વીગર : મોંગોલિયામાં જેનું ક્યારેક સામ્રાજ્ય હતું એ મુસલમાનોને ચીને 'કેદ'માં કઈ રીતે નાખી દીધા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાઉલા રોસેઝ
- પદ, બીબીસી સંવાદદાતા
આજે વીગર એક દબાયેલો સમુદાય છે જે કદાચ પોતાના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
જોકે, એક સમયે આ જ વીગર મુસ્લિમોનું પોતાનું સામ્રાજ્ય હતું જેણે મોંગોલિયાનાં મેદાનો પર શાસન કર્યું હતું, ચંગેઝ ખાને તેમની લિપિને અપનાવી હતી, તૈમૂર લંગે તેમને જીત્યા, તેમણે એક સ્વતંત્ર સૂફી ધર્મતંત્ર બનાવ્યો અને વીસમી શતાબ્દીમાં તેઓ બે વખત એક સ્વતંત્ર ગણરાજ્ય રહ્યા.
પોતાની અલગ સંસ્કૃતિ, ભાષા અને ધર્મ ધરાવતા વીગરોનો ઇતિહાસ શાનદાર છે જે આઠમી સદી સુધી જાય છે.
જોકે, વીગર મુસ્લિમોના ઇતિહાસને લઈને કેટલીક ત્રુટિઓ છે પરંતુ ઇતિહાસકારો માને છે કે તેમનાં મૂળિયાં વર્તમાન સમયના મોંગોલિયામાં મળે છે.
ફ્રાન્સના નેશનલ સેન્ટર ફૉર સાયન્ટિફિક રિસર્ચ સાથે જોડાયેલા ફ્રેન્ચ ઇતિહાસકાર ઍલેક્ઝેન્ડર પાપાસ બીબીસીને કહે છે, "તેમના વિશે જે જૂના પુરાવા અમારી પાસે છે, તે એ સમય સાથે મળે છે જ્યારે તેઓ આજના સમયના મોંગોલિયામાં રહેતા હતા અને તેમણે એ વ્યવસ્થાની સ્થાપના કરી હતી જેને 'ખનાત' કહેવામાં આવે છે."
આજે આપણે જે લોકોને મોંગોલોના નામથી ઓળખીએ છીએ તેઓ એ જમાનામાં નહોતા અને વીગર મૂળરૂપે મધ્ય એશિયાની તુર્ક મૂળની વસતી હતી, જે મોટા વિસ્તારમાં ફેલાયેલી હતી અને મણિચેઇઝ્મ ધર્મને માનતી હતી.
આ એકરાગવાળા ધર્મની સ્થાપના ફારસી મૂળના મણિએ કરી હતી અને 'સિલ્ક રૂટ'ના માધ્યમથી એ પૂર્વ એશિયા સુધી ફેલાઈ ગયો હતો. વીગરોનો ચીન સાથે પણ સંબંધ હતો અને તેઓ હાઈબ્રિડ, વણજારાઓ જેવું જીવન જીવતા હતા.

શિનઝિયાંગનો મતલબ

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં વીગર, આજના તુર્ક લોકોના દૂરના સંબંધીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે જે વસતી તુર્કીમાં છે તેનાં મૂળિયાં પણ એક જમાનામાં મધ્ય એશિયાના એ જ લોકો સાથે મળે છે, પરંતુ એ તુર્ક લોકો પશ્ચિમ તરફ પલાયન કરી ગયા હતા અને ઍનાટોલિયા પ્રાયદ્વીપમાં વસી ગયા હતા અને ગ્રીક તેમજ આર્મેનિયાની વસતી સાથે મળી ગયા હતા.
જ્યારે વીગરોએ તેનાથી વિપરિત પૂર્વનો રસ્તો પસંદ કર્યો હતો.

સંક્ષિપ્તમાં: ચીનના વીગર મુસ્લિમોનો ઇતિહાસ, ક્યારેક મોંગોલિયાના મેદાનો સુધી હતું તેમનું સામ્રાજ્ય

- એક સમયે વીગર મુસ્લિમોનું પોતાનું સામ્રાજ્ય હતું જેણે મોંગોલિયાના મેદાનો પર શાસન કર્યું હતું
- ચંગેઝ ખાને તેમની લિપિને અપનાવી હતી
- તેમણે એક સ્વતંત્ર સૂફી ધર્મતંત્ર બનાવ્યો અને વીસમી શતાબ્દીમાં તેઓ બે વખત એક સ્વતંત્ર ગણરાજ્ય રહ્યા
- વાસ્તવમાં વીગર, આજના તુર્ક લોકોના દૂરના સંબંધીઓ છે
- વીગરોમાં પોતાના માટે અલગ રાષ્ટ્રની ભાવના મજબૂત થઈ અને 1933માં તેમણે ફર્સ્ટ રિપબ્લિક ઑફ ઇસ્ટર્ન તુર્કિસ્તાનની સ્થાપના કરી હતી
- ખોયા નિયાઝ વીગર સ્વતંત્રતા ચળવળના નેતા, ફર્સ્ટ રિપબ્લિક ઑફ ઈસ્ટ તુર્કિસ્તાનના પ્રથમ અને એકમાત્ર પ્રમુખ હતા
- શિનઝિયાંગ એક મોટો લેબર કૅમ્પ બની ગયું છે જ્યાં સમગ્ર ચીનમાંથી ધરપકડ કરવામાં આવેલા લોકોને પહોંચાડવામાં આવ્યા હતા
- 1989માં રાજધાની બિજિંગમાં થિયાનમેન ચોક પર વિદ્યાર્થીઓનો હત્યાકાંડ થયો હતો
- એવું માનવામાં આવે છે કે આ પુનર્શિક્ષાકેન્દ્રમાં વીગર લોકોના દસ ટકા એટલે કે આશરે દસ લાખ લોકો બંધ છે

નવમી શતાબ્દીમાં આ લોકો એ વિસ્તારમાં જઈને વસ્યા જેને આજે આપણે પૂર્વ તુર્કિસ્તાન અથવા શિનઝિયાંગ કહીએ છીએ. ચીનની ભાષામાં શિનઝિયાંગનો મતલબ છે, નવું ફ્રંટિયર (નવો મોર્ચો) અને વીગર લોકો તેને ઉપનિવેશવાદના પ્રતિક તરીકે લે છે.
ફ્રેન્ચ ઇતિહાસકાર ઍલેક્ઝેન્ડર પાપાસ કહે છે, "અમને આ વિશે પાક્કા પાયે નથી ખબર કે તેમણે પ્રવાસ શા માટે કર્યો, જોકે સામાન્ય માન્યતા એ છે કે તેઓ ઘાસનાં નવાં મેદાનો અને સંસાધનોની શોધમાં ગયા હશે અથવા અન્ય વસતીએ તેમને કાઢી મૂક્યા હશે."
ત્યાં પહોંચીને તેમણે સંપૂર્ણપણે એક સુસ્ત જીવનશૈલી અપનાવી લીધી અને ત્યાં રોકાઈ ગયા હતા અને પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો.
એક ભાગે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બીજાએ નેસ્ટોરિયનવાદને. જોકે, આ બંધુ લાંબા સમય સુધી ન ચાલ્યું. 10મી સદીનાં મધ્યમાં ઇસ્લામ પૂરા પ્રભાવ સાથે અહીં પહોંચ્યો અને મોટા ભાગની વીગર વસતી મુસ્લિમ બની ગઈ.

ચંગેઝ ખાન

ઇમેજ સ્રોત, Getty Images
13મી સદીમાં આ ક્ષેત્રમાં એક એવું વ્યક્તિત્વ ઊભું થયું જેણે બધુ અસ્તવ્યસ્ત કરી નાખ્યું અને એની વિજયી સેનાઓ યુરોપ સુધી પહોંચી ગઈ હતી.
ચંગેઝ ખાને મોંગોલ ખાનાબદોશ સમુદાયોને એકજૂથ કર્યા હતા. ચંગેઝ ખાને ઘણા વિસ્તારોને જીતવાની સાથે-સાથે પૂર્વ તુર્કિસ્તાન પર પણ હુમલો કર્યો હતો. ફ્રેન્ચ ઇતિહાસકાર ઍલેક્ઝેન્ડર પાપાસ કહે છે, "મોંગોલ સામ્રાજ્યમાં વીગર બૌદ્ધિક રૂપે અભિજાત્ય વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ એક રાજકીય શક્તિ તો નહોતા રહ્યા પરંતુ બૌદ્ધિક રૂપે વધારે વિકસિત હતા. વાસ્તવમાં તેઓ એ જ લોકો હતા જેમણે મોંગોલને લખતા શીખવ્યું હતું."
ચીનના સ્વાયત્ત ક્ષેત્ર ઇનર મોંગોલિયામાં આજે પણ ઉપયોગમાં લેવાતી મોંગોલિયન વર્ણમાલા પ્રાચીન વીગર લિપિ પર આધારિત છે.
આ પ્રાચીન વીગર લિપિનાં મૂળિયાં ઇબ્રાની (આર્માઇક) સાથે મળે છે અને ઈરાની ભાષા સોગ્ડિયનથી તેની વર્ણમાલામાં પરિવર્તન આવ્યું. પરંતુ જ્યારે વીગર મુસ્લિમ બની ગયા તો તેમણે એ પ્રાચીન લિપિને છોડી દીધી અને અરબી લિપિને અનાવી લીધી.

મોંગોલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
વીગરોના ઇતિહાસની જેમ જ તેમની લિપિનો વિકાસ પણ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે. વીગર અરબીનો વીસમી શતાબ્દીની શરૂઆતમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે રાષ્ટ્રવાદી ચીને આ વિસ્તારને નિયંત્રિત કર્યો ત્યારે સોવિયટ પ્રભાવના પગલે અહીં સિરિલિક વર્ણમાલાને લાગુ કરી દેવામાં આવી, ત્યારબાદ લેટિન લિપિ લાગુ કરવામાં આવી અને પછી 1970ના દાયકામાં ફરી અરબી લિપિને લાગુ કરવામાં આવી હતી.
ચંગેઝ ખાનના મૃત્યુ બાદ મોંગોલ સામ્રાજ્ય તેમના દીકરાઓ વચ્ચે વહેંચાઈ ગયું હતું. જ્યાં વીગરોનું ક્ષેત્ર ચગતઈ ખાનના ભાગે આવ્યું. તેમણે જે ખનાત બનાવી હતી તે તેમના જ નામ પર હતી.
પાપાસ જણાવે છે, "તે સમાજમાં વીગર સંપૂર્ણપણે ભળી થઈ ગયા અને તેમનું નામ પણ ગુમ થઈ ગયું. તે સમયમાં વીગરોનો ક્યાંય કોઈ ઉલ્લેખ મળતો નથી, માત્ર તુર્ક વસતીની વાત થાય છે. તેઓ ત્યારે મધ્યયુગના પહેલાં વીગર રહ્યા નહોતા, ન તો કોઈ વંશીય સમૂહ હતા."
પરંતુ તે સમય એવો હતો જ્યારે રાજ્યો અને સામ્રાજ્યોની ઉંમર લાંબી નહોતી. ચગતઈ ખનાત, જેના પર પછી વંશજોનું શાસન હતું, તેના પર 1370માં તૈમૂર લંગે નિયંત્રણ મેળવી લીધુ હતુ.
તુર્ક અને મોંગોલ મૂળનાં તૈમૂર લંગની સેના મૉસ્કોના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. જોકે એ બાદ તૈમૂર લંગના હાથમાંથી પણ આ ખનાત નીકળી ગઈ હતી અને ફરી એક વખત ચગતઈ વંશના હાથોમાં આવી ગઈ જેમણે અહીં 17મી સદી સુધી શાસન કર્યું હતું.

સૂફી ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images
મોંગોલોની એક નવી લહેરે આ ક્ષેત્ર પર ફરી કબજો કરી લીધો. જોકે, તેમાંથી કેટલાક લોકો બૌદ્ધ ધર્મ પાળતા હતા જેમણે વસતીનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે જેઓ બચી ગયા તે મુસ્લિમ ધર્મને માનનારો વંશ હતો જે કાશગર ક્ષેત્રમાંથી નીકળ્યો હતો.
તેમને ખોયા કહેવામાં આવ્યા જેઓ સૂફીવાદને માનતા હતા. 16મી સદીના બીજા ભાગમાં મિશનરીઓના માધ્યમથી સુફીવાદ વીગરોના વિસ્તારમાં પહોંચ્યો.
આ રહસ્યમયી વિચારધારા આધ્યાત્મિક ઇસ્લામનો પ્રચાર કરે છે અને તે પોતાની સાથે એક સંપૂર્ણ સાહિત્યિક, બૌદ્ધિક અને દાર્શનિક સંસ્કૃતિ લાવી જેનાથી વીગરોના ધાર્મિક વિવેકમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ તુર્કિસ્તાનમાં કેટલાંક સૌથી સુંદર મકબરા અને મસ્જિદો છે જે તે સમયની છે, અને આજે પણ તે તીર્થયાત્રાનાં સ્થાનકો છે અને લોકો અહીં હળતા-મળતા રહે છે.
જોકે આ વિસ્તાર એક રીતે મોંગોલોના જ સંરક્ષણમાં રહ્યો પરંતુ ખોયા વંશ અહીંનો અસલી શાસક રહ્યો.
તેમણે અહીં એક પ્રકારનો સૂફી ધર્મ લાગુ કર્યો જે 1754માં ચીની સેનાઓ અહીં પહોંચી ત્યાં સુધી જેમનો તેમ રહ્યો.

કિંગ વંશ

ઇમેજ સ્રોત, Getty Images
સદીઓ સુધી ચીની સામ્રાજ્ય અને પૂર્વ તુર્કિસ્તાન વચ્ચે રાજકીય સંબંધ રહ્યા, પરંતુ ચીન કિંગ વંશ જેને માંચૂ વંશ પણ કહેવામાં આવે છે, એ સત્તામાં આવતાં જ અહીં ચીનનું આક્રમણ થયું.
પાપાસ કહે છે, "કિંગ પોતાની સીમાઓની અસ્થિરતાને લઈને ખૂબ ચિંતિત હતા અને તેમણે પાંચ વર્ષમાં જ પૂર્વ તુર્કિસ્તાન પર કબજો કરી લીધો હતો અને અહીંથી મોંગોલોનો નાશ કર્યો હતો."
જોકે, કિંગ વંશે સૈન્ય જીત પ્રાપ્ત કરી લીધી હતી પરંતુ તેને જનતાનું સમર્થન મળ્યું ન હતું.
તેમણે એક પ્રકારનું સંરક્ષિત રાજ્ય બનાવી લીધું હતું પરંતુ ધીમે-ધીમે વિદ્રોહ થતો રહેતો હતો.
ખોયાના વંશજ જે મધ્ય એશિયા તરફ જતા રહ્યા હતા તેઓ પણ ફરી સમયાંતરે પરત ફર્યા અને ધીમે ધીમે સત્તા પ્રાપ્ત કરી લીધી.
આગામી એક સદી સુધી આ ક્ષેત્રમાં ઉથલ-પાથલ રહી હતી. પછી યાકૂબ બેગનો નવો જમાનો આવ્યો જેમણે અહીં અમીરાતની સ્થાપના કરી હતી, જોકે એ પણ લાંબુ ન ચાલી.
પરંતુ આ ગાળો રસપ્રદ હતો કેમ કે આ અમીરાતને રશિયનો અને બ્રિટિશોનું સમર્થન પ્રાપ્ત હતું.
પાપાસ જણાવે છે કે તે સમયમાં રશિયન અને બ્રિટિશ સામ્રાજ્યો આ ક્ષેત્રમાં ચીની સામ્રાજ્ય સાથે સત્તા માટે હાજરી નોંધાવી રહ્યાં હતાં.

રાષ્ટ્રવાદી ચીન

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ રાષ્ટ્રવાદી ચીનનો સમય આવ્યો. 1911ની ક્રાંતિઓએ ચીની સામ્રાજ્યનો અંત લાવી દીધો પરંતુ પૂર્વ તુર્કિસ્તાનમાં પરિસ્થિતિ વધારે બદલી ન હતી.
પાપાસ કહે છે, "વીગર પોતાની ભાષા બોલી શકતા હતા, પોતાના ધર્મનું પાલન કરી શકતા હતા અને તેમની સામે ચીની ભાષા બોલવાની કોઈ મજબૂરી ન હતી."
રાષ્ટ્રવાદનો પ્રભાવ વધી રહ્યો હતો અને શિનઝિયાંગ ક્ષેત્રમાં ઘણા લોકો પોતાની ઓળખ મામલે જાગરૂક થઈ રહ્યા હતા.
આ ક્ષેત્રની સીમાઓ સોવિયટ સંઘના એ વિસ્તારો સાથે જોડાયેલી હતી જે આગળ ચાલીને સોવિયટ સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑફ સેન્ટ્રલ એશિયા બન્યું.
તેના મામલે પૂર્વ તુર્કિસ્તાનમાં ચિંતાઓ ઊભી થઈ હતી. 1930માં ફરી એક વખત વીગર શબ્દને સ્થાપિત કરવામાં આવ્યો અને આજ સુધી તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

શિનઝિયાંગ વીગર ઑટોનૉમસ રીજન

ઇમેજ સ્રોત, Getty Images
વીગરોમાં પોતાના માટે અલગ રાષ્ટ્રની ભાવના મજબૂત થઈ અને 1933માં તેમણે ફર્સ્ટ રિપબ્લિક ઑફ ઇસ્ટર્ન તુર્કિસ્તાનની સ્થાપના કરી હતી.
તે માત્ર એક જ વર્ષ સુધી ચાલ્યું પરંતુ તેણે વીગરોમાં સ્વતંત્ર રાષ્ટ્રની ભાવના ઉત્પન્ન કરી હતી અને પછી 1944થી 1945 વચ્ચે એ પ્રયોગ સેકન્ડ રિપબ્લિકમાં ફરી દોહરાવવામા આવ્યો.
સેકંડ રિપબ્લિકમાં બે ધારાઓ એકસાથે હતી. પહેલી રાષ્ટ્રવાદી મુસ્લિમોની અને બીજી ડાબેરી વિચારકોની જેમણે 1930-40ના સમયમાં સોવિયટ સંઘમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
તે સમયમાં આ ક્ષેત્ર કોઈ સોવિયટ ઉપરાજ્ય જેવું હતું જે અંતતઃ માઓત્સે તુંગની પીપલ્સ લિબરેશન આર્મી સામે હારી ગયું.
ત્યારબાદ 'ધ શિનઝિયાંગ વીગર ઑટોનૉમસ રીજન' (શિનઝિયાંગ વીગર સ્વાયત્ત ક્ષેત્ર) બન્યું. માઓએ ચીની રાષ્ટ્રીયતાઓ અથવા 'મિનઝૂ'ની પ્રણાલી સ્થાપિત કરી, તેમાં એક બહુસંખ્યક વર્ગ છે જે ચીનનો હાન વંશ છે, જે જનસંખ્યાનો મોટો ભાગ છે અને બાકીમાં 55 અલ્પસંખ્યક વર્ગ છે જેમાં તિબેટિયન, વીગર અને મોંગોલ પણ સામેલ છે.

નવી હાન વસતી

વીગરોને અલ્પસંખ્યકોની ઓળખ તો મળી ગઈ પરંતુ શિનઝિયાંગને દૂર આવેલું પશ્ચિમી ક્ષેત્ર જ માનવામાં આવ્યું અને એવી ધારણા બની કે તેને ફરી 'નવી હાન આબાદી'થી આબાદ કરવામાં આવે.
મોટી સંખ્યામાં હાન લોકો પ્રવાસ કરીને અહીં પહોંચ્યા. વીગર રાષ્ટ્રવાદ જેનો અત્યાર સુધી સ્વીકાર કરવામાં આવી રહ્યો હતો, તેને 1960 બાદથી ચીનમાં એક એવી વસ્તુ તરીકે જોવામાં આવી જેનું સમાધાન કરવું જરૂરી હતું.
1967માં અહીં સાંસ્કૃતિક ક્રાંતિ શરૂ થઈ અને તેનો પ્રભાવ ઘણા દાયકાઓ સુધી રહ્યો. તે આ ક્ષેત્ર માટે વિનાશક સાબિત થઈ. આ દરમિયાન બુદ્ધિજીવીઓ અને ધર્મગુરુઓની ધરપકડ કરવામાં આવી હતી. મસ્જિદો અને મકબરાને તોડી પાડવામાં આવ્યાં હતાં.
શિનઝિયાંગ એક મોટો લેબર કૅમ્પ બની ગયો હતો જ્યાં સમગ્ર ચીનમાંથી ધરપકડ કરવામાં આવેલા લોકોને પહોંચાડવામાં આવ્યા હતા. નવી સત્તા આ લોકોને પ્રતિક્રિયાવાદી માનતી હતી. 1980ના દાયકામાં ડેંગ શિયાપિંગ (શીશિયાન)ના નેતૃત્વમાં પરિસ્થિતિ વધારે બદલાઈ હતી.
પાપાસ જણાવે છે, "અલ્પસંખ્યકોના સંબંધમાં મોટા બદલાવ આવ્યા હતા. તેમને હવે પ્રતિક્રિયાવાદી રીતિ-રિવાજના પ્રતીક તરીકે જોવામાં આવતા ન હતા અને કેટલીક હદે અભિવ્યક્તિની સ્વતંત્રાની સાથે લોકશાહીકરણ શરૂ થયું."
ત્યારબાદ ખૂબ જ સમૃદ્ધ બૌદ્ધિક ગતિવિધિઓ થઈ, તે ખરેખર સાંસ્કૃતિક વિકાસ હતો જેમાં જે ઘણી બધી વસ્તુઓ ગુમાવી દેવામાં આવી હતી તે ફરી બનાવવામાં આવી.
વિશ્વવિદ્યાલયોમાં સાંસ્કૃતિક સંગઠન બન્યાં અને 12 ડિસેમ્બર 1985ના રોજ ક્ષેત્રીય રાજધાની ઉરુમકીમાં આંદોલનકારી વિદ્યાર્થી રસ્તા પર આવી ગયા. તેઓ વધારે લોકતાંત્રિક સ્વતંત્રતાની માગ કરી રહ્યા હતા અને પૂર્વ તુર્કિસ્તાનમાં થયેલા પરમાણુ પરીક્ષણોનો વિરોધ કરી રહ્યા હતા.

થિયાનમેન સ્ક્વેર હત્યાકાંડ

ઇમેજ સ્રોત, Reuters
સહિષ્ણુતાનો માહોલ આખા દેશમાં 1989માં બદલાઈ ગયો. આ એ જ વર્ષ હતું જ્યારે રાજધાની બિજિંગમાં થિયાનમેન ચોક પર વિદ્યાર્થીઓનો હત્યાકાંડ થયો હતો.
પ્રશાસને વીગર મુસ્લિમોના એકજૂથ થવાને શંકાની નજરે જોવાનું શરૂ કર્યું હતું. તેઓ તેને વીગર અલગાવવાદનું કેન્દ્ર માનવા લાગ્યા. વીગરોના ઉત્સવસમારોહને નિશાન બનાવાયા અને પારંપરિક મુશાયરા જ્યાં પારંપરિક સંગીત 'મુકામ' વગાડવામાં આવતું હતું, નૃત્ય અને વાતચીત થતી હતી, તે પણ સરકારના નિશાને ચઢ્યાં.
1997માં ગુઝલા શહેરમાં આવા જ મેશરેપ સમારોહને હિંસકરૂપે કચડવામાં આવ્યો હતો. આ વીગર વિદ્રોહનો સમય હતો. પ્રતિક્રિયા પણ ખૂબ કડક હતી. સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતા.
ઍલેક્ઝેન્ડર પાપાસ કહે છે, "જ્યારે રાજકીય અભિવ્યક્તિની શક્યતા નથી હોતી તો આંદોલનકારી હથિયાર ઉઠાવી લે છે."
અહીંથી કથિત વીગર આતંકવાદનો જન્મ થયો હતો. ક્યારેક ક્યારેક હુમલા પણ થયા. જેમ કે 1997માં બિજિંગમાં બસ પર થયેલો હુમલો જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
2009માં ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો ગચો. આ એ સમય હતો જ્યારે ઉરુમકીમાં પહેલી વખત વંશીય સંઘર્ષ થયો હતો.
પાપાસ કહે છે, "ત્યારબાદથી ક્ષેત્રમાં તણાવ ઓછો થયો નથી. અહીં ચીનની સરકાર ખૂબ જ હિંસકરૂપે ઉત્પીડન કરી રહી છે. સરકારે અહીં વીગર મુસ્લિમોને અલગ-થલગ કરવા માટે વ્યવસ્થા લાગુ કરી છે. ઉદાહરણ તરીકે ઘણી નોકરીઓ એવી છે જેમાં વીગર મુસ્લિમો સામેલ થઈ શકતા નથી."
તુર્કીસ્તાન ઇસ્લામિક પાર્ટીએ વર્ષ 2013-14માં થયેલા ઘણા હુમલાની જવાબદારી લીધી હતી. પાપાસ પ્રમાણે, "તે ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલું નાનું પરંતુ અસ્પષ્ટ આંદોલન છે. તેના કેટલાક સભ્યો તાલીમ લેવા ઇરાક અને સીરિયા પણ ગયા હતા."

પુનર્શિક્ષાકેન્દ્ર

પરંતુ જ્યારે લાગ્યું કે વીગર મુસ્લિમોની સાથે આનાથી વધારે ખરાબ કંઈ નહીં થાય ત્યારે 2017માં પુનર્શિક્ષાકેન્દ્ર સામે આવ્યાં, જે એક મોટો વળાંક સાબિત થયો.
પાપાસ કહે છે, "ભૂતકાળમાં જબરદસ્તી શ્રમશિબિર એક ન્યાય વ્યવસ્થાનો ભાગ હતી. ભલે તે અન્યાયપૂર્ણ કેમ ન હોય. કેમ કે તે કોઈ અપરાધ કે ભૂલની સજા રૂપે હતી. પરંતુ પુનર્શિક્ષાકેન્દ્ર ખૂબ વિશાળ છે અને અહીં લોકોના દરેક પ્રકારના વર્ગ છે. એ લોકોને પણ અહીં મોકલી દેવામાં આવે છે જેમણે ક્યારેય કોઈ અપરાધ કર્યો ન હોય."
એવું માનવામાં આવે છે કે આ પુનર્શિક્ષાકેન્દ્રમાં વીગર લોકોના દસ ટકા એટલે કે આશરે દસ લાખ લોકો બંધ છે.
ઇતિહાસકાર પાપાસ કહે છે, "લોકો અચાનક ગમે તે દિવસે ગુમ થઈ જાય છે અને તેમના પરિવાર પાસે એ જાણકારી હોતી નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે. રાજ્ય સત્તા તેમનું અપહરણ કરી લે છે. જે લોકો આ કૅમ્પોની બહાર છે તેમના પર પણ સ્થાયી નિયંત્રણ છે. પૂર્વી તુર્કિસ્તાન ટેકનિક અને ગુપ્તરીતે દેખરેખનું પરીક્ષણકેન્દ્ર બની ગયું છે."
વીગર મુસ્લિમોના દમને આ વસતીનો એક એવો વર્ગ ઊભો કરી દીધો છે જે દેશની બહાર નીકળીને હવે દુનિયાના જુદાજુદા ભાગોમાં રહે છે.
આ વીગર લોકો યુરોપ, અમેરિકા અને એશિયાઈ દેશોમાં છે. જર્મનીના મ્યૂનિકસ્થિત વર્લ્ડ વીગર કૉંગ્રેસ આ લોકોને એકજૂથ કરવા પ્રયાસ કરે છે.
ભૂરાજકીય કારણો અને ચીનની વધતી શક્તિના કારણે ઇસ્લામ ધર્મના અનુયાયી હોવા અને તુર્ક વંશ સાથે જોડાયેલા હોવા છતાં વીગર મુસ્લિમોને ઇસ્લામી દેશો અને મધ્ય એશિયાઈ ઇસ્લામી દેશોનું કોઈ ખાસ સહયોગ કે સમર્થન મળતું નથી.
પાપાસ કહે છે, "ઘણા મુસ્લિમ દેશ ચીન સાથે પોતાનો સંબંધ જાળવી રાખવા માગે છે. તેઓ વીગર લોકોને અલગ પ્રકારના મુસ્લિમ પણ માને છે અને તેમના પ્રત્યે એકતાનો અનુભવ નથી કરતા."
અફસોસ વ્યક્ત કરતાં પાપાસ કહે છે, "ખરેખર આ વંશ, પોતાના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













