પતિએ પત્નીની અંતિમયાત્રા વાજતેગાજતે કાઢી અને બૅન્ડવાજાંવાળાને કેમ બોલાવ્યા?

ઇમેજ સ્રોત, SRINATH SOLANKI
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- જૂનાગઢના એક પતિએ પોતાની પત્નીની અંતિમયાત્રા વાજતેગાજતે કાઢી. બૅન્ડવાજાંવાળાને બોલાવ્યા અને રક્તદાન કૅમ્પ પણ યોજ્યો
- પતિએ પોતાની મૃતક પત્નીની આંખોનું દાન કર્યું
- બેસણામાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું અને 37 બૉટલ રક્ત ભેગું પણ કરાયું
- પત્નીની કઈ ઇચ્છા પૂર્ણ કરવા પતિએ આવું કર્યું?

"તમારા પહેલાં હું જઈશ અને હું જાઉં ત્યારે તમે રડતા નહીં. મને લગ્ન સમયે ઢોલ-નગારાં અને બૅન્ડવાજાં સાથે જે રીતે લેવા આવ્યા હતા તે રીતે મને વાજતે-ગાજતે સ્મશાન સુધી મૂકવા આવજો."
આ શબ્દો હતા માત્ર પાંચ વર્ષનું દાંપત્યજીવન ભોગવીને અકાળે અવસાન પામેલાં જૂનાગઢનાં મોનિકા સોલંકીના.
પત્નીના અકાળે મૃત્યુ બાદ પતિએ ભારે ઉમળકા સાથે આપેલાં વચનો પૂરાં કર્યાં. બૅન્ડવાજાં સાથે વાજતે-ગાજતે સ્મશાનયાત્રા કાઢી.
આ કિસ્સો જૂનાગઢનો છે. જૂનાગઢના રહેવાસી અને ફોટોગ્રાફર એવા 30 વર્ષીય શ્રીનાથ સોલંકીએ પોતાનાં પત્ની અને નવજાત જન્મેલી બાળકીને ઢોલ-નગારાં સાથે વાજતે-ગાજતે વિદાઈ આપી હતી સાથે પત્નીની આંખોનું દાન પણ કર્યું હતું.
તેમણે બેસણાના દિવસે રક્તદાન કૅમ્પ યોજી રક્તની 37 બૉટલો પણ ભેગી કરી હતી.

બૅન્ડવાજાં સાથે અંતિમયાત્રા કાઢવા પાછળનું કારણ

ઇમેજ સ્રોત, SRINATH SOLANKI
પાંચ વર્ષના દાંપત્યજીવન અને એક દાયકાની પ્રેમકહાણી તેમજ વાજતે-ગાજતે સ્મશાનયાત્રા કાઢવા પાછળ એક ઘટના છુપાયેલી છે.
મૃતક મોનિકાના પતિ શ્રીનાથ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "એકવાર હું અને મારી પત્ની મોનિકા મજાકમસ્તી કરી રહ્યાં હતાં. "
"હું મજાકમાં એને એવું બોલ્યો હતો કે હું જતો રહીશ પછી તું રડીશ. તે સમયે મારી વાત સાંભળીને તે બોલી હતી કે, 'તમારા પહેલાં હું જઈશ અને હું જાઉં ત્યારે તમે રડતા નહીં પરંતુ મને લગ્ન સમયે જે પ્રકારે ઢોલ-નગારાં અને બૅન્ડબાજાં સાથે વાજતે-ગાજતે લેવા આવ્યા હતા તે રીતે મને વાજતે-વાજતે વળાવજો. '"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"'મોનિકાના મૃત્યુ સમયે આ વાત મને યાદ આવી હતી. જેથી મેં નક્કી કર્યું હતુ કે મારી પત્ની મોનિકા અને મારી નવજાત દીકરીને હું વાજતે-ગાજતે બૅન્ડબાજાં સાથે સ્મશાને વળાવીશ. કોઈની પરવા કર્યા વગર મેં અને મારા પરિવારે આ નિર્ણય લીધો હતો. જોકે મોનિકાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા."

ઇમેજ સ્રોત, SRINATH SOLANKI
શ્રીનાથ સોલંકીએ પોતાનાં દાપત્યજીવન અને લગ્ન વિશે જણાવ્યું હતુ કે, "મારાં અને મોનિકાનાં લવ કમ ઍરેન્જડ મૅરેજ હતાં. "
"હું વેડિંગ ફોટોગ્રાફી કરું છું. જેથી હું મારા અસાઇનમૅન્ટના ભાગરૂપે મોનિકાના પિતરાઈનાં લગ્નમાં ફોટોગ્રાફી કરવા ગયો હતો."
"જ્યાં અમે એકબીજાને જોયાં હતાં અને બાદમાં મોનિકાએ મારો ફોન નંબર લઈ મારો સંપર્ક કર્યો હતો."
"થોડો સમય વાત કર્યા બાદ લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તે સમયે મારી ઉંમર 20 વર્ષ હતી અને મોનીકાની ઉંમર 19 વર્ષની હતી. જેથી લગ્ન માટે મારી ઉંમરમાં બે વર્ષ ખૂટતાં હતાં."
"અમે બંને એક જ સમાજનાં. ઑક્ટોબર 2013માં અમારી સગાઈ થઈ. 1 જાન્યુઆરી 2017ના રોજ અમે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં."

રક્તદાન કૅમ્પનું પણ આયોજન કર્યું

ઇમેજ સ્રોત, SRINATH SOLANKI
શ્રીનાથ સોલંકી વધુમાં જણાવે છે, "લગ્નનાં સાત વર્ષ બાદ અમે માતાપિતા બનવાનું આયોજન કર્યું હતું. અમારી અપેક્ષા મુજબ ભગવાને અમને દીકરી આપી હતી પરંતુ તે આ દુનિયામાં માત્ર 3-4 મિનિટ જ શ્વાસ લઈ શકી હતી."
7 જુલાઇએ મોનિકાના સીમંતનો પ્રસંગ હતો. આ પ્રસંગ પૂર્ણ થયાના બે દિવસ બાદ તેના પિતા આવ્યા હતા અને સામાજિક રીતરિવાજ મુજબ, તેના પિયર વેરાવળ તેને તેડી ગયા હતા. તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
શ્રીનાથે જણાવ્યું હતુ, "મોનિકાને મૂવી જોવાનો ખુબ જ શોખ હતો. મોનિકાને ગત અઠવાડિયે મને ફોન કરીને કહ્યું હતુ કે તેને નવી આવેલી ગુજરાતી ફિલ્મ જોવી છે. ગત 16 જુલાઈના દિવસે મોનિકાને ફિલ્મ જોવા માટે વેરાવળનું આખું થિએટર જ બુક કરાવ્યું હતું. આખા થિયેટરમાં અમે બંનેએ મૂવી જોયું હતું."
આ દુઃખદ ઘટના અંગે વાત કરતાં શ્રીનાથ જણાવે છે, "ગત ગુરુવારે 12.30 વાગ્યાના અરસામા મારા સસરાએ ફોન પર મોનિકાની તબિયત વધારે ખરાબ હોવાની વાત કહી હતી. અમે વેરાવળ જવા નીકળ્યા. રસ્તામા અમને સમાચાર મળ્યા કે મોનિકા નથી રહી. "
"મોનિકાને બ્લડપ્રેશર હાઈ થઈ ગયું અને તેના કારણે બ્રેઇન-સ્ટ્રોક આવ્યો. ડૉક્ટરે ગર્ભમાં રહેલી દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દીકરીના જન્મની ત્રણ-ચાર મિનિટ બાદ ઇન્ફૅક્શનના કારણે તેનું પણ મૃત્યુ થઈ ગયું."
મોનિકાની આંખોનું દાન કરવામાં આવ્યું છે. બેસણામાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીનાથ કહે છે, "અમને ચિંતા હતી કે બેસણામાં આવતા લોકો રક્તદાન કરશે કે કેમ. પરંતુ આ કૅમ્પમાં 37 બૉટલ રક્તદાન થયું હતું."
(આ કહાણી પ્રથમ વખત 13 ઑગસ્ટ 2022 રોજ પ્રકાશિત થઈ હતી. આ તેનું પુનઃ પ્રકાશન છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













