આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ ભારતમાં કેવી પ્રતિક્રિયા આવી?

બીબીસી ગુજરાતી ભારત ઈરાન અમેરિકા આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત પછી શ્રીનગરમાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના પગલે ભારતમાં અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.

ખામેનેઈના મૃત્યુ પછી કાશ્મીર અને લખનૌમાં વિરોધપ્રદર્શન થયાં છે. દેશના કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ આ મૃત્યુ પર અફસોસ વ્યક્ત કર્યો છે.

લખનૌમાં એક પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે "તેમણે ખામેનેઈને દગાથી માર્યા છે. એક ખામેનેઈ માર્યા ગયા છે તો હજારો ખામેનેઈ પેદા થશે."

શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે "આ સદીની સૌથી દુખદ ઘટના છે જેમાં દબાયેલાં-કચડાયેલા લોકો માટે અવાજ ઉઠાવનાર મહાન હસ્તિ ચાલ્યા ગયા છે."

તેમણે કહ્યું કે "સૌથી મોટા સુપરપાવરે તેમને ઝુકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ક્યારેય પોતાનું માથું ઝુકાવ્યું નહીં."

ભારતની પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી ભારત ઈરાન અમેરિકા આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ મોદી ગયા અઠવાડિયે જ ઇઝરાયલની મુલાકાતે ગયા હતા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોડી રાત્રે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. બંને નેતાએ વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે તેમણે તાજેતરની પરિસ્થિતિ પર ભારત તરફથી ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.

વડા પ્રધાન મોદીએ શક્ય એટલી વહેલી તકે સંઘર્ષ રોકવાની જરૂરિયાત પર ફરી ભાર મૂક્યો.

અગાઉ રવિવારે રાત્રે, વડા પ્રધાને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પણ વાત કરી.

વડા પ્રધાન મોદીએ યુએઇ પરના હુમલાઓની નિંદા કરી અને યુએઇમાં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો આભાર માન્યો.

તો ભારતના વિદેશ મંત્રાલયે શનિવાર, 28 ફેબ્રુઆરીના રોજ એક નિવેદન બહાર પાડીને ખાડી ક્ષેત્રની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "ઈરાન અને ખાડી ક્ષેત્રમાં તાજેતરની ઘટનાથી ભારત ખૂબ ચિંતિત છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ન વધારવા અને સામાન્ય લોકોની સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરીએ છીએ."

"તણાવ ઓછો કરવા અને સંબંધિત મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિને આગળ રાખવી જોઈએ. બધા દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઈએ."

'સમગ્ર મુસ્લિમ સમુદાય માટે દુઃખનો દિવસ'

બીબીસી ગુજરાતી ભારત ઈરાન અમેરિકા આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લખનૌમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપતી મહિલા

ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયાના ચૅરમૅનન અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કાર્યકારી સભ્ય ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કે "ઈરાન એક સ્વતંત્ર દેશ છે અને તેના પર જે રીતે હુમલો થયો તે તમામ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. અમે તેની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ."

લખનૌમાં શિયા ધર્મગુરુ મૌલાના યાસુબ અબ્બાસે કહ્યું કે "અમેરિકા અને ઇઝરાયલે મધ્ય-પૂર્વને યુદ્ધમાં ધકેલી દીધું છે. સમગ્ર મુસ્લિમ સમુદાય માટે આ દુખદ દિવસ છે, કારણ કે ઈરાનના સર્વોચ્ચ નેતાએ હંમેશાં તમામ મુસ્લિમો માટે વાત કરી હતી."

શિયા સમુદાયના નેતા સૈયદ સમર કાઝમીએ કહ્યું કે "અમે કોઈ નેતા ગુમાવ્યા હોય એવું આ પહેલી વખત નથી. પરંતુ અમે અમારા વ્હાલા નેતાના મૃત્યુને નહીં ભૂલીએ. અમે અમારી પેઢીઓને જણાવશું કે કઈ રીતે અમેરિકા અને ઇઝરાયલે દગાથી અમારા નેતાને મારી નાખ્યા."

તેમણે કહ્યું કે "તેમને માત્ર એટલા માટે મારી નાખવામાં આવ્યા કારણ કે તેમણે પેલેસ્ટાઈનમાં થઈ રહેલી હત્યાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે દુનિયા ચૂપ હતી."

રાજકીય નેતાઓએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત ઈરાન અમેરિકા આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમ્મુ -કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ

ખામેનેઈના મૃત્યુ અંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તમામ સમુદાયોને શાંત રહેવા, શાંતિ જાળવવા અને તણાવ વધે એવું કોઈ કામ ન કરવા સલાહ આપી છે.

તેમણે કહ્યું કે "જમ્મુ કાશ્મીરમાં જે લોકો શોક મનાવે છે તેમને શાંતિથી શોક મનાવવા દેવો જોઈએ. પોલીસ અને વહીવટી તંત્રે સંયમ રાખવો જોઈએ."

પીડીપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે "આજે ઇતિહાસમાં બહુ દુખદ અને શરમજનક વળાંક આવ્યો છે. ઇઝરાયલ અને અમેરિકા ઈરાનના પ્રિય નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પર શેખી મારી રહ્યા છે."

તેમણે કહ્યું કે "આનાથી પણ વધારે શરમની વાત એ છે કે મુસ્લિમ દેશો ખુલ્લેઆમ અથવા ચૂપ રહીને આનું સમર્થન કર્યું છે. તેમણે પોતાના અંતરાત્માના બદલે સુવિધા અને ફાયદા પર ધ્યાન આપ્યું છે."

અખાતમાં વસતા ભારતીયો અંગે ચિંતા

બીબીસી ગુજરાતી ભારત ઈરાન અમેરિકા આયતુલ્લાહ અલી ખામેનેઈના મોત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પીડીપીનાં નેતા અને જમ્મુ -કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી

જમ્મુ અને કાશ્મીરના ધર્મગુરુ મીરવાઇઝ ઉમર ફારુકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે "અમેરિકા અને ઇઝરાયલના હાથે આયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈની ક્રૂર હત્યા પર ઘેરું દુઃખ અને ગુસ્સો છે, જેણે મુસ્લિમ વિશ્વને હચમચાવી નાખ્યું છે. જમ્મુ અને કાશ્મીરના લોકો આ ક્રૂરતા અને ઈરાન સામે ચાલી રહેલા હુમલાઓ તેમજ મીનાબમાં નિર્દોષ છોકરીઓના હત્યાકાંડની સામૂહિક રીતે નિંદા કરે છે."

દરમિયાન, જનતા દળ યુનાઇટેડના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ કહ્યું, "દેશના ઘણા લોકો ગલ્ફમાં વસવાટ કરે છે. અમને ત્યાંથી ઘણા બધા ફોન આવી રહ્યા છે. આજે સવારે મુખ્યમંત્રી (નીતીશ કુમાર) એ કહ્યું કે તેમણે વિદેશ મંત્રી સાથે વાત કરી છે. બધા ઍરપોર્ટ બંધ છે, તેથી લોકોએ ઘરની અંદર રહેવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન