અમદાવાદ : જુગારમાં કરોડો ડૂબ્યા તો નોંધાવી છેતરપિંડીની ખોટી ફરિયાદ, કઈ રીતે ભાંડો ફૂટ્યો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- અમદાવાદની કંપનીના ડિરેક્ટરે ઑનલાઇન ગૅમ્બલિંગમાં પૈસા હાર્યાની હકીકત છુપાવવા ઘડ્યો માસ્ટર પ્લાન?
- અમદાવાદ સાઇબર ક્રાઇમની તપાસમાં ફરિયાદી જ કેવી રીતે આરોપી હોવાનું સામે આવ્યું
- પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનો આરોપ, ઓનલાઇન ગૅમ્બલિંગમાં કરોડો ગુમાવ્યા હોવાની હકીકત કેવી રીતે બહાર પડી?

અમુક દિવસ પહેલાં ગુજરાતના અમદાવાદના એક પ્રખ્યાત વેપારી સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ ખાતે નોંધાઈ હતી.
ફરિયાદની વિગત અનુસાર અમદાવાદના 37 વર્ષીય વિશાલ મૂલચંદ ગાલા, જેઓ ગોમતીપુર-રખિયાલ ખાતે ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિમિટેડ નામની કંપનીમાં વર્ષ 2010થી ડિરેક્ટર છે, તેમણે પોતાની સાથે તામિલનાડુ સરકારમાં મસમોટું ટૅન્ડર અપાવવાની લાલચ આપી કેટલાક આરોપીઓ દ્વારા લગભગ 27 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરી હતી.
પરંતુ તપાસ બાદ સામે આવ્યું હતું કે આ ખ્યાતનામ વેપારી પોતાની સાથે થયેલ કથિત છેતરપિંડી બાબતે જૂઠ બોલી રહ્યા હતા, ખરેખર તેઓ આ તમામ નાણાં ઓનલાઇન જુગારમાં ગુમાવી ચૂક્યા હતા. અને પોતાના પરિવારથી આ વાત છુપાવવા માટે તેમણે સમગ્ર મામલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત ઘડી કાઢી હતી.
આટલું જ નહીં પોલીસને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ કર્યા બાદ પણ તેઓ સતત ઑનલાઇન કંપનીમાં લાખોની રકમ ગુમાવી ચૂક્યા હતા.
આ સમગ્ર મામલે હવે પોલીસે એક સમયે આ કેસના મુખ્ય ફરિયાદી સામે જ કાર્યવાહી આરંભી છે, આખરે કેવી રીતે સંપૂર્ણ મામલાની હકીકત પોલીસ સામે આવી?

વિશાલ ગાલાનું કથિત જૂઠ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વિશાલ ગાલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, "ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિ. જુદાં-જુદાં રાજ્યોની સરકારો દ્વારા બહાર પાડવામાં આવતાં ટૅન્ડરો ભરે છે. ફરિયાદીને તામિલનાડુ ટૅક્સ્ટ બુક કૉર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સ્કૂલબૅગના ટૅન્ડરની માહિતી સત્તાવાર વેબસાઇટ પરથી મળી હતી."
"તેમણે ચેન્નાઈ ખાતે તામિલનાડુ ટૅક્સ્ટ બુક ઍન્ડ ઍજ્યુકેશન સર્વિસ કૉર્પોરેશનની ઑફિસમાં ટૅન્ડર રૂબરૂ જમા કરાવ્યું હતું. ટૅન્ડરની અંદાજે રકમ રૂપિયા 100થી 120 કરોડની હતી, જેમાં 70 લાખ જેટલી સ્કૂલબૅગ સપ્લાય કરવાની હતી."
ફરિયાદી વિશાલ ગાલાએ અગાઉ ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, "તેઓ ટૅન્ડર ભરવાના છે તેવી માહિતી મેળવીને કોઈ અરમાન નામની વ્યક્તિએ તેમને વૉટ્સઍપ કૉલ કર્યો હતો. એ વ્યક્તિ અગાઉ દિલ્હીસ્થિત શિવ નરેશ નામની કંપની સાથે કામ કરતી હતી. આ કંપનીને વર્ષ 2021માં આંધ્રપ્રદેશમાં સર્વ શિક્ષાઅભિયાનનું અંદાજે 67 કરોડની સ્કૂલબૅગોનું ટૅન્ડર અપાવ્યું હતું. હવે શિવ નરેશ સાથે કામ કરતો નથી તેવી માહિતી આપી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આરોપીએ વિશ્વાસ અપાવ્યો કે પોતે બીગ સૉફ્ટકાર્ડ કંપની તેમજ અન્ય ઘણી કંપનીમાં સહભાગીદાર છે. તેમજ તેના બીજા ત્રણ-ચાર પાર્ટનર છે. "
"ટૅન્ડર માટે તમામ રૉ-મટીરિયલ ખરીદી કરીને બૅગ બનાવવી તેમજ સપ્લાય કરી પેમૅન્ટ મેળવવાની જવાબદારી તે લેશે. સાથે આ ટૅન્ડરમાં કામ ન પણ મળે તો પણ રૉ-મટીરિયલના ભાવ ભવિષ્યમાં વધશે તેમ કહી હાલમાં સસ્તું રૉ- મટીરિયલ્સ મેળવી લઈ રૉ-મટીરિયલ્સ બીજા રાજ્યના સ્કૂલબૅગનાં ટૅન્ડરમાં ઉપયોગ કરીશું તો પણ અંદાજે 15થી 20 ટકા નફો મળશે તેવી ખાતરી આપી હતી. આ મુદ્દે ફરિયાદી અને આરોપી વચ્ચે આશરે દસ દિવસ વૉટ્સઍપ કૉલ પર વાતચીત થઈ હતી."

પોલીસ ફરિયાદમાં શું હતું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પોલીસ ફરિયાદમાં વધુમાં નોંધાયું છે કે અરમાન પોતાની વગ અને ઓળખાણથી તામિલનાડુ ટૅક્સ્ટ બુક ઍન્ડ ઍજ્યુકેશન સર્વિસ કૉર્પોરેશનનું સ્કૂલ બૅગનું ટૅન્ડર અપાવી દેશે તેમ વિચારી ફરિયાદીએ ટૅન્ડર ભરી દીધું હતું.
ફરિયાદ અનુસાર, "કામ વહેલી તકે ચાલુ કરવા અરમાને જણાવ્યું હતું કે તેની ઘણી બધી કંપની છે. તેણે નાણાકીય વ્યવહાર કરવા બૅન્કનો ખાતાનંબર, જીએસટી સર્ટિફિકેટ તેમજ પાનકાર્ડ આપ્યાં હતાં."
જોકે ફરિયાદીએ કંપનીના પ્રોપરાઇટર્સ જોતાં કોઈ સુમીતકુમાર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ફરિયાદીએ અરમાનને સુમીતકુમાર વિશે પૂછતાં તેમણે પાર્ટનર હોવાની ઓળખ આપી હતી.
"આ પછી આ કામ બાબતે તેની સિવાય તેનો બીજો પાર્ટનર સંદીપ પણ વાતચીત કરશે તેમ કહ્યું હતું, પછી ફરિયાદીની સાથે અરમાન અને સંદીપ બંને વાતચીત કરતા હતા. "
"તેમણે રૉ-મટીરિયલ માટે બે-ત્રણ માસ દરમિયાન અંદાજે 30 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે તેમ કહી ફેબ્રુઆરી માસમાં આશરે પાંચ કરોડ જેટલું પેમૅન્ટ રૉ-મટીરિયલ્સનો ઑર્ડર પ્રોસેસ કરવા માટે મોકલવાનું રહેશે અને બાકીનું પેમૅન્ટ રૉ-મટીરિયલ તૈયાર થાય તે રીતે મોકલવાનું રહેશે તેવું ફરિયાદીને જણાવ્યું હતું."
"અરમાને વૉટ્સઍપ કૉલ કરી રૉ-મટીરિયલ્સ ઑર્ડર કન્ફર્મ કરવા માટે પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ અર્જન્ટ ફેબ્રિક સપ્લાયરને મોકલવાની હોઈ એક કંપનીના ખાતામાં ઍડવાન્સ મોકલવાનું જણાવ્યું હતું પરંતુ તે વખતે ફરિયાદી પાસે પૈસાની સગવડ નહોતી."
આરોપી અરમાને જે-તે વખતે એક કંપનીના બૅન્ક એકાઉન્ટથી ફરિયાદીના બૅન્કખાતામાં 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ટુકડે ટુકડે કરીને 1.15 કરોડની રકમ જમા કરાવી હતી એમ ફરિયાદમાં નોંધાયું છે.

ફરિયાદી જ માસ્ટરમાઇન્ડ?
ફરિયાદી વિશાલ ગાલાએ અગાઉ આપેલી માહિતી અનુસાર તેમણે પોલીસને કહ્યું હતું કે અરમાન અને સંદીપ સાચા હોવાનો તેમને વિશ્વાસ બેસી ગયો હતો.
આરોપીઓએ માર્ચ 2022માં જેમ-જેમ માલ તૈયાર થાય તેમ આશરે 15થી 17 કરોડ રૂપિયાનું પેમૅન્ટ પાર્ટીને કરવાનું રહેશે તથા બાકીનું અંદાજે દસ કરોડ પેમૅન્ટ એપ્રિલ 2022માં માલની ડિલિવરી પૂર્વે કરવાનું રહેશે એમ જણાવ્યું હતું.
20 ફેબ્રુઆરીથી 28 એપ્રિલ સુધીમાં ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિમિટેડના ખાતામાંથી ટુકડે-ટુકડે જુદીજુદી તારીખે કુલ રૂ. 33.83 કરોડો જમા કરાવ્યા હતા.
આરોપીઓએ ટુકડે-ટુકડે 2.70 કરોડ જેટલી રકમ ફરિયાદીના ખાતામાં પરત કરી હતી. સમયાંતરે આરોપીઓએ કુલ 4.34 કરોડ જેટલી રકમ ફરિયાદીના ખાતામાં જમા કરાવી હતી.
ફરિયાદીએ એપ્રિલ 2022 પછી ટૅન્ડર અને મટીરિયલની ડિલિવરી અંગે સ્ટેટસ પૂછતાં ગોળગોળ જવાબ આપવાનું અને ધમકી આપવાનું શરૂ કર્યું અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આથી ઠગાઈ કર્યાનું ધ્યાને આવતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ઠગાઈ અંગે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે અમારી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે હાલ વધારે કંઈ વાત કરી શકીશ નહીં."
જોકે, આ સમગ્ર મામલો ત્યારે ફરી ગયો જ્યારે પોલીસને તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે ફરિયાદી વિશાલ બનાવટી તથ્યો જણાવી પોતે ઑનલાઇન જુગારમાં પૈસા ગુમાવ્યાની વાત પરિવારથી છુપાવવા માગતા હતા.
પોલીસતપાસમાં સામે આવેલી વધારાની વિગતો અનુસાર, "આ ગુનાની ગંભીરતા સમજી સાઇબર ક્રાઇમે આરોપી અટક કરવા માટે કાયદેસર કાર્યવહી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર પ્રકરણમાં સામાવાળાએ ઉપયોગ કરેલા મોબાઇલ નંબરની ડીટેલ્સ કઢાવી હતી."
"આ મોબાઇલ નંબરનાં લોકેશન કર્ણાટકના બેંગલુરુ ખાતેનાં આવતાં હતાં. પોલીસે મોબાઇલ નંબરના ઉપયોગ કરનાર બાબતે બેંગલુરુ ખાતે જઈ તપાસ કરતા કરનસિંઘ દાનસિંઘ રાવતનો હોવાની વાત બહાર આવી હતી. આ કરનસિંઘ રાવત FONEPAISA કંપનીના ડિરેક્ટર હોવાની વિગત તપાસ દરમ્યાન મળી હતી."
પોલીસતપસામાં જાણવા મળ્યું હતું કે "આ સમગ્ર ઘટનામાં પૈસાની લેતીદેતીમાં આ ખાતાને સંબંધ હોવાની વાત સામે આવી હતી."
કરનસિંઘે સાઇબર ક્રાઇમના અધિકારીઓને તપાસમાં જણાવ્યું હતું કે તેમણે આ મામલાના ફરિયાદી વિશાલ ગાલાને કોઈ પણ જૂઠો વાયદો કરી કોઈ નાણાં ભરાવ્યાં નથી. તેઓ પોતાની મરજીથી INDIA24BET.COM નામની નૉન-સ્કિલ ગેંમિંગથી પૈસાની હારજીત કરવા માટે પોતાના પર્સનલ બૅંક ખાતામાંથી તેમજ તેમની કંપનીના બૅંક ખાતામાંથી FONEPAISAના નોડલ બૅંક ખાતામાં ડાયરેકટ કે પછી બીજા બૅંક ખાતા મારફતે પૈસા ભરેલા છે અને ગૅમ્બલિંગ કરેલ છે.
આ ગુનાની તપાસ દરમિયાન આ કામના ફરિયાદી વિશાલ ગાલાએ લખાવેલ ફરિયાદ તદન ખોટી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદમાં જણાવેલ મુજબની રકમ કોઈ ટૅન્ડર પ્રોસેસ માટે નહીં પરંતુ ઑનલાઇન ગૅમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કરેલ હોવાની હકીકત મળી હતી.
આ સિવાય તેમણે સાઇબર ક્રાઇમમાં તપાસ માટે અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમાં લાખો કરોડોની ગૅમ્બલિંગ કરતા હોવાની હકીકત તેમના બૅંક ટ્રાન્ઝેક્શન પરથી જાણવા મળી હતી.
તેથી બીજો ગૅમ્બલિંગનો ગુનો દાખલ કરી તેમની આ ગુનાના કામે અટક કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












