સેક્સ : કૌમાર્ય સાથે સંકળાયેલી એ માન્યતાઓ જેણે અનેક મહિલાઓનું જીવન મુશ્કેલ બનાવ્યું

    • લેેખક, સોફિયા સ્મિથ ગૅલર
    • પદ, બીબીસી ફ્યુચર

એક દિવસ સર્રાસના મેઇલ બૉક્સમાં એક અજાણી કન્યાનો મેઇલ આવ્યો. એ અજાણી કન્યાએ સવાલ પૂછ્યો હતો કે શું તે કુંવારી છે? એવું પહેલી જ વાર બનેલું કે સર્રાસે એક એવી તસવીર જોઈ જેને એમણે 'વજાઇના સેલ્ફી' એવું નામ આપ્યું. એ વખતે એમને સમજ ના પડી કે તેઓ શો જવાબ આપે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRASHANTI ASWANI

એ સમયે સર્રાસ અરબી ભાષાના 'લવ મેટર્સ' નામના ફેસબુક પેજનાં ઍડમિન હતાં. એ ફેસબુક પેજ દ્વારા સોશિયલ મીડિયા પર અરબીમાં સંબંધો અને સેક્સ સંબંધી શિક્ષણ અપાતું હતું.

સર્રાસે જણાવ્યું, "એ અજાણી કન્યાએ જણાવ્યું કે હમણાં સુધી તે એક સંબંધ ધરાવતી હતી અને હવે તેની સગાઈ થવાની છે. એની પહેલાં તે એ જાણી લેવા માગતી હતી કે તેના કૌમાર્યનો ભંગ તો નથી થયોને!"

આટલું કહીને સર્રાસ થોડી વાર અટક્યાં અને પછી કહ્યું, "હું 'મફ્તુહા' નામના આ શબ્દને ખૂબ નફરત કરું છું. એ અજાણી કન્યાએ પોતાની યોનિનો ફોટો મોકલીને પૂછ્યું હતું કે શું તેણી 'મફ્તુહા' છે અને શું એની હાઇમન (યોનિપટલ) 'ખૂલી ગયો' છે?"

વાસ્તવમાં એ અજાણી કન્યા સર્રાસને પૂછવા માગતી હતી કે શું તેમને એનો હાઇમન દેખાય છે? સાથે જ, શું તેઓ એને કહી શકે કે તે (પટલ) બિલકુલ બરાબર છે? કેમ કે એમના સમાજમાં લગ્ન વખતે વર્જિન હોવાનું ખૂબ દબાણ હોય છે.

એમણે જણાવેલું કે લગ્ન પછી એમના પતિ એની વર્જિનિટીની સાબિતી હાઇમન ફાટી જવાના કારણે નીકળતા લોહીરૂપે જોવા ઇચ્છશે.

જાણી લઈએ કે, કોઈ કન્યાનો હાઇમન બરાબર હોવાના કારણે એવું માનવામાં આવે છે કે એમણે ત્યાં સુધીમાં સેક્સ નથી કર્યું અને એનું કૌમાર્ય અખંડિત છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ 2018માં કૌમાર્યની તપાસ કરવાની આ રીતને માનવાધિકારોના ઉલ્લંઘનરૂપ ગણાવી હતી.

કન્યાઓની આવી પરીક્ષા ઘણી બધી રીતે થઈ શકે છે. જેમ કે, યોનિનો સ્પર્શ કરીને હાઇમનની તપાસ કરવી કે યોનિની સ્થિતિસ્થાપકતા જોવી કે પછી સુહાગરાતે સેક્સ પછી ચાદર પર પડેલા લોહીના ડાઘ જોવા અને એ ડાઘ સંબંધીઓને બતાવવા.

યોનિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુનિયામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સેક્સ ઍજ્યુકેશનમાં હાઇમન વિશે સટીક સંપૂર્ણ માહિતી આપવાની અવગણના કરવામાં આવે છે.

ભલે આ વાતને કોઈ વૈજ્ઞાનિક આધાર ન હોય અને કોઈ પણ જાતના વૈજ્ઞાનિક તર્ક વિના કૌમાર્ય એક સામાજિક કલ્પના-કથા (મિથક/માન્યતા) હોય, તોપણ દુનિયાભરના કરોડો લોકો માને છે કે કોઈ પણ મહિલાના સેક્સ સંબંધોનો ઇતિહાસ એમના હાઇમન દ્વારા ખબર પડી જાય છે.

કરોડો લોકો માને છે કે કોઈ પણ પુરુષ સાથે પહેલી વાર સંબંધ કરતી વખતે કન્યાની યોનિમાંથી લોહી નીકળે જ છે. દેખીતું છે કે એમાંની એક પણ વાત યોગ્ય નથી. છતાં એવા અંધવિશ્વાસ આપણે તમામ સમાજો અને ધર્મોમાં જોઈએ છીએ.

મેં મારા પુસ્તક 'લૂઝિંગ ઇટઃ સેક્સ ઍજ્યુકેશન ફૉર 21 સેન્ચુરી'માં હાઇમનની આ કાલ્પનિક કથાને વિસ્તારથી જણાવવાનો પ્રયાસ કર્યો છે.

એમાં એ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરવામાં આવી છે જે સર્રાસ જેવા લોકો પૂછે છે.

એમાં જણાવાયું છે કે ક્યાં, ક્યારે અને કોણે આવી મનઘડંત વાર્તા બનાવી અને એને પ્રોત્સાહન આપ્યું.

એમ પણ જણાવાયું છે કે સદીઓથી ચાલતી આવેલી આ માન્યતાનું કારણ શું અપૂરતી વૈજ્ઞાનિક શોધ છે?

જોકે મેં જોયું-જાણ્યું કે હાઇમન સાથે સંકળાયેલી માન્યતાઓ ખોટી પાડનારાં ઘણાં વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવ્યાં છે. પરંતુ મને એ પણ જાણવા મળ્યું કે ઘણા ડૉક્ટર પહેલી વાર સેક્સ કરવા દરમિયાન હાઇમન ફાટવાના અને લોહી નીકળવાના વિચારને પ્રોત્સાહન આપે છે.

જનતા દ્વારા ચૂંટવામાં આવેલાં ઘણાં ગૃહ પણ એવી બાબતો પર મહોર મારે છે. દુનિયામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સેક્સ ઍજ્યુકેશનમાં હાઇમન વિશે સટીક સંપૂર્ણ માહિતી આપવાની અવગણના કરવામાં આવે છે.

line

હાઇમન શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRASHANTI ASWANI

ઇમેજ કૅપ્શન, વિશ્વાસ નથી થતો કે નકામા જેવા દેખાતા ટિશ્યૂના આ નાનકડા ભાગ અંગે આટલી બધી વગર કારણની અને ખોટી વાતો કહેવાય છે.

હાઇમન એટલે કે યોનિનો પડદો (યોનિપટલ) કે વજાઇનલ કોરોના, ટિશ્યૂ કે કોશિકાઓનો એક નાનો ભાગ - જે યોનિદ્વાર પાસે હોય છે.

વિશ્વાસ નથી થતો કે નકામા જેવા દેખાતા ટિશ્યૂના આ નાનકડા ભાગ અંગે આટલી બધી વગર કારણની અને ખોટી વાતો કહેવાય છે.

વૈજ્ઞાનિક સમાજમાં હાઇમનના હોવા અને એની ઉપયોગિતા બાબતે ઘણા મતભેદ છે.

શું તે આપણા એ સ્તનધારી પૂર્વજો તરફથી વારસામાં મળ્યો છે, જે સરકતા-ઘસડાતા પાણીમાંથી નીકળીને જમીન પર આવ્યા હતા?

શું તે નવજાત બાળકોના મળમાં જોવા મળતા બૅક્ટેરિયાને યોનિમાં જતા અટકાવવા માટે હોય છે? આખરે કુદરતે એ બનાવ્યો છે શા માટે?, એના જવાબ કોઈને ખબર નથી.

બીજા કેટલાક જીવોની માદાઓમાં માંસપેશીના આ નાનકડા ભાગનો થોડો ઉપયોગ જોવા મળ્યો છે. જેમ કે, 'ગિની પિગ'નો હાઇમન જ્યારે એમનો પ્રજનનકાળ આવે ત્યારે ઓગળી જાય છે અને કાળ સમાપ્ત થયા પછી હાઇમન ફરીથી વિકસી જાય છે. જોકે મનુષ્યોમાં હાઇમનનો એવો ચમત્કાર જોવા નથી મળતો.

મહિલાઓમાં ઘણા પ્રકારના હાઇમન હોઈ શકે છે. ઉપર જે ચિત્ર છે, ઘણી મહિલાઓએ કદાચ પોતાના જીવનમાં ભાગ્યે જ એને જોયું હશે.

આ તસવીર દ્વારા જાણવા મળે છે કે હાઇમન કેવો દેખાય છે.

ઘણા બધા લોકોની એ ધારણા ખોટી છે કે હાઇમન યોનિદ્વારને બંધ રાખે છે. એમને એ વાતનો અણસાર પણ નહીં હોય કે, જો એવું હોત તો મહિલાઓને ઋતુસ્રાવ ના થઈ શકત.

જોકે કેટલીક મહિલાઓના હાઇમન એમનું યોનિદ્વાર બંધ રાખે છે અને એવી મહિલાઓ ઑપરેશન કરાવીને યોનિદ્વાર ખોલાવી શકે છે.

વીડિયો કૅપ્શન, જાતીય સ્વાસ્થ્ય : પૉર્ન વીડિયો જોવાની ટેવ ધરાવતી વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે?

ઘણી મહિલાઓના હાઇમનનો આકાર અર્ધચંદ્ર કે અર્ધ ગોળાકાર હોય છે. એની જાડાઈ પણ જુદીજુદી હોય છે. ઉંમરની સાથે-સાથે હાઇમન પણ બદલાતો રહે છે.

કેટલીક મહિલાઓની યોનિમાં એ હોતો જ નથી અથવા તો પછી કેટલીક મહિલાઓ સેક્સ કરવાની ઉંમર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હોય છે.

એમ તો ઘણા પ્રકારની પ્રવૃત્તિઓના કારણે આ પટલ ફાટી જાય છે. ઘણી વાર વ્યાયામ કરવાથી કે માસિક દરમિયાન પણ એવું થઈ શકે છે. અને હા, યૌનસંબંધ દરમિયાન બની શકે કે હાઇમન ફાટી જાય.

પરંતુ એનો મતલબ એવો નથી કે કોઈ મહિલાનો હાઇમન જોઈને એના યૌનસંબંધનો ઇતિહાસ જણાવી શકાય.

દાખલા તરીકે, 2004માં 36 ગર્ભવતી યુવતીઓ પર કરાયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે માત્ર બે યુવતીઓમાં જ યૌનસંબંધ બાંધ્યાની પાકી સાબિતી મળી હતી.

2004ના જ અન્ય એક અધ્યયનમાં જોવા મળ્યું કે સેક્સ કરનારી 52 ટકા કિશોરીઓએ જણાવ્યું કે સેક્સ પછી પણ એમણે પોતાના 'હાઇમનમાં કશા ફેરફારનો અનુભવ નથી કર્યો'.

સ્પષ્ટ છે કે હાઇમન હોવાને સેક્સ સંબંધ ન બાંધ્યાની સાબિતી અને એના ન હોવાને સેક્સ કર્યાની સાબિતી તરીકે આપણે ન જોઈ શકીએ.

line

કૌમાર્ય અંગે પ્રચલિત માન્યતા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRASHANTI ASWANI

ઇમેજ કૅપ્શન, એક ડૉક્ટરે પોતાના 41 સહકર્મીઓને પૂછ્યું કે પહેલી વાર સેક્સ કરવા સમયે એમને લોહી નીકળ્યું હતું કે નહીં? તો એમાંથી 63 ટકાએ આ સવાલનો જવાબ 'ના'માં આપ્યો હતો.

દુનિયાભરમાં ચાદર પર લોહીના ડાઘ દેખાય તેને કૌમાર્ય પરીક્ષણની એક રીત માનવામાં આવે છે. એ વાત પણ જૂઠાણાં પર આધારિત છે. ઘણી કન્યાઓના હાઇમન પહેલી વાર ખેંચાવાના કારણે લોહી નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે તેઓ આરામથી ન બેસે અને કશો ઝટકો લાગી જાય.

જોકે, સમાન્ય રીતે વજાઇનામાંથી ત્યારે જ લોહી નીકળે છે જ્યારે બળજબરીથી યૌનસંબંધ બાંધવામાં આવે અથવા સેક્સ દરમિયાન એમાં ભીનાશ ન હોય.

પહેલી વાર યૌનસંબંધ બાંધતી વખતે લોહી નીકળી પણ શકે અને ના પણ નીકળે. સેક્સ સમયે વજાઇનામાંથી લોહી નીકળવાનાં પણ ઘણાં કારણો હોઈ શકે છે.

જેમ કે, તણાવ હોવો, સેક્સ માટે પૂરતા તૈયાર ન હોવું કે પછી સંક્રમણ જેવી સ્થિતિના લીધે પણ યોનિમાંથી લોહી નીકળી શકે છે.

એક ડૉક્ટરે પોતાના 41 સહકર્મીઓને પૂછ્યું કે પહેલી વાર સેક્સ કરવા સમયે એમને લોહી નીકળ્યું હતું કે નહીં? તો એમાંથી 63 ટકાએ આ સવાલનો જવાબ 'ના'માં આપ્યો હતો.

પરંતુ, જે દેશોમાં કન્યાઓના કૌમાર્યને આજે પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને એમના યૌનસંબંધ પર નજર રાખવામાં આવે છે, ત્યાં એવા વૈજ્ઞાનિક તર્ક રજૂ શકવાની ખાસ કશી શક્યતા નથી દેખાતી.

2011માં તુર્કીની ડિચ્લે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં જોવા મળ્યું કે 72 ટકા વિદ્યાર્થિનીઓ અને 74 ટકા વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે હાઇમન વર્જિન હોવાનું પ્રતીક છે. એ સ્ટડીમાં સામેલ 30 ટકા પુરુષોએ કહ્યું કે લગ્ન પછી પરિવારને 'લોહીના ધબ્બાવાળી ચાદર' દેખાડવી જોઈએ.

આવી કલ્પના-કથા, મહિલાઓને સારા યૌનસ્વાસ્થ્યથી વંચિત રાખે છે. એમની પોતાની સેક્સુઅલ ઓળખ શોધવામાં આ માન્યતા અવરોધ બને છે અને સેક્સ સંબંધો માટેના તણાવનું કારણ પણ બને છે.

ઇજિપ્તના ગીઝામાં થયેલા એક સામાજિક અધ્યયનમાં સામેલ મોટા ભાગની મહિલાઓએ કહ્યું કે સુહાગરાતે તેઓ ખૂબ તણાવમાં હતી.

સેક્સ દરમિયાન એમને ખૂબ પીડા અને ગભરામણ થઈ અને એના પછી પણ તેઓ સામાન્ય નહોતી થઈ શકી. એનું કારણ હાઇમન અને કૌમાર્ય અંગે પ્રચલિત આ માન્યતા હતી.

વીડિયો કૅપ્શન, એસેક્સ્યુઅલ લોકો માટે પ્લૅટફૉર્મ શરૂ કરનાર પાકિસ્તાની મૂળનાં મહિલા સના કરદરની કહાણી

2013માં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ પર કરાયેલા એક અધ્યયનમાં સામેલ લગભગ 43 ટકા યુવતીઓએ કહ્યું કે સુહાગરાતે સેક્સ દરમિયાન લોહી ન નીકળવાની બીકના લીધે તેઓ સેક્સ સંબંધ બાંધવા નહીં ઇચ્છે.

2017માં લેબનોનમાં જ થયેલા એક અન્ય અધ્યયનમાં સામેલ 416 મહિલાઓમાંથી લગભગ 40 ટકાએ જણાવ્યું કે પોતાના હાઇમનને સુહાગરાત સુધી બચાવી રાખવા માટે એમણે લગ્ન પહેલાં એનલ કે ઓરલ સેક્સ જ કર્યું હતું.

મેં મારા રિસર્ચમાં એવી અગણિત ઑનલાઇન પોસ્ટ જોઈ, જેમાં મહિલાઓ એ બાબતે ભયભીત હતી કે જો એમણે માસ્ટરબેશન (હસ્તમૈથુન) કર્યું તો એમનો યોનિપટલ ફાટી જશે. એટલે સુધી કે તેઓ હાઇમન બાબતે એટલી બધી ડરેલી હતી કે એમણે ક્યારેય એને સ્પર્શ કરી જોવાની હિંમત પણ ના કરી.

હાઇમન વિશેની આ માન્યતા માત્ર મહિલાઓના સેક્સુઅલ સ્વાસ્થ્ય અને સમાનતાના હક્ક પર જ અસરકર્તા નથી, બલકે તેઓ એમની ન્યાય મેળવવાની દિશામાં પણ અવરોધ બની શકે છે.

પાકિસ્તાને તો તાજેતરમાં જ બળાત્કારના કેસમાં કૌમાર્યની તપાસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ઘણા દેશો, ખાસ કરીને એશિયા, મધ્યપૂર્વ તથા ઉત્તર અને દક્ષિણ આફ્રિકામાં આજે પણ મહિલાઓના કૌમાર્યની તપાસ કરવામાં આવે છે.

એટલું જ નહીં, દુનિયાભરમાં એવા કેટલાય ડૉકટરો એવી મહિલાઓના હાઇમનને ઑપરેશનથી ફરીથી જોડી આપવાનો નફાકારક વ્યવસાય પણ કરે છે.

હાઇમન અખંડ કરાવનારાઓમાં મોટા ભાગે એવી મહિલાઓ હોય છે જેમણે લગ્ન પહેલાં સેક્સ કર્યું હોય અને એ વાતની ખબર પડી જવાની બાબતે ડરેલી હોય.

મારું આ પુસ્તક લખાયાના અને 2022માં બ્રિટનના નેતાઓએ વર્જિનિટી ટેસ્ટને ગેરકાયદેસર ગણાવ્યાના એક વર્ષ પહેલાં મેં યુકેના એક સર્જનને વર્જિનિટી ટેસ્ટ વિશે ઇ-મેઇલ કર્યો હતો.

વીડિયો કૅપ્શન, સેક્સ દરમિયાન આ ભૂલ થાય તો રેપનો ગુનો, સ્ટેલ્થિંગ શું છે?

એમના સહાયકે મને જણાવ્યું કે જો તમારો હાઇમન બરાબર છે તો 300 પાઉન્ડ (લગભગ 30 હજાર રૂપિયા) ફી આપીને પોતાનો હાઇમન સલામત હોવાનો મેડિકલ રિપોર્ટ મેળવી શકો છો.

અને જો હાઇમન ફાટી ગયો હોય તો હાઇમન રિપેર સર્જરી માટે મારે 5,400 પાઉન્ડ (લગભગ 5.3 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. ત્યાર બાદ મને એવો રિપોર્ટ મળી જશે.

બ્રિટનમાં હાલ જ્યારે હાઇમનની સર્જરી કરીને એને અખંડ કરવા પર પ્રતિબંધ લાદવાના કાયદા અંગે સંસદમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે તો એનાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક સર્જન છેલ્લી તક સુધી બ્રિટનની ધરતી પર આવી સેવા આપીને નફો કમાઈ લેવામાં સક્રિય છે.

યુકેના એક સર્જન ઑનલાઇન દાવો કરે છે કે હાઇમનની સર્જરી 'એવી મહિલાઓ માટે યોગ્ય હોઈ શકે છે જેમની યોનિને સેક્સ કે અન્ય કોઈક પ્રવૃત્તિઓના કારણે ક્ષતિ થઈ હોય.'

પરંતુ સવાલ એ છે કે જ્યારે હાઇમનનો કશો ઉપયોગ નથી તો પછી સર્જરી કરીને એને અખંડ કરવાથી શો લાભ થશે?

આવાં જૂઠાણાંને દુનિયાના તમામ વિસ્તારના ડૉક્ટર પ્રોત્સાહન આપે છે. લેબનનના એક સર્જને દાવો કર્યો છે કે 'હાઇમ્નોપ્લાસ્ટી કરીને કોઈ મહિલાને એનું કૌમાર્ય પાછું આપી શકાય છે.'

line

ઉપાય શો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક રિસર્ચમાં તો ખરેખર જોવા મળ્યું કે જો હાઇમનનું નામ બદલી નાખવામાં આવે તો એના વિશેની લોકોની વિચારસરણી બદલી શકાય છે.

ન્યૂ યૉર્કમાં બેઠેલા એક સર્જન દાવો કરે છે કે 'હાઇમ્નોપ્લાસ્ટીનો અર્થ હાઇમનને ફરીથી એ જ કૌમાર્યવાળી સ્થિતિમાં લાવી દેવાનો છે.'

તો પછી તમે કઈ રીતે હાઇમન કે યોનિપટલ અંગેની આ માન્યતાને સમાપ્ત કરશો? એના માટે કેટલાંક રિસર્ચની દિશામાં શરૂઆત કરી શકાય છે.

એના માટે, વર્જિનિટીની તપાસ કરવા અને ડૉક્ટરો દ્વારા લોકોને ભરમાવવા પર પ્રતિબંધ લાદી દેવા જેવાં પગલાં પણ ભરી શકાય છે.

વાસ્તવમાં મુદ્દો એ છે કે એવા ઘણા વિચારોને પેઢી દર પેઢી માત્ર પ્રોત્સાહિત નથી કરાતા બલકે ઘણી વાર એને એવા વિચારોથી ઉત્તેજન આપવામાં આવે છે, જે વૈજ્ઞાનિક તથ્યો સાથે મેળ ખાય છે અથવા નથી ખાતા.

જો તમે કૌમાર્યના સાંસ્કૃતિક વિચારમાં વિશ્વાસ ધરાવતા હો અને એની સાથે લૈંગિક અસમાનતાના વિચારનું પણ સમર્થન કરતા હો તો, તમારા વિચારો બદલવા માટે સમાજમાં ક્રાંતિની જરૂર પડશે.

કેટલાક લોકોને લાગે છે કે આ માન્યતાને હંમેશાં માટે સમાપ્ત કરવાની એક રીતે એ હોઈ શકે કે એનું નામ જ બદલી નાખવામાં આવે.

કેટલાંક રિસર્ચમાં તો ખરેખર જોવા મળ્યું કે જો હાઇમનનું નામ બદલી નાખવામાં આવે તો એના વિશેની લોકોની વિચારસરણી બદલી શકાય છે.

2009માં સ્વિડિશ ઍસોસિયેશન ઑફ સેક્સુઆલિટી ઍજ્યુકેશને હાઇમન માટેના શબ્દ 'મોડોમશિન્ના'ને બદલીને 'વજાઇનલ કોરોના' એટલે કે 'સ્લિડક્રાંસ' કરવાનો નિર્ણય કર્યો.

એમણે આ શબ્દનો ઉપયોગ દરેક જગ્યાએ શરૂ કરી દીધો. ત્યાર બાદ દરેક પ્રકારની વાતચીતમાં એ જ નામનો ઉપયોગ થવા લાગ્યો. એનાં લગભગ 10 વર્ષ પછી રિસર્ચર કૅરિન માઇલ્સને જોવા મળ્યું કે સરવેમાં સામેલ 86 ટકા વ્યાવસાયિકો પોતાનાં ક્લિનિક અને વર્ગોમાં 'વજાઇનલ કોરોના' શબ્દનો જ ઉપયોગ કરતા હતા.

એમ તો આ નામને માત્ર 22 ટકા યુવાઓએ જ સાંભળ્યું હતું, પરંતુ એમાંના બહુ થોડા એવા હતા કે જેઓ હાઇમનને પારંપરિક પુરુષવાદી વિચારધારાની દૃષ્ટિએ જોતા હતા.

એવા ઘણા લોકો જેઓ આ શબ્દનો ઉપયોગ નહોતા કરતા તેઓ પણ સ્વિડનના ઍસોસિયેશનની સેક્સ સાથે સંકળાયેલી પત્રિકાઓવાળી વાતોનો જ પુનરુચ્ચાર કરતા હતા.

ગણતરીના જે લોકોને આ નવો શબ્દ ખબર નહોતી એમાંના મોટા ભાગનાએ પણ 'મોડોમશિન્ના'ને માત્ર 'એક માન્યતા' જ ઠરાવી. ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે આવી વિચારસરણી ખૂબ જૂની છે અથવા તેઓ પહેલાં એના પર વિશ્વાસ ધરાવતા હતા પરંતુ હવે નહીં.

દેખીતું છે કે માત્ર ભાષાથી રાતોરાત આવું પરિવર્તન ન લાવી શકાય. પરંતુ આ એક સારી શરૂઆત છે.

અંગ્રેજી ભાષા બોલતા ઘણા દેશોમાં સેક્સનું શિક્ષણ આપનારા એવા ઘણા લોકો છે જેઓ એવું માને છે કે અંગ્રેજીમાં પણ હાઇમનના બદલે 'વજાઇનલ કોરોના' જ બોલાવું જોઈએ.

અંગ્રેજી શબ્દ હાઇમન, ગ્રીક દેવતા હાઇમનમાંથી ઉદ્‌ભવ્યો છે, જે લગ્નના દેવતા હતા. પરંતુ આ પટલની આસપાસ વણી લેવામાં આવેલી કલ્પના-કથાએ હાઇમન શબ્દને વિકૃત બનાવી દીધો.

જોકે, સ્વિડને હાઇમન માટે કેવળ પોતાનો શબ્દ ન બદલ્યો, બલકે તેઓ યુવાઓ અને વ્યાવસાયિકોને પણ એવું સમજાવવામાં સફળ થયા કે એમણે આ શબ્દ શા માટે બદલ્યો.

આજે જ્યારે દુનિયાભરની સરકારો વર્જિનિટી ટેસ્ટ અને હાઇમનના રિપેરિંગની સર્જરી પર પ્રતિબંધ લાદી રહી છે ત્યારે એમના માટે એ પણ સારું રહેશે કે તેઓ આ પ્રતિબંધોની પાછળ રહેલા તર્કોને ક્લાસરૂમ સુધી પહોંચાડે અને યુવાઓને જાગરૂક કરે.

બની શકે કે આ પ્રકારે આપણે આવી ખતરનાક માન્યતાને ફરીથી ઊપસી આવતી અટકાવી શકીએ.

(આ લેખ પત્રકાર સોફિયા સ્મિથ ગૅલરે લખેલા 'લૂઝિંગ ઇટઃ સેક્સ એજ્યુકેશન ફૉર 21 સેન્ચુરી' નામના પુસ્તકનો સારાંશ છે.)

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો