'એવું લાગ્યું કે શરીરમાં આગ લાગી છે', મંકીપૉક્સ વાઇરસનો ચેપ લાગે ત્યારે શું થાય?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, જુલિયા બ્રૉન
- પદ, બીબીસી ન્યૂઝ

- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) શનિવારે મંકીપૉક્સ બીમારીને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી.
- મંકીપૉક્સ મોટે ભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકન દેશોના દૂરના ભાગોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી વનોની નજીક જોવા મળે છે.
- એક વાર તાવ ઊતરે પછી શરીર પર ફોલ્લીઓ દેખાઈ શકે છે, જે ઘણી વાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
- 2003માં અમેરિકામાં આ રોગચાળો ફાટી નીકળ્યો હતો અને પ્રથમ વખત આ રોગ આફ્રિકાની બહાર જોવા મળ્યો હતો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના આંકડા અનુસાર,જુલાઈના મધ્ય સુધીમાં દુનિયાભરમાં 15,000થી વધુ મંકીપૉક્સના કેસની પુષ્ટિ થઈ છે.
બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતા બ્રાઝિલિયન વ્યક્તિ થિયાગોને હૉસ્પિટલમાં ગયા બાદ તેમના શરીરમાં તેજ તાવ, થાક, ઠંડી લાગવી અને ઘા જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
પરંતુ તેમની મુખ્ય ફરિયાદ જનનાંગોમાં દર્દ, સોજા અને બળતરાની હતી, તેમની ચામડી પર કમસે કમ નવ ઘા દેખાયા હતા.
તેઓ બીબીસી ન્યૂઝ બ્રાઝિલને કહે છે, "દર્દ થાય છે અને બહુ ખંજવાળ આવે છે. સોજા ચડી ગયા છે અને ક્યારેક ક્યારેક એમ લાગે છે કે તેમાં આગ લાગી ગઈ છે."
મંકીપૉક્સ એ મંકીપૉક્સ વાઇરસને કારણે થાય છે, જે શીતળા જેવા વાઇરસના પરિવારનો જ સભ્ય છે. જોકે તે ઘણો ઓછો ગંભીર છે અને નિષ્ણાતો કહે છે કે ચેપ લાગવાની સંભાવના બહુ ઓછી છે.
આ વાઇરસ વાંદરાં, ઉંદર કે ખિસકોલીમાંથી માણસમાં ફેલાય છે.
આ વાઇરસ માણસમાંથી માણસમાં ઓછો ફેલાય છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંક્રિમત વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે ચેપની શક્યતા વધી જાય છે.
આ વાઇરસ ચામડી, શ્વસનમાર્ગ અથવા આંખો, નાક કે મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંકીપૉક્સથી પીડિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલાં કપડાં, ચાદરો કે રૂમાલને સ્પર્શવાથી તે ફેલાય છે.

મંકીપૉક્સનો ચેપ લાગે ત્યારે શું થાય છે?

ઇમેજ સ્રોત, REUTERS
થિયાગોને 10 જુલાઈથી લક્ષણો જોવા મળ્યાં હતાં.
તેઓ કહે છે, "પહેલાં મને બહુ ઠંડી લાગતી હતી, બાદમાં તાવ અને માથામાં દુખાવો અને સામાન્ય અસ્વસ્થતા અનુભવાઈ. એવું લાગ્યું કે મારું આખું શરીર તૂટી રહ્યું છે."
"મેં વિચાર્યું હતું કે કોવિડ-19 હોઈ શકે છે, પરંતુ પછીના દિવસે નહાતી વખતે મેં પહેલી વાર મારી પીઠ અને લિંગ પર એક ઘા જોયો."
ત્યાર બાદ થિયાગોએ તેમના પગ, સાથળ, પેટ, છાતી, ચહેરો અને જનનાંગો પર ઘાવ જોયા હતા.
"એ લગભગ સોજાયેલા, દર્દનાક પિંપલ્સની જેમ છે", એમ તેઓ કહે છે.
લક્ષણ વર્તાયાંના ત્રીજા દિવસે તેમને હૉસ્પિટલ લવાયા હતા. એક અઠવાડિયા પહેલાં તેમના એક મિત્રના સંપર્કમાં આવ્યા બાદ તેમને મંકીપૉક્સની ખબર પડી હતી.
એક પરીક્ષણ બાદ પુષ્ટિ થઈ હતી કે તેમને વાઇરસનો ચેપ લાગ્યો હતો. તેમનાં અન્ય યૌન સંબંધિત સંક્રમણો માટે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે નૅગેટિવ હતું.
તેઓ કહે છે "હું મોડેકથી હૉસ્પિટલ ગયો હતો, કેમ કે મને જે દર્દ થતું હતું એમાં કપડાં પહેરવાં લગભગ અશક્ય હતું. એટલે સુધી કે કારની સવારીએ પણ દર્દ અને સોજો વધારી દીધો હતો."
થિયાગોનું કહેવું છે કે હૉસ્પિટલમાં તબીબોએ સોજા ઓછો થાય અને દર્દનિવારક દવાઓની સાથે એક એનાલ્ઝેસિક મલમ પણ આપ્યો છે, જેનાથી બળતરાથી રાહત થઈ છે.
તેઓ કહે છે, "મલમ રાહત આપે છે, પરંતુ ચાર કલાક બાદ અસર ઓછી થઈ જાય છે અને દર્દ પાછું થવા લાગે છે."
થિયાગો અને તેમના મિત્રે હાલના સમયમાં બ્રાઝિલ છોડ્યું નથી.
તેઓ કહે છે, "જેવો હું હૉસ્પિટલમાંથી બહાર આવ્યો કે તરત મેં મારા મિત્રોને ફોન કર્યો, જે છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં હતા અને પડોશીઓને પણ નિદાનની સલાહ આપી હતી."

માનવીય વ્યવહારની અપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
દર્દ અને ખંજવાળની સાથે થિયાગોનું કહેવું છે કે હૉસ્પિટલમાં તેમના માટે મુશ્કેલ સમય હતો.
"તેમણે મને એ ન કહ્યું કે ઘાવને કેવી રીતે સાફ કરવા જોઈએ, હું ક્યાં સુધી બીમાર રહીશ અને હું ક્યારે આ અલગાવમાંથી બહાર આવી શકીશ. મારે આ બધી માહિતી ઇન્ટરનેટ પર જોવી હતી અથવા ચિકિત્સકમિત્રોને પૂછવું હતું."
"મંકીપૉક્સવાળા લોકો માટે કોઈ વિશેષ વ્યવસ્થા નથી. રોગીઓ હૉસ્પિટલમાં પ્રવેશ કરે છે અને સ્વતંત્ર રીતે આગળ વધે છે. મને નથી લાગતું કે તેઓ તૈયાર હતા."
તેમની વાતોમાં ડૉક્ટરો અને નર્સો દ્વારા કરાયેલા "કઠોર અને અપમાનજનક" વ્યવહારનો પણ ઉલ્લેખ છે.
"હું જે પણ હૉસ્પિટલ ગયો ત્યાં મને પૂછવામાં આવ્યું કે શું હું એચઆઈવી પૉઝિટિવ છું કે મને કોઈ યૌન સંચારિત રોગ છે."
એલજીબીટીક્યુ સમુદાયના લોકોના વર્તમાન પ્રકોપનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "હું જ્યારે હૉસ્પિટલમાં ગયો ત્યારે મને આ બીમારીથી જોડાયેલા કલંકનો અહેસાસ થયો."
WHO અનુસાર, પુરુષો સાથે યૌનસંબંધ રાખનારા પુરુષોમાં પણ કેસની પુષ્ટિ થઈ છે.
જોકે WHOએ ચેતવણી આપી છે કે જો કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો એ સંક્રમિત થઈ શકે છે.
યુકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે યુકે અને યુરોપમાં હાલના કેસમાં એક "ઉલ્લેખનીય રેશિયો" સમલૈંગિક અને ઉભયલિંગી પુરુષોમાં રહ્યો છે. તેમને "લક્ષણો પર ધ્યાન આપવા અને અસરગ્રસ્ત થતા મદદ લેવા" માટે કહ્યું છે.

મંકીપૉક્સ અંગે આપ શું જાણો છો?

ઇમેજ સ્રોત, UKHSA
મંકીપૉક્સ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં સામાન્ય છે અને વિશેષ રીતે વર્ષાવન ક્ષેત્રોમાં.
ડબલ્યુએચઓના આંકડા અનુસાર, ગાઢ જંગલવાળા ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં આ વર્ષે પહેલી મે સુધી 1200 કેસ અને 57 મોત નોંધાયાં છે.
વાઇરસના બે મુખ્ય પ્રકાર જાણીતા છે. પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકા. અને તેમાં સૌથી હળવો છે પશ્ચિમનો, જે દુનિયાનાં અન્ય ક્ષેત્રોમાં ફેલાય છે.
આફ્રિકા બહાર અસામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારની યાત્રા કર્યા વિના સંક્રમિત થયા છે.
આ દર્શાવે છે કે વાઇરસ મહાદ્વીપથી પર ફેલાઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય અધિકારી કોઈ પણ વ્યક્તિને સલાહ આપે છે, જે પોતાની યૌન સ્વાસ્થ્ય ક્લિનિકમાં સંપર્ક માટે ચિંતિત છે.
તેઓ સંક્રમિત લોકોને સલાહ આપે છે કે તેઓ લક્ષણ હોય ત્યારે સેક્સ ન કરે અને સાવધાનીરૂપે સંક્રમણ બાદ આઠ અઠવાડિયાં સુધી કૉન્ડોમનો ઉપયોગ કરે.
મોટા ભાગના કેસ સામાન્ય હોય છે, ક્યારેક ક્યારેક શીતળા સમાન હોય છે, કેટલાંક અઠવાડિયાં બાદ સાજા થઈ જવાય છે.
જોકે મંકીપૉક્સ ક્યારેક વધુ ગંભીર પણ હોઈ શકે છે. ડબલ્યુએચઓ દ્વારા અત્યાર સુધી નોંધાયેલાં બધાં મોત આફ્રિકન દેશોમાં થયાં છે.
સંક્રમણ બાદ શરૂઆતનાં લક્ષણો 5થી 21 દિવસની વચ્ચે દેખાય છે.
શરીરના અન્ય ભાગો, વિશેષ કરીને હાથ અને પગનાં તળિયાં તેમજ સામાન્ય રીતે ચહેરા પર દાણા વિકસિત થઈ શકે છે.
આ દાણામાં ખંજવાળ આવે છે અને દર્દ થાય છે, દાણા બદલાતા રહે છે અને અછબડા જેવા વિભિન્ન તબક્કામાંથી પસાર થાય છે. એટલે કે એક પોપડો થાય અને પછી ખરી જાય તેમ.
સંક્રમણ સામાન્ય રીતે 14થી 21 દિવસોમાં સમાપ્ત થઈ જાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












