Skin Care : ત્વચાને જુવાન રાખવા કેટલું વિટામિન સી જોઈએ?
- લેેખક, સ્ઝૂ શેન વેંગ અને નીલ ગ્રેઝિયર
- પદ, .
ઉંમરને રોકી શકાય નહીં, પણ તમારી ત્વચાની ઉંમર વધવાની ગતિમાં ઘટાડો કરી શકાય?

ઇમેજ સ્રોત, Felix Wirth
ઇતિહાસમાં વધતી વયની સાથે ત્વચાને જુવાન રાખવા માટે કેટલાય ઉપાયો થયા છે. ઇજિપ્તનાં રાણી ક્લિયોપેટ્રાની જેમ ગધેડીનું દૂધ વાપરવાથી લઈને એલિઝાબેથિયન યુગના લોકોની જેમ ત્વચા પર પારો લગાવવા જેવા અઢળક ઉપાયો લોકોએ અપનાવ્યા છે.
આધુનિક યુગમાં ત્વચાની માવજત માટે કેટલાય વિચિત્ર ઉપાયો જોવા મળે છે જેમકે ગર્ભમાં રહેલા પ્લૅસેન્ટા કે પછી વૅમ્પાયર ફેશિયલનો ઉપયોગ.
પરંતુ હાલના જમાનામાં વિજ્ઞાન ત્વચાને જુવાન બનાવી રાખવા માટે જે અદ્યતન ઉપાયો સૂચવે છે તેમાં પેપ્ટાઇડ્સ, ઍન્ટીઑક્સિડેન્ટ્સ અને એસિડનો ઉપયોગ વ્યાપક રીતે થાય છે.
જે લોકો જીવવિજ્ઞાન વિશે વધુ નથી જાણતા તેમના માટે આ બધું સમજવું સહેલું નથી.
લોકો માટે એ સમજવું મુશ્કેલ છે કે ત્વચા માટે જે ઍન્ટી એજિંગ પ્રોડક્ટ્સ તેઓ ખરીદી રહ્યા છે, તેનો કોઈ વાસ્તવિક વૈજ્ઞાનિક આધાર છે કે પછી તે ખાલી માર્કેટિંગની અસર છે.
તો આવો ઍન્ટી-એજિંગ બ્યુટી પ્રોડક્ટ્સમાં વપરાતા સૌથી લોકપ્રિય એવા ત્રણ પદાર્થો વિશે જાણીએ કે તેની પાછળ શું વૈજ્ઞાનિક આધાર છે?

વિટામિન સી

ઇમેજ સ્રોત, Getty Images
વિટામિન સી ધરાવતી પ્રોડક્ટ્સમાં ત્વચા ઊજળી થવાનો અને ત્વચામાં કોલાજનનું નિર્માણ વધવાનો દાવો કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્વચાના વચલા પડ (જેને ડર્મિસ કહેવાય છે)માં કોલાજન અને ઇલાસ્ટિન બને છે, જે ત્વચાને લચીલી બનાવે છે.
પરંતુ જેમ-જેમ ઉંમર વધે તેમ-તેમ આપણી ત્વચામાં કોલાજન અને ઇલાસ્ટિન ઓછું બને છે જેને કારણે આપણી ત્વચામાં કરચલીઓ આવી જાય છે.
વિટામિન સી ત્વચામાં સીધું પહોંચાડવું થોડું મુશ્કેલ હોય છે.
કારણ કે ત્વચાનું સૌથી બહારનું પડ (એપિડર્મિસ) એ પાણી સામે એક અવરોધ ઉત્પન્ન કરે છે.
વિટામિન સી પાણીમાં ભળી જતું હોય છે. તેથી ત્વચામાં વિટામિન સી પહોંચાડી શકે તેવા પ્રોડક્ટ્સ બનાવવા મુશ્કેલ છે.
પરંતુ કેટલાક રિસર્ચ સૂચવે છે કે જો પ્રોડક્ટમાં વિટામિન સીનું પાંચ ટકા જેટલું કૉન્સન્ટ્રેશન રાખવામાં આવે તો તે ત્વચા પર અસરકારક હોઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
દાખલા તરીકે, એક અભ્યાસમાં જાણવા મળ્યું કે 50થી 60 વર્ષની 10 મહિલાઓ જે છ મહિના સુધી હાથ પર પાંચ ટકા વિટામિન સી ધરાવતી ક્રીમ લગાવતી હતી તેમની ત્વચામાં કોલાજન બનવાનું પ્રમાણ વધેલું જોવા મળ્યું હતું.
વધુ એક સંશોધનમાં જાણવા મળ્યું કે ત્વચા પર વિટામિન સી દરરોજ લગાવવાથી ત્વચા પર સૂર્યપ્રકાશને કારણે પડતાં કાળા ધબ્બા (હાઇપરપિગ્મેન્ટેશન)માં સારો એવો ઘટાડો આવી શકે છે.
અનેક સંશોધનોમાં વિટામિન સી ધરાવતી અને ન ધરાવતી બંને પ્રકારની ક્રીમ્સ શરીરના અલગઅલગ ભાગમાં લગાવવામાં આવી તો જાણવા મળ્યું કે 47 દિવસ સુધી વિટામિન સી યુક્ત ક્રીમ વાપરનારા લોકોની ત્વચાના રંગમાં 12 દિવસ પછી નોંધનીય ફેરફાર જોવા મળ્યો હતો.
જોકે પ્રથમ 12 દિવસ પછી ત્વચાના રંગમાં વધારે ફેરફાર નહોતા જોવા મળ્યા.
પરંતુ આ અભ્યાસ પૂરો થયા બાદ કેટલા સમય સુધી ત્વચામાં ફેરફાર જળવાઈ રહ્યા એ જાણી શકાયું નહોતું.

હાયલુરૉનિક એસિડ

ઇમેજ સ્રોત, Getty Images
હાયલુરૉનિક એસિડ આપણા શરીર દ્વારા બનાવવામાં આવતો એક પ્રાકૃતિક પદાર્થ છે.
આ આંખોમાં રહેલા પ્રવાહી અને હાડકાના જોડાણ અને ટિશ્યૂઝમાં જોવા મળે છે.
કેટલીક સ્કિન કૅર પ્રોડક્ટ્સમાં હવે આનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાકનો દાવો છે કે આ ત્વચા માટે સારું મૉઇસ્ચરાઇઝર છે અને ત્વચા પર આવી જતી કરચલીઓને ઘડાટવામાં મદદ કરે છે.
2011ના એક અભ્યાસમાં 30થી 60 વર્ષની 76 મહિલાઓએ બે મહિના સુધી 0.1 ટકા હાયલુરૉનિક એસિડ ધરાવતી ક્રીમ વાપરી, જેનાંથી તેમની ત્વચામાં હાઇડ્રેશન વધ્યું અને લચીલી પણ બની.
પરંતુ કરચલી આવવા અને ખરબચડી ત્વચામાં સુધારો માત્રે ત્યારે જ જોવા મળ્યો જ્યારે ક્રીમમાં હાયલુરૉનિકના કણ નાના હોય, કારણ કે હાયલુરૉનિક એસિડના મોટા કણો ચામડીમાં આસાનીથી શોષાતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ હાયલુરૉનિક એસિડ ધરાવતી કેટલીક સ્કિન ક્રીમ્સમાં એ નથી જણાવવામાં આવતું કે પ્રોડક્ટમાં હાયલુરૉનિક એસિડના કણોનું કદ મોટું છે કે નાનું, જેથી ખરીદતી વખતે નક્કી કરવામાં મુશ્કેલી થાય છે.
પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ પર નજર નાંખીને હાયલુરૉનિક એસિડનો પ્રકાર અને તેનું કૉન્સન્ટ્રેશન કેટલું છે એ જાણી લેવું હિતાવહ છે.
જોકે અન્ય અનેક અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે હાયલુરૉનિક એસિડ ધરાવતી ક્રીમ કે સીરમ કે પછી ત્વચામાં ઇન્જેક્ટ કરી શકાય તેવી પ્રોડક્ટ્સ ત્વચામાં હાઇડ્રેશન (પાણીનું પ્રમાણ) વધારે છે અને કરચલીઓ ઘટાડે છે.
2021માં એક અભ્યાસ પ્રમાણે હાયલુરૉનિક એસિડ ધરાવતી ક્રીમ વાપરનાર લોકોની ચામડીમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો, ચામડી ઓછી સૂકી થતી ગઈ હતી અને તેમાં બારીક કરચલીઓ પણ ઘટી હતી.
પરંતુ આ પ્રોડક્ટમાં નિઆસિનામાઇડ, સેરામાઇડ્સ અને હાયલુરૉનિક એસિડ વપરાયું હતું અને સન સ્ક્રિન સહિત બે વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એટલે માત્ર હાયલુરૉનિક એસિડને કારણે જ સારું પરિણામ આવ્યું એવું ન કહી શકાય.

રેટિનૉલ

ઇમેજ સ્રોત, Getty Images
રેટિનૉલ આધારિત પ્રોડક્ટ્સ પણ આજકાલ લોકપ્રિય છે અને આનાથી સૂર્યપ્રકાશથી ત્વચાને લાંબા ગાળે થયેલા નુકસાન (જેને ફોટોએજિંગ કહેવાય છે), હાઇપરપિગ્મેન્ટેશન (ત્વચા પર પડેલા કાળા ધબ્બા) અને રિંકલ્સ ઘટવાનો દાવો કરવામાં આવે છે.
રેટિનૉલ વિટામિન-એ માંથી મળે છે. તે ત્વચામાં શોષાય પછી તે રેટિનૉઇક એસિડમાં પરિવર્તિત થાય છે.
એક વખત ચામડીમાં શોષાય પછી તે કોલાજનના નિર્માણમાં વધારો કરે છે અને ત્વચાના કોષના નિર્માણને ઝડપી બનાવે છે.
આ બધી અસરોને કારણે કરચલીની જગ્યામાં ભરાવો થાય છે અને હાઇપરપિગ્મેન્ટેશનમાં ઘટાડો થાય છે.
માનવ કોષો, ત્વચાના સૅમ્પલ અને મનુષ્યો પર થયેલા વિવિધ અભ્યાસ જણાવે છે કે રેટિનૉલ ધરાવતી પ્રોડક્ટ્સ ત્વચાના દેખાવમાં ફેરફારો લાવે છે.
દાખલા તરીકે, મનુષ્યો પર કરેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું કે અઠવાડિયામાં ત્રણ વખત છ મહિના સુધી 0.4 ટકા રેટિનૉલ લગાવવાથી કરચલી દેખાતી ઓછી થાય છે.
અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું કે 0.04 ટકા રેટિનૉલ ધરાવતા પ્રોડક્ટ્સ 12 અઠવાડિયા સુધી વાપરવાથી પણ ત્વચા પર આ અસર જોઈ શકાય છે.
જોકે આને રેટિનૉલ પ્રોડક્ટ્સ જેવી અસર ન કહી શકાય. ઓછામાં ઓછું 0.04 ટકા રેટિનૉલ ધરાવતી પ્રોડક્ટ્સ કેટલાય મહિનાઓ સુધી વપરાયા પછી ચામડી પરની કરચલીઓ ઓછી દેખાય એવી અસર ઊભી કરી શકે છે, એ પણ ખાસ ત્યારે જ્યારે તેને અન્ય સન પ્રોટેક્શન (સૂર્યના પ્રકાશનાં કિરણોથી બચાવતી) પ્રોડક્ટ સાથે વપરાય.

તો ક્યા સ્કિન પ્રોડક્ટ્સ લેવા જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમે ઍન્ટી એજિંગ સ્કિન કૅર પ્રોડક્ટ્સ ખરીદવાનું વિચારતા હોવ તો આ વાતો ધ્યાને લેશો.
પ્રથમ, જૂઓ કે તમને પ્રોડક્ટમાં કોઈ પદાર્થથી એલર્જી તો નથી અને તે તમારી ત્વચાના પ્રકાર સાથે મેળ ખાય છે કે કેમ.
દાખલા તરીકે, જો તમારી ચામડી સૂકી હોય, રેટિનૉલ તમારા માટે યોગ્ય ન હોઈ શકે કારણ કે તે સૂર્ય સામે તમારી ચામડીની સંવેદનશીલતા વધારી શકે છે અને તેનાથી તમને વધુ પરેશાની થઈ શકે છે.
પ્રોડક્ટમાં રહેલા ઍક્ટિવ પદાર્થોની નોંધ લેવી અને ઉત્પાદનકર્તા દ્વારા વપરાશ માટે આપેલા સૂચનોનું પાલન કરવું.
લેબલમાં આ બધી માહિતી અપાતી હોય છે.
હા, તમારે યાદ રાખવું જોઈએ કે તમે જે પ્રોડક્ટ ખરીદી છે એ રામબાણ ઇલાજ ન હોઈ શકે.
સાથે એક સ્વસ્થ દિનચર્યા-લાઇફસ્ટાઇલ જરૂરી છે. જેમાં સંતુલિત આહાર હોય અને પૂરતો આરામ પણ લેવો જોઈએ જેની તમારી ત્વચા પર અસર દેખાય.
* સ્ઝૂ વૉંગ કીલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ફાર્મસી ઍન્ડ બાયોએન્જિનિયરિંગમાં પ્રોફેસર છે.
* નીલ ગ્રૅઝિયર કીલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ફાર્મસી અને બાયોએન્જિનિયરિંગમાં ટેનિશિયન છે.
આ લેખ મૂળ ધ કૉનવર્ઝેશનમાં પ્રકાશિત થયો હતો. તમે આ લેખ અહીં વાંચી શકો છો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












