કોરોનાનાં એ ચાર વિચિત્ર લક્ષણો, જેના વિશે વિશ્વમાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે

    • લેેખક, ધ કન્વર્ઝેશન*
    • પદ, .

ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ફરીથી વધારો નોંધાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં શરૂ થયેલી કોરોના મહામારીનો પ્રકોપ અલગઅલગ તબક્કામાં વધતો રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કોરોનાના નવા વૅરિયન્ટ આવતા ગયા તેમ કોવિડનાં લક્ષણો પણ બદલાતા ગયા.

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રારંભમાં તાવ, ખાંસી અને ગંધ તથા સ્વાદના અભાવને કોવિડનાં મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમાં ગળું ખરાબ થવું, નાક બંધ થઈ જવું અને માથાનો દુખાવો પણ લક્ષણો તરીકે ગણવા જણાવાયું.

જોકે, આ સિવાયનાં બીજાં એવાં લક્ષણો છે ખરા, જે ધ્યાને ન આવે? જેમ કે ત્વચા પર ચકામાં થવાં, કાને ઓછું સંભળાવવું વગેરે. આ અને આવાં જ અન્ય કેટલાંક લક્ષણો પણ નવા ડેટામાં સામે આવી રહ્યાં છે.

line

1. ત્વચા પર ચકામાં

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

કોવિડને કારણે ત્વચા પર ચકામાં થઈ જાય તે સાવ અજાણ્યું નથી. યુકેમાં 2021માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર પાંચમાંથી એક દર્દીમાં માત્ર ચામડી પર ચકામાં થયાં હોય તેવું જોવા મળ્યું હતું.

કોરોના એકથી વધુ રીતે ત્વચા પર અસર કરે છે. કેટલાક લોકોની ચામડી પર ચકામાં થાય, જ્યારે કેટલાકને ફોડલા જેવું થઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે.

"કોવિડ ટોઝ" તરીકે ઓળખાતા લક્ષણોમાં અંગૂઠાના ભાગમાં લાલ ચકામા કે ચામડી ફાડી જવાનું જોવા મળે છે. કિશોર અને યુવાઓમાં હળવાં લક્ષણો સાથેના કોવિડ દર્દીઓમાં આ લક્ષણ વધારે જોવા મળ્યું છે.

મોટા ભાગના કિસ્સામાં થોડા દિવસોમાં ત્વચા સારી થઈ જાય છે, પણ ક્યારેક અઠવાડિયાં સુધી લાલાશ રહે છે.

જોકે તેના માટે કોઈ સારવાર કરવાની જરૂર રહેતી નથી. જોકે ચામડીમાં વધારે ખંજવાળ આવતી હોય કે બળતરા થતી હોય તો ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. કદાચ ક્રિમ લગાવવા જેવી સારવારની ભલામણ થઈ શકે છે.

line

2. કોવિડ નખ

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ સહિત કોઈનો પણ ચેપ લાગે ત્યારે આપણું શરીર એવું સમજે છે કે બહુ મોટું સ્ટ્રેસનું કારણ આવ્યું છે. તેની સામે અલગ-અલગ રીતે પ્રક્રિયા થતી હોય છે. ઘણી વાર તેના કારણે નખ પર તેની અસરો દેખાતી હોય છે. નખમાં નીચે પ્રમાણેનાં લક્ષણો જોવાં મળી શકે છે:

  • બ્યૂઝ લાઈન્સ - નખના મૂળ પાસે આડા લીટા પડેલા જોવા મળી શકે છે. શરીર પર દબાણને કારણે નખ વધતાં અટકી જાય ત્યારે આવાં લક્ષણો દેખાય છે.
  • મીઝ લાઈન્સ - નખ પર આડી સફેદ લાઇનો પડે છે, જે નખના મૂળમાં વધારે પડતું પ્રોટીન પેદા થયું હોય તેના કારણે થતી હોય છે.
  • નખના મૂળ પાસે અર્ધ ચંદ્રાકાર લાલ પેટર્ન પણ દેખાતી હોય છે (જેનું કારણ હજી સમજી શકાયું નથી).

કેટલાક લોકોને કોવિડને કારણે નખમાં અસરો દેખાણી હશે એની આંકડાકીય માહિતી અપૂર્ણ છે, પણ એવો અંદાજ છે કે 1-2% દર્દીઓમાં આવાં લક્ષણો દેખાતાં હોય છે.

કોવિડનો ચેપ લાગ્યાના થોડા દિવસો કે અઠવાડિયા પછી નખ વધે ત્યારે પણ આ લક્ષણો દેખાતાં હોય છે. શરૂઆતમાં તેના કારણે થોડો દુખાવો થાય ખરો,પણ થોડાં અઠવાડિયાંમાં સ્થિતિ સામાન્ય થઈ જાય છે.

જોકે આ લક્ષણ કોવિડનું હોઈ શકે, પણ અન્ય કારણોસર પણ નખમાં આવું થઈ શકે છે. દાખલા તરીકે કિમોથેરાપી પછી કે બીજા કોઈ ચેપને કારણે પણ બ્યૂઝ લાઈન્સો પડતી હોય છે.

line

3. વાળ ખરવા

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

કોવિડ-19ને કારણે વાળ ખરવા લાગે છે તેના પર ભાગ્યે જ ધ્યાન અપાયું છે, કેમ કે તે ચેપ લાગ્યાના એકાદ મહિના કે પછી અસર દેખાડતા હોય છે.

