એ મહિલાની કહાણી, જેમને મૂછો હોવાનો ગર્વ છે

સાયજા

ઇમેજ સ્રોત, SHYJA

ઇમેજ કૅપ્શન, સાયજા
    • લેેખક, મેરિલ સેબેસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ, કોચીન
લાઇન
  • 35 વર્ષીય શાયજા પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં પોતાની એક તસવીર નીચે લખે છે, "મને મારી મૂછો ગમે છે."
  • શાયજા કેરળના કન્નુર જિલ્લામાં રહે છે. પહેલાં વાળ ધીમે ધીમે જાડા થવા લાગ્યા અને મૂછો દેખાવા લાગી, તેથી શાયજાએ તેને રાખવાનું નક્કી કર્યું
  • ઘણા લોકો શાયજાને મૂછો દૂર કરવાનું કહે છે પણ તેઓ સ્પષ્ટ ના પાડે છે
  • 2016માં બૉડી પૉઝિટિવિટીનાં પ્રચારક હરનામકોર સંપૂર્ણ દાઢી રાખનારાં વિશ્વનાં સૌથી યુવા મહિલા બન્યાં હતાં
લાઇન

મૂછવાળાં એક ભારતીય મહિલાને ઑનલાઇન વખાણ અને ટોણાં બંને સાંભળવાં મળ્યાં છે, પરંતુ તેઓ કહે છે કે તેમને ચહેરાના વાળ પ્રત્યે લોકોની વધેલી દિલચસ્પીની કોઈ પરવા નથી.

35 વર્ષીય શાયજા પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં પોતાની એક તસવીર નીચે લખે છે, "મને મારી મૂછો ગમે છે."

જે લોકો ફેસબુક પર તેમની તસવીરો જુએ છે અથવા રૂબરૂમાં મળે છે તેઓ ઘણી વાર પૂછે છે કે તેઓ શા માટે મૂછ રાખે છે.

તેઓ કહે છે, "હું એટલું જ કહી શકું છું કે હું તેને પ્રેમ કરું છું."

શાયજા કેરળના કન્નુર જિલ્લામાં રહે છે. ઘણી સ્ત્રીઓની જેમ તેમનાં હોઠ ઉપર વર્ષોથી કેટલાક વાળ હતા.

તેઓ નિયમિતપણે તેમનાં નેણને સરખાં કરાવતા પરંતુ તેમનું કહેવું છે કે હોઠ ઉપરના વાળ દૂર કરવાની જરૂર તેમને ક્યારેય સમજમાં ન આવી.

લગભગ પાંચ વર્ષ પહેલાં વાળ ધીમે ધીમે જાડા થવા લાગ્યા અને મૂછો દેખાવા લાગી, તેથી શાયજાએ તેને રાખવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે, "હું હવે તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકતી નથી. જ્યારે કોવિડ રોગચાળો શરૂ થયો ત્યારે મને બધો સમય માસ્ક પહેરવાનું પસંદ નહોતું, કારણ કે તે મારો ચહેરો ઢાંકતો હતો."

line

શાયજા મૂછો વિશે શું કહે છે?

શાયજા

ઇમેજ સ્રોત, SHYJA

ઇમેજ કૅપ્શન, ઘણા લોકોએ તેમને મૂછો દૂર કરવા માટે પણ કહ્યું પરંતુ શાયજાએ સ્પષ્ટ ના પાડી દીધી

ઘણા લોકોએ તેમને મૂછો દૂર કરવા માટે પણ કહ્યું પરંતુ શાયજાએ સ્પષ્ટ ના પાડી દીધી.

તેઓ કહે છે, "મારી પાસે જે ન હોવું જોઈએ તે છે, તેનાથી મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું સુંદર નથી."

મહિલાઓને કહેવામાં આવે છે કે તેમના ચહેરા પર વાળ ન હોવા જોઈએ અને કહેવાય છે કે પૈસા ખર્ચીને તેને દૂર કરો અથવા તેને કોઈ આકાર આપો.

હેર રીમુવર પ્રોડક્ટ્સનો અબજોનો ધંધો છે અને તે મહિલાઓ માટે ક્રીમ, વૅક્સ સ્ટ્રિપ્સ, રેઝર અને એપિલેટર બનાવે છે, જે તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે.

પરંતુ તાજેતરનાં વર્ષોમાં ઘણી સ્ત્રીઓએ આ વલણથી અલગ ચાલવાનું નક્કી કર્યું છે અને તેમના ચહેરા પર વાળ રાખવાનું પસંદ કરે છે.

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ અનુસાર, 2016માં બૉડી પૉઝિટિવિટીનાં પ્રચારક હરનામકોર સંપૂર્ણ દાઢી રાખનારાં વિશ્વનાં સૌથી યુવા મહિલા બન્યાં હતાં.

ઘણા ઇન્ટરવ્યૂમાં તેઓ (હરનામ) ઘણી વાર વાત કરે છે કે કેવી રીતે દાઢી રાખતા થતી હેરાનગતિથી પોતાના ચહેરા પરના વાળની સાથે જાતને પ્રેમ કરવાનું શીખ્યાં છે.

line

ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થયાં છે શાયજાનાં છેલ્લાં 10 વર્ષ

બ્રિટનનાં હરમાનકોર કડક સૌંદર્ય માપદંડોને લઈને વર્ષોથી અભિયાન ચલાવી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્રિટનનાં હરમાનકોર કડક સૌંદર્ય માપદંડોને લઈને વર્ષોથી અભિયાન ચલાવી રહ્યાં છે

શાયજા માટે મૂછ માત્ર નિવેદનબાજીનો એક ભાગ નથી, પરંતુ તેમના વ્યક્તિત્વનો એક ભાગ છે.

તેઓ કહે છે કે "હું એ જ કરું જે મને પસંદ છે. જો મારી પાસે બે જીવન હોત, તો હું કદાચ અન્ય લોકો માટે જીવત."

તેમની હકીકત પાછળ એ કારણ પણ છે કે તેઓ વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. છેલ્લાં દસ વર્ષમાં શાયજાની છ સર્જરી થઈ છે - એક તેમના સ્તનમાંથી ગાંઠો દૂર કરવામાં આવી, તો બીજી તેમના ગર્ભાશયમાંથી ગાંઠ દૂર કરવામાં આવી.

પાંચ વર્ષ પહેલાં તેમની છેલ્લી સર્જરી હિસ્ટરેક્ટૉમી (ગર્ભાશયને દૂર કરવું)ની થઈ હતી.

તેઓ કહે છે, "જ્યારે પણ હું શસ્ત્રક્રિયામાંથી બહાર આવું છું ત્યારે આશા રાખું છું કે ફરીથી ઑપરેશન થિયેટરમાં ન જવું પડે."

અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી બહાર આવીને શાયજા મજબૂત બન્યાં છે. તેઓ માને છે કે તેમણે એવું જીવન જીવવું જોઈએ, જેથી પોતે ખુશ રહી શકીએ.

line

લગ્ન પછી આવ્યો મોટો ફેરફાર

શાયજાનો પરિવાર અને મિત્રો તેમની મૂછોને ટેકો આપે છે

ઇમેજ સ્રોત, SHYJA

ઇમેજ કૅપ્શન, શાયજાનો પરિવાર અને મિત્રો તેમની મૂછોને ટેકો આપે છે

શાયજા કહે છે કે મોટા થયાં એ દરમિયાન શરમાળ સ્વભાવનાં હતાં. તેમના ગામમાં સાંજે 6 વાગ્યા પછી મહિલાઓ ભાગ્યે જ ઘરની બહાર જોવા મળે છે.

કેરળ ભારતમાં ઉચ્ચ માપદંડો સાથે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે જાણીતું હોવા છતાં અનેક વિસ્તારોમાં પિતૃસત્તાક વલણ યથાવત્ છે અને મહિલાઓને એકલા મુસાફરી અથવા એકલા રહેવાથી હતોત્સાહિત કરવામાં આવે છે.

તેઓ કહે છે કે લગ્ન પછી જ્યારે તે પડોશી રાજ્ય તામિલનાડુમાં રહેવા ગઈ ત્યારે તેને એક નવી જ સ્વતંત્રતા મેળવીને મજા મળી.

તેઓ કહે છે, "મારાં પતિ કામ પર જતા અને મોડા ઘરે આવતા. તેથી હું સાંજે ઘરની બહાર બેસી રહેતી, ક્યારેક મને કોઈ વસ્તુની જરૂર પડે તો હું રાત્રે એકલી દુકાને જતી. ત્યાં કોઈને તેની પરવા ન હતી. આથી જેમ જેમ હું મારું કામ શીખતી ગઈ તેમ મારો આત્મવિશ્વાસ વધતો ગયો."

તેઓ તેમની પુત્રીને પણ શીખવી રહ્યાં છે.

શાયજાનો પરિવાર અને મિત્રો તેમની મૂછોને ટેકો આપે છે. તેમની પુત્રી ઘણી વાર તેમને કહે છે કે આ મૂછો તેમને સારી લાગે છે.

પરંતુ શાયજા કહે છે કે તેમણે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ સાંભળી છે. તેઓ કહે છે, "લોકો મારી મજાક ઉડાવે છે કે પુરુષોને મૂછો હોય, સ્ત્રીઓ કેમ મૂછો રાખે?"

તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક મીડિયા અહેવાલોમાં તેની ઘણી વખત ચર્ચા થઈ છે. તેઓ કહે છે, "તાજેતરમાં એક સ્થાનિક ન્યૂઝ આઉટલેટના ફેસબુક પેજ પર મેં મારી જાત સાથે સંબંધિત સમાચાર પર મારી મજાક ઉડાવતી ઘણી કૉમેટ્સ જોઈ છે."

તેમાંથી એકે પૂછ્યું કે તમે આઈબ્રો કરાવો છો, તો મૂછ પર બ્લેડ કેમ નથી ફેરવતાં?

તેઓ કહે છે, "શું રાખવું અને શું નહીં, તે મારા પર નિર્ભર છે."

શાયજાના મિત્રો ઘણી વાર આ ફેસબુક પોસ્ટ પર ગુસ્સે થઈને જવાબ આપે છે પરંતુ તેઓ કહે છે કે તેમને કોઈ પરવા નથી.

"ખરેખર કેટલીક વાર હું તે કૉમેન્ટ્સ એટલે પણ જોઉં છું કે તેની પર હસી શકું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન