RSS પર લખાયેલી પુસ્તિકામાં સાવરકર વિશે એવું શું લખ્યું છે કે વાઇરલ થઈ ગઈ
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે
કન્નડ ભાષાના સાહિત્યકાર દેવાનુર મહાદેવાની રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ-આરએસએસ પર લખાયેલી એક નાનકડી પુસ્તિકા 'આરએસએસ આલા મટ્ટુ અગાલા' (આરએસએસનું ઊંડાણ અને વ્યાપ) વાઇરલ થઈ ગઈ છે. આરએસએસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેની રાજકીય પાંખ ગણાવાતા ભારતીય જનતા પક્ષે આ પુસ્તિકાને 'કચરો' ગણાવી છે.

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
આ પુસ્તિકાની નકલની એટલી બધી માગ છે કે તેની કૉપી મળી નથી રહી. સાઇબર દુનિયામાં તેની બિનસત્તાવાર પીડીએફ શૅર કરવામાં આવી રહી છે અને સ્થિતિ એ છે કે ઉતાવળે તે હિન્દી, તામિલ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત પણ થઈ રહી છે.
64 પાનાંની આ પુસ્તિકા એક નવાં ફૉર્મેટમાં છે જેને કોઈ પણ પ્રકાશિત કરી રહ્યું છે. કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક મહિલા સમૂહ અને તાલુકા સ્તરે વિદ્યાર્થીઓનાં એક જૂથે પણ તેનું પ્રકાશન કર્યું છે.
આરએસએસના સંસ્થાપક ડૉક્ટર કેબી હેડગવાર અને તેના સૌથી શક્તિશાળી સરસંઘચાલક રહેલા એમએસ ગોલવલકર અને વીએસ સાવરકરના લેખોથી પ્રભાવિત આ પુસ્તિકામાં લોકોને રુચિ એટલી બધી છે કે લેખક મહાદેવા દાવો કરે છે કે ભાજપના કાર્યકરો અને સભ્યો પણ તેને ગુપ્ત રીતે વહેંચી રહ્યા છે.
મૈસૂર વિશ્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી શ્રમકુમારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પુસ્તિકા વિશે માહિતગાર છે. અમે આની બે હજાર નકલો પ્રકાશિત કરી હતી અને ચાર જ દિવસમાં તે વેચાઈ ગઈ. હાલ અમારી પાસે 100 નકલો છે અને અમે વધારે નકલો છાપવાની પરવાનગી માગી છે."
"અમે મંડ્યા જિલ્લામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓની હૉસ્ટેલમાં મોટી સંખ્યામાં આ પુસ્તિકા વેચી છે. અમે અમુક નકલો લઈને સ્થાનિક ટી-સ્ટૉલ પર પણ જઈએ છીએ અને લોકો 30 રૂપિયા આપીને તેને ખરીદી લે છે."

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
આ જ રીતે કર્ણાટકના ઉત્તર જિલ્લા કલબુર્ગીમાં પ્રભુતા ભારત સંઘર્ષ સમિતિ નામના એક મહિલા સંગઠને આ પુસ્તિકાની એક હજાર નકલોનું પ્રકાશન કર્યું છે.
સમિતિ સાથે સંકળાયેલાં અશ્વિની મંગાવર કહે છે, "થોડાં જ દિવસોમાં અમારી તમામ નકલો વેચાઈ ગઈ છે. અમે વધારે નકલો પ્રકાશિત કરવા જઈ રહ્યાં છીએ કારણ કે અહીં અને બીદરમાં પણ લોકો અમારી પાસે તેની માગ કરી રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેખક મહાદેવાની કલમ કલ્પન અને રૂપકો માટે જાણીતી છે.
એમણે આરએસએસની તુલના એક એવા જાદુગર સાથે કરી છે જેણે પોતાનો આત્મા એક પંખીમાં છુપાવીને રાખ્યો છે અને એ પંખી સાત દરિયાની પાર એક ગુફામાં રહે છે. જ્યાં સુધી એ પંખીને મારવામાં ન આવે ત્યાં સુધી આ જાદુગરને મારી ન શકાય એવી વાત છે. જેમ હેરી પોટર સીરિઝમાં વૉલ્ડમોર્ટને મારવા માટે હૉરક્રક્સેઝને મારવું જરૂરી હોય છે એવી જ આ વાત છે.