અગાઉ જેમને કોવિડ થયો હોય તેવા 6,000 લોકોનો સર્વે કરાયો તેમાં જોવા મળ્યું હતું કે કોવિડના ચેપ પછીના દિવસોમાં વાળ ખરવાનું થતું હોય છે.

આ સર્વેમાં ભાગ લેનારા 48% લોકોએ વાળ ખર્યા હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આકરો ચેપ લાગ્યો હોય તેમને વાળ ખરવાની સમસ્યા વધારે દેખાઈ હતી.

એવું માનવામાં આવે છે કે શરીર દબાણ હેઠળ છે એવો અંદેશો આવે તેના કારણે વાળ ખરવા લાગતા હોય છે.

જોકે અન્ય સ્ટ્રેસનાં કારણોથી પણ વાળ ખરવા લાગતા હોય છે. જોકે થોડા વખત પછી વાળ ખરવાનું બંધ થઈ જાય છે એટલે બહુ ચિંતા કરવા જેવું હોતું નથી.

line

4. કાને ઓછું સંભળાવું

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

ફ્લૂ અને ઓરીની જેમ કોવિડનો ચેપ પણ કાનના અંદરના કોષો પર અસર કરે છે તેવું જોવા મળ્યું છે. તેના કારણે કાને થોડી બહેરાશ આવે છે અથવા ટાઇનીટસ થાય છે (કાનમાં સતત ખંજવાળ જેવું થાય છે).

560 લોકોની તપાસ કરીને તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર કોવિડના લગભગ 3.1% દર્દીઓને થોડી બહેરાશ આવી હતી, જ્યારે 4.5% દર્દીઓમાં ટાઇનીટસ જણાયું હતું.

કોવિડનો ચેપ લાગ્યો હોય તેવા 30 અને ચેપ ના લાગ્યો હોય તેવા 30 લોકોનો પણ સર્વે કરાયો હતો.

આમાંથી કોઈને અગાઉ કાને કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ કોવિડનો ચેપ લાગ્યો પછી એ દર્દીઓમાં કાનના અંદરના ભાગમાં અસર થઈ હતી અને ઊંચી ફ્રિકવન્સી સાથેના ધ્વની પારખી શકાતા નહોતા.

મોટા ભાગના કિસ્સામાં થોડા વખત પછી બરાબર સંભળાતું થઈ જાય છે, પણ કેટલાક કેસ એવા પણ મળ્યા છે, જેમાં કોવિડને કારણે કાયમી બહેરાશ આવી ગઈ છે.

line

આવાં લક્ષણો કેમ?

કોરોના લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

આવાં લક્ષણો કેમ દેખાય છે તેનાં સ્પષ્ટ કારણો હજી આપણે સમજી શક્યાં નથી, પણ એટલું જાણીએ છીએ કે મોટા ભાગે ઇન્ફ્લેમેશન તરીકે ઓળખાતી પ્રક્રિયાને કારણે આવું થાય છે.

ઇન્ફ્લેમેશન એટલે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિનો એક હિસ્સો, જે કોઈ પણ ચેપનો સામનો કરવા કોશિશ કરે છે. આ કિસ્સામાં સાર્સ-કોવ-2ના ચેપ સામે તે પ્રતિક્રિયા આપે છે. પ્રતિકાર કરવા માટે "સાયટોકાઇન્સ" નામનું પ્રોટીન પેદા થાય છે, જે કોષની રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવા માટે જરૂરી હોય છે.

ઇન્ફ્લેમેશનને કારણે વધારે પ્રમાણમાં સાયટોકાઇન્સ પેદા થાય ત્યારે તેના કારણે સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે. કદાચ તે રીતે જ થોડી બહેરાશ આવતી હશે. તે જ રીતે ત્વચા સુધી રક્ત પહોંચાડતી અત્યંત નાની રક્તવાહિનીઓને પણ અસર થાય એટલે ત્વચા, કાન અને નખને પણ અસર થાય.

જોકે આ પ્રકારનાં લક્ષણો માત્ર કોવિડના ચેપના કારણે જ થાય છે તેવું નથી. આવાં કોઈ લક્ષણો દેખાય ત્યારે કોરોના ચેપ માટેનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ખાસ કરીને આસપાસના વિસ્તારમાં હજીય ચેપ ફેલાયેલો હોય ત્યારે ટેસ્ટ કરી લેવાની તકેદારી લેવી જોઈએ.

જો લક્ષણો વધારે તીવ્ર બને તો તમારે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. જોકે બહુ ચિંતાનું કારણ નથી, કેમ કે આમાંનાં મોટાં ભાગનાં લક્ષણો થોડા સમયમાં આપોઆપ ગાયબ થઈ જાય છે.

*વેસિલિઓસ વેસિલોવ કાર્ડિયાક મેડિસીનના પ્રોફેસર છે, રાનુ બારલ (FY2 Academic Foundationના) વિઝિટિંગ રિસર્ચ ફેલો છે, જ્યારે વાસિલીકી સેમ્પેસિયન યુકેની ઇસ્ટ એન્ગલીયા યુનિવર્સિટીના ફેલો છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો