દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ બનાવવા પાછળની ભાજપની વ્યૂહરચના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
સંથાલ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા આદિવાસી સમુદાય પૈકીનો એક છે.
ભારતને આઝાદીનાં 75 વર્ષ બાદ દ્રૌપદી મુર્મૂના રૂપમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં છે. તેઓ સંથાલ સમુદાયમાંથી આવે છે.
ભીલ અને ગોંડ પછી આદિવાસીઓની સૌથી વધુ વસ્તી સંથાલ જાતિની છે.
2011ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં સાડા આઠ ટકાથી થોડી વધુ વસ્તી આદિવાસી છે.
મિઝોરમ, નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં રાજ્યની વસ્તીમાં તેમનો હિસ્સો 40 ટકાથી વધુ છે.
જ્યારે મણિપુર, સિક્કિમ, ત્રિપુરા અને છત્તીસગઢમાં આદિવાસી વસ્તી 30 ટકા છે અને મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં તેમની વસ્તી 20 ટકાથી વધુ છે.
ભારતમાં લોકસભાની કુલ બેઠકોમાંથી 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
આ કારણોસર, એવું માનવામાં આવે છે કે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું એ ભારતીય રાજકારણમાં માત્ર સંયોગ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આદિવાસી ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના રાજકારણમાં જાતિગત રાજનીતિ ઘણી મહત્વની છે.
વરિષ્ઠ પત્રકાર નિસ્તુલ્લા હેબ્બર કહે છે, "આદિવાસીઓ વસ્તીના હિસાબે આઠ-નવ ટકા ભલે હોય, પરંતુ ઐતિહાસિક રીતે જોઈએ તો તેમણે સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજપર્યંત રાજનીતિમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. જેમ કે ઉદયપુરના રાજાની સેનામાં ભીલ આદિવાસી એક મહત્વપૂર્ણ હિસ્સો હતા. અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવનારા સૌપ્રથમ આદિવાસી હતા."
સેન્ટ ઝેવિયર્સ કૉલેજના સંશોધન વિભાગના વડા કે. સી. ટુડુ સ્વાતંત્ર્યસંગ્રામમાં આદિવાસીઓ અને ખાસ કરીને સંથાલ આદિવાસીઓના યોગદાનનો ઉલ્લેખ કરતાં તિલકા માંઝીને યાદ કરે છે.
તેઓ કહે છે, "1857ની લડાઈનાં લગભગ 80 વર્ષ પહેલાં તેમણે અંગ્રેજો સામે ધનુષ બાણથી બળવો કર્યો હતો. તિલકા માંઝી પણ સંથાલ આદિવાસી હતા."
નિસ્તુલ્લા કહે છે, "આઝાદી પછી આદિવાસીઓએ પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી હતી. સૌપહેલાં નાગાલૅન્ડ અને ઝારખંડની માંગ ઊઠી હતી પરંતુ તે સમયે તેમની વાત સાંભળવામાં આવી ન હતી. આ કારણે તેઓ તેમના પ્રાંતમાં સીમિત થઈને રહી ગયા. દરમિયાન જેમણે શિક્ષણનો આગ્રહ રાખ્યો તેવા દ્રૌપદી મુર્મુ જેવા આદિવાસી મધ્યમ વર્ગનો વિકાસ થવા લાગ્યો."
આદિવાસીઓ રાજકીય સ્વરૂપે હંમેશાં સક્રિય રહે છે તેની આ નાનકડી કહાણી છે.
ઝારખંડ રાજ્યની રચના પછી, આ રાજકારણ વધુ તીવ્ર બન્યું અને દરેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોએ તેને પોતપોતાના પક્ષે લેવાના પ્રયાસો કર્યા.
આ જ કારણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી પણ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામનો વિરોધ કરી શક્યા ન હતા અને શિવસેનામાં પણ તેમના નામ પર ભંગાણ જોવા મળ્યું હતું. ઝારખંડમાં કૉંગ્રેસના સહયોગી હેમંત સોરેને પણ યશવંત સિંહાને છોડીને દ્રૌપદી મુર્મૂ સાથે મજબૂરીમાં જવું પડ્યું હતું અને આસામમાં પણ ક્રોસ વોટિંગ જોવા મળ્યું હતું.
ભાજપ પણ આ જ કારણસર તેમની વોટબેંક વધારવા માટે તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંક્ષિપ્તમાં: દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ બનાવવા પાછળની ભાજપની રણનીતિ શું છે?

- 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં સાડા આઠ ટકાથી થોડી વધુ વસ્તી આદિવાસી છે
- મિઝોરમ, નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં રાજ્યની વસ્તીમાં તેમનો હિસ્સો 40 ટકાથી વધુ છે
- ભારતમાં લોકસભાની કુલ બેઠકોમાંથી 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે
- પરંપરાગત રીતે આદિવાસી પહેલાં કૉંગ્રેસને મત આપતા હતા
- ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની 27માંથી 15 બેઠકો કૉંગ્રેસ પાસે છે
- રાજસ્થાનમાં 25માંથી 13 બેઠકો અને છત્તીસગઢમાં 29માંથી 27 બેઠકો કૉંગ્રેસ પાસે છે
- 2019ની લોકસભા ચૂંટણીમાં, અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 47 લોકસભા બેઠકોમાંથી, ભાજપને 31 અને કૉંગ્રેસને ચાર બેઠકો મળી હતી
- 2014માં ભાજપ માટે આ આંકડો 27 બેઠકો હતો અને કૉંગ્રેસને પાંચ બેઠકો મળી હતી
- ભાજપે ઉજળિયાત જાતિનો ટૅગ દૂર કરવા માગે છે
- ભાજપે પહેલા ઓબીસી મતોને એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો

આદિવાસી વોટ બેંક
આંકડાઓની વાત કરીએ તો, 2014ની સરખામણીમાં 2019માં ભાજપે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો પર પોતાની પકડ વધારે મજબુત બનાવી હતી.
પરંપરાગત રીતે આદિવાસી પહેલાં કૉંગ્રેસને મત આપતા હતા.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 2019ની લોકસભા ચૂંટણીમાં, અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 47 લોકસભા બેઠકોમાંથી, ભાજપને 31 અને કૉંગ્રેસને ચાર બેઠકો મળી હતી. બાકીની પ્રાદેશિક પાર્ટીઓને મળી હતી.
જ્યારે 2014માં ભાજપ માટે આ આંકડો 27 બેઠકો હતો અને કૉંગ્રેસને પાંચ બેઠકો મળી હતી.
અનુસૂચિત જનજાતિ બેઠકોની જીત-હારના આ આંકડાઓમાં છુપાયેલી છે ભાજપના ગેઇમ પ્લાનની સંપૂર્ણ માહિતી.
2014ની સરખામણીમાં 2019માં જે ભાજપની જીતના આંકડામાં વધારો થયો હતો તેમાં અડધા સાંસદો દલિત અને આદિવાસી સમુદાયના છે.
નિસ્તુલ્લા કહે છે, "નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા અને ભાજપનું સુકાન સંભાળ્યા પછી, ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ જાતિના રાજકારણના ટૅગને દૂર કરવાનો ભાજપનો સતત પ્રયાસ રહ્યો છે. પહેલાં તેઓએ ઓબીસી મતોને એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો. પછી તેમણે દલિતોને સાથે લાવીને બસપાની વોટ બૅંક તોડી નાખી. હવે આદિવાસી વૉટ બૅંકનો વારો છે."

ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિપદ સુધી પહોંચવું. આગામી દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી છે.
ત્યાં કૉંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધી સારો દેખાવ કરતી આવી છે. જેમ કે ગુજરાતમાં 27માંથી 15 બેઠકો કૉંગ્રેસ પાસે છે, રાજસ્થાનમાં 25માંથી 13 બેઠકો અને છત્તીસગઢમાં 29માંથી 27 બેઠકો કૉંગ્રેસ પાસે છે.
આ બેઠકો પર ભાજપની નજર છે.
જો કે ભાજપના ઘણા નેતાઓ આ વાતને નકારી રહ્યા છે. આવા જ એક ભાજપના નેતા જે. બી. તુબિદ છે. તુબિદ ઝારખંડના પૂર્વ ગૃહ સચિવ પણ રહી ચૂક્યા છે.
તેઓ કહે છે, "'ભાજપ દ્રૌપદી મુર્મૂ દ્વારા આદિવાસી વોટ બૅંકને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે' એવી વાતમાં લોકોની સંકુચિત માનસિકતા પ્રતિબિંબિત થાય છે. નબળા વર્ગની વ્યક્તિ તેની યોગ્યતાના આધારે દેશના ટોચના પદ સુધી પહોંચે તો પણ આવા આક્ષેપો કરવામાં આવે છે. જ્યારે તેઓ રાજ્યપાલ હતાં, જ્યારે તેઓ રાજ્યમાં મંત્રી હતાં, ત્યારે આ વાત નહોતી થઈ. જ્યારે તેઓ ઓડિસામાં શ્રેષ્ઠ ધારાસભ્ય બન્યાં ત્યારે આવું કેમ નહોતું કહેવામાં આવ્યું."
તુબિદ કહે છે, "ભાજપ આજથી નહીં, હંમેશાંથી આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ રહ્યો છે. વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ઝારખંડ અલગ રાજ્ય બન્યું. કેન્દ્રમાં ભાજપે એક અલગ આદિવાસી મંત્રાલય બનાવ્યું. બિરસા મુંડાના જન્મદિવસને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય ભાજપે લીધો. ભાજપનો વિચાર પરિવાર, સંઘ પરિવાર છે. સંઘ પરિવારે ઘણા સમય પહેલાં આદિવાસી વિસ્તારોમાં કામ કરવા વનવાસી કલ્યાણ આશ્રમની સ્થાપના કરી હતી. અમે સૌપ્રથમ સમજ્યા કે ભારતના લોકો મૂળ નિવાસી આદિવાસી છે. અન્ય કોઈપણ પક્ષમાં આદિવાસીઓ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા તમે જોઈ છે?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













