રાજકારણીઓના સ્થાને એન્જિનીયર્સને ગોઠવવા ઇચ્છતી ટેક્નોક્રેટિક ચળવળ શું હતી? તેનું શું થયું?

ટેક્નોક્રેટિક ચળવળ

ઇમેજ સ્રોત, COURTESY OF TECHNOCRACY INC.

    • લેેખક, પાઉલો રોસાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
રેડ લાઇન
  • વિજ્ઞાનીઓ તથા બુદ્ધિજીવીઓના જૂથે આ કાલ્પનિક વિશ્વની વિભાવના 1930 તથા 1940ના દાયકામાં વિકસાવી હતી
  • આ ટેક્નોક્રેસીમાં પ્રતિ સપ્તાહ 16 કલાક કામ કરવું પડે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
  • આ ટેક્નોક્રેસીના નિયમ મુજબ બધાએ કામ નહીં કરવું પડે, પરંતુ જેમણે જિંદગીની 25મા વર્ષે કામ કરવાનું શરૂ કર્યું હશે અને 45 વર્ષે નિવૃત્ત થશે.
  • એવી કલ્પના કરવામાં આવી કે બાકીના લોકોએ કોઈ ચિંતા કરવાની નહીં. તેમની આરોગ્ય, તાલીમ, મકાન અથવા અન્નની જરૂરિયાત સંતોષવામાં આવશે.
  • ટેક્નોક્રેસીના સિદ્ધાંત મુજબ પૈસાનું અસ્તિત્વ જ નહીં હોય. તેનું સ્થાન એનર્જી સર્ટિફિકેટ્સ લેશે. વસ્તુની કિંમત તેના ઉત્પાદનમાં જે ઊર્જાનો વપરાશ થયો હોય તેના પર આધારિત હશે.
  • આ વ્યવસ્થામાં એક એવી રાજકીય પ્રણાલી તરીકે કલ્પના કરાઈ કે, જેમાં નાગરિકો પોતાના પ્રતિનિધિ તરીકે જેમને ચૂંટી કાઢે તેમણે અદૃશ્ય થઈ જવાનું રહેશે. તેમાં કોઈ રાજકારણી કે બિઝનેસમેન નહીં હોય. તમામ નિર્ણય એન્જિનીયર્સ અને વિજ્ઞાનીઓ કરશે.
બીબીસી ગુજરાતી

“ટેક્નાટો”માં તમારું સ્વાગત છે. આ ટેક્નોક્રેટિક યુટોપિયા એટલે કે કાલ્પનિક વિશ્વની કલ્પના અમેરિકામાં મહામંદી ફેલાઈ પછી સ્વપ્નિલ લોકોએ કરી હતી અને તેના પડઘા સિલિકન વેલીમાં આજે પણ સાંભળવા મળે છે.

અલબત, ટેક્નાટો ક્યારેય અસ્તિત્વમાં આવી ન હતી, પરંતુ જે વિજ્ઞાનીઓ તથા બુદ્ધિજીવીઓના જૂથે આ કાલ્પનિક વિશ્વની વિભાવના 1930 તથા 1940ના દાયકામાં વિકસાવી હતી તેમજ તેના પાંચ લાખથી વધારે સભ્યો બનાવ્યા હતા, તેમણે ઉઠાવેલા સવાલ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

એ પૈકીની આ ધારણા તમને વધારે પરિચિત લાગશેઃ ટેક્નોક્રેટેસે વિચાર્યું હતું તેમ આધુનિકતા તથા તકનીકી વિકાસે વિપુલતાના નવા યુગના દરવાજા ખોલ્યા છે, પરંતુ તેની સાથે જંગી બેરાજગારી, પર્યાવરણની અધોગતિ, વધુ પડતી વસ્તી અથવા અસમાનતા જેવી સામાજિક સમસ્યાઓ પણ સર્જી છે.

ટેક્નાટોના પ્રભાવશાળી તથા રહસ્યમય સ્થાપક હાવર્ડ સ્કૉટના માનવા મુજબ, ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેનાં સાધનો વડે આ નવી દુનિયાનું સંચાલન એક ભૂલ સમાન હતું. તેઓ માનતા હતા કે લોકશાહીએ ઘણા અક્ષમ લોકોને સત્તાના સિંહાસને બેસાડ્યા છે અને તેમણે કરેલા ખોટા નિર્ણય સામાજિક વિનાશ તરફ દોરી ગયા છે.

તેઓ માનતા હતા કે આ સમસ્યાનું નિવારણ વિજ્ઞાનમાં છે. નવી ટેકનૉલૉજીકલ દુનિયાનો વહીવટ ઇજનેરો અને નિષ્ણાતોએ કરવાનો હતો. તેઓ રોજિંદી સમસ્યાઓ માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું પાલન સખત રીતે કરાવવાના હતા.

જોકે, તેનો તર્કવાદ (રેશનાલિઝમ) વધારે પડતો હતો. તેના સભ્યોએ ગ્રે રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં, તેમની કાર પણ આવા જ રંગની હતી અને કેટલાક તો પોતાના નામ નહીં, પરંતુ 1X1809X56 જેવા નંબરથી ઓળખાવતા હતા. તેઓ એકમેકનું અભિવાદન સેલ્યુટ વડે કરતા હતા. તેમને અન્યોના પ્રતિભાવની ચિંતા ન હતી. વિજ્ઞાન કથાઓના લેખક એચ જી વેલ્સ તેના પ્રશંસકો પૈકીના એક હતા.

આ ચળવળનું સત્તાવાર પ્રતીક મોનાદ એટલે કે લાલ અને શ્વેત રંગનું, યિન અને યાંગ જેવું વર્તુળ હતું. તે ઉત્પાદન અને વપરાશમાં સંતુલન દર્શાવતું હતું.

તેનો પ્રભાવ અમેરિકાની હદની બહાર કૅનેડા સુધી ફેલાયો હતો, જ્યાં જોશુઆ હલ્ડેરમેન નામના એક કાયરોપ્રેક્ટર તેનું નેતૃત્વ 1936થી 1941 સુધી કર્યું હતું.

જોકે, તેમનો મોહભંગ થયો હતો અને તેઓ આખરે દક્ષિણ આફ્રિકા ચાલ્યા ગયા હતા. 1971માં જન્મેલા તેમના પૌત્ર આજે મંગળ ગ્રહને ટેકનૉલૉજી આધારિત લોકતંત્ર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. તેમણે તેમના એક સંતાનનું નામ "X Æ A-12" રાખ્યું હતું. જે ટેસ્લા, સ્પેસ એક્સ અને ટ્વિટરના માલિક ઇલોન મસ્ક છે.

ગ્રે લાઇન

આમૂલ સંદર્ભ

ટેક્નોક્રેટિક ચળવળ

ઇમેજ સ્રોત, COURTESY OF TECHNOCRACY INC.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટેક્નોક્રેટિક ચળવળના વિચારને સમજવા માટે સૌપ્રથમ એ ઐતિહાસિક સંદર્ભને સમજવો જોઈએ, જેમાં તેનો જન્મ થયો હતો, જે સમગ્ર વિશ્વમાં આમૂલ ચળવળો માટેનું એક સાચું સંવર્ધન કેન્દ્ર છે.

પ્રથમ વિશ્વ યુદ્ધે અર્થવ્યવસ્થાના વિસ્તરણના માર્ગ મોકળો કરી આપ્યો હતો અને તેનો અંત ક્રેશ ઑફ 1929 તરીકે ઓળખાતી મંદી સાથે થયો હતો. એ સમયે નાણાકીય બજારો પડી ભાંગ્યા હતા અને અડધી દુનિયાના અર્થતંત્રો તેમાં સપડાઈ ગયાં હતાં. લાખો લોકો બેરોજગાર થઈ ગયા હતા.

ઈન્ટરનેશનલ ટેક્નોક્રસીના નિષ્ણાત અને જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઑફ ડાર્મસ્ટેટના પ્રોફેસર જેન્સ સ્ટેફેકે બીબીસી મુન્ડો સાથે વાત કરતાં કહ્યું હતું કે “ઉદાર મૂડીવાદનો અંત આવી ગયો છે અને હવે તે કામ કરશે નહીં, એવી સામાન્ય લાગણી ત્યારે પ્રવર્તતી હતી.”

એ વર્ષોમાં યુરોપમાં સામ્યવાદ અને ફાસીવાદ મજબૂત બન્યો હતો. તે આઇડિયાની અમેરિકામાં પ્રચાર પણ થવા લાગ્યો હતો. અમેરિકામાં પ્રવર્તમાન વિભાવનાઓ માટેની તમામ પ્રકારની વૈકલ્પિક ચળવળો કટોકટી તરફ દોરી ગઈ હતી.

‘ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન એઝ ટેક્નોક્રિટક યુટોપિયા’ પુસ્તકના લેખક સ્ટેફેક કહે છે કે “ટેક્નોક્રેટિક ચળવળને બહુ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. તેમણે વિચારેલું કે ટેક્નોક્રેસી મૂડીવાદ અને રાજકારણનું સ્થાન લઈ શકશે.”

તેની પૂર્વધારણામાં માર્ક્સવાદનાં લક્ષણો જોવાં મળતાં હોવાં છતાં, સામાજિક અને આર્થિક સમાનતા અથવા સર્વાધિકારવાદમાંના તેના ભરોસાને કારણે, લોકશાહીનો અંત લાવવાની તેની ઇચ્છાને કારણે આ ચળવળ પોતાને સામ્યવાદ, સમાજવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ઉદારમતવાદ કે મૂડીવાદ જેવા એ સમયના તમામ વાદથી વિપરીત જાહેર કરી હતી.

વાસ્તવમાં ચળવળના સભ્યોને રાજકીય પક્ષો સાથે સંબંધ રાખવાની મનાઈ હતી. તેના એક નેતા હાવર્ડ સ્કૉટે કહ્યું હતું કે “ટેક્નોક્રેસી વિજ્ઞાન પર આધારિત સરકાર હશે.”

ગ્રે લાઇન

હાવર્ડ સ્કૉટની વાત

હાવર્ડ સ્કૉટ

ઇમેજ સ્રોત, COURTESY OF TECHNOCRACY INC.

ઇમેજ કૅપ્શન, હાવર્ડ સ્કૉટ

હાવર્ડ સ્કૉટે 1919માં વિજ્ઞાનીઓ તથા ઇજનેરોના એક જૂથ સાથે મળીને ન્યૂ યૉર્કમાં ટેકનિકલ અલાયન્સની સ્થાપના કરી હતી, જે થોડાં વર્ષ જ ચાલ્યું હતું. બાદમાં જે ટેક્નોક્રેટિક ચળવળ તરીકે ઓળખાઈ તેનો પાયો ટેકનિકલ અલાયન્સમાં નંખાયો હતો.

તેનું ચોક્કસ સ્વરૂપ 1933માં ‘ટેક્નોક્રેસી ઈન્કોર્પોરેટેડ’ તરીકે આકાર પામ્યું હતું, ત્યારથી તે આ નામે ઓળખાય છે. તેની સ્થાપના ઉત્તર અમેરિકામાં સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે આમૂલ સુધારાને પ્રોત્સાહિત કરવાની શૈક્ષણિક તથા સંશોધન સંસ્થા તરીકે કરવામાં આવી હતી.

સ્કૉટ આ ચળવળનું, તેની શરૂઆતથી 1970માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી નેતૃત્વ કર્યું હતું. સ્વયં શિક્ષિત ઇજનેર સ્કૉટની તાલીમ બાબતે પાછળથી કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેમના વ્યક્તિત્વમાં ગજબનું ચુંબકીય આકર્ષણ હતું.

તેઓ 1.95 મીટરથી વધુ ઊંચા હતા અને તેમનો અવાજ ઘેરો, સત્તાવાહી હતો. ટેક્નોક્રેસી ઈન્કૉર્પોરેટેડના વર્તમાન ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર ચાર્મી ગિલક્રીઝ કહે છે કે “બુદ્ધિશાળી ન હોય તેવા લોકો માટે તેઓ દંભી હતા અને સ્ત્રીઓ પ્રત્યે અત્યંત દ્વેષભાવ રાખતા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે સ્ત્રીઓ કરતાં પુરુષો બહેતર છે.”

સ્કૉટને જાણતા લોકો તેમને સમજુ, બુદ્ધિશાળી અને પ્રસિદ્ધિ માટે તલપાપડ વ્યક્તિ માનતા હતા. પોતાની ચળવળની તાકાત વિશ્વના દેખાડવા માટે સ્કૉટે, તેઓ જેને ટોકન્સ તરીકે ઓળખાવતા હતા તે હજારો લોકોની શક્તિ સાથેનાં મોટાં કાર્યોની તરફેણ કરી હતી.

તેમાં કદાચ સૌથી વધુ કુખ્યાત કથિત ઑપરેશન કોલમ્બિયા હતું. તેમાં સેંકડો ગ્રે વાહનોએ અમેરિકાના વેસ્ટ કોસ્ટના લૉસ એન્જલસથી વૅનકુંવર સુધીના રૂટ પર કતાર લગાવી હતી.

નિષ્ણાતો દ્વારા શાસનનો વિચાર નવો ન હતો. પ્લેટો અગાઉ કહી ચૂક્યા હતા કે નિષ્ણાતો દ્વારા સંચાલિત સમાજ વધુ કાર્યક્ષમ હોય છે.

જેન્સ સ્ટેફેકના જણાવ્યા અનુસાર, કુલીન વર્ગ શાસન કરવાનું ચાલુ રાખી શકે નહીં, કારણ કે “ટેકનૉલૉજીની જટિલતા સાથે કેવી રીતે કામ પાર પાડવું એ જેઓ જાણતા નથી, તેમની પાસે તેનો કોઈ અનુભવ પણ નથી. તેથી પ્રગતિ માટે શાસનનું કામ નિષ્ણાતોને સોંપી દેવું જોઈએ,” એવી દલીલ 19મી સદીમાં ફિલસૂફ હેનરી ડી સેન્ટે કરી ત્યારે ફ્રાન્સમાં સૌપ્રથમ ટેક્નોક્રેટિક આઇડિયાનો જન્મ થયો હતો.

બીબીસી ગુજરાતી

ટેક્નોક્રેટિક ચળવળ શું કરવા ધારે છે?

ટેકનોક્રેટિક ચળવળ

ઇમેજ સ્રોત, COURTESY OF TECHNOCRACY INC.

પોતાના વિચારને આગળ ધપાવવા માટે સ્કૉટે ટેક્નોક્રેટ્સને ભાવ પ્રણાલી તરીકે ઓળખાતી વ્યવસ્થાથી છૂટકારો મેળવવા સૂચવ્યું હતું, ભાવ પ્રણાલી વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાનો આધાર છે.

તેમણે એવી દલીલ કરી હતી કે ઔદ્યોગિક ક્રાંતિ સુધી આર્થિક વ્યવસ્થા અછત પર આધારિત હતી. વસ્તુઓનું ઉત્પાદન કરવામાં બહુ મહેનત કરવી પડતી હતી. તેમ છતાં પૂરતું ઉત્પાદન કરી શકાતું ન હતું.

જોકે, ત્યાર પછી ટેકનૉલૉજીએ વિપુલતાના વિશ્વનું સર્જન કર્યું છે. તમામ માટે જરૂરી ચીજો મશીનો બનાવી શકતા હતા, વધારે સસ્તા દરે બનાવી શકતા હતા. તેમ છતાં અર્થતંત્ર ભાવ પ્રણાલી પર આધારિત હતું. વસ્તુનું ઉત્પાદન વપરાશ માટે નહીં, પણ નફો કમાવા કરવામાં આવતું હતું.

તેનો અંત લાવવા ટેક્નોક્રેટિક ચળવળ પૈસાને જ નાબૂદ કરવા ઇચ્છતી હતી. તેમના મતે પૈસા લોભ, ગુનાખોરી અને દુઃખ જેવાં તમામ અનિષ્ટોનું કારણ હતા.

તેમના વિચાર મુજબ, પૈસાને સ્થાને એનર્જી સર્ટિફિકેટ્સ આપવામાં આવશે. વસ્તુઓના ઉત્પાદન માટે જેટલી ઊર્જાનો વપરાશ થયો હોય તે અનુસાર વસ્તુની કિંમત નક્કી કરવામાં આવશે.

બધા લોકોને એનર્જી સર્ટિફિકેટ્સ આપવામાં આવે અને તમામની જરૂરિયાતોને આવરી લેવાય તો પૈસાનો સંગ્રહ કરવાની ઇચ્છાનો અંત આવી જાય અને તેની સાથે ગુનાખોરીનો પણ અંત આવે, એવી દલીલ તેઓ કરતા હતા.

આ વિચાર સામ્યવાદ જેવો લાગી શકે. ટેક્નોક્રેસી માટે એ પ્રકારની રાજકીય ફિલસૂફી ઓછી સ્વીકાર્ય હતી.

આ ચળવળ તમામ સામાજિક વર્ગો અને માનવજાતનું વર્ષો સુધી શોષણ કરતા રહેલા તમામ બિનજરૂરી વ્યવસાયો પર પૂર્ણવિરામની હિમાયત કરે છે. હોવર્ડ સ્કૉટે પોતે કબૂલ્યું હતું કે “ટેક્નોક્રેસીના વિચારની વાત કરીએ તો અમે ડાબેરીઓથી એટલા દૂર છીએ કે સામ્યવાદને અનિચ્છનીય ગણીએ છીએ.”

સીબીસી રેડિયો માટે બનાવેલી એક દસ્તાવેજી ફિલ્મમાં કેનેડાના પત્રકાર ઈરા બેસને જણાવ્યું હતું કે ટેક્નોક્રેસીના મૂળમાં લોકો ટેકનૉલૉજી માટે કામ કરે તેના બદલે ટેકનૉલૉજી લોકો માટે કામ કરે તેવો વિચાર છે. આપણે જીવતા શીખવાનું હતું, જીવતા રહેવા માટે આજીવિકા રળવાનું નહીં.

ટેક્નોક્રેટ ચળવળ દ્વારા ટેક્નાટો નામનું સરકારનું સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું. ટેક્નાટોનું સંચાલન નિષ્ણાતો કરશે અને પોતાના ડિરેક્ટર્સની પસંદગી પણ કરશે. પસંદ કરવામાં આવેલા લોકો વડે પ્રધાનમંડળની રચના કરવામાં આવશે અને તે પ્રધાનમંડળ ખંડીય પ્રમુખને ચૂંટી કાઢશે.

તેમણે નૉર્થ અમેરિકન ટેક્નાટોને પોતાના અભ્યાસનો આધાર બનાવી હતી, જે મધ્ય અમેરિકાથી અલાસ્કા સુધી વિસ્તરેલી હશે.

જેમ્સ સ્ટેફેકે કહે છે કે, “ચળવળનો વિચાર એવી ધારણા પર આધારિત હતો કે આ લોકો પરોપકારી હશે અને તેમની કોઈ અંગત મહત્ત્વકાંક્ષા કે રુચિ નહીં હોય. તેથી સમસ્યા સર્જાશે નહીં.”

બીબીસી ગુજરાતી

પતનનો પ્રારંભ

COURTESY OF TECHNOCRACY INC.

સર્વાધિકારી વિશ્વનો આ વિચાર 1930ના દાયકામાં તેની ટોચે પહોંચ્યો હતો. 1940ના દાયકામાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે અમલી બનાવેલી ન્યૂ ડિલ નીતિના ફળ મળવાનું અને રોજગાર સર્જાવાનું શરૂ થયું ત્યારથી ટેક્નોક્રેટિક ચળવળનાં વળતાં પાણી શરૂ થયાં હતાં.

અર્થતંત્ર ધમધમતું થયું હતું અને નાણાં આવવાં લાગ્યાં હતાં. સ્વપ્નિલ લોકોના એ જૂથમાંથી થોડા લોકો ફરી રૂઢિવાદી વિચારોના શરણે આવ્યા હતા.

જોકે, તમામ અવરોધો છતાં, પાંચ લાખથી વધુ સભ્યો સાથે વિકસેલા ટેક્નોક્રેસી ઈન્કોર્પોરેટનું અસ્તિત્વ આંશિક સ્વરૂપે ટકી રહ્યું હતું.

ટેક્નાટોનો વિચાર ભૂંસાઈ ગયો હતો, પરંતુ તેની વેબસાઇટ પર હજુ એવું લખાણ વાંચવા મળે છે કે “અમારી પાસે એક યોજના છે અને તે વધારે વ્યવહારુ છે.” હાલની ભાવ આધારિત પ્રણાલીમાંથી વધારે ટકાઉ ઊર્જા આધારિત અર્થતંત્રમાં સંક્રમણની યોજના માટે 2015માં તેમણે ત્રણ ઇન્ટર્નને કામે લગાડ્યા હતા.

 સંગઠનના ગ્રામ્ય ટેનેસીના જેકસન ખાતેના વડામથકમાં એકઠી થયેલી ફાઇલોના બોક્સનો ઢગલો ચાર્મી ગિલક્રીસે તેમના કમ્પ્યુટર કેમેરા મારફત બીબીસી મુંડોને દેખાડ્યો હતો.

આજે તેમનું મુખ્ય કાર્ય ચળવળના દાયકાઓ દરમિયાન સર્જાયેલા દસ્તાવેજોને ડિજિટાઇઝ કરવાનું છે. ગિલક્રીસે કહ્યું હતું કે “તેમાં લાખો દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને મૂળ આઇડિયાના પ્લાન્સ છે. તેઓ આ તારણ પર કઈ રીતે પહોંચ્યા એ જાણવાનું બહુ રસપ્રદ છે.”

હજુ હમણાં સુધી તેઓ તેમના સભ્યોને સમયાંતરે ન્યૂઝલેટર મોકલતા હતા. તેમના સભ્યો હવે માત્ર અમેરિકા તથા કૅનેડામાં જ નહીં, પરંતુ સમગ્ર રશિયા, બ્રાઝિલ, વેનેઝુએલા અને યુક્રેનમાં પણ ફેલાયેલા છે. ચળવળમાં કેટલા લોકો જોડાયેલા છે અને તેઓ કોણ છે, તે જાહેર કરવા પર પ્રતિબંધ છે, એમ જણાવતાં ગિલક્રીસે કબુલ્યૂં હતું કે “હવે બહુ ઓછા લોકો બાકી રહ્યા છે.”

તેમાં ઇજનેરો તથા વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, પરંતુ “કેટલાક ચક્રમ લોકો પણ અમારા સભ્ય છે, જેઓ માને છે કે ટેક્નોક્રસી ચળવળને શેરીઓમાં લઈ જવી જોઈએ અને બહેતર વિશ્વના નિર્માણ માટે તેનો શસ્ત્રોના ઉપયોગ વડે બળજબરીથી અમલ કરાવવો જોઇએ. એ અમારું કામ નથી, અમે અરાજકીય છીએ,” એમ ગિલક્રીસે કહ્યું હતું.

બીબીસી ગુજરાતી

એક વિચારના અવશેષો

ટેકનોક્રેટિક ચળવળ

ઇમેજ સ્રોત, Getty Images

ટેક્નોક્રસીના વિચારમાં હવે બાકી શું રહ્યું છે એવા સવાલના જવાબમાં ગિલક્રીસ જણાવે છે કે આપણે એક અર્થમાં ટેક્નાટોમાં જ જીવી રહ્યા છીએ.

તેઓ દલીલ કરે છે કે “તેમણે 1930ના દાયકામાં જે આગાહી કરી હતી, એ પૈકીની ઘણી સાચી પડી છે. દાખલા તરીકે, એમોઝન જેવી કંપનીઓ. તેમણે સેન્ટ્રલાઇઝ્ડ ઑર્ડરિંગ સિસ્ટમ બનાવી છે, જે તમને શેની અને ક્યારે જરૂર છે તે જાણે છે. જે વસ્તુની વધારે ખરીદી થાય તેનું વધારે ઉત્પાદન કરવામાં આવે છે અને માગ ઘટે ત્યારે ઉત્પાદન ઘટે છે. સમસ્યા એ છે કે જે નફો થાય છે તેનું વિતરણ બધા લોકોમાં થતું નથી. તે એક-બે લોકોના ગજવામાં જાય છે.”

ઑક્સફોર્ડ ઈકોનૉમિક્સ નામની કન્સલ્ટન્સીના જણાવ્યા મુજબ, 1930ના દાયકાની જેમ, અગાઉ જે કામ લોકો કરતા હતા તેનું સ્થાન હવે નવી ટેકનૉલૉજીએ લીધું છે. મૅન્યુફેક્ચરિંગ જેવાં ક્ષેત્રોમાં 2030 સુધીમાં રોબોટ્સ બે કરોડથી વધુ નોકરીઓ છીનવી લેશે.

એલ્ગોરિધમ્સ વિશ્વ માટેની આપણી દૂરદૃષ્ટિને આકાર આપે છે અને ઇજનેરો, કમ્યુનિકેશનથી માંડીને ફ્રિજમાં સામાન ભરવા તથા જીવનસાથી શોધવા સહિતની જીવનની તમામ સમસ્યાઓ અને સંજોગો માટે ટેકનૉલૉજિકલ ઉકેલો શોધે છે.

કૅનેડાના ટેક્નોક્રેટિક નેતાના પૌત્ર એલોન મસ્ક માને છે કે “ભવિષ્યમાં ભૌતિક રીતે કામ કરવું તે એક વિકલ્પ હશે.” એ કારણે જ યુનિવર્સલ બેઝિક ઈન્કમ જરૂરી બનશે. એન્ડ્ર્યુ યાંગ જેવા સિલિકોન વેલીના અન્ય મહારથીઓ પણ આવું જ માને છે.

ટેક્નોક્રેટિક ચળવળે ઊભા કરેલા સવાલો આજે પણ અનુત્તર છેઃ ટેકનૉલૉજીના કારણે સર્જાતી બેરોજગારી સાથે કેવી રીતે કામ પાર પાડવાનું? સંસાધનોનું શોષણ કર્યા વિના તેનો ઉપયોગ કઈ રીતે કરવો? અસમાનતાનો અંત કેવી રીતે લાવવો?

આ બધાના જવાબ હંમેશની જેમ છેતરામણા છે.

રેડ લાઇન
રેડ લાઇન