કસુવાવડ : 'મારે એકલીએ મારા મૃત બાળકને જન્મ આપવો પડ્યો'
- લેેખક, તુલીપ મઝુમદાર
- પદ, વિશ્વ આરોગ્ય સંવાદદાતા
પાંચમાંથી એક સુવાવડમાં મુશ્કેલી થતા કસુવાવડ થઈ જતી હોય છે. મેં પોતે પણ તેની પીડા ભોગવી છે અને સ્વઅનુભવથી જાણું છું કે આ અનુભવ કેવો યાતનામય હોય છે.

મિસકેરિજ : ધ સર્ચ ફૉર આન્સર્સ નામની ડૉક્યુમેન્ટ્રી બનાવવા માટે હું અને મારી પ્રોડ્યુસર ગ્રેબિયેલા ઓડોનેલ દુનિયાભરમાં ફર્યા છીએ અને કસૂવાવડની પીડાને સમજવા માટે પ્રસૂતાઓને મળ્યા છીએ. આ ડોક્યુમેન્ટ્રી iPlayer પર ઉપલબ્ધ છે.
આ લેખની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.
યાતના વૈશ્વિક છે, પરંતુ કસુવાવડ પછી સ્ત્રીને કેવી સારવાર અને સાંત્વના મળે છે તેનો આધાર તે કયા દેશ-પ્રદેશની છે તેના પર જ હોય છે તે આ વીતકકથાઓમાંથી સ્પષ્ટ થઈ જાય છે.

મિલ્કા મ્વામડી, 37, લિલોંગ્વે, મલાવી

હું પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે પ્રથમ વાર મને કસુવાવડ થઈ ગઈ હતી. અચાનક મારી સાથળો વચ્ચે પાણી પડવા લાગ્યું અને પગ ભીના થવા લાગ્યા. હું હૉસ્પિટલે પહોંચી ત્યારે મને જણાવાયું કે તમારો ગર્ભપાત થઈ ગયો છે. મારા શરીરમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી શકતી નહોતી. મને ખબર જ નહોતી કે મારે મારા બાળકને જન્મ આપવાનો હતો.
મને હૉસ્પિટલમાં એકલી જ છોડી દેવામાં આવી હતી. મારા માટે તે બહુ ત્રાસદાયક હતું.
મને અચાનક વેણ ઊપડી હતી અને મને ખબર નહોતી પડતી કે શુ કરવું. ફિલ્મો જોવા મળતું કે આવું થાય ત્યારે પાત્રો જોર કરતા હોય છે. હું પણ એવી રીતે કરતી રહી, પણ બહુ જ પીડા થતી હતી. મને લાગ્યું કે મારામાંથી કંઇક બહાર આવી રહ્યું છે. એ મારું સંતાન હતું. મને કશી સમજ પડતી નહોતી. હું એકલી જ હતી.
માનસિક રીતે તે વધારે મુશ્કેલ સ્થિતિ હતી. અમારા સમાજમાં કસુવાવડની વાતો કરવાનું કોઈ પસંદ કરતું નથી. એ સૂગની બાબત ગણાય છે. તેમાં દોષ મહિલાના માથે જ નાખવામાં આવે છે કે જાણે તેમને સંતાનને ગુમાવી દેવા જેવું કંઈક કર્યું. લોકો સમજતા નથી કે ગર્ભાવસ્તામાં કેવી મુશ્કેલીઓ થઈ શકતી હોય છે. તે વખતે મને એટલું ખરાબ લાગેલું કે જાણે મહિલા તરીકે મારામાં જ કંઈક ખામી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને લાગે છે કે કસુવાવડ વિશે વધારે ખૂલીને વાત કરવાની જરૂર છે, કેમ કે તમે બહુ એકલા પડી જાવ છો અને સારું થતું નથી.
લોકો પૂછશે કે: "થોડા મહિનામાં જ ગર્ભપાત થઈ ગયો તેમાં આટલું શું રડો છો?" પણ તે એક સંતાન હતું અને આ મોટી હાની છે.
મેં ત્રણ સંતાનો ગુમાવ્યાં છે અને તે પછી હવે મને ત્રણ સંતાનો છે. કસુવાવડ પછીય આશા હોય છે.

ડૉ. મેકી કગામી, 50, ટોક્યો, જાપાન

મને પાંચ વાર કસુવાવડ થઈ છે. બધી મુશ્કેલ હતી, પણ તેમાં ત્રીજી સૌથી વધારે ત્રાસદાયક હતી.
મને લોહી પડવા લાગ્યું હતું અને લાગ્યું કે આ ઠીક નથી. તે દિવસે એક પાર્ટી હતી એટલે ત્યાં ગયાં હતાં.
પાર્ટીમાં લોકો પોતાના લાડકવાયાઓની વાતો કરી રહ્યા હતા. અમને કહેતા હતા કે હવે તમેય માતાપિતા બની જાવ. મને બહુ આઘાત લાગી રહ્યો હતો, પણ ગમે તેમ કરીને હું હસતું મોઢું રાખતી રહી.
પેટમાં મને હવે બહુ દુખવા લાગ્યું હતું. જોકે અહીંથી જલદી નીકળી શકાશે તેમ લાગતું નહોતું. આખરે અમે કારમાં બેઠાં અને ઘરે જવા નીકળી ગયાં.
તે વખતે મને હવે બહુ લોહી પડવા લાગ્યું હતું અને એવું લાગતું કે અંદર કંઈક ફાટી ગયું છે. અમે ઘરે પહોંચ્યાં એટલે હું સીધી ટૉઇલેટમાં ગઈ અને મેં જોયું કે ગર્ભના અંશો બહાર આવી રહ્યા હતા.
મેં ટૉઇલેટમાંથી કેટલાક અંશોને બહાર કાઢીને રાખી લીધા, કેમ કે મને થયું કે ડૉક્ટર તેને તપાસીને શું થયું તે જાણી શકશે. મને આજેય તે વખતની પીડા, તે વખતની વેદના, દુખ યાદ છે. વારંવાર યાદ આવે છે. એ મારા જીવનનો સૌથી કપરો કાળ હતો.
હું ડૉક્ટર છું એટલે જાણું છું કે કસુવાવડ એ મારો વાંક નથી, તોય મને મારા માટે શરમ આવતી હતી.
જાપાનમાં એવી માન્યતા છે કે બાળકો માતાપિતાને પસંદ કરતાં હોય છે. મારી મિત્રે મને કહ્યું કે તું એકદમ પરફેક્ટ બાળક ઈચ્છે છે એટલે બાળક તને માતા તરીકે પસંદ કરવા નહીં ઈચ્છે છે. મને થયું કે આમાં તો મને જ દોષ આપવામાં આવી રહ્યો છે. મારા પરિવારે મને કહ્યું કે તું બહુ જહેમત કરે છે અને તણાવવાળું કામ છે એટલે કદાચ આવું થયું હતું.
મારી સલાહ એ છે કે દુખની લાગણી થતી હોય તો થવા દેવી, પણ તેમની પીડામાં ભાગીદાર બનો. મહિલાને સધિયારો આપવા માટે ખાસ કંઈ કહેવાની જરૂર નથી, પણ તેમની પાસે રહો અને બસ તેમને સાંભળો.

ટિડા સમાટેહ, 27, કેનેબા ગામ, ગામ્બિયા

એક સાંજે હું બળતણનો વજનદાર ભારો લઈને આવી રહી હતી ત્યારે લોહી પડવા લાગ્યું હતું. મને ખબર નહોતી કે વધારે વજન ઊંચકવાથી કસુવાવડ થઈ જશે. ગર્ભવતી મહિલાને આરોગ્યની સુવિધાઓ વહેલી મળવી જોઈએ અને તેને સારી સંભાળ તથા સલાહ આપવી જોઈએ. મારા ગામમાં દવાખાનું નથી. આ સ્થિત બદલાવી જોઈએ.
હું સ્થાનિક હૉસ્પિટલે ગઈ ત્યારે મને જણાવાયું કે બધું બરાબર છે ઘરે જઈને આરામ કરો. તે રાત્રે હું નહાવા માટે ડોલ લઈને જવા લાગી કે મને પીડા ઊપડી - અને તે પછી બહુ ઝડપથી બધુ બહાર આવી ગયું અને બાથરૂમની આખી ફરસ પર બધું પડ્યું
મને કહેવાયું કે તમે "ગર્ભપાત થયો તેના ટિશ્યૂ" લઈને હૉસ્પિટલે આવજો એટલે મેં તે બધું ભેગું કર્યું અને હૉસ્પિટલે પહોંચી હતી.
હૉસ્પિટલમાં મારી સારી રીતે સારવાર કરાઈ, પણ મને બહુ દુખ થતું હતું અને એકાકી થઈ ગઈ હતી, કેમ કે મારા પતિ વિદેશમાં રહે છે.
ગામ્બિયામાં એવો રિવાજ છે કે તમારા લગ્નના ત્રણ કે ચાર વર્ષ પછી તમને કોઈ સંતાન ના થાય તો લોકો ટોણા મારે કે તું તારા પતિના પૈસા ખાતર જ પરણી છો. ક્યારેક એવું લાગે કે તમે તમારા પતિ પાસે કોઈ અપેક્ષા જ ના રાખી શકો, કેમ કે તમે સંતાન સુખ તો આપ્યું નથી.
હવે જોકે મારે ત્રણ મહિનાની સુંદર નાનકડી દીકરી હાઆ છે.

જૉસી બ્રેન્નન, 33, લેસ્ટર, યુકે

તમને લોહી પડવા લાગે એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારી આશા અને સપનાં તૂટી પડ્યાં. આટલું બધું લોહી જોઈને તમને બહુ પીડા થાય અને તમને લાગે કે જાણે તમને બચાવનારું કોઈ નથી.
2018થી મને પાંચ વાર કસુવાવડ થઈ ગઈ છે. મોટા ભાગે થોડા મહિનામાં જ ગર્ભપાત થઈ જતો હતો, પહેલા ત્રણ મહિનમાં જ. તેમ છતાં અમે તેને અમારા સંતાનો જ ગણતાં હતાં અને અમે તે જન્મ્યા હોત તો કઈ જન્મતારીખ હોત તે લખી રાખ્યું છે.
ત્રીજી વાર મને કસુવાવડ થઈ તે પછી નિદાન થયું હતું કે મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ છે. તે પછી પણ મને બે કસુવાવડ થઈ હતી.
અમે હિંમત કરીને પ્રયાસ કર્યો હતો અને હું છઠ્ઠી વાર ગર્ભવતી બની હતી. તે વખતે આ જાણ્યું અને હું ફરીથી બહુ ગભરાઈ ગઈ હતી.
મેં સીધો જ ટોમીઝ ચેરિટીના સંશોધનકેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે "તમારે મારી વહારે આવવું પડશે". તે લોકોએ હાલમાં જ પૂરી થયેલી તેમની એક ટ્રાયલ વિશે માહિતી આપી અને કહ્યું કે હોર્મોન પ્રોગેસ્ટોરેનનાં સારાં પરિણામો કેટલીક મહિલાઓમાં જોવા મળ્યાં છે. તેથી મને પણ તે સારવાર આપવાનું શરૂ થયું.
બધું બરાબર થઈ જશે તેમ ધારી લેવાના બદલે મને લાગે છે કે આ વખતે અમે પ્રથમથી જ કાળજી લઈ રહ્યા છીએ અને આગોતરી તૈયારીઓ કરી રહ્યા છીએ.
મારો હવે છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. મને આ સમગ્ર અનુભવ બહુ અનોખો લાગ્યો છે અને નસીબદાર હોઉં એવું લાગી રહ્યું છે.
દરમિયાન જોસી અને પતિ ડેવિડ માતાપિતા બની ચૂક્યાં છે અને સલામત રીતે દીકરી લ્યૂસીનું તેમના જગતમાં સ્વાગત કર્યું છે. દંપતીનું કહેવું છે કે દીકરીને જોવાની વાત ચમત્કારિક લાગી રહી છે.

રુખસાના અમીર, કરાચી, પાકિસ્તાન

મેં સાંભળ્યું હતું કે કસુવાવડ થતી હોય છે, પણ મનેય થઈ ગઈ તે માની જ શકતી નહોતી. હું ડૉક્ટરને મળી તો તેણે કહ્યું કે આવું થતું હોય છે. તેમાં તમારો ગર્ભપાત થઈ જાય છે અને તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી.
તે પછી ત્રણ વાર મને કસુવાવડ થઈ હતી. દરેક વખતે આઠમાં અઠવાડિયે ગર્ભપાત થઈ જતો હતો.
મને થતું કે મારા ઘરવાળા શું વિચારશે? તેમને લાગશે કે હું નબળી છું. લોકો મારી સાથે વાતો કરતા અને મને સાંત્વના આપવાની કોશિશ કરતા અને કહેતા કે સૌ સારાં વાનાં થઈ જશે. તે લોકો કહેતા કે "તું હજી જુવાન છે, તને હજી ઘણાં સંતાનો થશે".
મારા પતિ મને સાથ આપતા હતા, પણ કસુવાવડ વિશે તેમની સાથે ખાસ વાતો થતી નહોતી. અમને થતું કે આની વાત કરીશું તો વધારે દુખી થઈશું.
સદનસીબે મને સારા ડૉક્ટર મળી ગયા. તેઓ બહુ માયાળુ હતા અને મારા ઘણા બધા ટેસ્ટ કરાવ્યા હતા, જેથી જાણી શકાય કે શું થઈ રહ્યું છે. અમને ખ્યાલ આવ્યો કે ગર્ભાવસ્થા દરમિયાન મને બ્લડ ક્લોટિંગની સમસ્યા થાય છે.
તે પછી હું ગર્ભવતી બની ત્યારે ઘણી દવાઓ લીધી હતી. તે પછી મેં બે દીકરીઓને જન્મ આપ્યો અને આજે બહુ ખુશ છું.
મેં ચાર સંતાનો ગુમાવ્યાં છે, પણ મારે યાદ રાખવાનું છે કે તેમાં મારો કોઈ વાંક નહોતો. કસુવાવડ થાય ત્યારે દરેક મહિલાએ આ વાત સમજવાની જરૂર છે.

તમિરા ડેન, 34, બાલ્ટિમોર, અમેરિકા

ઑક્ટોબર 2014માં હું પીઠના દુખાવા સાથે જાગી ગઈ હતી. મેં ડૉક્ટરને વાત કરી ત્યારે કહ્યું કે તમે આવી જજો અલ્ટ્રાસાઉન્ડ કરી લઈશું. જોકે એટલો સમય જ ના રહ્યો અને ઘરે જ મને કસુવાવડ થઈ ગઈ. હું એકલી જ હતી અને શું કરવું તે સમજ પડતી નહોતી. મેં જોયું કે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
મને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાઈ ત્યારે ડૉક્ટરે મને એટલું જ કહ્યું: "આવું ક્યારેક થતું હોય છે."
D&C તરીકે ઓળખાતી મેડિકલ વિધિ કરીને બાકીનાં ટિશ્યૂ કાઢી લેવાયાં. મને રિકવરી રૂમમાં અડધો કલાક રાખવામાં આવી. મને કસુવાવડ વિશેનું કેટલુંક સાહિત્ય વાંચવા અપાયું અને ઘરે જવા કહેવાયું.
જોકે માનસિક રીતે હું અસ્વસ્થ થઈ ગઈ હતી પણ ડૉક્ટરોને લાગતું હતું કે તેમના માટે આ સામાન્ય સારવાર છે - "આવું થતું હોય છે, ફરી કોશિશ કરજો".
ટૉઇલેટમાં જ મારો ગર્ભપાત થઈ ગયો હતો એટલે તે પછી કેટલાય સમય સુધી બાથરૂમ જાઉં ત્યારે હું વિચલિત થઈ જતી હતી.
હું છ મહિના સુધી રોજ રડી પડતી હતી. મારે તરત કામે વળગી જવું પડ્યું હતું. તે વખતે હું વૈકલ્પિક શિક્ષિકા તરીકે કામ કરતી હતી, પણ મને બાળકો સાથે રહેવાનું ગમતું નહોતું. પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો એટલે મને મારી પીડામાંથી બહાર આવવાની તક જ મળી નહોતી.
આખરે મને થોડું કાઉન્સેલિંગ મળ્યું. આઠ વર્ષ પછી આજેય હું થેરપી લઈ રહી છું. આજેય મને એ ક્ષણો યાદ આવી જાય છે, તહેવારોની રજા હોય ત્યારે, બાળક ગુમાવ્યું હોય તેની વાર્ષિક તીથિ આવે ત્યારે ફરી દુખી થઈ જાઉં છું.

મિસકેરિજ: ધ સર્ચ ફૉર આન્સર્સ
દુનિયાભરમાં ફરીને તુલીપે એ જાણવા કોશિશ કરી છે કે કસુવાવડ પછી શારીરિક અને માનસિક રીતે પરિવારો પર કેવી અસર પડતી હોય છે અને સ્થિતિને સંભાળવા અને સારવારમાં સુધારા માટે શું થઈ રહ્યું છે.
આ ડૉક્યુમેન્ટ્રી યુકેમાં BBC iPlayer પર જોઈ શકાશે, જ્યારે અન્યત્ર બીબીસી વર્લ્ડ ન્યૂઝ ચેનલ પર જોવા મળશે.
અહેવાલમાં સહયોગ: ગ્રેબિયેલા ઓડોનેલ અને મિશેલ રોબર્ટ્સ, બીબીસી ન્યૂઝ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













