સમગ્ર વિશ્વમાં એક દાયકામાં 1,700 પર્યાવરણ કાર્યકર્તાની હત્યા : રિપોર્ટ

બ્રાઝિલના મૂળનિવાસી લોકોનું તેમની જમીનની સુરક્ષા મામલે આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના મૂળનિવાસી લોકોનું તેમની જમીનની સુરક્ષા મામલે આંદોલન
    • લેેખક, મેટ મેકગ્રા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા

એક અભ્યાસ અનુસાર સમગ્ર વિશ્વમાં પાછલાં દસ વર્ષ દરમિયાન દર બીજા દિવસે એક પર્યાવરણ કાર્યકર્તાની હત્યા થઈ હતી.

ગ્લોબલ વિટનેસના એક રિપોર્ટ અનુસાર પોતાની જમીન પર ઉત્ખનન, ઑઇલ ડ્રિલિંગ અને વૃક્ષચ્છેદનની પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસમાં 1,700 લોકોનાં મૃત્યુ થયાં છે.

સંશોધકો અનુસાર આ આંકડો આ પ્રવૃત્તિઓ દરમિયાન થતી હિંસાની ઘટનાની યોગ્ય ખરી તીવ્રતા રજૂ કરતો નથી.

આ વર્ષની શરૂઆતમાં, બ્રિટિશ પત્રકાર ડોમ ફિલિપ્સ અને સ્થાનિક મૂળનિવાસી નિષ્ણાત બ્રુનો પરેરાની હત્યાની ઘટનાએ વિશ્વનું ધ્યાન ઍમેઝોનમાં સર્જાયેલી કાયદાવિહીન સ્થિતિ તરફ દોર્યું.

તાજેતરના ગ્લોબલ વિટનેસના રિપોર્ટમાં પર્યાવરણ મુદ્દે કૅમ્પેન કે ચળવળ ચલાવનારા પર જીવલેણ હુમલા માટે લૅટિન અમેરિકા એ 'ફ્રન્ટલાઇન' સમાન છે. અભ્યાસ અનુસાર પર્યાવરણ કાર્યકર્તાઓ પર થયેલ હુમલામાં 68 ટકા સાથે ખંડ સૌથી આગળ છે. તેમાં પણ બ્રાઝિલ, કોલંબિયા, મૅક્સિકો અને હોન્ડુરાસ આગળ પડતાં છે.

મૃતકોમાં મોટા ભાગના લોકો મૂળનિવાસી છે, જેઓ પોતાની જમીન પર ઉત્ખનન, ઑઇલ, વૃક્ષચ્છેદન કે વિકાસ સંબંધિત કાર્યોને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

હોન્ડુરાસમાં બર્તા કૅસેરસની હત્યાના વિરોધમાં હજારો લોકો શેરીમાં ઊમટી પડ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હોન્ડુરાસમાં બર્તા કૅસેરસની હત્યાના વિરોધમાં હજારો લોકો શેરીમાં ઊમટી પડ્યા હતા

સંશોધકોનું માનવું છે કે યુક્રેન-રશિયા યુદ્ધના કારણે હવે જ્યારે કુદરતી ઊર્જાસંશાધનોને ગેરકાયદેસર પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં વધારો થશે ત્યારે પર્યાવરણ કાર્યકર્તાઓ પર થતાં હુમલામાં વધારો થાય તે સંભવ છે. વર્ષ 2021માં દર અઠવાડિયે ચાર વ્યક્તિના દરે કુલ 200 લોકોની હત્યા કરાઈ હતી.

ગ્લોબલ વિટનેસમાંથી શ્રુતિ સુરેશ જણાવે છે કે, "સમગ્ર વિશ્વમાં કુદરતી સંશાધનો પર દબાણ વધ્યું છે. જેના કારણે બ્રાઝિલનો ઍમેઝોન વિસ્તાર મેદાન-એ-જંગમાં પરિવર્તિત થયો છે. બ્રાઝિલમાં આ રીતે થયેલા હુમલામાં મૃત્યુમાંથી 85 ટકા મૃત્યુ આ વિસ્તારમાં થયાં છે."

"આ જમીનની ફાળવણીમાં અસમાનતા અંગેની વાત છે. રક્ષકો પોતાની જમીન માટે લડી રહ્યા છે, અને વધુ ને વધુ જમીન મેળવી અને સંશાધનો પર પકડ જમાવવા માટેની આ સ્પર્ધામાં મૂળનિવાસી, સ્થાનિકો પીડિત છે. જેમનો અવાજ દબાવાઈ રહ્યો છે."

line

કૉલંબિયા - કેસ સ્ટડી

ઓસ્કાર સેમ્પાયો કોલંબિયામાં ઉત્ખનનની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતાં કાર્યકર્તા છે

ઇમેજ સ્રોત, Global Witness

ઇમેજ કૅપ્શન, ઓસ્કાર સેમ્પાયો કોલંબિયામાં ઉત્ખનનની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતાં કાર્યકર્તા છે

વર્ષ 2021માં કૉલંબિયાના માનવાધિકાર કાર્યકર્તા ઓસ્કર સેમ્પાયોના ત્રણ મિત્ર અને સાથી કાર્યકર્તાઓની હત્યા થઈ છે.

ઓસ્કર મેગ્ડલેના મેડિયો વિસ્તારમાં ઑઇલ મેળવવાની અને ઉત્ખનનની પ્રવૃત્તિઓના કારણે સ્થાનિકો અને પર્યાવરણ પર થતી અસરોની નોંધ રાખે છે અને તેનો વિરોધ કરે છે.

તેઓ કહે છે કે યુક્રેનમાં યુદ્ધની પર્યાવરણ પરની અસરો હવે કૉલંબિયામાં પણ અનુભવાઈ રહી છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "હવે જ્યારે રશિયા પાસેથી કોલસા, ઑઇલ અને ગૅસની ખરીદી નથી કરાઈ રહી ત્યારે દક્ષિણમાંથી આ સંસાધનો મેળવવા માટે સ્પર્ધા શરૂ થઈ છે, ખાસ કરીને કૉલંબિયા જેવા દેશોમાં. આ સ્પર્ધામાં માનવાધિકારોના ઉલ્લંઘન અંગે કોઈ ફિકર કરાતી નથી."

ઓસ્કર પ્રમાણે કૉલંબિયાનું નવું રાજકીય નેતૃત્વ પર્યાવરણ અંગે વધુ જાગૃત છે, જોકે પર્યાવરણ કાર્યકર્તાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે. પરંતુ તેમના પર થયેલા હુમલા અને તેમના સાથી કાર્યકરોનાં મૃત્યુ છતાં તેઓ આ કામ છોડવા માગતા નથી.

તેઓ જણાવે છે કે, "હત્યા, સ્થળાંતર અને પ્રકૃતિને બચાવવા માટે કામ કરતા સાથી કાર્યકરો પરના હુમલાથી ચિંતિત અને હતોત્સાહિત અનુભવું છું. પરંતુ મેં કૉલંબિયા છોડવાનું વિચાર્યું નથી."

પેરુના મૂળનિવાસી નેતા હેરાસ્મો ગાર્શઇયા ગરુ, જેમની હત્યા થઈ હતી, નો ફોટો લઈને નન ઊભાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેરુના મૂળનિવાસી નેતા હેરાસ્મો ગાર્શઇયા ગરુ, જેમની હત્યા થઈ હતી, નો ફોટો લઈને નન ઊભાં છે

વર્ષ 2021 મૅક્સિકોમાં 54 હત્યા થઈ હતી. જે આંક ગત વર્ષના 30 હત્યાના આંક કરતાં વધુ છે.

મોટા પાયે ઉત્ખનન પ્રવૃત્તિઓ ચલાવનારના વિરોધીઓનાં મૃત્યુ તો થયાં છે પરંતુ ડ્રગ્સનો ધંધો કરવા માટે ગેરકાયદેસર ખાણ ખોદવાના વિરોધમાં પણ અમુકનાં મૃત્યુ થયાં છે.

લાઇન

વર્ષ 2021નું મુખ્ય નિષ્કર્ષ

લાઇન
  • સમગ્ર વિશ્વમાં દર અઠવાડિયે ચાર પર્યાવરણ કાર્યકરોની હત્યા થઈ છે
  • બ્રાઝિલ અને ભારતમાં ઘાતક હુમલાની સંખ્યા વધી છે, જ્યારે કોલંબિયા અને ફિલિપાઇન્સમાં આ હુમલાની સંખ્યા ઘટી છે.
  • આફ્રિકામાં આ મામલે દસ લોકોની હત્યા થઈ હતી, જે પૈકી મોટા ભાગના હુમલા ડેમૉક્રેટિક રિપલ્બિલક ઑફ કૉંગોમાં થયા છે. આ પૈકી આઠ હત્યા વિરુંગા નેશનલ પાર્કમાં થઈ છે, મૃતકો મોટા ભાગે પાર્ક રેન્જર હતા.
  • વર્ષ 2021માં ગ્લોબલ વિટનેસે 12 સામૂહિક હત્યા નોંધી છે. જેમાં ભારતની ત્રણ અને મેક્સિકોમાં ચાર છે.
  • નિકારાગુઆમાં ગુનેગાર જૂથોએ 15 કાર્યકરોને મિસકિટુ અને માયાન્ગના લોકો સામે ચલાવેલ અભિયાનમાં મારી નાખ્યા હતા.

ક્ષિતિજ પર આશાનાં કિરણ

ચિંતા જન્માવે તેવા આંકડા છતાં કાર્યકરો ભવિષ્યને ધ્યાને રાખીને થઈ રહેલ કાર્યવાહીને લઈને આશાસ્પદ છે.

હોન્ડુરાસમાં, ભૂતપૂર્વ ઊર્જા ઍક્ઝિક્યુટિવને વર્ષ 2016માં કાર્યકર બર્તા કૅસેરસની હત્યા મામલે 22 વર્ષની જેલની સજા કરાઈ હતી.

આ અંગે એસ્કાઝુ કરારથી પણ અમુક હદે પ્રોત્સાહન મળ્યું છે, જે 2021થી લાગુ છે.

તે લૅટિન અમેરિકા કૅરિબિયન માટે પ્રથમ પર્યાવરણીય અને માનવાધિકારસંબંધી સમજૂતી છે. તે અંતર્ગત દેશો પર પર્યાવરણના રક્ષકો પરના હુમલા રોકવા અને તેની તપાસ કરવાની જવાબદારી છે. મૅક્સિકો જેવા અમુક દેશોએ તેના પર સહી કરી છે જ્યારે બ્રાઝિલ અને કૉલંબિયાએ એવું કર્યું નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન