં બૂમ પાડતું ને પછી રઝળી રખડીને મોટી ગરદીમાં અટવાઈ જતું. કેટલાકની તો ભાળ જ લાગતી નહીં. કેટલાકની ચોથા-પાંચમા દિવસે શોધ જડતી."

નર્મદ લખે છે, "સામાન ભરવાના ગાડાંના એક ફેરાનું ભાડુ પાંચથી પંચોતેર રૂપિયા વસૂલાતું. અધવચ્ચે ગાડાવાળા વધારે ભાડું આપનારને પકડીને સામાન છોડી જતા રહેતા અને અધવચ્ચે મૂકેલો સામાન ચોરાઈ જતો. લોકો બહાવરા-બહાવરા અને દીવાના બનીને ફરતા."

આ આગમાં શહેરમાં 6250 અને પરાંમાં 3123 મકાનો બળીને ખાખ થઈ ગયાં. 'સૂરત સોનાની મૂરત' પુસ્તકમાં કયાં પરાંમાં કેટલાં મકાનો બળી ગયાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લત્તાવાર નુકસાનના આંકડાના ગણિતમાં સહેજ ફેર પડે છે.

માછલીપીઠમાં 259, સોનીના ચકલામાં 647, કણપીઠમાં 1147, રાણીતળાવમાં 363, વાડીફળિયામાં 998, સંઘાડિયાવાડમાં 390, ખપાટિયા ચકલામાં 876, ભાગાતળાવમાં 581, ગોપીપરામાં 992, હરિપરામાં 524, સલાબતપુરા અને બેગમપુરામાં 721 મકાનો ભસ્મીભૂત થઈ ગયાં હતાં.

સુરત જિલ્લાના ગૅઝેટિયરમાં જણાવાયું છે તે પ્રમાણે બળી ગયેલાં મકાનોની કિંમત પરથી કુલ નુકસાન 46,86,500 રૂપિયા અંદાજવામાં આવ્યું હતું. જેમાં માત્ર મકાનોનું નુકસાની કિંમતનો અંદાજો જ હતો અન્ય નુકસાનનો સમાવેશ નથી.

તે વખતે સુરત બ્રિટિશ ઇન્ડિયા કંપનીના આધીન હતું. કંપની સરકારે આ આફતમાં સપડાયેલાઓને મદદ કરવા માટે 50 હજાર રૂપિયા મોકલ્યા હતા. આ ઉપરાંત નવેમ્બર સુધી શહેરમાં દાણો લાવનાર વેપારીઓને બે મહિના લગી શહેરમાં દાખલ થતા લાગતી જકાતમાં માફી આપવામાં આવી. આ ઉપરાંત શહેરમાં દાણો લાવનાર વેપારીને ઈનામ પણ આપવામાં આવ્યું.

ભામિની મહિડા જણાવે છે, "તે વખતે સુરત મોટું વ્યાપારી કેન્દ્ર હતું. તેથી મુંબઈના વેપારીઓએ પણ સુરતને મદદ કરવા માટે લગભગ એક લાખ 25 હજાર રૂપિયાની સહાય આપી. આ ઉપરાંત લંડનથી પણ એક હજાર પાઉન્ડની કિંમતની સહાય આપવામાં આવી."

'સૂરત સોનાની મૂરત પુસ્તક'માં છેલ્લે લખવામાં આવ્યું છે કે "આખું શહેર ખંડેર થયું, કાટપીટિયાનો નવો ધંધો નીકળ્યો. માઇલો વિસ્તારમાં વેરાયેલાં ખંડિયેરથી શહેર એક વિશાળ અને ભયંકર કબ્રસ્તાન જેવું થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં કચરા અને બળેલા કાટમાળના ઢગે ઢગ દેખાતા હતા."

31 વર્ષમાં સુરતમાં આગની 121 ઘટના

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, DR MADHUKAR PADVI/CHUNILAL GANDHI VIDYABHAVAN

ઇમેજ કૅપ્શન, 'ઓગણીસમી સદીનું સૂરત' પુસ્તકનું મુખપૃષ્ઠ

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સુરતની મુશ્કેલીમાં ઓર વધારો થયો. વખતો વખત આવતી રેલ, રોગચાળો અને આગની આફતમાં વધારો થયો. 1864માં કોલેરા ફાટી નીકળ્યો. પાંચ વર્ષ પછી 8મી મે, 1869માં ચોક બજારમાં લાગેલી ભયાનક આગમાં 62 દુકાનો બળી ગઈ.

6 એપ્રિલ, 1889ના રોજ શનિવારે બપોરે બે કલાકે બુરહાનપુરી ભાગોળે કાટપીટિયાવાડમાં પારસી દીનશાહ ખરશેદજી નામના કાટપીટિયાની દુકાનમાં કોઈક ઈંધણ કે તેલ-ધૂપેલ ઊકળતાં ભડકો થયો. તેમાં માળિયા પરનું ઘાસ સળગી ઊઠ્યું. આગ ચારે તરફ ફેલાઈ. બજારમાં ચોતરફની દુકાનો સળગવા લાગી. દુકાનોમાં રહેલા તેલ-ધૂપેલ, તેજાબ, ગંધક, દિવેલ વગેરેએ આગને વધારે ભડકાવવાનું કામ કર્યું.

સાંજ પડતાંની સાથે રૂવાળો ટેકરો, કંસારાવાડ, બુંદેલાવાડ, હરિપરા આગની ચપેટમાં આવી ગયા. આગના ભડાકા 20 માઇલ દૂર સૂધી દેખાયા. સુધરાઈના બંબા કામ આપી શક્યા નહીં. કેટલાક પીપ ધરાવતા બંબા પણ બળી ગયા. એથી આગ ઓલવવા માટે છેક વડોદરાથી બંબો મંગાવવો પડ્યો.

માલસામાન ખસેડવાના એક ગાડાના 20 રૂપિયા અને એક પેટી ઊંચકવાના બે રૂપિયા બોલાયા. કંઈ કેટલા લક્ષાધિપતી અચાનક રોડ પર આવી ગયા. પાંચ પાંચ ઘરના માલિકોને રહેવા મકાન ન રહ્યું.

'સૂરત સોનાની મૂરત'માં ઉલ્લેખ છે તે પ્રમાણે આ આગમાં 4 હજાર મકાનો બળીને ખાખ થઈ ગયાં. આ આગ ટાઢી પડી ત્યાં બીજા દિવસે બપોરે 11 કલાકે સલાબતપરામાં આગ લાગી અને ત્યાં પણ 50 ઘરો બળી ગયાં. આ આગ ઓલવાઈ એટલે એ જ દિવસે સગરામપરામાં એક ભંડારીના ઘરે આગ લાગી. એ આગ રુસ્તમપરાના પારસીવાડમાં પ્રસરી. પારસીઓનાં આઠ ઘર, ભંડારી, મુસ્લિમો અને ખત્રીનાં કુલ 40 ઘરો બળીને ખાખ થઈ ગયાં.

આ આગોના અહેવાલોથી મુંબઈના ગવર્નર લૉર્ડ રૅ પણ સુરત આવી પહોંચ્યાનો ઉલ્લેખ વિવિધ પુસ્તકોમાં મળી આવે છે.

વિવિધ પુસ્તકોમાં ઉલ્લેખ છે કે આ આગના વધેલા બનાવોને કારણે લોકોમાં અફવા ફેલાઈ હતી કે 'માતાજી કોપાયમાન થયાં છે અને તેને કારણે આ આપદા આવી' છે.

આ બધી અન્ય નાની-મોટી આગો મળીને કુલ 2000 જેટલાં ઘરો અને દુકાનો સળગી ગઈ. સૂરત સોનાની મૂરત પુસ્તકમાં તેને કારણે મકાનોને 15 લાખનું નુકસાન થયું હોવાનો અને માલમતાનું કુલ નુકસાન 30 લાખનું થયાનો ઉલ્લેખ છે.

ડૉ. મોહન મેઘાણી લખે છે, "સુરત સુધરાઈની માહિતી પ્રમાણે 1869થી લઈને 1900 દરમિયાન સુરતમાં આગની નાની-મોટી 121 ઘટના બની હતી. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કંપની સરકારના શાસન દરમિયાન શહેરનું આ પ્રકારની કુદરતી આફતો સામે લોકોનું રક્ષણ કરવા માટેનાં કોઈ સાધનો નહોતાં."

પારસીઓની સખાવત

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1670ના સમયના સુરતનું એક ચિત્ર

સુરતમાં લાગેલી આગને કારણે જ્યારે હજારો લોકો બેઘર થયા ત્યારે અહીંના પારસી સમુદાયના લોકોએ તેમને ઘણી મદદ કરી હતી.

એક તરફ એ વાત પણ સાચી હતી કે આગને કારણે જે પારસી સમુદાયના લોકોને પણ ઘણું નુકસાન થયું હતું, છતાં પારસીઓ આ આગના પીડિતોના વ્હારે આવ્યા હતા અને તેમને માટે નાણાની કોથળી છૂટી મૂકી દીધી હતી.

30મી એપ્રિલ, 1837ના રોજ મુંબઈના સમાચાર(આજનું મુંબઈ સમાચાર) વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે આ આગને કારણે લોકો આસપાસનાં ગામોમાં વસ્યા હતા. જેઓ શહેરમાં હતા તેમને બહમનજી મનચેરજી ભાવનગરી, મહેરવાનજી હોરમજી ફારેજરવાલા, મરહુમ શેઠ બરજોરજી એંટીના પુત્રો, ખાનસાહેબ અરદેશર ધનજીશાહ બહાદૂર, ભણશાલીજી માણેકચંદ રૂપચંદ જેવા કેટલાક સેવાભાવી લોકોએ લાચાર લોકોને ખોરાક અને વસ્ત્ર પૂરાં પાડ્યાં હતાં.

પારસીઓએ તેમની ધર્મશાળા આ નિરાધાર બનેલા લોકો માટે ખોલી દીધી હતી. મુંબઈના શેઠીયાઓ અને વ્યાપારીઓએ એક લાખ રૂપિયાની રકમ મોકલી હતી. જેમાં પણ પારસી દાતાઓનાં નામો મોખરે હોવાનું વિવિધ પારસી દસ્તાવેજોમાં નોંધાયું છે.

શેઠ જમશેદજી જીજીભોઈએ પોતાના ખર્ચે મોટી રકમની ખોરાકી સામગ્રી, કપડાં અને રોકડ નાણું ગરીબોમાં વહેંચવા માટે ખાસ વહાણ મુંબઈથી સુરત રવાના કર્યું હતું.

કોટવાળ સામે કેસ

સુરત, આગ, અગ્નિકાંડ, 1837, પારસી, અંગ્રેજ, ઇસ્ટ ઇન્ડિયા કંપની, વાડીફળિયા, ભાગળ, ચકલા, રુસ્તમપરા, હરિપરા, મછલીપીઠ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ, ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં આરબો અને પોર્ટુગીઝો વચ્ચેની લડાઈ (ફાઇલ ફોટો)

સુરતમાં લાગેલી આ આગ બાદ તરત જ 21મી ઑગસ્ટ, 1837માં તાપીમાં ભયાનક પૂર આવ્યું. ત્રણ દિવસ પછી પાણી ઊતર્યાં. એ રેલ અકળામણમાંથી લોકોનો જીવ હેઠો બેઠો નહીં ત્યાં તો પાંચ દિવસ રહીને 29મી તારીખે ફરી પૂર આવ્યાં. તારીખ 1 સપ્ટેમ્બરે પાણી સ્થિર થયાં.

વર્ષ 1837 પહેલાં અને બાદમાં અનેક આપદાઓનો ભોગ બન્યું હતું. તે વખતે સુરતના રક્ષણ અને વહીવટની જવાબદારી આરદેશર ધનજીશા કોટવાલ બહાદુર નામના પારસીની હતી. તેઓ અંગ્રેજ નિયુક્ત કોટવાળ હતા.

ડૉ. મધુકર જણાવે છે, "આરદેશર કોટવાળ પર શહેરના રક્ષણની જવાબદારી હતી. પંરતુ જે પ્રકારે રેલ અને આગ જેવી દુર્ઘટનાઓ ઘટી અને જાન-માલની હાનિ થઈ તેને કારણે અંગ્રેજો તેમનાથી નાખુશ થયા અને તેમની સામે કેસ કર્યો"

તેમના પર પાંચ લાખનું દેવું થઈ ગયું હતું. તેમના અને સુરતના નવા નિમાયેલા ન્યાયાધીશ રૉબર્ટ ડૅવિસ લ્યૂઅર્ડને આરદેશર સાથે સંબંધો સારા નહોતા. તેથી તેમના પર આરોપ લાગ્યો કે સુરતની હરગોવનદાસ નાખુભાઈની પેઢીના વારસદારો પર પોતાનું દેવું માંડવાળ કરવા માટે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. તેમના પર કેસ ચાલ્યો અને છેવટે તેઓ નિર્દોષ સાબિત થયા હતા.

આ મામલાનો ઉલ્લેખ 'ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ' નામના ગુજરાત સરકારના સુરત જિલ્લા અંગેના ગ્રંથમાં અને 'ઓગણીસમી સદીનું સૂરત' પુસ્તકમાં જોવા મળે છે.

આ પુસ્તકમાં લખ્યું છે, "આરદેશર કોટવાળે આપત્તિના સમયે શહેરની સારી સેવા કરી. સુરતના ન્યાયાધીશ લ્યૂરઆર્ડે તેમની સામે મુકદમો જાહેર કરેલો. જે 'ગ્રેટ સુરત કેસ' તરીકે ઓળખાય છે. જેમાં આરદેશર નિર્દોષ જાહેર થયા હતા. 1846માં તેઓ નિવૃત્ત થયા છતાં 1848ની આગ અને 1849ની રેલમાં તેમણે માનદ સેવા આપી હતી. 1856માં તેમનું અને 1859માં તેમના પુત્ર જહાંગીરનું અવસાન થયું."

આરદેશર ધનજીશા કોટવાલ બહાદુરની કારકિર્દીનાં અંતિમ વર્ષો આર્થિક દૃષ્ટિએ થોડાં દુ:ખદાયક રહ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.