પર્યાવરણ દિવસ : ગુજરાતનું એ કપલ, જેણે રણ બનતી ઉજ્જડ જમીનને લીલીછમ બનાવી

બિપ્લબ પૉલ
ઇમેજ કૅપ્શન, 'ભૂંગળું' પદ્ધતિથી ખેડૂતોની મદદ કરનાર બિપ્લબ પૉલ
    • લેેખક, આમિર પીરઝાદા
    • પદ, બીબીસી સંવાદદાતા

લાંબા સમય સુધી ધોધમાર વરસાદ પડે તો ખેડૂતો માટે આફતરૂપ બને છે. તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. બીજી તરફ ખેડૂતોને દુષ્કાળ સાથે પણ સંઘર્ષ કરવાનો વારો આવે છે, જેનાથી તેમના પાકને નુકસાન થાય છે.

તેથી ઘણા ખેડૂતો માટે જમીન છોડી દેવાનો વારો આવે છે અથવા અન્ય કામ શોધવા માટે સ્થળાંતર કરવાની ફરજ પડે છે.

ગુજરાતના મધીબહેનનું કહેવું છે કે તેમનું ખેતર ધીમે-ધીમે રણમાં ફેરવાઈ રહ્યું છે.

તેઓ કહે છે, "એક સમય હતો જ્યારે અમારું આખું કુટુંબ અહીં કામ કરતું હતું અને અમારી આજીવિકા ખેતીથી જ ચાલતી હતી."

"આ ખેતરો એક સમયે લીલાછમ હતાં, હવે આ સફેદ રણમાં ફેરવાઈ ગયાં છે."

ભારતના ઘણા ભૂમિ ભાગો રણમાં ફેરવાઈ ગયા છે પણ હવે એક સોશિયલ ઍન્ટર્પ્રાઇઝ, નૈરિતા સર્વિસીસ આ અંગે કામ કરી રહી છે.

તેનાં સહસ્થાપક તૃપ્તિ જૈન અને બિપ્લબ ખેતન પૉલ પાસે આ મુશ્કેલીનો ઉપાય છે.

line

ભૂંગળાથી વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાની કવાયત

દુષ્કાળ

તૃપ્તિ જૈન કહે છે, "2001ના ગુજરાતના ભૂકંપ વખતે મને યાદ છે કે કેવી રીતે તાપમાન વધવાના કારણે લોકોને પીવાનું પાણી નહોતું મળ્યું."

"ત્યારબાદ ચોમાસામાં વરસાદ પડ્યો, જેમાં બધાં ખેતરો પાણીમાં ડૂબી ગયાં. એ વખતે આ સ્થિતિનો ઉકેલ શોધવાનું અમે શરૂ કર્યું હતું."

ત્યારબાદ બિપ્લબ અને તૃપ્તિએ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે પ્રયોગ કરવાનું શરૂ કર્યું, જેથી સંગ્રહ કરાયેલા પાણીનો ઉપયોગ દુષ્કાળમાં થઈ શકે.

તૃપ્તિ કહે છે, "અમે ભૂંગળા દ્વારા પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાની પદ્ધતિ શોધી."

"આ પદ્ધતિ ઇન્જેક્શન મૉડ્યુલના આધારે કામ કરે છે. ખેડૂતો ઉનાળા અને શિયાળા દરમિયાન સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકે છે."

line

રણમાં ફેરવાતાં ખેતરો

તૃપ્તિ જૈન
ઇમેજ કૅપ્શન, 'ભૂંગળું' પદ્ધતિ સમજાવતાં તૃપ્તિ જૈન

ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યોના ઘણા વિસ્તારોમાં ખારાશ ઘણી વખત સફેદ કે ભૂરા રંગનું સ્તર બનાવે છે.

જે પાણીને જમીનમાં શોષાતું અટકાવે છે, જેથી જમીનની ઉપરની સપાટી પર પાણી ભરાય છે.

બિપ્લબ કહે છે, "એકઠું થયેલું પાણી ભૂમિમાં ખારાશ ઉમેરે છે. જોકે, માટીમાં ઘણાં ખનીજ પહેલાંથી જ હોવાથી સૂકી મોસમમાં જમીન પર ભૂરું સ્તર બની જાય છે."

દર વર્ષે, 1.2 કરોડ હેકટર (29 મિલિયન એકર) જમીન વત્તાઓછા અંશે રણમાં ફેરવાઈ રહી છે. આટલી જમીનમાં 2 કરોડ ટન અનાજ ઉગાડી શકાય.

લોકો પોતાની જમીન છોડી દે છે અને સ્થાનાંતર કરે છે. લોકો વિચારે છે કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

મધીબેન કહે છે કે "જમીન પર એકઠાં થયેલાં મીઠાંના કારણે ચોમાસા પછી અમારાં ખેતરોમાં ત્રણ મહિના સુધી પાણી ભરાયેલાં રહે છે અને ઉનાળામાં પાણી જ હોતું નથી."

