ભારતનો 'જુરાસિક પાર્ક' : ડાયનોસોરનાં ઈંડાંની પૂજા અને એની દાણચોરીની કહાણી

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા

- મધ્ય પ્રદેશના ધારમાં જમીન પર વિહરતાં વિશાળકાય પ્રાણીઓ તથા સમુદ્રી જીવો ઉપરાંત કરોડો વર્ષો પહેલાંની વનસ્પતિના અવશેષો પથરાયેલા છે
- ‘સોસાયટી ઑફ અર્થ સાયન્સીસ’ના રિપોર્ટ અનુસાર, કાલખંડમાં પૃથ્વી ઉપર અને તેની નીચે જે થઈ રહ્યું હતું તેના અનેક પુરાવા અહીંના મોટા વિસ્તારમાં વિખેરાયેલા પડ્યા છે
- ધાર જિલ્લામાં જમીનની સપાટી પરથી ડાયનોસોરની અલગ-અલગ પ્રજાતિઓનાં 300 ઈંડાં અને 30 માળાના અવશેષો મળી આવ્યા છે
- વિજ્ઞાનીઓ માને છે કે જમીનની સપાટી પરથી અત્યાર સુધી જે મળી રહ્યું છે એ કરોડો વર્ષોની માહિતી આપી રહ્યું છે

--

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
મધ્ય પ્રદેશના ધારમાં કરોડો વર્ષ પહેલાં જમીન પર વિહરતાં વિશાળકાય પ્રાણીઓ તથા સમુદ્રી જીવો ઉપરાંત વનસ્પતિના અવશેષો પથરાયેલા છે. મધ્ય પ્રદેશ ઇકૉ ટુરિઝમ બોર્ડના ઉપક્રમે તાજેતરમાં દેશભરના જાણીતા વિજ્ઞાનીઓ અહીં પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર વિસ્તારમાં સંશોધન કર્યા બાદ એક અહેવાલ તૈયાર કર્યો હતો.
‘ઇકૉ ટુરિઝમ’ વિભાગનાં મુખ્ય કાર્યપાલક અધિકારી સમિતા રાજૌરા બીબીસીને જણાવે છે કે એ રિપોર્ટનું સંકલન કરીને યુનેસ્કોને મોકલવામાં આવશે, જેથી બાગ અને ધારના મોટા વિસ્તારને ‘ઇકૉ હેરિટેજ’નો દરજ્જો મળી શકે, આ વિસ્તાર વારસાની જાળવણી કરી શકાય અને સંશોધનનું કામ આગળ ધપાવી શકાય.
‘સોસાયટી ઑફ અર્થ સાયન્સિઝ’ના રિપોર્ટ અનુસાર, કાલખંડમાં પૃથ્વી ઉપર અને તેની નીચે જે થઈ રહ્યું હતું તેના અનેક પુરાવા અહીંના મોટા વિસ્તારમાં વિખેરાયેલા પડ્યા છે. એ સમયમાં ધરતી પર ડાયનોસોર વિહરતાં હતાં.
ભૂગર્ભવિજ્ઞાની અને પૃથ્વીવિજ્ઞાનના નિષ્ણાતો માને છે કે ડાયનાસોરની અલગ-અલગ પ્રજાતિઓ તે સમયમાં પેદા થઈ હતી અને લુપ્ત થઈ ગઈ હતી. તેઓ એવું પણ જણાવે છે કે માત્ર ડાયનોસોર જ નહીં, પરંતુ તેનાથી પણ મોટા ‘ટાઇટનોસોરસ’ પણ આ વિસ્તારમાં વિહરતાં હોવાના પુરાવા આ વિસ્તારમાં પડ્યા છે.

મધ્ય પ્રદેશમાં પણ સમુદ્ર હતો?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
અત્યાર સુધી વિશ્વમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડાયનોસોરની તમામ પ્રજાતિનો જીવનકાળ બેથી ત્રણ લાખ વર્ષ સુધીનો હતો. એ કાળખંડમાં અન્ય જીવોનું અસ્તિત્વ પણ હતું. ડાયનોસોરની સાથે એ જીવોના અવશેષો પણ મધ્ય પ્રદેશના આ વિસ્તારમાં વિખેરાયેલા પડ્યા છે. અનેક સમુદ્રી જીવોના અવશેષો મળવાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પ્રદેશ પણ ક્યારેક ઊંડા સમુદ્રનો હિસ્સો હતો.
ધાર જિલ્લામાં જમીનની સપાટી પરથી ડાયનોસોરની અલગ-અલગ પ્રજાતિઓના 300 ઈંડાં અને 30 માળાના અવશેષો મળી આવ્યા છે. વિજ્ઞાનીઓએ અત્યાર સુધી આ વિસ્તારમાં ક્યારેય આયોજનબદ્ધ રીતે ખોદકામ કર્યું નથી.
ધારમાં સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓ માને છે કે જમીનની સપાટી પરથી અત્યાર સુધી જે મળી રહ્યું છે એ કરોડો વર્ષોની માહિતી આપી રહ્યું છે. વ્યવસ્થિત રીતે શોધ કરવામાં આવે તો પૃથ્વીસંબંધી બીજાં અનેક રહસ્યનો તાગ મળી શકે તેમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધારમાં પરિસ્થિતિ એવી છે કે આવા અવશેષો ખેતરમાં કામ કરતા ખેડૂતો કે ભરવાડોને પણ મળી આવે છે.

ગોળ પથ્થરનું રહસ્ય

ઇમેજ સ્રોત, SALMAN RAVI
મહતાબ મંડલોઈ ધારના બાગ વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં સૌથી વધુ અવશેષો ફેલાયેલા પડ્યા છે. અમે તેમના ગામ ગયા હતા અને વાતચીતમાં તેમણે જે જણાવ્યું તે ઘણું રોમાંચક હતું.
તેમણે કહ્યું હતું કે “ગ્રામજનો પોતાનાં પ્રાણીઓને લઈને જંગલમાં ચરાવવા જતા હોય છે. મારી વાત કરું તો ડાયનોસોરનાં ઈંડાં સૌથી પહેલાં મને મળ્યાં હતાં. તે મેં અહીં સંશોધન કરી રહેલા વિશાલસરને સોંપ્યાં હતાં. તેમણે મને તથા બીજા ગામવાસીઓને કહ્યું હતું કે આ પ્રકારનાં ઈંડાં કે દાંત મળે તો તેમને જણાવવું.” “શરૂઆતમાં આટલું મોટું ઈંડું પથ્થરમાંથી મળી આવ્યું હતું. પછી મેં પણ શોધવાનું કામ શરૂ કર્યું હતું. મને એક દાંત પણ મળ્યો હતો, જે મેં વિશાલસરને આપ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ કોઈ જળચર પ્રાણીના દાંતનો અવશેષ છે. શાર્કના દાંતનો અવશેષ છે. એ પછી મને બીજો દાંત મળ્યો હતો, જે ડાયનોસોરનો હતો.”
ધારના વિવિધ વિસ્તારોમાં આવેલાં ગામોના લોકોને મોટા ગોળાકાર પથ્થર હંમેશાં મળતા રહ્યા છે, પરંતુ એ કેટલા મહત્ત્વના છે તેની કોઈને ખબર ન હતી.

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાગમાં અમે નુક્તાબાઈને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે “બાળકો મોટા ગોળાકાર પથ્થર હંમેશાં ઉઠાવી લાવતાં અને તેની સાથે રમતાં હતાં. તે સામાન્ય વાત હતી.”
પછી એવું થયું કે આ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ આવા ગોળાકાર પથ્થરોની પૂજાની પરંપરા શરૂ કરી દીધી હતી અને એ વાત તસ્કરો સુધી પહોંચી ગઈ હતી. સંશોધકો અહીં આવીને સંરક્ષણ કાર્ય કરી શકે એ પહેલાં આ વિસ્તારમાંથી અનેક અવશેષો તસ્કરોના હાથમાં આવી ગયા હતા.
વેસ્તા મંડલોઈની આ વિસ્તારમાં દુકાન પણ છે અને હવે તેઓ અવશેષોના સંરક્ષણનું કામ પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે બહારથી અનેક લોકો અહીં આવવા લાગ્યા હતા. તેઓ મોટા ગોળાકાર પથ્થર ખરીદવા માટે ગ્રામજનોને લાલચ આપતા હતા. વાસ્તવમાં તે ડાયનોસોરનાં ઈંડાં હતાં.
પોતાના અનુભવની વાત કરતાં તેમણે કહ્યું હતું કે “થોડા સમય પછી અલગ-અલગ સ્થળેથી લોકો અહીં આવવા લાગ્યા હતા. તેઓ બહારના હતા. તેઓ કહેતા હતા કે ગોળ પથ્થર મળે તો અમને આપજો, પરંતુ અમને એવો ડર લાગતો હતો કે એ લોકો ગોળ પથ્થરને બહાર લઈ જશે અને અમે મુસીબતમાં મુકાશું તો શું થશે. મારી સાથે પણ એવું થયું હતું. આવનારે કહેલું કે આ ટુકડો આપી દો, ઈડું આપી દો. અમે તમને પૈસા આપીશું.”

ગુલ દગડા એટલે શિવલિંગ?

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
ડાયનોસોરનાં ઈંડાંની પૂજાની પરંપરા આજે પણ ધાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ છે. ઘણા લોકો તેને શિવલિંગ માને છે.
વેસ્તા મંડલોઈએ કહ્યું હતું કે “તેની પૂજા અમારા બાપદાદા વર્ષોથી કરતા રહ્યા છે. અમારો જન્મ થયો ન હતો ત્યારથી તેની પૂજા કરવામાં આવે છે. ગ્રામજનો તેને ગુલ દગડા કહે છે, પરંતુ વાસ્તવમાં તે ડાયનોસોરનું ઈંડું હતું. તેઓ શિવલિંગ બનાવીને ખેતરની વાડ પર મૂકી દેતા હતા. તેની પૂજા કરતા હતા. આવી લાગણી અમારા વડવાઓની હતી.”
સમિતા રાજોરાના જણાવ્યા મુજબ, અહીં જે કંઈ બચી શક્યું છે તે સ્થાનિક શોધકર્તા વિક્રમ વર્માને આભારી છે. તેમના પ્રયાસોને કારણે ગ્રામજનોને ખબર પડી હતી કે ગોલ દગડા પથ્થર નહીં, પરંતુ ડાયનોસોરનાં ઈંડાંનો અમલ્ય અવશેષ છે અને સપાટી પર વિખરાયેલા મોટા પથ્થર કે ખડકો ડાયનોસોરના માળા છે.
બાગ અને તેની આસપાસના અનેક કિલોમિટર વિસ્તારમાં ડાયનોસોરના માળાના અવશેષો ચારે તરફ વિખરાયેલા પડ્યા છે. અલગ-અલગ માળાઓમાં આવાં ઈંડાંઓની સંખ્યા પણ અલગ-અલગ છે. તે જુદી-જુદી પ્રજાતિઓના માળાના જીવાશ્મ છે. તેની ઓળખ વિજ્ઞાનીઓએ કરી એ પછી હવે ‘ઇકૉ ટુરિઝમ’ વિભાગે એ બધા પર નંબર લખીને તેમની યાદી બનાવી છે, જેથી કોઈ તેને ચોરી ન શકે.

પ્રવાસીઓને લાવવાના પ્રયાસ

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
‘ઇકૉ ટુરિઝમ બોર્ડ’ની પહેલને લીધે જ બાગમાં ‘ડાયનોસોર ફૉસિલ પાર્ક’ બનાવવામાં આવ્યો છે. તેમાં અનેક પ્રકારના જીવાશ્મ રાખવામાં આવ્યા છે. એ સિવાય અહીંથી લગભગ 50 કિલોમિટર દૂર માંડૂમાં ડાયનોસોરનું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. તેની મુલાકાત હવે પર્યટકો લઈ રહ્યા છે.
સમિતા રાજોરાના જણાવ્યા મુજબ, ગ્રામજનોને હવે સમજાયું છે કે તેમની જમીન તથા જંગલની ભૂમિ પર જે ખજાનો વિખેરાયેલો પડ્યો છે તે કેટલો અમૂલ્ય છે અને પૃથ્વીના ઈતિહાસના સંશોધન માટે કેટલો મહત્ત્વનો છે.
‘ઇકૉ ટુરિઝમ બોર્ડે’ દેશભરના ભૂગર્ભ વિજ્ઞાનીઓ તથા જીવાશ્મ નિષ્ણાતોને આમંત્રણ આપીને ધાર બોલાવ્યા છે.

ઇમેજ સ્રોત, SALMAN RAVI/BBC
અહીંથી મળી આવેલા સૌથી મોટા માળામાં 12થી વધુ ઈંડાં મળ્યાં હતાં. તેનો ઉલ્લેખ વિજ્ઞાનીઓ તેમના સંશોધન અહેવાલમાં કર્યો છે.
એ પછી અમે ધારની જે ખડકોમાં પૃથ્વીનાં અનેક રહસ્ય સંઘરાયેલાં છે તેને જોવા ગયા હતા. એક પ્રકારના ખડક તરફ ઈશારો કરતાં વિક્રમ વર્માએ જણાવ્યું હતું કે આખી ધરતી પરથી ડાયનોસોર લુપ્ત થઈ રહ્યાં હતાં તે સમયના આ ખડક છે.
તેમણે કહ્યું હતું કે “આ ખડકો ડાયનોસોર છેલ્લી વખત અહીં ચાલ્યાં હતાં તેનું વર્ણન કરે છે.”
સૌથી ઉપરના ભાગમાં આવેલા ખડક તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ખડક દક્ષિણના જ્વાળામુખીઓમાં વિસ્ફોટ થતો હતો, બધું તેના લાવાના પ્રવાહ નીચે દબાઈ રહ્યું હતું અને બળીને નષ્ટ થતું હતું એ સમયના છે.
તેમણે કહ્યું હતું કે “તે પ્રક્રિયામાં ડાયનોસોર તો લુપ્ત થઈ ગયાં, પરંતુ તેમની અંતિમ લટાર સાથે જોડાયેલી ખડકોની આ શૃંખલા લગભગ 6.5 કરોડ વર્ષ પુરાણી છે. તેમાં ડાયનોસોરના જે અવશેષ રહી ગયા હતા એ પૈકીના કેટલાક ઈંડાંના સ્વરૂપમાં મળી આવે છે. ક્યાંક માળા તો ક્યાં હાડકાં. ધાર જિલ્લામાંથી મળી આવતા પથ્થરો પૃથ્વીના અસ્તિત્વ તથા તેના વિનાશના સાક્ષી છે.”
માત્ર બાગ જ નહીં, પૃથ્વી અસ્તિત્વ તથા વિનાશના અવશેષો મોજૂદ છે તેવા ધાર જિલ્લાના અનેક વિસ્તારોનો પ્રવાસ અમે નિષ્ણાતો સાથે કર્યો હતો. તેમનું સંરક્ષણ જરૂરી છે, કારણ કે બેસોલ્ટના પથ્થર ખડીમાં પરવર્તિત થઈ રહ્યા છે અને તેમાંથી લાઈમસ્ટોન સિમેન્ટ બનાવવામાં આવી રહી છે.
નજીકમાં આકાર લઈ રહેલાં સિમેન્ટનાં કારખાનાઓએ ‘ઇકૉ ટુરિઝમ બોર્ડ’ની જ નહીં, નિષ્ણાતોની ચિંતા પણ વધારી દીધી છે. તેમને બધું નષ્ટ થવાનો ડર લાગી રહ્યો છે.














