'અલ્લાહના કરમથી હું ઍઇડ્સનો શિકાર બનતાં બચી', અમદાવાદની યુવતીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અલ્લાહના કરમથી જો મારો પતિ લગ્ન પછી તરત બીમાર ન પડ્યો હોત તો હું પણ આજે ઍઇડ્સની શિકાર બની ગઈ હોત, અને મારા સમલૈંગિક પતિને કારણે હું નર્કની જિંદગી જીવતી હોત."
આ શબ્દો છે 25 વર્ષીય રહીમા (નામ બદલેલ છે)ના.
એમ.એ. થયાં પછી એમ.ઍડ. કરીને શિક્ષિકા તરીકે નોકરી કરતાં મધ્યમ વર્ગીય અને સુંદર તથા સમાજમાં સંસ્કારી ગણાતાં રહીમા સાથે લગ્ન માટે અનેક માગાં આવતાં હતાં.
એમના પિતા ભણીને નોકરી કરતી છોકરીના નિકાહ માટે મુરતિયો શોધતા હતા.
પિતાની ઇચ્છા હતી કે દીકરીના ભણતર પ્રમાણે છોકરો મળે તો વધુ સારું.
પિતાની ઇચ્છા પ્રમાણેનો છોકરો મળ્યો પણ ખરો પણ એ લગ્ન જિંદગીની મોટી ઘટના બની ગઈ.

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
રહીમાનો પરિચય લગ્ન લંડનમાં સોફ્ટવૅરનું કામ કરતા એક ખાનદાન છોકરા સાથે કરાવવામાં આવ્યો.
વાત આગળ વધી અને જાન્યુઆરી 2019માં છોકરી-છોકરો એકબીજાને મળ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રહીમાના પિતા અમદાવાદના જમાલપુરમાં જિન્સ પૅન્ટ બનાવતી ફેકટરી ધરાવે છે અને લંડનમાં નોકરી કરનાર યુવકના ખાનદાન સાથેનો પરિચય પણ તેમણે શોધી કાઢ્યો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રહીમાના પિતા કહે છે, "અમારાં સગાંમાં ત્રણચાર જણ એમને ઓળખતા હતા અને અમારે પણ સંબંધ નીકળ્યો. ખાનદાન સારું હતું. છોકરો લંડનમાં નોકરી કરતો હતો."
"અમને કહ્યું કે લગ્ન છે એટલે નવું મકાન બનાવીએ છીએ. અમે ખુશ હતા અને અમારી દીકરી રહીમાના નિકાહ એમની સાથે કરવાનું નક્કી કર્યું. છોકરાએ શરત મૂકી કે મારી દીકરીએ નોકરી છોડી દેવી પડશે. અમે તૈયાર થઈ ગયા."
રહીમાના પિતા વધુમાં જણાવે છે, "અમે દીકરીને વાત કરી તો તેણે મને કહ્યું કે અબ્બુ જેમ કહો તેમ, તમારી પસંદગી એ મારી પસંદગી હશે અને તેણે હા પાડતાં અમે નિકાહની વાત આગળ ચલાવી. અને છોકરો અને છોકરી મળ્યાં."
છોકરી-છોકરાની મુલાકાત

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આખીય ઘટનાની માંડીને વાત કરતાં રહીમાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "મારા પિતાએ કહ્યું એટલે એમણે સમજીવિચારીને નક્કી કર્યું હશે એમ માનીને મેં હા પાડી. લગ્ન પહેલાં હું અને શાહીદ (નામ બદલેલ છે) મળ્યાં. ત્યારે એણે મને લંડનનાં અનેક સપનાં દેખાડ્યાં."
"મને કહ્યું કે એ લંડનમાં સોફ્ટવૅરનું કામ કરે છે. પૂરતું કમાય છે એટલે એને ભણેલી અને ઘર સાચવે એવી પત્ની જોઈએ છે."
તેણે કહે છે, "લગ્ન પહેલાં એણે શરત મૂકી કે મારે ટીચરની જોબ છોડી દેવી. એને લંડનમાં કામ હોવાથી લંડન પરત જશે અને છથી સાત મહિને પરત આવીને લગ્ન કરશે."
"અમારી મુલાકાતમાં એણે એમ પણ કીધું હતું કે એ પોતાનું નવું ઘર બનાવી રહ્યો છે એટલે લગ્ન પછી નવા ઘરમાં શિફ્ટ થઈશું. મને પણ ઘણા અરમાન હતા એટલે મેં એની તમામ શરતો માની લીધી અને નોકરી છોડી દીધી."
"અમારી સગાઈ થઈ અને એ લંડન જતો રહ્યો. હું એને લંડન ફોન કરતી તો એ કામનું બહાનું કાઢતો અને એવું કહેતો કે વીડિયો કૉલિંગ નહીં કરવાનું કે વૉટ્સઍપ કૉલ નહીં કરવાનો. સાદો ફોન કરવો તને મોંઘો પડે એટલે હું સામેથી ફોન કરીશ."
"લગ્ન પહેલાં લંડનથી દર ચોથા દિવસે એના ફોન આવતા અને લાંબી રૉમેન્ટિક વાતો પણ કરતો. મને એના નવા ઘરનું કામ કેટલે પહોંચ્યું એ જોવા જવા અને એના પિતાને મદદ કરવાનું પણ કહેતો અને હું કરતી પણ ખરી."
રહીમા આગળ કહે છે, "આમ દિવસો વીતતા ગયા. મને પણ સારાં લગ્નજીવનની આશા બંધાઈ ગઈ હતી. એ ઑક્ટોબર 2019માં ભારત આવ્યો અને નવેમ્બરમાં અમારાં લગ્ન થયાં. એણે મને કહ્યું હતું કે હનીમૂન પર જઈશું, પરંતુ બહાનાં કાઢીને એણે હનીમૂન પર જવાનું ટાળ્યું."
"નવા મકાનમાં શિફ્ટ થવાની રાહ જોઈ હું કરિયાવરમાં ઘણું બધું લાવી હતી, પરંતુ ઘરમાં વાઇફાઇ ટી.વી. અને વૉશિંગ મશીન માટે એણે મારી પાસે દોઢ લાખ રૂપિયા માગ્યા. મારા પિતાએ આપ્યા પણ ખરા."
"હું સાસરિયે રહેવા આવી ગઈ, પરંતુ એ દિવસભર લેપટૉપ અને એમના લંડનથી લાવેલા ફોનમાં રચ્યાપચ્યા રહેતા હતા. સાસરે આવ્યા પછી એની લગ્ન પહેલાંની રૉમેન્ટિક વાતો બંધ થઈ ગઈ અને એ મારાથી દૂર રહેવા લાગ્યો. મેં શાહીદની નજીક આવવા ખૂબ પ્રયાસ કર્યો પણ એ ન આવ્યો."
શાહીદને ઍઇડ્સ હોવાની જાણ થઈ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
રહીમા કહે છે, "મારી જાણ બહાર શાહીદને મારાં સસરા અને નણંદ વારંવાર અલગઅલગ ડૉક્ટર પાસે ચૅકઅપ કરાવવા લઈ જતાં. હું પૂછતી કે એમને શું થયું છે, તો કોઈ જવાબ આપતાં નહીં. એક વાર એ લેપટૉપ પર કામ કરતા હતા અને બેડરૂમમાં મેં એમને મજાકમાં કહ્યું કે તમે મારી સામે ધ્યાન નથી આપતા, તમે પુરુષ નથી કે શું?"
"તરત એણે મને ગુસ્સે થઈને કહ્યું કે મને તારામાં કોઈ રસ નથી, હું સમલૈંગિક છું. મેં લંડનમાં સમલૈંગિક લગ્ન કરી લીધાં છે. મારાં માબાપને મેં વાત કરી હતી પણ એ માન્યા નહીં અને એમણે કહ્યું કે ઇન્ડિયામાં લગ્ન થઈ જશે એટલે તું બધું ભૂલી જઈશ અને તારાં લગ્ન પછી ફરી તું નૉર્મલ થઈ જઈશ."
"મારાં લગ્ન પણ બળજબરીથી થયાં છે અને તું મને પરણે નહીં એટલે મેં લગ્ન પહેલાં તારી નોકરી છોડાવી છે. મેં આ વાત મારી સાસુનણંદને વાત કરી તો મને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યાં."
"માંડમાંડ દેવું કરીને મારાં લગ્ન કરાવનારા પિતાને ખરાબ ન લાગે એટલે મેં પહેલાં એમને વાત ના કરી. એક દિવસ એમના ફોનમાંથી એમણે કોઈ નીગ્રો સાથે લગ્ન કર્યાંના ફોટો જોયા અને મેં મારા ફોનમાં લઈ લીધા."
