ગુજરાતના નકશા પર સુરતનો સૂર્યોદય કેવી રીતે થયો? શહેરની સ્થાપનાની ઐતિહાસિક કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરત શહેર તાપીના કિનારે આવેલું છે. સ્થાનિકો આ નદીને 'સૂર્યપુત્રી' તરીકે ઓળખે છે. એક સમયે સુરત 'સૂરજપુર' તરીકે ઓળખાતું હતું.
હાલમાં રાંદેર એ સુરતનો પરા વિસ્તાર છે, પરંતુ સુરતનો સૂર્યોદય થયો તે પહેલાં રાંદેરએ વેપારવાણિજ્યનું કેન્દ્રબિંદુ હતું. ઉત્તર ગુજરાતનો એક વેપારી દક્ષિણમાં પહોંચ્યો, આજના સુરતનો પાયો નાખ્યો.
શહેરના સ્થાપકના પતન પાછળ એકતરફી આકર્ષણ નિમિત્ત બન્યું હતું તો આ જ શહેરનું નામ 'સુરતા' નામનાં મહિલા સાથે પણ જોડવામાં આવે છે, જેની આગવી પ્રેમકથા હતી.
વિશ્વના નકશા ઉપર નજર કરતાં વધુ બે 'સુરત' દેખાશે, જેનો સંબંધ દક્ષિણ ગુજરાતના આ શહેર સાથે નીકળી આવે છે.

રાંદેરનો અસ્ત, સુરતનો ઉદય

ઇમેજ સ્રોત, Getty Images
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.
કુતુબદ્દીનના હુમલા સમયે સુરત હિંદુ સામંતના તાબા હેઠળ હતું, જેનું મુખ્યમથક કામરેજ પાસે હતું.
હુમલા પછી આ સામંતે સુરતના બગીચામાં આશરો લીધો હતો. પ્રતિકાર કરવાનું અશક્ય જણાતા તેણે ઐબક સમક્ષ સમર્પણ કરી દીધું. એ પછી ઐબકે એ સામંતને કામરેજમાં પુનઃસ્થાપિત કર્યો.
ઈ.સ. 1225 આસપાસ કૂફાના આરબો રાંદેર આવ્યા અને શહેરના જૈનોને પોતાને અધીન કર્યા અને અહીંના શાસક બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિરંગી પ્રવાસી દુઆરતે બાર્બોસાના વિવરણને ટાંકી પ્રો. મૌલાના સૈયદ અબુ ઝફર નદવી (ગુજરાતનો ઇતિહાસ, પેજ નંબર 64) પર લખે છે કે :
'અહીંના નિવાસીઓ સમૃદ્ધ વેપારી અને સાહસિક દરિયાખેડૂ છે. તેઓ મલ્લાકા, (સમૂદ્રધૂની જેની સાથે વર્તમાન સમયના સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ જોડાયેલા છે) ચીન, તેનાસરિમ (હાલનું બર્મા), પેગુ (હાલના બર્માનો વિસ્તાર) સાથે તેજાના, રેશમ, કસ્તુરી, ચિનાઈ માટીનાં વાસણ તથા અન્ય ચીજોનો વેપાર કરે છે. અહીંની મહિલાઓ ખૂબ સુંદર છે અને તે પડદો નથી પાળતી. તેમના ઘર સુંદર રીતે સુશોભિત છે અને તેમના બેઠકખંડોમાં સુંદર ચીની કારીગરી જોવા મળે છે. આ આરબોને 'નવાયાત' તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંસ્કૃત મતલબ નવા આયાત થયેલા એવો થાય છે.'
પ્રો. નદવી અબુરીહાન બીરૂનીને (ઈ.સ. 1031) ટાંકતાં લખે છે કે ભરૂચ અને રાહનજોર (રાંદેર) આ મુલ્કના પાયતખ્ત (મોટાં બંદર) ખૂબ જ રોનકદાર હતા.
અહીં આરબ ઉપરાંત અફઘાન ઉપરાંત તૂર્ક પણ રહેતા, જેઓ ઉત્તર ભારતમાંથી અહીં આવીને વસ્યા હતા. જોકે, તેમનો ઝોક વેપાર તરફ ન હતો.
16મી સદીમાં પોર્ટુગીઝોના વારંવારના આક્રમણને કારણે રાંદેરના નિવાસીઓ હિજરત કરી ગયા. રાંદેરના પતનમાં સુરતના વિકાસનો પાયો નખાયો હતો.

સુરતનો 'મલિક' ગોપી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયર (સુરત ડિસ્ટ્રિક્ટ, પેજ નંબર 82-83) મુજબ, 12મી સદી સુધી આરબ અને પર્શિયન લેખકોના વિવરણમાં સુરતનો ઉલ્લેખ જોવા નથી મળતો.
હાલના સુરતની આસપાસ 'સૂર્યપુર'નું અસ્તિત્વ હોવાનો ઉલ્લેખ અણહિલવારાની સૈન્યટુકડીના લાટ અભિયાન દરમિયાન મળે છે.
આ સિવાય અલગ-અલગ વિવરણોમાં 'સુબારા' (મતલબ કે સારું બારું અથવા બંદર), 'સુરબાયા', 'સુફારા' (ફારાનો અરબી અર્થ છે સુંદર) જેવાં નામોનો ઉલ્લેખ જોવા મળે છે. જે વર્તમાન સમયના સુરતના સ્થાને કે તેની આસપાસ આવેલા હશે એવું માનવામાં આવે છે.
1347માં મહમદ તઘલઘે જાતે આવીને ગુજરાતના બળવાને ડામ્યો હતો. આ અભિયાન દરમિયાન તેણે ખંભાત અને સુરતનો ધ્વંસ કર્યો હતો. તેણે ભીલોના હુમલાની સામે રક્ષણ માટે કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
1391માં ઝફરખાનને ગુજરાત મોકલવામાં આવ્યા, ત્યારે તેણે પોતાના દીકરા મસ્તખાનને રાંદેર અને સુરત મોકલવામાં આવ્યા, ત્યારે તેની ખાસ વસતિ ન હોવાનો ઉલ્લેખ મળે છે.
જોકે, તમામ ઇતિહાસકારો એક વાતે સહમત (ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયર, સુરત ડિસ્ટ્રિક્ટ, પૃષ્ઠ ક્રમાંક 83-84) છે કે હાલના સમયના સુરતની સમૃદ્ધિનો પાયો 15મી સદીના અંત ભાગમાં ગોપી મલિક નામના સમૃદ્ધ વેપારી દ્વારા નંખાયો હતો. મૂળ વડનગરના બ્રાહ્મણને બાદશાહ દ્વારા 'મલિક'નો ઇકલાબ આપવામાં આવ્યો હતો એટલે તેના નામ સાથે એ શબ્દ જોડાયેલો રહ્યો હતો.
પોર્ટુગીઝ ઉલ્લેખો પ્રમાણે, સુલતાન મુઝ્ઝફરશાહ દ્વિતીયના સમયમાં ગોપી મલિક સુરત અને ભરૂચના સૂબેદાર હતા. જોકે, મહમદ બેગડાના સમયથી જ દરબારમાં તેનો દબદબો હતો. સુરતમાં ગોપીનું ઘર ખૂબ જ વિશાળ હતું, જેમાં બગીચો હતો. આ સિવાય તેણે અનેક વેપારીઓને આ નવી જગ્યાએ આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


ઇમેજ સ્રોત, Getty Images
ગોપી મલિકનાં પત્ની 'રાણી' તરીકે ઓળખાતાં. તેમના નામ પરથી જ 'રાણીચકલા' નામનો વિસ્તાર બન્યો અને 'રાણીતળાવ'નું બાંધકામ કરાવ્યું.
આ નવા શહેરનું કોઈ નામ ન હતું અને તે માત્ર 'નવી જગ્યા' તરીકે ઓળખાતું. નવા શહેરના નામ માટે ગોપી મલિકે જ્યોતિષીઓની સલાહ લીધી હતી, જેમણે 'સૂરજ' નામ સૂચવ્યું હતું. નવા નામ સાથે ગોપી મલિકે સુલતાનનો સંપર્ક સાધ્યો. પરંતુ પોતાના અધીન નવા શહેરનું નામ સંપૂર્ણપણે હિંદુ હોય તેવું સુલતાનને પસંદ નહીં આવ્યું હોય, એટલે તેમણે નવા શહેરના નામમાં સહેજ ફેરફાર કરીને 'સુરત' કર્યું.
ગોપી મલિકે પોતાના નામથી વસાહત બનાવડાવી હતી, જે આજે 'ગોપીપુરા' તરીકે ઓળખાય છે. હાલનું ગોપી તળાવ પણ તેણે જ બનાવડાવ્યું હતું, જેનું નિર્માણકાર્ય 1516માં પૂર્ણ થયું હતું.
ફિરંગી પ્રવાસીઓએ તેમના વિવરણમાં લખ્યું છે કે 'આ તળાવ ખૂબ જ મોટું છે અને ઉનાળામાં પણ તેનું પાણી સુકાતું નથી.'
નવું નામ ઈ.સ. 520માં અમલમાં આવ્યું હોવાનું કહેવાય છે, જોકે તેનું નામ વર્ષોથી પ્રચલિત હોવું જોઈએ, કારણ કે બાર્બોસાના ઈ.સ. 1514નાં લખાણોમાં પણ 'સુરત'નો ઉલ્લેખ જોવા મળે છે.
ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસકાર રત્મણિરાવ જોટેએ (ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ-3, પૃષ્ઠ ક્રમાંક 688-689) ગોપી મલિકનાં ઘર ચાંપાનેર, વડોદરા અને અમદાવાદમાં પણ હતાં, ગોપી વડનગરના નાગર બ્રાહ્મણ હોવાની શક્યતાને સ્વીકારે છે, પરંતુ ગોપીનાથ સાથે 'નાયક' જોડીને તે અનાવિલ બ્રાહ્મણ હોવાની સંભાવનાને સદંતર નકારે છે.

નામ એક, કહાણી અનેક

ઇમેજ સ્રોત, TWITTER/GUJARATTOURISM
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 84) પર શહેરના નામની શક્યતા, લોકવાયકા અને માન્યતાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે મુજબ:
'સૂરજ' નામનાં મહિલા રાંદેરના સમૃદ્ધ સોદાગરનાં ઉપપત્ની હતાં. એક વખત સૂરજ અને વેપારીની વચ્ચે ઝઘડો થઈ ગયો. આથી સૂરજે મક્કાની હજે જવાનું નક્કી કર્યુ. રાંદેરથી એકાદ માઇલ નીચે માછીમારી ઉપર નભતા વિસ્તારમાં તેણે પડાવ કર્યો હતો. અહીં તેમણે એક બ્રાહ્મણ વિધવાને કામે રાખ્યાં.
'સૂરજ'ને આ મહિલા વિશ્વાસુ અને ઇમાનદાર જણાયાં. આથી, તેણે હજ પર જતાં પહેલાં પોતાના દાગીના અને કિંમતી સામાન આ બ્રાહ્મણ વિધવા મહિલાને સાચવવા માટે આપ્યો. હજ કરીને 'સૂરજ' પરત ફર્યાં, ત્યારે તે વિધવા મહિલાએ તમામ કિંમતી સામાન હતો એવો પરત કરી દીધો.
હવે 'હાજી સુરત'નું મન સાંસારિક ચીજવસ્તુઓમાંથી ઊઠી ગયું હતું. તેણે વિધવા મહિલા તથા તેના પુત્રને તમામ ચીજવસ્તુઓ રાખવા માટે કહ્યું, પણ અપેક્ષા રાખી કે એવું કંઈક કરવામાં આવે કે જેથી કરીને તેમનું નામ જળવાઈ રહે. આ પુત્ર એટલે ગોપી. એ મહિલાને કારણે તેઓ નવા શહેરને 'સૂરજપુર' એવું નામ આપવા માગતા હતા.
અન્ય એક કહાણી મુજબ, કોન્સ્ટેન્ટિનોપલનાં સમ્રાટના હરમમાં 'સુરતા' નામનાં સ્ત્રી હતાં. એ શહેરના પ્રસિદ્ધ સોદાગરને ખાતર સુરતાએ સુલતાનનું હરમ છોડી દીધું. બંને ગુજરાત નાસી આવ્યાં. અહીં રાંદેર પાસેના એક ગામડામાં તેમની હોડી ફસાઈ ગઈ. તેઓ ત્યાં જ રહી ગયાં અને વેપારમાં કાઠું કાઢ્યું. આગળ જતાં આ ગામડું નગર બન્યું અને તે સુરતાના નામ પરથી ઓળખાવા લાગ્યું.
સુલતાનના કહેવાથી 'સુરત' નામ કરવામાં આવ્યું હોવાની વાતને જોટે (ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ-3, પૃષ્ઠ ક્રમાંક 688) નકારે છે.

મલિકનું દર્દનાક મોત

ઇમેજ સ્રોત, HERITAGE IMAGES
ગોપીની જેમ જ અયાઝ નામની વ્યક્તિ સુલતાનના દરબારમાં 'મલિક' હતી. મૂળ અર્મેનિયામાં જન્મેલ આ શખ્સને ગુલામ તરીકે વેચવામાં આવ્યો હતો અને તે સુલતાનના દરબારમાં પહોંચ્યો હતો. અહીં પોતાની કાબેલિયત અને વીરતાના જોરે તે 'મલિક' બન્યો હતો.
એ સમયે વિદેશ વ્યાપાર માટે સુરતથી નીકળતા હિંદુ અને મુસ્લિમ જહાજોને પોર્ટુગીઝ ચાંચિયા લૂંટી લેતા. આ દરિયાઈ લૂંટારાને તેમની સરકારનું સમર્થન હાંસલ હતું. આથી, વેપારીવૃત્તિના ગોપી મલિકને લાગતું હતું કે પોર્ટુગીઝોની સાથે સારા સંબંધ રાખીને આગળ વધવું જોઈએ, જ્યારે નૌકાદળનો વડા અયાઝનો મિજાજ લડાયક હતો. આવામાં એક ઘટના ઘટી જે ગોપીના મલિકના મોતનું નિમિત્ત બની.
ઐતિહાસિક લખાણોના આધારે જોટે સંપાદિત ઉપરોક્ત પુસ્તકમાં (પેજનંબર 689-690) ગોપીના પતનના કારણ માટેનું વિવરણ મળે છે. જે મુજબ:
ગોપીનાથે અનેક સુંદર વારાંગનાઓ ભેગી કરી હતી. તેનાં નાચ અને મિજબાની શોખથી માણતો. એમાં 'ધાર' નામની વારાંગના ખૂબ જ સુંદર હતી. ગોપીના ઘરમાં નાચ અને મિજબાની હોય ત્યારે તેના ઘરમાં ગુલાબના એટલા ઢગલા થતા કે શહેરમાં ગુલાબ મળતા નહીં.
અહમદ ખાન નામનો શખ્સ સુલતાનનો સગો થતો. તે 'ધાર' નામનાં વારાંગનાનાં વખાણ સાંભળીને જ તેને જોયા વગર જ તેના ઉપર મોહિત થઈ ગયો હતો. આવા જ એક કાર્યક્રમ સમયે અહમદ ખાન મશાલચીનો વેશ ધારણ કરીને ગોપીનાથના ઘરમાં પહોંચી ગયો હતો.
આ વાતની જાણ થતાં ગોપીએ આમંત્રણ વગર પહોંચેલા અહમદ ખાનને માર મરાવ્યો, પણ વિવેક ખાતર કહ્યું કે જો પહેલાં ખબર મોકલાવી હોત તો તમને નિમંત્રણ આપીને માનથી બોલાવત. ગોપીએ પાલખીમાં બેસાડીને અહમદ ખાનને ઘરે પહોંચાડ્યો, પરંતુ મારથી તેનું અવસાન થયું.
અહમદ ખાનનાં સગાંએ આ વાતની સુલતાનને ફરિયાદ કરી અને એક રાત્રે રસ્તામાં માર મારીને તેને ઘાયલ કર્યો. સ્થાનિક કોટવાલે સુલતાનને જાણ કરીને ગોપીને ખાસ માર લાગ્યો ન હોવાનું જણાવ્યું. સુલતાનને લાગ્યું કે આ છંછેડાયેલા સર્પને જીવતો રાખવો ઠીક નથી એટલે એના ઘરબારને લૂંટી લેવાનો આદેશ આપ્યો.
ગોપીને કેદ કરીને દરબારમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં બંદીવાને પોતાની ઉન્નતિ સુલતાન અને તેમના પિતા થકી હોવાની અને બધું તેમનું જ હોવાની રજૂઆત કરીને બચાવ માટે આજીજી કરી. પરંતુ આ શબ્દોની સુલતાન પર કોઈ અસર ન થઈ અને (પેજનંબર 690) 'આ હિંદુને કારણે મુસલમાનોને ઘણો ત્રાસ થયો છે એટલે તેને મારી નાખવો. એ પછી તેને કૂતરાના મોતે મારી નાખવામાં આવ્યો.'
બીજી તરફ અયાઝ મલિકના મૃત્યુ પછી સુલતાને પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની મંજૂરી આપી દીધી હતી. ડિસેમ્બર-1961 સુધી તે ફિરંગીઓના તાબા હેઠળ રહ્યો હતો. દમણ અને ગોવાની સાથે આ વિસ્તાર ભારતમાં ભળ્યો હતો.
સુલતાન અને પોર્ટુગીઝને મન ગોપી મલિકની અલગ-અલગ જરૂરિયાત હતી અને કદાચ એટલે જ બંનેએ તેનો ઉલ્લેખ પોત-પોતાની રીતે કર્યો છે.
1611માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ 'મિરાતે સિકંદરી'માં સિકંદર ઇબ્ને મોહમ્મદ મંજુએ મલિક ગોપીની નિંદા કરતાં લખ્યું છે કે 'તે મુસ્લિમો પ્રત્યે અવિશ્વાસ ધરાવતો પોર્ટુગીઝોનો વિશ્વાસુ માણસ હતો.'
જોકે અલ્બુકર્કે તેની 'કૉમેન્ટરીઝ'માં લખ્યું છે, "સુલતાન મુઝફ્ફરશાહ માટે ગોપીની કીર્તિ અને દોલત જીરવવી મુશ્કેલ હતી અને તે કારણથી ગોપી 'સલ્તનત કોર્ટમાં દુશ્મનરૂપ' થઈ પડ્યો હતો. મલિક ગોપીના જીવનનો 1515માં આ રીતે કરુણ અંજામ આવ્યો હતો."

વિશ્વના નક્શા પર ત્રણ 'સુરત'

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના નક્શા ઉપર તમને વધુ બે 'સુરત' જોવા મળી જશે, જેનો સંબંધ દક્ષિણ ગુજરાતના શહેર સાથે છે. એકે થાઇલૅન્ડમાં આકાર લીધો છે, તો બીજું ઑસ્ટ્રેલિયામાં છે.
વર્ષ 2015માં થાઇલૅન્ડના તત્કાલીન સિયામ રાજા વજ્રવધે (રામ ષષ્ઠમ) ભારત આવ્યા હતા. તેઓ સુરતથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તા. 29 જુલાઈ 1915ના રોજ 'ચાયા' શહેરને 'સુરત થાની' નામ આપ્યું હતું, જેનો મતલબ 'સારા લોકોનું શહેર' એવો થાય છે.
બરાબર એક મહિના પછી 'ફુમ દુઆંગ' નદીને 'તાપી' નામ આપ્યું હતું. બંને શહેર નદીકિનારે વસેલાં છે, જે સાગરમાં જઈને ભળે છે, આ સમાનતાને કારણે આ નામ આપ્યું હોવાનો તર્ક તત્કાલીન રાજાએ આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના બ્રિસબનથી 450 કિલોમીટર પશ્ચિમે સુરત નામનો ગ્રામીણ વિસ્તાર આવેલો છે. અંગ્રેજ સાહસિક થોમસ મિચેલ સૌ પહેલાં અહીં પહોંચ્યા હતા. 1850માં જેમ્સ બુરોવ્સે આ વિસ્તારના સર્વેનું કામ હાથ ધર્યું હતું.
જેમ્સે ભારતમાં પોતાના ગૃહશહેરના નામ પરથી ઑસ્ટ્રેલિયાની બલોન નદીના કિનારે આવેલા આ વિસ્તારને 'સુરત' નામ આપ્યું હતું. એટલું જ નહીં, તેની ગલીઓ અને વિસ્તારોને પોતાના જ પરિવારજનોનાં નામ આપ્યાં હતાં.