ઇમેજ સ્રોત, ANURAG BASAVARAJ
મહાદેવા કહે છે કે "ભગવદ્ગીતાને ભણાવવું એ દેશમાં જાતિ વ્યવસ્થાને ઉત્તેજન આપવા બરોબર છે જેવું કે મનુસ્મૃતિમાં કહેવાયું છે. તેઓ કહે છે કે આ બંધારણને કૉપી પેસ્ટ બતાવીને બદનામ કરવાના પ્રયાસો જેવું છે."
તેઓ દાવો કરે છે કે આનું કારણ એ છે કે "દેશ પર પોતાનો ભગવાન સ્થાપિત કરી દેવાની આરએસએસની યોજના માટે બંધારણ એક દુ:સ્વપ્ન સમાન છે. આરએસએસના ભગવાનમાં બ્રાહ્મણ માથું છે, ક્ષત્રિય ભુજાઓ છે, વૈશ્ય જાંઘ છે અને શુદ્રોનું સ્થાન ચરણમાં છે."

કન્નડ ભાષામાં વિખ્યાત લેખકે લખેલી RSS વિશેની પુસ્તિકા વિશે ચર્ચા કેમ?

- આરએસએસ પર લખાયેલી એક નાનકડી પુસ્તિકા 'આરએસએસ આલા મટ્ટુ અગાલા' (આરએસએસ ઊંડાણ અને વ્યાપ) વાઇરલ થઈ ગઈ છે
- આ પુસ્તકમાં કન્નડ ભાષાના વિખ્યાત સાહિત્યકાર દેવાનુર મહાદેવાએ ભાજપ અને આરએસએસની ટીકા કરી છે
- આ પુસ્તિકા હાલ ઘણાં સંગઠનો દ્વારા વહેંચવામાં આવી રહી છે
- ભાજપે આ પુસ્તિકાને કચરો ગણાવી છે
- આ પુસ્તિકામાં ભાજપની વ્યૂહરચના, સંઘના મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વો અંગે વિશેષ વાતો કરાઈ છે
જ્યારે ભારતમાં ઓબીસી સમુદાયમાંથી આવતા નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે અને રાષ્ટ્રપતિ આદિવાસી સમુદાયમાંથી આવતાં દ્રૌપદી મુર્મૂ છે બન્યાં છે, ત્યારે તેઓ પોતાનો મનુસ્મૃતિનો તર્ક કેવી રીતે સાબિત કરશે એ સવાલના જવાબમાં મહાદેવા કહે છે કે, "આપણે એક હકીકત સમજવી પડશે. ભાજપ એક બંધારણવિહીન રાજકીય પાર્ટી છે, જેનું નિયંત્રણ આરએસએસના હાથમાં છે."
"તેના (ભાજપના) દેવતા ગર્ભગૃહમાં બિરાજમાન છે જે નાગપુરમાં છે. ભાજપનું નેતૃત્વ નાગપુરથી મળી રહેલા આદેશ અનુસાર જ ચાલે છે જ્યાં ડાબે કે જમણે ફૂલનું પડવું પણ ભગવાનના ખાસ સંદેશ તરીકે જ લેવામાં આવે છે."

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG
તેઓ કહે છે કે "આ જ કારણ છે કે ભાજપના નેતાઓમાં આરએસએસને ખુશ કરવાની હોડ લાગેલી રહે છે અને આ માટે તેઓ એકબીજા સાથે સ્પર્ધા પણ કરે છે."
"આ માટે જ ભાજપ જેવી પાર્ટી, જેનું પોતાનું કોઈ બંધારણ નથી તે, કોઈ નેતાને પોતાના દમ પર મજબૂત નથી થવા દેતી. માની લઈએ કે વડા પ્રધાન ઓબીસી (અન્ય પછાત વર્ગ) છે પણ શું તેમણે ઓબીસીને કોઈ ફાયદો પહોંચાડ્યો છે? ઝાઝી આશા ન રાખીએ તો પણ શું તેમણે કોઈ નાનો લાભ પણ ઓબીસીને આપ્યો છે?"
"ઓબીસી સમુદાયના લોકો સામાન્ય રીતે નાનો-મોટો કામધંધો કરતા હોય છે, શું ઓબીસી વડા પ્રધાને એમના રોજગારની તકો માટે કોઈ પ્રયાસ કર્યો છે? મને તો આવું કંઈ દેખાઈ નથી રહ્યું. હા, એમણે કરોડપતિઓ માટે ટૅક્સ જરૂર ઓછો કર્યો છે."
"એમનું કરજ માફ કરવામાં આવી રહ્યું છે. સાર્વજનિક સંપત્તિ એમને નજીવા ભાવે વેચી દેવામાં આવી રહી છે. અમીર લોકોની દોલતમાં લાખો-કરોડોનો વધારો થઈ રહ્યો છે. સરકાર કૉર્પોરેટ ક્ષેત્રને લાભ કરાવી રહી છે. વડા પ્રધાન એમની દોલતની ચોકીદારી રહી રહ્યા છે."
"પહેલાં જ્યારે રાજાઓ, સરદારો અને સામંતોનું શાસન હતું ત્યારે જેમણે ચતુર્વર્ણ વ્યવસ્થાનું પાલન કર્યું એ જ શાસકો સત્તામાં રહી શક્યા. જેમણે એની રક્ષા ન કરી તે બરબાદ થઈ ગયા. તો વાસ્તવમાં સત્તા કોણ ચલાવી રહ્યું હતું? શું રાજા સત્તા ચલાવી રહ્યા હતા? આપણે જે સામે દેખાઈ રહ્યું છે એનાથી આગળ વધીને જોવું પડશે"

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે "આદિવાસી જ મૂળનિવાસી છે પણ આ લોકોએ મૂળનિવાસીનું નામ જ હઠાવી દીધું અને તેમને વનવાસી બનાવી દીધા છે. (આ સંઘપરિવાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં ચલાવાતા વનવાસી કલ્યાણ આશ્રમને સંબંધે છે. ભાજપ અને સંઘપરિવાર આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ પર ભાર મૂકે છે.) અને આજે આદિવાસી આ કટ્ટરવાદી શક્તિઓનો હાથો અને અન્ય ધર્મ સામે લડવાનું હથિયાર બની ગયા છે. શું આનાથી કોઈ બદલાવ આવશે? શું આ યોગ્ય વિકાસ છે? આપણે આ દૃષ્ટિકોણથી પણ વિચારવું પડશે."
આ પુસ્તકમાં આરએસએસમાં માનનારા લોકોની આકરી ટીકા કરવામાં આવી છે.
આરએસએસના સમર્થકો આ પુસ્તકને કચરો ગણાવે છે.
લેખક મહાદેવાને તેમના ગામના નામે દેવાનુર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દાવો કરે છે કે એમણે આ પુસ્તિકામાં સીધી રીતે આરએસએસ વિચાર, ગોલવલકર અને સાવરકરના વિચારોને સામેલ કર્યા છે.
મહાદેવા પૂછે છે "જો તેઓ આને કચરો ગણાવતા હોય તો શું તેઓ ગોલવલકર અને સાવરકરને પણ કચરો ગણાવે છે?"

કોણ છે દેવાનુર મહાદેવા?

ઇમેજ સ્રોત, ANURAG BASAVARAJ
મહાદેવા બંદન્યા અને વિદ્રોહી સાહિત્ય આંદોલનના અગ્રણી લેખક છે જે સામાજિક અને આર્થિક અન્યાય પર લખે છે.
એમની એક અન્ય નવલકથા 'ઓડાલાલા'ની એક લાખથી વધારે નકલો વેચાઈ હતી અને તેઓ પોતે માને છે કે હવે તેઓ પુસ્તકના વેચાણનો હિસાબ નથી રાખતા.
એમની ત્રીજી નવલકથા 'કુસુમાબલ્લે' સૌથી ચર્ચિત હતી અને તે માટે તેમને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.
મહાદેવા કહે છે કે જ્યારે તેઓ પુસ્તિકા પ્રિન્ટ કરાવી રહ્યા હતા ત્યારે આની એકાદ હજાર નકલ પણ વેચાઈ જાય તો સારું એવું એમણે વિચાર્યું હતું. પણ આની નકલો હજી પણ પ્રકાશિત થઈ રહી છે અને અત્યાર સુધી એક લાખથી વધારે નકલો વેચાઈ ચૂકી છે.
આ પહેલી વાર છે જ્યારે વાચકોને અહેસાસ થયો છે કે રૂપકોનો ઉપયોગ એમનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી. વાસ્તવમાં સમગ્ર રીતે બોલચાલ અને સંકર ભાષામાં પોતાની વાત રજૂ કરવાની આ એમની રીત હતી.

ઍવૉર્ડ ઠુકરાવી ચૂક્યા છે મહાદેવા
વર્ષ 2010માં નૃપાથુંગા ઍવૉર્ડ લેવાનો એમણે ઇનકાર કરી દીધો હતો કારણ કે કન્નડ ભાષાને પ્રાથમિક શાળાથી લઈને કૉલેજ સુધી શિક્ષણનું માધ્યમ નહોતી બનાવવામાં આવી.
2015માં એમણે પદ્મશ્રી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પાછો આપી દીધો હતો.
1990ના દાયકામાં એમને લેખકોના વર્ગમાંથી રાજ્યસભામાં જવાનો પ્રસ્તાવ મળ્યો હતો પણ એમણે તેનો સ્વીકાર નહોતો કર્યો.
શું આપને ખરેખર લાગે છે કે આટલી મોટી સંખ્યામાં લોકો તમારી નવી પુસ્તિકા વાંચી રહ્યા છે? આ સવાલના જવાબમાં મહાદેવા કહે છે કે, "હું આ વિશે શું કહું આ સવાલનો જવાબ હું કેવી રીતે આપું?"

ભગવદ્ગીતાનું શિક્ષણ અને બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images
મહાદેવા કહે છે કે "એ વિશ્વાસ કરવો સર્વનાશક છે કે ભગવાને જ ચતુર્વર્ણ સામાજિક વ્યવસ્થાની વર્ણ વ્યવસ્થાને બનાવ છે. પણ આ અસલી મહાભારતનો હિસ્સો નહીં હોય. એ પણ કહેવામાં આવે છે અન્ય કોઈએ નહીં પણ સ્વંય શંકરાચાર્યે આને (ગીતાને) મહાભારતમાં સામેલ કરી. આ હું નથી રહી રહ્યો, આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે."
"મને પણ લાગે છે એ સાચું હશે. એમણે (વિવેકાનંદે) ભગવદ્ગીતાને સંપૂર્ણ રીતે નકારી કાઢી ન હતી. એમાં ઘણાં બૌદ્ધ વિચાર પણ છે. મને લાગે છે કોઈ બુદ્ધિમાન વ્યક્તિએ ભગવદ્ગીતા રચી હશે. આની સાથે જ મોટી ત્રાસદાયક વાત એ છે કે એમના આ કામમાં ચતુર્વર્ણ વ્યવસ્થાને બરકરાર રાખવામાં આવી. એવું પ્રતીત થાય છે કે મહાન વાતો કહીને સામાજિક ભેદભાવ બરકરાર રાખવામાં આવ્યો."
મહાદેવા કહે છે કે "આજના સમયમાં એ સવાલ ખડો થાય છે કે, શું ભગવદ્ગીતાને પ્રોત્સાહન આપવું બંધારણ પર પ્રહાર નથી કારણ કે એ હિંદુ ધર્મ પર આધારિત ચતુર્વર્ણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે."
મહાદેવા આગળ કહે છે કે "ઓબીસી, એસસી અને એસટી સમુદાયોના લોકો અમુક હદે ભાજપનું સમર્થન કરી રહ્યા છે પણ આપણે એ પણ જોવું પડશે કે આમાંથી મોટા ભાગના મીડિયા મૅનેજમૅન્ટ, આ સમુદાયોમાં રોકાણ અને મંચ સાથે સંબધિત છે. આવામાં એ ભ્રમ ઊભો કરી દેવામાં આવ્યો છે કે તેઓ આ સમુદાયો માટે ઘણું કરી રહ્યા છે પણ મને લાગે છે કે હકીકત આવી છે નહીં."
"આપણે જો હાલની પરિસ્થિતિમાં ભારતમાં થયેલા તમામ વિકાસકામોને જોઈએ તો શું કંઈ અલગ દેખાય છે? ફક્ત બેરોજગારીનો જ વિકાસ દેખાય છે."
"ઓબીસી, એસસી અને એસટી સમુદાયના યુવાઓ બેચેન છે અને બેરોજગારીનો માર વેઠી રહ્યા છે પણ આરએસએસ એમના (ઓબીસી, એસસી, એસટી) યુવાઓને એવું દેખાડે છે કે એમની આ ખરાબ હાલત માટે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જવાબદાર છે."
તેઓ કહે છે "હજી એક વાત. જો કોઈને ભારતની માનસિક સ્થિતિ સમજવી હોય તો, ચતુર્વર્ણ વ્યવસ્થાને સામાન્ય બનાવવા માટે, ધર્મને નામે શાસ્ત્રને જ શસ્ત્ર બનાવી દેવામાં આવ્યું છે."
પ્રખ્યાત ચૂંટણી વિશ્લેષક અને સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના નિર્દેશક સંજય કુમારે થોડા દિવસ અગાઉ એક ટ્વીટ ભાજપની બદલાઈ રહેલી મતબૅન્ક પર કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એમણે કહ્યું હતું, "લોકનીતિ અને સીએસડીએસના સરવે અનુસાર ભાજપનો સમર્થક વર્ગ બદલાઈ રહ્યો છે. 1996માં ભાજપને મળી રહેલા કુલ મતમાં 49 ટકા મત ઉજળિયાત વર્ગના હતા, 33 ટકા ઓબીસી હતા, 11 ટકા એસસી હતા અને સાત ટકા એસ.ટી.) હતા. 2019માં ભાજપને મળેલા કુલ મતમાં 30 ટકા ઉજળિયાત હતા, 44 ટકા ઓબીસી હતા, 16 ટકા એસસી હતા અને દસ ટકા એસટી હતા."
મહાદેવા કહે છે કે "વર્તમાનમાં જો હાલત આવી છે તો પછી બેરોજગાર માટે શું ખોરાક ઉપલબ્ધ છે? નફરત પોતે જ ભોજન છે. આરએસએસ અને સંઘ પરિવાર એમને અન્ય ધર્મો પ્રત્યેની નફરત પીરસે છે અને એમને અન્ય ધર્મો પ્રત્યે ઉશ્કેરે છે. આપણે એ જોઈ શકીએ છીએ કે ગોલવલકર અને સાવરકર સ્પષ્ટ રીતે નાઝીવાદના સમર્થક છે. હવે ભાજપની સત્તામાં આ બધું વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે."

સામાન્ય જીવન અને અર્થવ્યવસ્થા પર મનુસ્મૃતિનો પ્રભાવ
મહાદેવા કહે છે વડા પ્રધાને એક ઝાટકે આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબલ્યુએસ) માટે દસ ટકા અનામત લાગુ કરી દીધી.
તેઓ કહે છે પણ આ દસ ટકા અનામત, જે અન્ય કોઈ વર્ગને ઉપલબ્ધ નથી, ઈડબલ્યૂએસ વર્ગને આપવામાં આવી છે જે સામાજિકરૂપે અગ્રણી છે અને જેનું શિક્ષણ અને રોજગારમાં વધારે પ્રતિનિધિત્વ છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગ વસતિના ફક્ત પાંચ ટકા જ છે. આ કામ વડા પ્રધાને કર્યું છે."
"આ નિર્ણયથી અનામતમાં જે ન્યાયની વાત હતી તે ઊડી ગઈ છે. ત્યાં સુધી કે અનામતનું આખું ચરિત્ર જ લૂંટી લેવામાં આવ્યું છે. જે લોકો ટોચ પર છે એમને વધારે મળવું જોઈએ એવા જ સિદ્ધાંત જેવું લાગે છે. એવું જ છે. આ સિદ્ધાંત ક્યાંથી આવ્યો છે? આનો સ્રોત મનુધર્મ શાસ્ત્ર. આની ગંધ સ્પષ્ટ છે."

આ પુસ્તિકા કેમ લખી?
મહાદેવાનું કહેવું છે કે તાજેતરના અમુક ઘટનાક્રમોથી તેઓ ચિંતિત હતા. સ્વાભાવિક છે કે આમાં સૌથી પહેલી વાત આર્થિક અનામતની જ હતી. આ પછી કર્ણાટક સરકારના ધર્મ-પરિવર્તન વિરોધી કાયદાએ એમના પર અસર કરી.
તેના થોડા દિવસ પછી પાઠ્યપુસ્તક વિવાદ શરૂ થઈ ગયો. તેઓ એ વાતે પણ પરેશાન હતા કે બસાવન્ના જેવા મહાન વ્યક્તિત્ત્વને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું અને મુખ્ય મંત્રી બસાવરાજ બોમ્બઈએ તેને 'મામૂલી ભૂલ ગણાવી જે જ્યાં ત્યાં થઈ જતી હોય છે.'
મહાદેવા કહે છે કે આરએસએસ કર્ણાટક પ્રોટેક્શન ઑફ રિલીજીયસ ફ્રિડમ ઍક્ટ (ધાર્મિક આઝાદી સુરક્ષા કાનૂન) દ્વારા મનુસ્મૃતિને લાગુ કરી રહી છે.
તેઓ કહે છે કે આ કાયદો માનસિક રીતે બીમાર, સગીરો, મહિલાઓ અને દલિતોને એક જ વર્ગમાં મૂકે છે. શું દલિત અને મહિલાઓ માનસિક રીતે બીમાર છે? આ સરકારે મહિલાઓ અને દલિતોને બીજા દરજ્જાનાં નાગરિક બનાવી દીધાં છે. આ મનુસ્મૃતિ જેવું જ છે જેમાં અલગ અલગ લોકો માટે દરજ્જા અને વર્ણ અનુસાર એક જ અપરાધ માટે અલગ અલગ સજાઓ છે."

ભાજપે પુસ્તિકાને ગણાવી કૉંગ્રેસલિખિત 'કચરો'

ઇમેજ સ્રોત, Thinkstock
મૈસૂરથી ભાજપના લોકસભા સાંસદ પ્રતાપ સિમ્હાએ બીબીસીને કહ્યું, "મને હતું કે જેવી એમણે કુસુમબાલેમાં રજૂ કરી હતી એવી સર્જનાત્મકતા હજી એમનામાં બાકી છે પણ એમની આ લઘુ પુસ્તિકા રાહુલ ગાંધીના નીરસ ભાષણ પછી કૉંગ્રેસ કાર્યકર્તાઓ માટે લખવામાં આવેલી વૉટ્સૅપ અને ફેસબુક પોસ્ટનું સંકલન લાગે છે."
"સાથે જ, ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની જેમ હિંદુ ધર્મે દુનિયાના કોઈ દેશ પર કબજો નથી કર્યો અને લોકોને ધર્મ પરિવર્તન માટે મજબૂર નથી કર્યાં. કમ સે કમ એમને એટલી તો ખબર હોવી જોઈતી હતી."
વરિષ્ઠ વિશ્લેષક વિશ્વેશ્વર ભટ્ટ માને છે કે આ લખાણ ખોખલું છે અને મહાદેવાની છબિને મજબૂત નથી કરતું.
તેઓ કહે છે ''એમની પાસેથી ગુણવત્તાપૂર્ણ શોધ સહિતના વિદ્વતાપૂર્ણ પુસ્તકની અપેક્ષા રાખવામાં આવે છે. આ પુસ્તિકામાં એમની દાનત ખૂબ છીછરી દેખાય છે, હું ખરેખર ખૂબ નિરાશ છું.''
બીબીસીએ આ પુસ્તિકા મામલે આરએસએસની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. નામ ન આપવાની શરત પર ભાજપના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે "આ મામલે આરએસએસ તરફથી કોઈ વાત નહીં કરે, અમે આને કચરો જ સમજીએ છીએ."

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
જોકે, મહાદેવા આ ટીકાને રદિયો આપે છે અને કહે છે કે "આ આરોપ મારી સાથે સંબધિત નથી. હું તમને હેરાન કરી મૂકે એવી વાત કહું છું. કૉંગ્રેસના સભ્યો આની નકલો વહેંચી રહ્યા છે. જેડીએસના સભ્યો પણ આવું કરે છે. ત્યાં સુધી કે અનેક ભાજપના નેતાઓ ગુપ્ત રીતે આને વહેંચે છે. આરએસએસ પણ આને વહેંચશે તો મને ખુશી થશે. આ ભારત માટે સુર્વણ સમય છે એવું હું અનુભવીશ."
પુસ્તિકાને કચરો ગણાવવા મામલે મહાદેવા કહે છે, "મેં તો ગોલવલકર અને સાવરકરને સામે મૂકી આપ્યા છે. કમ સે કમ એમણે એવું તો કહેવું જોઈએ કે જે મેં લખ્યું છે એવું ગોલવલકર અને સાવરકરે નથી કહ્યું."
"એમણે કહેવું જોઈએ કે તેઓ એમનાં નિવેદનોનું સમર્થન કરે છે. અથવા તો કમ સે કમ એવું કહેવું જોઈએ એમણે (ગોલવલકર અને સાવરકરે) પહેલાં આવું કહ્યું હતું પણ હવે અમે તેને માનતા નથી. જો તેઓ આને સરાસર કચરો ગણાવે છે તો એનો એ અર્થ નથી કે તેઓ ગોલવલકર અને સાવરકરને પણ એ જ ગણાવે છે."
મહાદેવા કહે છે "મોટા ભાગના લોકોનો બંધારણમાં ભરોસો છે. તેઓ કહે છે, મને બંધારણની જરૂર છે અને કદાચ તમને પણ હશે. આ દેશને બંધારણની જરૂરિયાત તમારા અને મારા કરતાં વધારે છે. જે લોકો સતર્ક છે એમણે નાગરિક સમાજને પણ આ મામલે જાગૃત કરવો જોઈએ."
ભારતના ભવિષ્યને લઈને તેઓ કહે છે કે, "આજે વિચારની વૈદિક ધારાનો દબદબો છે. આપણે વિચારોની સહનશીલતાની ધારાને પણ જાળવી રાખવાની છે. સ્થાનિક અને આદિવાસી વિચારોને પણ જીવતા રાખવાના છે. એમાં શાનદાર માનવીય સંબંધો અને મૂલ્યો હોય છે. આપણે એમને નજરઅંદાજ કરીએ છીએ, એમને આગળની હરોળમાં લાવવા પડશે."
"ઉદાહરણ તરીકે સિદ્દી છે. ઐતિહાસિક કે અન્ય કારણોથી એક જ પરિવારમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી હોય છે. ઇતિહાસે આ હેરત પમાડે તેવો પ્રયોગ કર્યો છે. એટલે જ આજના સમયની જરૂરિયાત પ્રેમ અને સહિષ્ણુતા છે."
"આપણે આ જ મૂલ્યોને વાવવાંનાં છે અને વાવતાં રહેવાનું છે. આપણે આના બીજને સીંચવાનાં છે. હું એ કેવી રીતે કહી શકું કે ભારતના ભવિષ્યને લઈને મને આશા છે? આપણે તમામે એ વિચારવું પડશે આપણે ભારતના ભવિષ્યને લઈને શું કરવાનું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