"આ સમયમાં મારાં સાસુસસરા અને નણંદ મારા પતિને અલગઅલગ ડૉક્ટર પાસે લઈ જાય અને એમનું ચૅકઅપ કરાવતા, પણ મને જાણ કરતા નહીં. એક દિવસ તક મળતાં એમના રિપોર્ટ્સની ઝૅરોક્સ પણ કઢાવી લીધી."
"એમના મોઢામાં ચાંદા પડી ગયા હતા. એ કશું ખાઈપી શકતા નહોતા. 8મી જાન્યુઆરીએ એમને લોહીની ઊલટી થઈ અને મેં મારા પિતાને ફોન કરી બોલાવ્યા."
રહીમાના પિતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું, "અમે જમાઈના ચૅકઅપના રિપોર્ટની ઝૅરોક્સ લીધી અને જે ડૉક્ટરનું સરનામું હતું ત્યાં ગયા ત્યારે અમને ખબર પડી કે એને ઍઇડ્સ હતો. એની ટ્રીટમેન્ટ એ ઇન્ડિયામાં કરાવતો હતો."
"ડૉક્ટરે અનેક વખત શાહીદને અને એના ઘરના લોકોને એની પત્નીને સાથે લઈને આવવાનું કહ્યું હતું, પણ એ લઈને આવતો નહોતો. ખુદાનો શુક્ર છે કે એ મારી દીકરી સાથે લગ્નજીવનનું સુખ માણે એ પહેલાં બીમાર પડ્યો. નહીંતર મારી દીકરીને પણ આ રોગ લાગી જાત."
'અમને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
રહીમા કહે છે, "અમને 10મી જાન્યુઆરીએ આ વાતની ખબર પડી અને મારા પિતાએ જ્યારે મારા સસરાને કહ્યું તો એ આખીય વાતથી અજાણ હોવાનું કહીને ફરી ગયા અને એમને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી કે તમારી દીકરીના લીધે મારા દીકરાને ઍઇડ્સ થયો છે."
"આથી મારા પિતા ગભરાઈ ગયા. રાત્રે અમે અમારાં સગાંને બોલાવીને સલાહ લીધી અને પોલીસમાં ફરિયાદ કરી છે કે અમને છેતરીને અમારી સાથે લગ્ન કર્યાં છે."
આ કેસ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.આર. વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું, "મારી પાસે ફરિયાદ આવી એટલે તરત અમે ઍક્શન લેવાના શરૂ કર્યા. શાહીદ અને એનો પરિવાર ઘરે તાળું મારીને નીકળી ગયો છે. એમના મોબાઈલ ફોન બંધ આવે છે."
"અમે એમના પરિવારના તમામ સભ્યોના મોબાઈલ ફોન સર્વેલન્સ પર મૂક્યા છે, જેથી ફોન ચાલુ થાય તો એમને ટ્રેસ કરી શકાય. ઉપરાંત એના બીજાં સગાંઓ મારફતે એ ક્યાં ગયો હોઈ શકે એની તપાસ શરૂ કરી દીધી છે."
ઇન્સ્પેક્ટર વી.આર. વસાવા વધુમાં કહે છે, "કમનસીબે એ લંડનમાં કઈ કંપનીમાં નોકરી કરતો હતો એની વિગતો કોઈની પાસે નથી એટલે થોડી મુશ્કેલી પડી રહી છે, પરંતુ અમે લંડનમાં ભારતીય દૂતાવાસમાં પણ જાણ કરી છે જેથી એ અને એના પરિવાર વિશે જાણકારી મળી શકે."
તો બીજી તરફ શાહીદની સારવાર કરનાર ડૉક્ટરનો સંપર્ક સાધતા એમણે ઍઇડ્સ જેવા રોગી વિશે એથીકલી કોઈ પણ માહિતી આપી શકવા માટે સક્ષમ નહીં હોવાની વાત કરીને બીબીસી ગુજરાતીને કહ્યું કે "તેમને આ બીમારી હતી એટલે અમે એની પત્નીનું ચૅકઅપ કરવા અને એની પત્નીને જાણ કરવા દબાણ કરતા હતા, પણ એ પત્નીને દવાખાને લાવવાનું ટાળતો હતો."
(સમાચારમાં યુવક-યુવતીનાં નામ બદલેલ છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













