એ ભૂકંપ જેણે દુનિયા બદલી નાખી


- 1 નવેમ્બર 1755ના રોજ લિસ્બનમાં આવેલા ભૂકંપમાં આશરે 60 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા
- એ ભૂકંપમાં મોટી મોટી ઇમારતો સહિત 12 હજાર જેટલાં રહેઠાણ ભાંગી પડ્યાં હોવાનું અનુમાન છે
- ભૂકંપ બાદ સુનામી અને પછી આગની રાખની વચ્ચે કંઈક એવું સામે આવ્યું જેણે લોકોની વિચારશક્તિ બદલી નાખી
- ભૂકંપ બાદ અંદાજિત 20 મિટર જેટલી ઊંચી લહેરો સાથે સુનામી આવી હતી
- ભૂકંપની આ ઘટના બાદ તેના આધારે જ સિસ્મૉલૉજી પર સંશોધનો શરૂ થયાં હતાં

તારીખ હતી 1 નવેમ્બર 1755, દિવસ હતો ઑલ સેન્ટ્સ ડે એટલે કે બધા સંતોનો પર્વ. બધું જ એક સામાન્ય દિવસની જેમ ચાલી રહ્યું હતું. પરંતુ આ દિવસે અચાનક યુરોપિયન દેશ પોર્ટુગલ પર એક નહીં, બે નહીં ત્રણ આફત આવી હતી. સૌથી પહેલાં ભૂકંપ, ત્યારબાદ સુનામી અને તે પછી લાગેલી આગમાં હજારોની સંખ્યામાં એ દિવસે લોકો મોતને ભેંટ્યા હતા. આખું શહેર વિનાશ પામ્યું હતું.
આ ઘટના ઘટી હતી યુરોપનાં સુંદર શહેરોમાંના એક લિસ્બનમાં, જેના માટે 1 નવેમ્બર 1755 કાળા દિવસ સમાન સાબિત થયો હતો. કેમ કે એ દિવસે દુનિયાનો સૌથી ખતરનાક ભૂકંપ લોકોએ જોયો હતો.
બ્રિટાનિકામાં પ્રકાશિત અહેવાલ તેમજ science.org પ્રમાણે આ ભૂકંપમાં આશરે 60 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. આ ભૂકંપમાં મોટી મોટી ઇમારતો સહિત 12 હજાર જેટલાં રહેઠાણ ભાંગી પડ્યાં હોવાનું અનુમાન છે.
આ ભૂકંપ બાદ સમગ્ર યુરોપમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના હતી કે પછી ઇશ્વરનો સંદેશ હતો.
જોકે, ભૂકંપ બાદ સુનામી અને પછી આગની રાખની વચ્ચે કંઈક એવું સામે આવ્યું જેણે લોકોની વિચારશક્તિ બદલી નાખી.

લિસ્બનનો ઇતિહાસ

રિસરેક્ટા પુસ્તકનાં લેખક વિસ એચેગોયેન જણાવે છે, "1755માં લિસ્બન એક મુખ્ય શહેર હતું જેની સરહદો આફ્રિકાના અંગોલા, મોઝમ્બિક અને કાબો વર્ડે સિવાય એશિયાના ગોવા અને મકાઉ સુધી પહોંચતી હતી. તે લેટિન અમેરિકાના બ્રાઝિલ સાથે પણ જોડાયેલું હતું. "
તેઓ ઉમેરે છે, "પોર્ટુગલ તેની વસાહતમાં રહેતા પૈસાદાર લોકોના કારણે એક ખૂબ જ સમૃદ્ધ સામ્રાજ્ય હતું."
પોર્ટુગલ એક એવું વૈશ્વિક સામ્રાજ્ય હતું જે સોનું, ખાંડ, અને મસાલાથી સમૃદ્ધ બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં પૈસાદાર લોકો એક વૈભવી જીવન જીવી રહ્યા હતા, જ્યારે સામાન્ય જનતાએ જીવન જીવવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.
વિસ કહે છે, "યુરોપનો આખો નહીં પણ મોટાભાગનો વિસ્તાર રાજાશાહી પર ચાલતો હતો. એટલે કે લોકો સાથે રાજા ગમે તે કરી શકતા હતા. તેમની પાસે દરેક પ્રકારની શક્તિઓ હતી. બીજી સૌથી મોટી શક્તિ હતું ચર્ચ."
"લોકોનો કોઈ અવાજ ન હતો. તેઓ મત આપી શકતા ન હતા. તેઓ કોઈ પ્રકારના રાજકીય નિર્ણયમાં ભાગીદારી નોંધાવી શકતા ન હતા. લોકોની ભૂમિકા માત્ર એટલી હતી કે તેઓ ખેતી કરે અને જમીન પર કામ કરે."

ભૂકંપ બાદ શું થયું હતું?

લિસ્બનમાં આવેલા ભૂકંપ બાદ ત્યાં ઘણું બધું બદલાઈ ગયું. ભૂકંપના સમાચાર તુરંત બધી જ જગ્યાએ ફેલાઈ ગયા હતા.
વિસ કહે છે, "આ દુનિયાની પહેલી આટલી મોટી આફત હતી જેણે વિશ્વની દરેક વ્યક્તિ, ન્યૂઝપેપર અને યુરોપમાં પ્રવાસ કરવા જતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું."
આ સમાચાર મોટાભાગના લોકો સુધી પહોંચી ગયા હતા. ઘણા લોકો દુનિયાને નવી રીતે જોવા લાગ્યા હતા. ઘણા લોકો તેને જ્ઞાનની સદી તરીકે જોવા લાગ્યા હતા.
ઇતિહાસકાર ડૉ. એન્ડ્રે કૅન્હોટો કોસ્ટા કહે છે, "આપણે કૅન્ટ દ્વારા પ્રકાશિત થયેલા આર્ટિકલ જોઈએ. સાથે જ રાજકીય અને ફિલૉસૉફિકલ ચર્ચાઓ પણ જોઈએ તો તેમાંથી સૌથી વધારે પ્રખ્યાત ચર્ચા છે વોલ્ટેર અને રૌસેઉ વચ્ચેની."
"વોલ્ટેર પ્રકૃતિના ધાર્મિક અર્થઘટનના વિવેચક હતા અને તેમનાં ઘણાં કાર્યો એ દર્શાવે છે કે મનુષ્યોના દરેક કાર્ય ઇશ્વર દ્વારા થાય છે."
વિજ્ઞાનનો ઉદ્ભવ થઈ રહ્યો હતો, જેનાથી લોકો દુનિયાને સારી રીતે સમજી શકે. તે વચ્ચે વિરોધી સુધારણાએ પોતાનું સ્થાન લઈ લીધું હતું. પરંતુ તેમાં ઇશ્વર અને પ્રકૃતિ વચ્ચેના સંબંધનો કોઈ ઉલ્લેખ આવ્યો ન હતો.
ત્યાંથી જ ભૂકંપે પોતાનો ફાળો આપ્યો.
ક્વેક લિસ્બન અર્થક્વેક સેન્ટરનાં મારીયા જોઆઓ માર્ક્સ કહે છે, "ભૂકંપની આ ઘટના બાદ તેના આધારે જ સિસ્મૉલૉજી પર સંશોધનો શરૂ થયાં હતાં. આપણે એવું કહી શકીએ છીએ કે 1 નવેમ્બર 1755 સિસ્મૉલૉજીની જન્મતારીખ છે."

કોણે શરૂ કર્યું હતું સિસ્મૉલૉજી પર સંશોધન?

ઇમેજ સ્રોત, Getty Images
સિસ્મૉલૉજી પર સંશોધન પાછળ એક વ્યક્તિ હતી, જે હતા પોર્ટુગલના વડા પ્રધાન, જેમને લોકો નવી વિજ્ઞાનની સ્કૂલના જન્મ પાછળ જવાબદાર ગણાવે છે.
માર્કી ઑફ પૉમ્બલ રાજાના ભરોસેમંદ વ્યક્તિ હતા અને તેમને લિસ્બન શહેરને ફરી ઊભું કરવાની જવાબદારી મળી હતી.
વિસ એચેગોયેન કહે છે, "તેમણે દરેક લોકોને કેટલાક સવાલો મોકલવાનું ચાલુ કર્યું. સવાલો એવા હતા કે કેટલી વખત સુધી ધરા ધ્રુજી હતી? ઝટકો કેટલો જબરદસ્ત હતો? તેનાથી કેવું નુકસાન થયું અને કેટલા લોકોનાં મૃત્યુ થયાં? શું ભૂકંપ પહેલાં તમને કોઈ વિચિત્ર સંકેત મળ્યા હતા?"
"લોકોએ આ સવાલોના જવાબ લખીને તેમને પરત મોકલાવ્યા અને તેમની ટીમે તેનું વિશ્લેષણ કર્યું. વિશ્લેષણ બાદ એ ટીમે એક પ્રકારની બુકલેટ તૈયાર કરી જેમાં દરેક જગ્યાએ ઘટેલી ઘટનાઓનો ઉલ્લેખ હતો. તેમાંથી એક પૅટર્નનો ઉદ્ભવ થયો. તે જ સિસ્મૉલૉજીનો આધાર હતો."
સિસ્મૉલૉજિસ્ટ ડૉ. લુઈ મેટિયાસ કહે છે, "તેનો શ્રેય માર્કી ઑફ પૉમ્બલને જાય છે જેમણે સર્વે કર્યા હતા. આપણે તે ભૂકંપની તીવ્રતા અને શક્તિ વિશે આજે અનુમાન લગાવી શકીએ છીએ. તે ભૂકંપની તીવ્રતા 8.5થી 9ની વચ્ચે હતી."
"તમારી સમજ માટે 1755માં જે ભૂકંપ આવ્યો હતો તે 200 કિલોમિટર દૂર સુધી આવ્યો હતો અને પહોળાઈમાં તેનો વિસ્તાર 80 કિલોમિટર સુધીનો હતો. ભૂકંપ બાદ અંદાજિત 20 મિટર જેટલી ઊંચી લહેરો સાથે સુનામી આવી હતી. 20 મિટર એટલે અંદાજિત એક છ માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ છે."

લિસ્બન ભૂકંપની ઘટના પર બનેલું લિસ્બન અર્થક્વેક સેન્ટર

લિસ્બનમાં એક એવું ભૂકંપ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જે એ દિવસની ઘટનાનું પુનરાવર્તન કરે છે. આ કેન્દ્રનું નામ છે લિસ્બન અર્થક્વેક સેન્ટર.
અહીં આવતા મુલાકાતીઓ ભૂકંપની શક્તિનો અનુભવ કરી શકે છે.
ક્વેક લિસ્બન અર્થક્વેક સેન્ટરના રિકાર્ડો ક્લિમેન્ટ કહે છે, "અમારો પ્રયાસ છે કે લોકોને ખૂબ જ ઊંડો અનુભવ થાય. મુલાકાતીઓ દરેક ઘટનાને અનુભવે છે અને તે કેન્દ્રમાં રહે છે. અમે લોકોને માહિતીની સાથે મનોરંજન પૂરું પાડીએ છીએ. એ ભૂકંપની અસર એવી હતી કે તેના ફિલૉસૉફી, રાજકારણ, સરકાર, ધર્મ સાથે લોકોનો સંબંધ, શહેરીકરણ, વિજ્ઞાન દરેક પર અસર પડી હતી."
ભૂકંપ બાદ જે આંચકા આવતા હતા તેનો અનુભવ હજુ સુધી લોકોને થાય છે.
વિસ એચેગોયેન કહે છે, "આ એવું છે કે જાણે તમે પાણીમાં પથ્થર ફેંકો છો અને તેનાથી અસર આસપાસ બધી જગ્યાએ જોવા મળે છે. તેવી રીતે લિસ્બન ભૂકંપની પણ ઘણી અસર જોવા મળી હતી જેમ કે પોર્ટુગલમાં ગુલામીનો અંત આવ્યો હતો. પોર્ટુગલ જ નહીં, પણ અન્ય યુરોપિયન દેશોમાં પણ ગુલામીનો અંત થયો હતો. બ્રિટન અને પોર્ટુગલ વચ્ચે વેપાર શરૂ થયો હતો. તેનાથી ફ્રેન્ચ ક્રાંતિ અને અમેરિકાની સ્વતંત્રાના યુદ્ધને પણ વેગ મળ્યો હતો."
"નવી વિચારધારાનો જન્મ થયો હતો જેમાં લોકો સવાલ કરી શકતા હતા, મને લાગે છે કે તે દિવસે માનવતા જાગી હતી અને ખરેખર તે જ દિવસે આધુનિક યુગનો જન્મ થયો હતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













