'મારી પત્નીએ 10 વર્ષ મારા પર બળાત્કાર કર્યો'

- લેેખક, વિક્ટોરિયા ઝૂહાન, યાના ગ્રિબોવસ્ક્યા અને ડેનિસ કોરોલેવ
- પદ, બીબીસી ન્યૂઝ યુક્રેનિયન અને રશિયન
ઘરેલુ હિંસાની ફરિયાદ મોટા ભાગે સ્ત્રીઓ તરફથી જ આવતી હોય છે. ત્રીજા ભાગની મહિલાઓને તેમના જીવન દરમિયાન શારીરિક અને જાતીય હિંસાનો અનુભવ થતો જ હોય છે એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા કહે છે.
ભાગ્યે જ બનતી ઘટના અને જેની ભાગ્યે જ ચર્ચા થાય છે તે હોય છે પુરૂષ પરનો અથવા પુરૂષ પર કુટુંબના સભ્ય દ્વારા જાતીય હુમલો.
સમાજમાં પુરુષ સામેની ઘરેલુ હિંસા શરમજનક ગણાય છે અને પુરુષે એકલાએ જ યાતના સહન કરવી પડતી હોય છે.
યુક્રેનના એક યુવાને બીબીસીને પોતાની ઓળખ છતી ના કરવાની શરતે એમની વીતકકથા જણાવી હતી.
તેમની કથા અહીં રજૂ કરીએ છીએ. કેવી રીતે ઘરેલુ હિંસાને પારખવી અને તેનો ઉકેલ કેવી રીતે લાવવો એ વિશે કેટલાક નિષ્ણાતોના અભિપ્રાયો સામેલ છે.

મારા માટે પ્રથમવાર

મારા મિત્રોને શંકા હતી કે કેમ ખબર નહીં. બહારથી બધુ સારું જ લાગતું હતું. હસતા ચહેરા, મિત્રો, પૈસો, આનંદ અને આત્મવિશ્વાસ. અમે અડધું વિશ્વ સાથે ફરી આવ્યા હતા.
અમે ફરવા નીકળ્યા હતા ત્યારે મારે તેનાથી ડરવાની જરૂર નહોતી. બીજા લોકોની સામે તે મને તકલીફ આપતી નહોતી. બસ તેની સાથે એકલા રહેવાનું ન થાય તેની કાળજી રાખવી પડતી હતી.
એ તો મને હમણાં છેક ખ્યાલ આવ્યો કે મારી પત્ની 10 વર્ષથી મારા પર બળાત્કાર કરી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇરા મારા જીવનની પ્રથમ સ્ત્રી હતી. અમે વીસીમાં હતા ત્યારે મળ્યા હતા. તેણે જ મને મળવા માટે કહ્યું હતું.
મારાં માતાપિતાએ મને કહ્યું કે તું કોઈ છોકરીને ડેટ કરવા લાગે તે પછી તારે તારું ઘર શોધી લેવાનું રહેશે. તેનો અર્થ એ કે કોઈના પ્રેમમાં પડું તો મારે પરિવારનો ત્યાગ કરવો પડે અને માથે છાપરું પણ ગુમાવવું પડે. એક જ દિવસમાં મારે બધું ગુમાવી દેવું પડે.
મારા માટે તે ચિંતાનું કારણ હતું. એટલે હું અલગ રહી શકું તેટલી બચત કરી પછી જ હું પ્રેમમાં પડી શક્યો હતો.

આત્મવિશ્વાસનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઓછું હોય તેમ મારી માતાને મારી શરમ આવતી કે હું કેવો દેખાવ છું. મારામાં જરાય આત્મવિશ્વાસ નહોતો.
મારો સેક્સનો પ્રથમ અનુભવ ઇરા સાથે જ હતો અને તે વખતે મને તેના માટે ઇચ્છા થતી હતી. જોકે તે બરાબર નહોતું. ખૂબ પીડા થઈ હતી અને જોર કરવું પડ્યું હતું. અમે પ્રથમ વાર સમાગમ કર્યો તે પાંચ કલાક ચાલ્યો હતો અને તે પછી આખું શરીર દુ:ખવા લાગ્યું હતું.
તેનામાં એ મેનિયા હતો કે છેલ્લે સ્પર્મ નીકળવું જોઈએ. એ નીકળે નહીં ત્યાં સુધી તે મને ઘસ્યા કરતી હતી. સરેરાશ તેમાં એક કે બે કલાક લાગી જતા હતા.
સેક્સ આનંદ માટે હોવો જોઈએ, પણ મને ક્યારેય તેમાં મજા આવી નહીં. મને તેનો કોઈ અનુભવ નહોતો અને મને એમ કે આ રીતે જ હશે. તેથી હું એ જે કહે એમાં હાએ હા કરતો રહ્યો હતો.
પરંતુ તે પછી મારે ના પાડી દેવી પડી. પણ ઇરા અટકી નહીં. તે પછી આખો મામલો રેપનો થઈ ગયો હતો.

ફસાવાની શરૂઆત

ઇમેજ સ્રોત, Press Association
મારે લાંબી બિઝનેસ ટ્રીપ માટે વિદેશ જવું પડે તેમ હતું. મને ચિંતા હતી કે હું ઇરાને ગુમાવી દઈશ તેથી મેં તેને સાથે આવવા માટે કહ્યું.
હું વિદેશ જતા પહેલાં તેની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગયો. તેણે લગ્નની તો ના પાડી, પણ મારી સાથે વિદેશ પ્રવાસે આવી.
ત્યારથી જ મારી તકલીફની શરૂઆત થઈ હતી. મારે બહુ કામ રહેતું હતું અને આરામ કરવો પડે તેમ હતો, પણ તે હંમેશા સેક્સની માગણી કરવા લાગી હતી.
એક વાર મેં હા પાડી, બીજી વાર હા પાડી... તે કહેતી, "મારે જોઈએ છે, મને તેની જરૂર છે ચાલને. હું બહુ વખતથી રાહ જોતી હતી."
હું કહેતો, "ના, મને ઇચ્છા નથી. મારે આરામ કરવો છે. હું થાકી ગયો છું."
તે પછી તે મને માર મારતી અને હું કશું કરી શકતો નહીં. તે નખથી મારી ચામડી ચીરી નાખતી કે લોહી નીકળી આવતું. તે મને મુક્કાઓ મારતી હતી. તે ક્યારેય મારા ચહેરા પર ઈજા નહોતી કરતી. માત્ર કપડામાં છુપાઈ જાય તેવી જગ્યાએ જ - છાતીમાં, પીઠમાં, હાથમાં જ નખ મારતી હતી.
હું તેનો સામનો કરી શકતો નહોતો, કેમ કે મને લાગતું કે સ્ત્રીને મારવું તે હુમલો કર્યો કહેવાય અને ખોટું કહેવાય. મારા માતાપિતાએ મને એવું જ શિખવ્યું હતું.
હું નબળો અને ઢીલો પડવા લાગ્યો હતો, પણ છટકી શકું તેમ નહોતો. તે પોતાનું ધાર્યું કરતી હતી અને સેક્સમાં મોટા ભાગે તે જ મારી ઉપર રહેતી હતી.
મેં એકવાર હોટેલમાં મારા માટે અલગ રૂમ રાખવાની પણ કોશિશ કરી. પરંતુ મને સ્થાનિક ભાષા આવડતી નહોતી અને તે લોકો મને સમજી શક્યા નહીં. તે રીતે હું ઉલટાનો ફસાયો.
મને કામ પતાવીને હોટલ પહોંચવામાં ડર લાગતો હતો. તેથી હું શૉપિંગ મોલમાં તે બંધ ના થઈ જાય ત્યાં સુધી આંટા માર્યા કરતો હતો. તે પછી શહેરમાં આંટા માર્યા કરતો. તે વખતે બહુ ઠંડું અને ભેજયુક્ત હવામાન હતું. હું મારી સાથે ગરમ કપડાં પણ લાવ્યો નહોતો.
તેના કારણે મને મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થઈ ગયું અને તાવ આવવા લાગ્યો. તો પણ ઇરા અટકી નહીં અને મારે તે કહે તેમ કરવું પડતું હતું.
શનિ-રવિ સૌથી ખરાબ જતા હતા. શનિવાર સવારથી શરૂ થઈ જાય તે રવિવારની રાત સુધી ચાલ્યા કરે. કેટલા દિવસે યુક્રેન પાછા ફરી શકાશે તેની જ ગણતરી હું કરતો રહ્યો હતો. મને એમ હતું કે યુક્રેન ગયા પછી અમારા સંબંધોનો અંત આવી જશે - પણ તેવું થયું નહીં.

'મેં છટકવા કોશિશ કરી, પણ સફળ ના થયો'

હું ફરી માતાપિતા સાથે રહેવા જતો રહ્યો અને ઇરાને મળવાનું પણ બંધ કરી દીધું. જોકે મારી મુક્તિ માટે મને વર્ષો લાગી જવાના હતા.
અમે ફોન પર ઝઘડતા રહેતા અને હું ફોન બંધ કરી દેતો અને તેને બ્લૉક કરી દેતો. હું ઘરમાં ક્યાંક છૂપાઈ જાવ તો તે મને શોધી કાઢતી અને દરવાજાની પેલી બાજુ બેસી રહેતી. તે મને ફોન કરતી અને કહેતી કે હવે પછી બધું બરાબર થઈ જશે.
અને હું દરેક વખતે વળી પાછો તેને મળવા લાગતો. હું એકલો રહેવામાં બહુ ગભરાતો હતો.
શરૂઆતમાં મેં ઇરાને છોડી દેવા માટે ઘણી કોશિશો કરી હતી. તે પછીય થોડી કોશિશો કરી, પણ પછી આખરે હું થાક્યો. ઇરાએ કહ્યું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. મને જરાય ઇચ્છા નહોતી ને છતાંય અમારા લગ્ન થઈ ગયા.
ઇરાને બધાની ઇર્ષા કર્યા કરતી: મારા મિત્રોની, મારા પરિવારની. હું ગમે ત્યાં જાઉં મારે તેને ફોન કરવો પડતો "મારે શા માટે કૉન્ફરન્સમાં ભાગ લેવાનો?" "મારે શા માટે મિત્રોને મળવાનું?" મારે બસ તેની સાથે જ રહેવાનું. તેના હાથવગા જ રહેવાનું.
તે મારા વિના ક્યાંય જતી જ નહોતી - હું સદાય તેને ખુશ રાખ્યા કરવાનું સાધન બની ગયો હતો.
ઇરાની કોઈ નોકરી નહોતી - હું જ ઘરનો ખર્ચ ઉપાડતો હતો, રાંઘતો પણ હું અને સાફસફાઈ પણ મારે જ કરવી પડતી.
અમે બે બાથરૂમ સાથેનો મોટો એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો હતો. મુખ્ય બાથરૂમ વાપરવાની મને મનાઈ હતી. મારે માત્ર 'ગેસ્ટ' માટેનો બાથરૂમ જ વાપરવાનો. રોજ સવારે મારે તે 10 વાગ્યે ઉઠે ત્યાં સુધી રાહ જોવાની. કેમ કે નહીં તો તેની ઉંઘ બગડી જાય.
તેણે નક્કી કર્યું કે અમારે જુદા જુદા રૂમમાં સુવાનું અને મારા રૂમમાં લૉક નહીં મારવાનું, મારે ક્યારેય એકલા રહેવાનું નહીં.
હું કંઈક 'ખોટું કરી રહ્યો હોઉં', ત્યારે મારા પર ચિલ્લાતી અને મને મારી લેતી. એકાંતરા દિવસે રોજ એક વાર આવું થતું હતું.
આવું થાય ત્યારે તે મને જ દોષ દેતી. તે મને કહેતી કે કેવા પ્રકારના પુરુષની તેને જરૂર છે અને તેણે કેવી રીતે કરવાનું અને શું કરવાનું.
હું અસહાય હતો અને તેનો ગુસ્સો રોકવા માટે જે કંઈ કહે તેમ કરવા તૈયાર થઈ જતો હતો.
મને યાદ છે કે એક વાર હું દાદરા ઉતરીને નીચે ગયો અને કારમાં બેસીને રડવા લાગ્યો હતો. તે મારી બાજુમાંથી પસાર થઈ ને મને રડતો જોઈ ગઈ. હું ઘરે પરત આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને બહુ દુ:ખ થાય છે, પણ તે પોતાને રોકી શકતી નથી.
પણ પછી બીજા દિવસે ફરીથી એવો ને એવો ત્રાસ શરૂ થઈ જતો. હું ગમે તેમ કરું અને મને ગમે તેટલું ખરાબ લાગતું હોય તેને કોઈ ફરક પડતો નહોતો.
હું પણ કંઈ સર્વાંગ સુંદર છું તેવું નથી. હું આ બધું ટાળવા માટે 10, 12, 14 કલાક કામ કરતો, શનિ-રવિ ને રજાઓમાં પણ કામ કરતો રહેતો. એમાં કંઈ સમસ્યા નહોતી: કેટલાક લોકો પીને મજા કરે - બીજા કામ કરે.

ત્રાસ છતાં કેમ લોકો તેને છોડી નથી દેતા?
યુક્રેન નેશનલ હોટલાઇન વિભાગના વડાં આલ્યોના ક્રિવુલિક અને યુએન પોપ્યુલેશન ફંડના સલાહકાર ઓલિના કોચિમિરોવસ્કા નીચેના ચાર કારણો જણાવે છે.
- જે કુટુંબમાં હિંસા થતી હોય ત્યાં ઉછેર થયો હોય તેવા બાળકો મોટા થઈને માતાપિતાની જેમ જ વર્તતા હોય છે.
- એકલા પડી જવાનો અને ચીલાચાલુ થઈ જવાનો ડર: "પડોશીઓ શું કહેશે?" "સંતાનનો ઉછેર માતાપિતાએ સાથે મળીને કરવો જોઈએ."
- પ્રથમ તબક્કો - માનસિક ત્રાસનો હોય છે તે જલદીથી પારખી શકાતો નથી. તે પછી ભોગ બનનારી વ્યક્તિ તેનાથી ટેવાઈ જાય છે અને સ્થિતિને સમજવામાં અને વર્તવામાં થાપ ખાઈ જાય છે.
- હિંસાનો ભોગ બનેલી વ્યક્તિ બીજે ક્યાંય જઈ શકે તેમ હોતી નથી. તે ત્રાસ આપનારા પર આર્થિક રીતે નિર્ભર હોય છે કે પછી કફોડી સ્થિતિમાં હોય છે (જેમ કે સગર્ભા હોય કે નાના બાળકો હોય).
- સત્તાવાળાઓને ફરિયાદ થાય ત્યારે એવું સાંભળવામાં આવતું હોય છે કે "આ તમારા કુટુંબનો મામલો છે" અને કોઈ મદદ મળતી નથી.

'હું વાત કરતો રહ્યો અને ક્યારેય અટકી શક્યો નહીં'

તમે આવી સ્થિતિમાં હો ત્યારે તમારી સાથે શું થઈ રહ્યું છે તેનો તમને અંદાજ નથી હોતો. તમને બહાર નીકળવાનો માર્ગ દેખાતો નથી અને કોઈનું તમે સાંભળતા નથી. તમને એવું લાગતું પણ નથી હોતું કે આમાંથી બચવાનો માર્ગ છે. આ સાવ અસહાય સ્થિતિ હોય છે.
મને ઇચ્છા ના હોય તો પણ હું બધું કરતો રહ્યો, કેમ કે મને આદત પડી ગઈ હતી. હું હંમેશા કોઈ ને કોઈનું ઋણ માનતો રહ્યો અને ક્યારેય મારો પોતાનો ન થઈ શક્યો. હું મારી દાદીનો હતો, મારા માતાપિતાનો હતો - મને થતું કે સંબંધોમાં હંમેશા તમારે જતું કરવું પડતું હોય છે.
તેથી મેં મારા હિતોને જતા કર્યા - તે વખતે મને તે વાત સહજ લાગતી હતી. તેથી સ્થિતિ વધુ ને વધુ બગડવા લાગી.
શરૂઆતમાં મને ફક્ત આ બધું ગમતું નહોતું. પણ આખરે સંબંધોના છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં મારા જીવનમાં સેક્સને કારણે યાતના શરૂ થઈ ગઈ હતી. ઇરા ગમે ત્યારે મને પકડી પાડતી અને મારે સહન કરવું પડતું હતું.
મને બહુ ગભરામણ થતી અને હું તેને ધક્કો મારી દેતો. કોઈ જગ્યાએ છૂપાઈ જતો, ભાગી જતો, ઘર છોડી દેતો કે કમસે કમ રૂમની બહાર નીકળી જતો.
ઇરાને લાગતું કે મારા કારણે સેક્સમાં પ્રોબ્લેમ થાય છે. તેથી દર થોડા વર્ષે તે મને સેક્સોલૉજિસ્ટ પાસે લઈ જતી હતી.
હું જ્યારે પણ કહેતો કે અમુક વસ્તુ મને ગમતી નથી અને મને સેક્સ જ પસંદ નથી, ત્યારે મને કહેવાતું કે તમારી જ મુશ્કેલી છે. હું મારા પરના અત્યાચાર અને બળાત્કાર સામે મૌન જ રહ્યો.
ઇરા માટે આવી મુલાકાતો તેની વાત સાચી ઠેરાવવા માટેની હતી. છૂટાછેડા લીધા તેના થોડા વખત પહેલાં મેં આખરે હિંસા વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. મેં વાતચીત શરૂ કરી હતી, પણ હું તેને રોકી શક્યો નહોતો.

'આખરે કેવી રીતે મદદ મળી અને છુટકારો થયો'

ઇમેજ સ્રોત, Getty Images
પાનખર હતી. મને બ્રોન્કાઇટીસ હતો અને તાવ સાથે બે કે ત્રણ અઠવાડિયાથી પટકાયેલો હતો.
એ દરમિયાન મારી તબિયત પૂછવા કોઈ આવ્યું નહોતું. તે વખતે મને લાગ્યું કે મારા જીવનનું કોઈ મૂલ્ય નથી. મને થયું કે હું આજે રાત્રે મરી જાઉં તો પણ મારો કોઈ ભાવ પૂછવાવાળું નથી.
તે વખતે મને ભાન થયું: ધિક્કાર, ઘૃણા અને શરમની લાગણી મને ઘેરી વળી. મને થયું કે મારે કોઈ સાથે વાત કરવી જોઈએ, પણ સમજાતું નહોતું કે કેવી રીતે.
હું એક વાર મારા માતાપિતા બહાર ગયા હતા ત્યારે તેમના ઘરે રહેવા ગયો હતો, જેથી સાવ એકલો રહી શકું.
હું ઇન્ટરનેટ સર્ફ કરી રહ્યો હતો અને એક એડ વિન્ડો ખૂલી તેમાં મેં થોડી ચેટ કરી. તે બધું અજાણપણે થતું હતું, જાણે કે તમારી કોઈ ઓળખ ના હોય.
તે વખતે મેં પહેલીવાર મારી સાથે શું શું થઈ રહ્યું છે તેની વાત કરી. હું હજી તેને એક પ્રકારનો અત્યાચાર સમજી રહ્યો નહોતો. પરંતુ તે પછી મેં વધારે વાર ના પાડવાની શરૂઆત કરી દીધી હતી.
પહેલા નાની વાતોથી શરૂઆત થઈ. મારા માટે હવે ના પાડી દેવું મહત્ત્વનું બન્યું હતું. ચૂપ રહેવાના બદલે ના કહેતો થયો. હું જ્યારે પણ મજબૂત બનવા માગતો ત્યારે હું માંદો પડ્યો હતો તે અઠવાડિયા યાદ કરી લેતો.
આખરે મેં એક કૌટુંબિક થેરપિસ્ટનો સંપર્ક કર્યો, જેમણે મને મદદ કરી. અમારા સેશન દરમિયાન મારે અને ઇરાને વાતચીત કરવાની રહેતી. મારી વાતને અટકાવવાની ઇરાને મનાઈ કરવામાં આવી હતી. તે વખતે જ મેં પ્રથમ વાર મારા પરના બળાત્કારની વાત કરી હતી.
ઇરા બહુ રાતીપીળી થઈ ગઈ હતી અને મારા પર ચિલ્લાવા લાગી હતી અને કહેવા લાગી કે આ વાત સાચી નથી.
જોકે તે પછી ઇરાએ જ કહ્યું કે છૂટાછેડા લઈ લે. જોકે તેની ઇચ્છા હોય તેમ મને લાગ્યું નહોતું. હું ચૂપ થઈ જાવ તે માટે ઇરાએ આવું કહ્યું હતું તેમ મને લાગે છે.
જોકે મને ખબર હતી કે મને બીજીવાર આવી તક મળશે નહીં એટલે મેં તરત જ હા પાડી દીધી.
એક કચેરીએ અમે ગયા ત્યારે ત્યાં લાઇન હતી, તેથી અમે બીજી કચેરીએ ગયા. હું વિચારી રહ્યો હતો કે મને આ તક મળી છે, ત્યારે મારે હવે પાર ઊતર્યે જ છૂટકો.

આખરે અમે છૂટા પડ્યા
આખરે એક મહિના પછી મારા હાથમાં છૂટાછેડાના કાગળો આવ્યા ત્યારે મારા માટે તે સૌથી ખુશીનો દિવસ હતો.
છૂટાછેડા થઈ ગયા તે પછી હું એક દિવસ તેના પર ચિલ્લાયો હતો: "તું મારા પર રેપ કરતી હતી!"
તેણે જવાબમાં કહ્યું, "હું તારા પર રેપ કરતી હતી એમ?, તો શું?"
મને ખબર ના પડી કે શું જવાબ આપું. આજે પણ સમજાતું નથી કે તેનો શો જવાબ હોય. એક રીતે તેણે સ્વીકાર્યું કે તે રેપ કરી રહી હતી અને તે વાતને હસી કાઢતી હતી.
હું મારા માતાપિતા સાથે ફરી રહેવા ગયો અને ધીમે ધીમે ઇરા સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્યો. મેં મારી નોકરી પણ છોડી દીધી અને કેટલાક અઠવાડિયા સુધી ઘરે જ રહ્યો. મને ડર લાગતો હતો કે તે બહાર મારી રાહ જોઈને જ ઊભી હતી.
એક દિવસ તે પાછી આવી પણ ખરી અને મારો દરવાજો ખખડાવા લાગી, તે લાતો મારવા લાગી અને બૂમો પાડવા લાગી. મારી માતાએ કહ્યું કે તેને ડર લાગે છે. હું હસીને બોલ્યો કે: "મોમ, તું કલ્પના પણ નહીં કરી શકે..."
તમારે એ સમજવાની જરૂર છે કે: તે તમને ખતમ કરી નાખે છે.
મેં કોઈ પુરાવા એકઠા કર્યા નહોતા અને કોઈને કશુ્ં કહ્યું નહોતું.
હું મારા માતાપિતાને વાત કરી શક્યો હોત, પણ મને બાળપણથી જ ખબર હતી કે તે લોકો કોઈ વાત ખાનગી રાખી શકતા નહોતા.
મને એ પણ નહોતું સમજાતું કે મિત્રોને કેવી રીતે જણાવું કે મારી સાથે શું થયું હતું.
હું કોઈ સપોર્ટ ગ્રૂપ મળે તે માટે શોધ કરી રહ્યો હતો, પણ યુક્રેનમાં માત્ર મહિલાઓની સહાય માટે સંસ્થાઓ હોય છે. આખરે મને એક ઑનલાઇન કમ્યુનિટીનો સપોર્ટ મળ્યો, જે સાન ફ્રાન્સિસ્કોની પુરુષોને સહાય કરનારું જૂથ હતું.
હું યુક્રેનમાં પ્રથમ વાર જે સાયકોથેરપિસ્ટને મળવા ગયેલો તેણે મારી મજાક ઉડાવેલી: "એવું ના થાય - તે છોકરી છે અને તું છોકરો છે." મેં એક પછી એક છ સ્પેશ્યિલિસ્ટ બદલ્યા અને તે પછી આખરે મને મદદ મળતી થઈ. આઠ મહિના પછી આખરે હું કોઈને મારો હાથ પકડવા દેવા તૈયાર થઈ શક્યો હતો.

પુરુષોને માનસશાસ્ત્રીય સહાય કેવી રીતે મળે?
યુક્રેનમાં ફાધર્સ ક્લબ ખાતે માનસશાસ્ત્રીઓનું ગ્રુપ તૈયાર થયું હતું, પણ શરૂઆતમાં તેનાથી કશું વળ્યું નહીં અને બંધ કરી દેવું પડ્યું. તે જૂથના કાર્યકર મેક્સ લેવિન કહે છે કે પુરુષો માનસશાસ્ત્રીઓ પાસે જવા માટે તૈયાર થતા હોતા નથી.
આલ્યોના ક્રિવુલિક કહે છે કે, લા સ્ટ્રેડા હેલ્પ લાઇન ચોવીસે કલાક કામ કરતી શરૂ થઈ તે પછી પુરુષો ફોન કરતા થયા હતા. તેમનું કહેવું છે કે દિવસ દરમિયાન કામકાજની વચ્ચેથી પુરુષો ફોન કરી શકતા નહોતા.
જોકે હજી પણ પુરુષો પોતાની ઓળખ છુપાવી રાખવા માગતા હોય છે. તેઓ પોતાના અધિકારોની વાતો જાહેરમાં કરવા માગતા નથી. અદાલતો કે પોલીસ સમક્ષ આવવા માગતા નથી.
બળાત્કારનો ભોગ બનેલા પુરુષોમાં માનસિક ઘાવ પડી જાય તેમાંથી બહાર આવવામાં બહુ લાંબો સમય લાગી જતો હોય છે. માનસશાસ્ત્રી અને સેક્સોલૉજિસ્ટ યુલિયા ક્લિમેન્કો કહે છે કે આખરે સમાજમાંથી પણ મદદ મળતી નથી, કેમ કે એવી માન્યતા હોય છે કે "છોકરાઓ કદી રડે નહીં" અથવા તો "પુરુષો શારીરિક રીતે તાકાતવર હોય છે".
જાતીય, માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ બનેલી વ્યક્તિ સમાજ માટે અનોખી લાગતી હોય છે. ક્લિમેન્કોના જણાવ્યા અનુસાર જુદા જુદા પ્રકારના અત્યાચારનો ભોગ બનેલા સંકુલ પ્રકારના પીડિત ક્લાયન્ટ્સને ફરીથી બેઠા કરવામાં બહુ લાંબો સમય લાગી જતો હોય છે. ભલે વ્યક્તિ ગમે તે ઉંમરની હોય કે સ્ત્રી કે પુરુષ હોય, પણ સમય લાગતો હોય છે.
મેં વિચાર્યું હતું કે હું તેને અદાલતમાં ઢસડી જઈશે. વકીલોએ કહ્યું પણ હતું કે તેની સામે પ્રતિબંધિત આદેશો મેળવવાની તક છે. પણ મને હવે એવું કરવાની જરૂર લાગતી નથી. બહુ વખતથી બસ હું તેની પાસેથી કબૂલાત જ ઇચ્છતો હતો કે તેણે મારી સાથે શું કર્યું હતું અને માફી માગી લે તેમ ઇચ્છતો હતો.
હું હજીય કામે ચડ્યો નથી અને આજેય સવારે પથારીમાંથી બેઠા થવામાં બહુ તકલીફ પડે છે. મારા માટે હવે જીવવા જેવું કશું બચ્યું નથી. આટલા વર્ષો હું શું કરતો રહ્યો હતો તે પણ મને સમજાતું નથી.
મને લાગે છે કે હું ફરી ક્યારેય કોઈના પ્રેમમાં પડી શકીશ નહીં કે મારા કોઈ સંતાનો નહીં હોય. મેં મારી જાત પરનો ભરોસો જ છોડી દીધો છે.
જે હોય તે, હું બહુ લાંબો સમય મૌન રહ્યો અને તેના કારણે જ આવી રીતે ફસાઈ ગયો હતો. મને થાય છે કે મારી જેવી સ્થિતિમાં બીજું પણ કોઈક હશે અને તેને મારી કથા વાંચવા મળશે.
તેના માટે એ જાણવું જરૂરી છે કે તે કશાનો અંત આવતો નથી, કશું નક્કી નથી હોતું. ખરેખર બહુ ખરાબ સ્થિતિ હોય છે અને તે ક્યારેય દૂર થવાની નથી. તે તમને મારી નાખશે. જો તમે આટલું સમજી શકો તો તમારા માટે બચી નીકળવાની થોડી તક હજી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ















