અમદાવાદ : એ બુટલેગર જેણે લઠ્ઠાકાંડમાં લોકોને મરતા જોયા અને દારૂ વેચવાનું છોડી દીધું

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'હું એક જમાનામાં દારૂ વેચી ઢગલાબંધ રૂપિયા કમાતો પણ મેં અમદાવાદના લઠ્ઠાકાંડમાં લોકોને મરતાં જોયા પછી નક્કી કર્યું કે ભૂખે મરીશ પણ દારૂ નહીં વેચું.'
'હવે હું રિક્ષા ચલાવી મારા ઘરનું ગુજરાન ચાલવું છું.'
આ શબ્દો છે અમદાવાદના પૂર્વ બૂટલેગર અને હવે રિક્ષા ચલાવી ઘર ચલાવતા ઝમીરખાન પઠાણના.
અમદાવાદની ગલીઓમાં દિવસના 18 કલાક રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચાલવતા ઝમીરખાન પઠાણને દીકરો વધુ ન ભણી શક્યો એનો અફસોસ છે, પણ દીકરીને ભણાવવા માગે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઝમીરખાન પઠાણે કહ્યું કે, "મારાં લગ્ન થયાં ત્યારે હું વધુ કમાતો ન હતો. એક દિવસ મારા એક દોસ્તે મને કહ્યું કે રોજ રિક્ષા ચલાવીને મજૂરી કરે છે એના કરતાં મારી સાથે દારૂ વેચ, પૈસા મળશે. એ સમયે મારે એક દીકરો હતો અને દીકરી એક વર્ષની હતી. મેં પૈસા માટે દારૂ વેચવાનું શરૂ કર્યું."

જ્યારે દારૂ વેચવાનું શરૂ કર્યું...

ઇમેજ સ્રોત, iStock
તાજેતરમાં બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે સારવાર હેઠળ 88 અસરગ્રસ્ત પૈકી 11ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.
પોલીસ સમક્ષ કુલ 11 લોકો સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ એફઆઈઆરને પગલે 8 લોકોની ધરપકડ કરાઈ છે.
આ લઠ્ઠાકાંડથી ફરી એક વાર ગુજરાતમાં અગાઉ થયેલી આવી જ ઘટનાઓ અંગે ચર્ચા જાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝમીરખાન કહે છે કે, "મારી પાસે એક સોનાની ચેઇન હતી એ વેચીને દારૂની 21 બૉટલ ખરીદી. હું અને મારો દોસ્ત અમદાવાદના શાહપુરથી જમાલપુર આવતા હતા પણ મારું હૃદય જોરથી ધબકતું હતું."
"ટ્રાફિક સિગ્નલ પર પોલીસ જોઈ મને પરસેવો વળી ગયો. મેં મારા દોસ્ત મસૂદને કહ્યું કે હવે પકડાયા. એણે મને કહ્યું આરામથી ચલાવ કંઈ નહીં થાય અને અમે જમાલપુર આવી ગયા."
તેઓ કહે છે, "અહીં એક બૉટલ પર 50 રૂપિયા નફો લઈને વેચી દીધી. દારૂની એક ખેપમાં રિક્ષાના ઈંધણના પૈસા બાદ કરતાં મને ત્રણ કલાકમાં સીધા હજાર રૂપિયા મળી ગયા."

'દૂધના કેનમાં દારૂ મૂકતા'

ઇમેજ સ્રોત, Getty Images
ખાન કહે છે કે તેમને એ વખતે રિક્ષા ચલાવે તો રોજના માંડ સવાસોથી દોઢસો રૂપિયા મળતા હતા. પછી તેમણે દારૂનો ધંધો શરૂ કર્યો.
ઝમીર ખાન કહે છે કે "અમે રાત્રે રિક્ષા લઈને મહેમદાવાદ જતા ત્યાંની ભઠ્ઠીમાંથી દેશી દારૂ ખરીદતા. એને દૂધના કેનમાં મૂકતાં અને વહેલી પરોઢે રિક્ષા લઈને નીકળી જતા, કારણ કે સવારે સાડા ત્રણથી ચાર વાગ્યે પોલીસ હોય નહીં અને દૂધના કેન જોઈ કોઈને અમારા પર શંકા જતી ન હતી."
"અમદાવાદ આવીને એમાં પાણી ભેળવી બેના અઢી કેન દારૂ બનાવતા, એની પોટલી બનાવીને વેચતા. તો દારૂની બૉટલ કરતાં વધુ પૈસા એમાં મળતા હતા. પણ રોજ મહેમદાવાદ જવાય નહીં એટલે અઠવાડિયામાં બે દિવસ મહેમદાવાદ જતા અને બાકીના દિવસ દારૂની બૉટલ વેચતા." "દારૂની બૉટલ એ પછી મેં અમદાવાદના સેટેલાઇટ, વસ્ત્રાપુર, નવરંગપુરા અને મેમનગરમાં હોમ ડિલિવરી આપીને વેચતા, જેથી વધુ પૈસા મળે"
એક સવાલના જવાબમાં ઝમીરખાન કહે છે કે, "હું અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દારૂ વેચવા જાઉં ત્યારે કોઈ મહિલાને નાના બાળક સાથે પેસેન્જર તરીકે બેસાડતો અને એને 100 રૂપિયા આપતો. આમ હું દારૂનો ધંધો કરતો હતો."

2009માં થયેલો અમદાવાદનો લઠ્ઠાકાંડ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
7 જુલાઈની (2009) સાંજે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં અચાનક જ રસ્તા પર લોકો બેભાનાવસ્થામાંથી મળી રહ્યા હોવાના અહેવાલ આવવા લાગ્યા હતા, તો કેટલાક લોકોને પરિવારજનો કે નિકટના મિત્રો હૉસ્પિટલે લઈને પહોંચ્યા હતા.
જુલાઈ-2009માં કંટોડિયાવાસના એક અડ્ડા પરથી પ્યાસીઓએ દેશી દારૂ પીધો હતો, જે ઝેરી પુરવાર થયો હતો. જેમાં 140 કરતાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200 જેટલા લોકોને અસર પહોંચી હતી. કેટલાકે તેમની દૃષ્ટિ પણ ગુમાવી હતી.
થોડા સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે બધા કેસોમાં કૉમન કડી ગેરકાયદેસર શરાબનો બુટલેગર હતો, જેણે દારૂની સાથે મિથેનૉલ ભેળવ્યું હતું.
2009ના લઠ્ઠાકાંડના પીડિતોના લોહીના નમૂનાની તપાસ ગાંધીનગર ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિથેનૉલની હાજરીના પુરાવા મળ્યા હતા.
રાયપુર, બહેરામપુરા, બાપુનગર અને મણિનગર વિસ્તારમાં અનેક લોકોએ પરિવારજન ગુમાવ્યા હતા.

...અને દારૂ વેચવાનું બંધ કર્યું

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સાત જુલાઈ 2009નો દિવસ યાદ કરતા ઝમીરખાન કહે છે કે, "એ દિવસે અમે દેશી દારૂ લાવ્યા નહોતા. મારા ઘણા ગ્રાહકો મારી પાસે દારૂ નહીં હોવાથી કંટોડિયાવાસમાં પીવા ગયા હતા."
"સાંજ પડતાં અમને ખબર પડી કે મહેમદાવાદથી કંટોડિયાવાસમાં આવેલો દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો છે. લોકો મરી રહ્યા છે. હું અને મારો દોસ્ત અમદાવાદ છોડીને ભાગી ગયા."
"ટીવીમાં જોતા હતા કે કેટલા લોકો મર્યા, કેટલા આંધળા થયા. મારો એક દોસ્ત જે કાયમ મારી પાસેથી દારૂ લઈને પીતો હતો એ મરી ગયો હોવાની ખબર પડી. મારી જ ઉંમરનો હતો. એનાં ત્રણ નાનાં છોકરાં હતાં. લોકોનાં મોત જોઈ મારું દિલ દ્રવી ઊઠ્યું."
"સાંજની નમાજ પઢતી વખતે અલ્લા પાસે માફી માગી અને મેં નક્કી કર્યું કે હવેથી દારૂનો ધંધો બંધ કરી દેવો."
તેઓ કહે છે કે "હું અમદાવાદ આવ્યો અને પોલીસ મને પકડીને લઈ ગઈ. મને જેલની સજા થઈ."
"જેલમાંથી બહાર આવ્યો ત્યારે ઘર ચલાવવા મારા છોકરાએ ભણવાનું છોડી મિકૅનિક તરીકે કામ શરૂ કરી દીધું હતું."
ખાન કહે છે કે, "દારૂના કારણે અનેક લોકોને બરબાદ થતા જોયા. બસ એ દિવસથી નક્કી કર્યું કે હવે ક્યારેય દારૂ નહીં વેચું."
ખાનના જણાવ્યા પ્રમાણે કોર્ટકચેરીના ધક્કામાં તેમની રિક્ષા વેચાઈ ગઈ હતી. દારૂનો ધંધો કરી જે પૈસા કમાયા હતા એ ખલાસ થઈ ગયા હતા. આથી તેમણે નવી રિક્ષા લઈને અમદાવાદમાં ફેરવવાની શરૂઆત કરી.
"પૂરતા પૈસા મળતા નહોતા. કોરોના સમયે ખાવાના ફાંફાં પડી ગયા અને દેવું થઈ ગયું હતું. દેવું પૂરું કરવા માટે મેં એક વાર ફરી દારૂ વેચવાનું શરૂ કર્યું. તમે જુઓ કે અલ્લા સામે ખાધેલી કસમ તોડી તો પહેલાં દિવસે જ દારૂ સાથે હું પકડાયો અને ચાર મહિના જેલમાં ગયો."

'દારૂ વેચીને નવી પેઢીને બરબાદ નહીં કરું'

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
ખાન કહે છે, "એ સમયે મારી નજર સામે વારંવાર 2009માં મરેલા લોકો દેખાતા હતા અને હું ઊંઘી શકતો ન હતો. ત્યારથી મેં મારી આઠમા ધોરણમાં ભણતી છોકરીના માથા પર હાથ મૂકી કસમ ખાધાં કે ફરી દારૂ નહીં વેચું."
"બસ ત્યારથી હું દારૂ વેચતો નથી કે કોઈ દારૂ પીધેલો હોય તો મારી રિક્ષામાં બેસાડતો નથી."
"અલ્લાના કરમથી મારો દીકરો સારો મિકૅનિક થયો છે. કારમાં વાયરિંગ કરી પૈસા કમાય છે, હું રિક્ષા ચલાવી પૈસા કમાઉં છું. સૂકી રોટી ખાઈએ છીએ. દેવું ભરી રહ્યા છીએ. દેવું પતશે એટલે સારા દિવસો આવશે. દીકરીને ભણવીને પોલીસ બનાવવી છે પણ હવે હરામનું નહીં હલાલનું ખાવું છે. તકલીફ પડે છે પણ નેકીથી કામ કરું છું એટલે ચેનની ઊંઘ આવે છે."
"હમણાં બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો અને લોકો મરી ગયા એ જોઈ ને મને 2009ના લઠ્ઠાકાંડની યાદ આવે છે. 2009માં લઠ્ઠો વેચનારમાંથી બે લોકોનાં ખરાબ રીતે મૃત્યુ થયાં છે."
"હું હવે આવનારી નવી પેઢીને દારૂ વેચીને બરબાદ નહીં કરું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