"હવે અમારા પરિવારના તમામ પુરુષોને કામ કરવા શહેરોમાં જવું પડ્યું છે."

line

વધતું રણ અને આજીવિકા પર જોખમ

યુનાઇટેડ નેશન્સ કન્વૅન્શન ટુ કમ્બૅટ ડેઝર્ટિફિકેશન(યુએનસીસીડી) મુજબ 2030 સુધીમાં વધી રહેલાં સફેદ રણના કારણે 13.5 કરોડ લોકોએ પોતાનાં ઘર અને આજીવિકા ગુમાવવાનો વારો આવી શકે છે.

તૃપ્તિ કહે છે કે, "વધી રહેલાં સફેદ રણ, પૂર અને દુષ્કાળની સમસ્યાના કારણે ભારતમાં પાંચ લાખ નાના ખેડૂતોને માઠી અસર થઈ છે, સમગ્ર વિશ્વમાં 650 અબજ હેક્ટર જમીન આવી બાબતોથી પ્રભાવિત થઈ છે."

line

કેવી રીતે કામ કરે છે ભૂંગળું?

કેસરબેન અને તૃપ્તિ જૈન
ઇમેજ કૅપ્શન, કેસર બહેન(ડાબે) કહે છે કે તેમના ખેતરમાં ભુંગળું સ્થાપિત કર્યા પછી તેમની આવક ત્રણ ગણી થઈ ગઈ છે

'ભૂંગળું' ગુજરાતી શબ્દ છે, આ પદ્ધતિ સમજવા માટે ભૂંગળાને એક 'સ્ટ્રો' માની લઈએ.

જે જમીનમાં પાણી ભરાઈ રહ્યું છે, ત્યાં 10-15 સે.મી. (4-6 ઈંચ) જેટલો વ્યાસ ધરાવતો એક પાઇપ જમીનમાં દાખલ કરવામાં આવે છે.

તેથી ચોમાસા દરમિયાન પાણી પાઇપની મદદથી નીચે જાય છે, ફિલ્ટર થાય છે અને પછી પાણી જમીનની અંદર સંગ્રહ થાય છે.

જ્યાં સુધી પાણીની તંગી ન હોય ત્યાં સુધી તે જમીનની અંદર સંગ્રહાયેલું રહે છે. આ પદ્ધતિ બે રીતે ફાયદાકારક છે.

તૃપ્તિ કહે છે, "ચોમાસમાં ભરાતું પાણી આ ભૂંગળા વાટે જમીનની અંદર જતું રહે છે, એટલે જમીન પર પાણી ભરાતું નથી."

"જેથી ચોમાસામાં ખેડૂતો તે જમીન પર પાક ઉગાડી શકે છે. શિયાળા કે ઉનાળામાં જ્યારે પાણીની જરૂર પડે છે, ત્યારે પંપ દ્વારા પાણી ખેંચીને તેનો સિંચાઈમાં ઉપયોગ કરી શકાય છે."

ખેતી કામ સાથે સંકળાયેલાં કેસરબહેન કહે છે, "ચોમાસામાં ભારે વરસાદમાં કોઈ પાક ન લઈ શકાય એટલે પછી કામની શોધમાં અમારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં જવું પડ્યું."

જોકે હવે તેઓ આ ભૂંગળા દ્વારા એક વર્ષમાં સરળતાથી બે પાક લઈ શકે છે.

line

ભૂંગળાથી સિંચાઈ માટે કેટલો ખર્ચ?

ભુંગળું

આ પદ્ધતિ દ્વારા એક ભૂંગળાથી લગભગ 8-10 હેક્ટરમાં સિંચાઈ કરી શકાય છે, જેના બાંધકામનો ખર્ચ આશરે 50 હજારથી એક લાખ રૂપિયા જેટલો થાય છે.

જોકે, સ્થળ અને તેના માળખા પ્રમાણે તેની કિંમતો અલગ હોઈ શકે છે.

તૃપ્તિ કહે છે, "અમારી સંસ્થા હાઈબ્રીડ મૉડલ પર કામ કરી રહી છે. ભૂંગળાની મદદથી અમે નાણાં એકત્ર કરી રહ્યાં છીએ અને સાથે-સાથે નફો પણ કરીએ છીએ."

"જે ખેડૂતોને ભૂંગળાની કિંમત પરવડતી ન હોય, એવા ગરીબ ખેડૂતોને ગ્રાન્ટની રકમથી અમે મદદ કરીએ છીએ."

અત્યાર સુધી, નૈરીતાએ સમગ્ર ભારતમાં અને ભારત બહાર 3,500થી વધુ 'ભૂંગળા'નું નિર્માણ કર્યું છે.

તેમના કહેવા પ્રમાણે તેમનું લક્ષ્ય "અંત્યોદય" છે, અંત્યોદય શબ્દ મહાત્મા ગાંધી વાપરતા હતા.

જેનો અર્થ 'સમાજના છેવાડાની વ્યક્તિનો ઉદ્ધાર કરવો' એવો થાય છે.

તૃપ્તિ જૈન કહે છે, "ભારતના ગ્રામ્ય વિસ્તારમાં, છેલ્લી વ્યક્તિ એટલે કે જમીનનો નાનો ટુકડો ધરાવતી વ્યક્તિ પાસે ખેતી માટે સિંચાઈ સહિતની વ્યવસ્થા નથી."

આ સ્ટોરી 'ટૉકીંગ ધી ટેમ્પરેચર' સિરીઝનો ભાગ છે, જે ક્લાઇમેટ ચૅન્જ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો