એ વ્યક્તિ જેના પર સેક્સ વખતે કૉન્ડોમ ઉતારવા બદલ કેસ ચાલ્યો
- લેેખક, લૂઈ બરુક્કો
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ
બ્રાઝિલનાં લૈલા (નામ બદલ્યું છે) ન્યાય માટે લડી રહ્યાં છે. તેઓ બ્રાઝિલમાં "સ્ટેલ્થિંગ" તરીકે ઓળખાતી એક રીતનો ભોગ બન્યાં છે, જેમાં શારીરિક સંબંધમાં એક સાથી બીજાની જાણ વિના હેતુપૂર્વક કૉન્ડોમ હઠાવી લે છે.
આ રીતે પોતાનો બળાત્કાર થયો છે એમ તેઓ જણાવે છે અને આરોપીએ ગુનો કબૂલ કર્યો છે, તેમ છતાં કાયદા વ્યવસ્થામાં હજી સુધી તેમને ન્યાય મળ્યો નથી. તેમણે અનેક વાર ધક્કા ખાધા પછી છેક હવે તેમનો કેસ હાથમાં લેવામાં આવ્યો છે, ગુનો થયો એના લગભગ એક વર્ષ પછી.

ઇમેજ સ્રોત, Getty Images
યુકે જેવા કેટલાક દેશોમાં 'ગુપચુપ રીતે' કૉન્ડોમ હઠાવી લેવાની વાતને બળાત્કારનો ગુનો ગણવામાં આવે છે, પણ બ્રાઝિલમાં તેને બળાત્કાર ગણવામાં આવતો નથી, કેમ કે અહીં "ગંભીર ધમકી અથવા હિંસાથી" જાતીય ગુનો થયો હોય તો જ બળાત્કાર ગણવામાં આવે છે.
જોકે ભોગ બનેલાં પીડિતા અન્ય કાયદાકીય વિકલ્પોથી ન્યાય મેળવી શકે છે, જેમ કે પીનલ કોડની કલમ 215 પ્રમાણે (છેતરપિંડીથી જાતીય હિંસા) ફરિયાદ કરી શકાય છે, પણ તેમાં મોટા ભાગે કોઈ પરિણામ આવતું નથી. લૈલાના કિસ્સામાં પણ એવું જ થયું છે.
લૈલા હાર માનવા માગતાં નથી. તેઓ કહે છે, "હું છેક સુધી ન્યાય માટે લડીશ. હું આશા રાખું છું કે તેના કારણે કાયદામાં બદલાવ આવશે."
2017માં આ વિષય પર એક લેખ છપાયો તે વાંચ્યા પછી લૈલાએ બીબીસી બ્રાઝિલનો સંપર્ક કર્યો હતો.
ન્યાયની ગુપ્તતાનાં ધોરણો અનુસાર અમે લૈલાના કિસ્સાને જાણ્યો છે, જેમાં કથિત પુરાવાઓનો પણ સમાવેશ થાય છે અને પોલીસ તપાસનો અહેવાલ અને કેસ ચલાવનાર અધિકારીનો ચુકાદો પણ છે.
પોલીસની તપાસમાં આરોપીએ એવું કબૂલ કર્યું છે કે તેણે લૈલા સાથે સમાગમ વખતે કૉન્ડોમનો ઉપયોગ નહોતો કર્યો. સલામત સેક્સ કરવામાં આવશે તેવી તેણે ખાતરી આપી હતી, છતાં "ઉતાવળમાં" આવું થઈ ગયું એમ તેમણે કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહેલું કે: "હું માનતો હતો કે સહમતીથી થઈ રહ્યું છે અને તેને ખ્યાલ છે કે મેં કૉન્ડોમ નથી રાખ્યું. મેં ક્યારેય છેતરવાની કોશિશ નહોતી કરી."

"દર વખતે રોકતી અને કહેતી કે કૉન્ડોમ ક્યાં છે"
લૈલાએ આ ઘટના પછી કેવી રીતે ન્યાય માટે લડત આપી તેની વિગતો નીચે પ્રમાણે છે:
એપ્રિલ 2021માં ટિન્ડર પર તેની સાથે મારો પરિચય થયો હતો અને આખરે અમે સેક્સ કરતા થઈ ગયા હતા. ત્રણ વાર અમે ત્રણ કૉન્ડોમ સાથે સેક્સ કર્યું હતું.
હું તેને દર વખતે રોકતી અને કહેતી કે "કૉન્ડોમ ક્યાં છે." તે કહેતો કે "ખલાસ થઈ ગયાં છે" એટલે હું બીજા રૂમમાં જઈને કૉન્ડોમ લઈ આવી. એ પછી તે જતો રહ્યો હતો.
બીજા દિવસે કેમ જાણે મને કંઈક સૂઝ્યું અને વિચિત્ર લાગ્યું એટલે મેં જઈને કચરાના ડબ્બામાં તપાસ કરી. મેં ડબ્બો ખોલ્યો તો તેમાં એક કૉન્ડોમનું પૅકેટ ખોલેલું હતું, પણ તે ખોલ્યા વિનાનું, એમ જ વપરાયા વિનાનું હતું.
મેં તેનો ફોટો પાડ્યો અને તરત તેને મોકલીને જવાબ માગ્યો કે આ શું છે. તેણે અજાણ થવાની કોશિશ કરી, પણ મેં જવાબ માટે આગ્રહ રાખ્યો.
તેણે કહ્યું કે "મેં તેને ખોલી નાખ્યું હતું, પણ પછી બાજુમાં મૂકી દીધું, પણ તે પછી આપણે બીજું વાપર્યું હતું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જલદી બધું થઈ ગયું અને ઉતાવળમાં આવું થઈ ગયું."
અરે, "ઉતાવળમાં બધું થઈ ગયું" એવું કહે છે. એક બાજુ મેં કેટલીય વાર રોક્યો કે કૉન્ડોમ પહેરી લે. એક વખત તો બાજુના રૂમમાંથી જઈને લઈ પણ આવી અને તેણે બસ એમ જ નક્કી કર્યું કે નથી પહેરવું અને મને કહ્યું પણ નહીં!
તેણે આવું કર્યું છે તે જાણ્યા પછી હું બહુ તણાવમાં આવી ગઈ. આજે પણ મારી છાતી પરથી આ વાતનો ભાર ઊતરતો નથી.
હું ગભરાઈ ગઈ હતી. હું દવાની દુકાને ગઈ અને ગર્ભધારણ રોકવા માટેની ટિકડીઓ લઈ આવી અને તે પછી મેં જાતીય રોગ ના થાય તે માટેની પણ દવા કરાવી લીધી.
હું રડી પડી હતી અને વિચારતી રહી કે કેમ આવું થયું. કોઈ આવું તમારી સાથે કેવી રીતે કરી શકે?
આજ સુધી મને તેનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.
બીજા દિવસે હું મનોચિકિત્સકને પણ મળી હતી, કેમ કે મારા મનમાં એવા વિચારો ઘૂમવા લાગ્યા હતા કે, "હું હવે બીજા કોઈ સાથે સંબંધ રાખી શકીશ નહીં. હું હવે કોઈનો ભરોસો નહીં કરી શકું". જોકે જીવનમાં એવી રીતે ચાલતું નથી તે હું તાર્કિક રીતે વિચારતી હતી અને એથી આ બાબતમાં શક્ય એટલી જલદી કોઈની મદદ લેવાનું નક્કી કર્યું.
હું બહુ મૂંઝાઈ ગઈ હતી અને ગુસ્સો પણ બહુ હતો કે એને ગમે તેમ કરીને કોઈક રીતે સજા અપાવવી જોઈએ. એથી આવી બાબતમાં હું ન્યાય મેળવવા માટે શું કરી શકું તે માટે મેં ગૂગલ સર્ચ કરવાનું શરૂ કર્યું હતું.
મને ખ્યાલ આવ્યો કે હું સ્ટેલ્થિંગનો શિકાર બની છું - એવી રીતનો ભોગ બની છું, જેમાં સાથીને પૂછ્યા વિના જ એક વ્યક્તિ કૉન્ડોમ કાઢી નાખે. મેં ઘણા અહેવાલ વાંચ્યા અને તેમાં એક લેખ મેં બીબીસી બ્રાઝિલનો પણ વાંચ્યો હતો.
આ બધી માહિતી મેળવી અને મને લાગ્યું કે મારી સાથે જે થયું છે તે એક અપરાધ છે (જાણકારોના જણાવ્યા અનુસાર સ્ટેલ્થિંગને પીનલ કોડની કલમ 215 પ્રમાણે - 'છેતરપિંડી કરીને જાતીય હિંસા કરવી' એવો ગુનો ગણી શકાય છે) એટલે તે જ અઠવાડિયે હું પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગઈ હતી.
ત્રણ દિવસ સુધી હું રડતી રહી હતી અને પછી હિંમત એકઠી કરીને પોલીસ સ્ટેશને એકલી જ પહોંચી હતી.

'મારા જીવનની સૌથી ખરાબ ક્ષણો'

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા સુરક્ષા પોલીસ સ્ટેશને હું પહોંચી પણ ત્યાં મને મારા જીવનના સૌથી કડવા અનુભવો થયા. સહાનુભૂતિ કે મારી વાત સાંભળવાના બદલે મારી ઉપેક્ષા જ કરવામાં આવી અને એ રીતે ફરી એક વાર હું ભોગ બની, આ વખતે ઉપેક્ષાનો.
કોરોના રોગચાળો ફેલાયેલો હતો એટલે પોલીસ સ્ટેશનની અંદર જવા માટે પ્રતિબંધો હતા. હું પહોંચી તો બધાની હાજરીમાં એક અધિકારીએ ત્રાડ પાડીને કહ્યું: "શું છે તારે?" મેં કહ્યું: "મારે ફરિયાદ નોંધાવવાની છે".
"કોની સામે?" તેણે ફરીથી તોછડાઈથી પૂછ્યું. મેં કહ્યું, "એક પુરુષ સામે."
મને અને મારી જેવી કેટલીક મહિલાઓ ત્યાં હતી તેની સાથે જે વ્યવહાર પોલીસ સ્ટેશનમાં થયો તે બહુ કઠોર અને અપમાનજનક હતો.
મારો વારો આવ્યો ત્યારે મને બોલાવી, પણ તે લોકો હકીકતમાં મારું કંઈ સાંભળવા જ તૈયાર નહોતા અને ફટાફટ કામ પતાવવાની રીતે વર્તન કરી રહ્યા હતા. તેમણે મને પૂછવાનું શરૂ કર્યું: "અપરાધી કોણ છે? તેની માતાનું નામ શું છે?"
આવા બિનજરૂરી પ્રશ્નો પૂછાયા હતા. લૂંટનો, અકસ્માતનો, જાતીય હિંસાનો ભોગ બનેલી વ્યક્તિએ શું અપરાધીનો રજિસ્ટ્રેશન નંબર અને તેની માતાનું નામ પણ જાણીને જણાવવાનું હોય ખરું?
એવું લાગતું હતું કે એ લોકો મારી ફરિયાદ લેવા જ માગતા નહોતા.
ફરજ પર હાજર કર્મચારીએ મારી સાથે બહુ બેહૂદુ વર્તન કર્યું હતું અને હું ફરી રડી પડી અને માનસિક રીતે પડી ભાંગી.
હું રડવા લાગી ત્યારે તેણે થોડું વર્તન સુધાર્યું અને મને સમજાવવાની કોશિશ કરી કે, "તે દવા લઈ જ લીધી છે એટલે ગર્ભવતી થવાની ચિંતા નથી અને બીમારી પણ નહીં લાગે."
માત્ર અપરાધનો ભોગ બન્યાના કારણે નહોતી રડી રહી, પણ જે રીતનું વર્તન થઈ રહ્યું હતું તેનાથી પડી ભાંગી હતી.
મને ખબર નથી કે હું કેવી રીતે હિંમત કરીને ફૉરેન્સિક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શારીરિક તપાસ માટે પહોંચી હતી. મારી તપાસ જોકે સારી રીતે થઈ ગઈ અને તે પછી મને હૉસ્પિટલની સામાજિક મનોચિકિત્સા વિભાગમાં મોકલી આપવામાં આવી.
એ પછી જ્યારે પણ મારે પોલીસ સ્ટેશને જવાનું થતું હતું ત્યારે બહુ ખરાબ અનુભવો થતા હતા. માત્ર હું જ નહીં, ત્યાં જે પણ લોકો આવતા હતા તેની સાથે બહુ ખરાબ રીતે વર્તન થતું હતું.
એટલું બધું ખરાબ લાગી રહ્યું હતું કે સમજાતું નહોતું કે મારી સાથે ગુનો થયો તે વધારે આઘાતજનક હતો કે પોલીસનું આ વર્તન વધારે ત્રાસદાયક હતું?
મારા કેસમાં કોઈ કાર્યવાહી આગળ વધી રહી નહોતી. ફક્ત એક વાર જુલાઈ 2021માં આરોપી મને મળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે આ રીતે ફરિયાદ કરી તે અયોગ્ય છે. મેં નવેમ્બરમાં ફરી એક વાત તપાસ કરી હતી કે મારી ફરિયાદનું શું થયું.
પોલીસ સ્ટાફે મને પૂછ્યું કે હું શું તેની સામે દાવો માંડવા માગું છું. મને આવા સવાલથી નવાઈ લાગી અને કહ્યું કે હા. પણ પોલીસે કહ્યું કે, "પણ લીગલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની તપાસમાં કંઈ નીકળ્યું નથી અને તું ગર્ભવતી પણ થઈ નથી."
એટલે કે આખી વાતનો વીંટો વાળી દેવાયો હતો. તે લોકોએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
મેં તેમને હવે કહ્યું કે તમારે પુરાવા જોઈતા હોય તો વાપર્યા વિના પડી રહેલું કૉન્ડોમ મારી પાસે પડ્યું છે તે રજૂ કરું. મને જવાબ મળ્યો કે તેની જરૂર નથી, કેમ કે આરોપીએ ગુનો કબૂલી લીધો છે.
હવે આગળ આનાથી ય આઘાતજનક વાત બનવાની હતી.

'કેસ બંધ કરી દેવાયો'

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 2022ના અંત ભાગમાં હું ફરીથી પૂછપરછ માટે પોલીસ સ્ટેશને ગઈ હતી. મને જણાવી દેવાયું કે તમારા કેસની ચકાસણી થઈ હતી અને તેને બંધ કરી દેવાયો છે.
મારા કેસની ચકાસણી જુલાઈ 2021માં જ કરી લેવામાં આવી હતી. હું નવેમ્બરમાં તપાસ કરવા ગઈ હતી ત્યારે મને કશી જાણ કરવામાં આવી નહોતી. મેં મારા કેસના કાગળિયાંનો ફોટો લેવાની કોશિશ કરી જેથી ઘરે જઈને તેને શાંતિથી વાંચી શકું, પરંતુ પોલીસ સ્ટેશનના બે અધિકારીઓએ મને ફોટો પાડવા દીધા નહીં.
મેં સવાલ ઉઠાવ્યો કે આ રીતે મારા કેસને બંધ કેવી રીતે કરી શકાય, કેમ કે આરોપીએ ગુનો કબૂલ્યો પણ છે અને અમારા વચ્ચે વૉટ્સઅપ જે વાતચીત થઈ હતી તે પણ મેં રજૂ કરી છે. તેમાં પણ ગુનો થયો છે તે સ્પષ્ટ થાય છે.
અધિકારીએ જણાવ્યું કે: "કેસની ચકાસણી અમે નથી કરી, તે ડૅલિગેટ દ્વારા થઈ છે". પોલીસે મને સમજાવાની કોશિશ કરી કે તેમણે છ મહિનામાં ત્રણ ડૅલિગેટ્સને કેસની ચકાસણી સોંપી હતી અને ઉમેર્યું કે તે લોકો ત્રીજા ડૅલિગેટને કેસની પુનઃ ચકાસણી માટે અરજી કરશે.
આટલા સમયગાળામાં મારા કેસમાં જે કંઈ બન્યું હતું તેને જાણ્યા પછી મેં તેમને કહ્યું કે હું આ ફરિયાદની કામગીરી પૂરી થાય તેની રાહ જોઈ રહી છું, જેથી હું આની સામે આગળ મહાપાલિકાના પ્રૉસિક્યુટરની ઑફિસે ફરિયાદ કરી શકું. (મેં આવી રીતે રાહ જોઈ હતી, કેમ કે મને ડર હતો કે હું આવી રીતે ઉપર ફરિયાદની વાત કરીશ તો મારા કેસની ચકાસણીમાં અસર થશે.)
પોલીસ સ્ટેશનથી આ રીતનો જવાબ મળ્યા પછી મેં હવે ઉચ્ચ સત્તાધીશનો સંપર્ક કર્યો.
પોલીસ સ્ટેશને મારી સાથે જે વર્તન થયું હતું તેનાથી હું ખૂબ હતાશ થયેલી હતી.
મેં મહાપાલિકાના પ્રૉસિક્યૂટરને મારી આખી વાત સમજાવી, પણ તેનો પ્રતિસાદ એવો હતો કે: "હું તમારો રોષ સમજી શકું છું, પરંતુ પોલીસે તમારા કેસને એટલા માટે બંધ કરી દીધો કે તેમાં કોઈ ગુનો બનતો નથી. તમે દીવાની દાવો માંડી શકો છો."
મેં કહ્યું કે હું મારી ફરિયાદને ફોજદારી રીતે ચલાવવામાં આવે તેમ ઇચ્છું છું, કેમ કે કાયદો એવું કહે છે. મેં તેમને પીનલ કોડની 215મી કલમની વાત કરી. તેમણે કેવા કેવા કિસ્સામાં આ કલમ લાગુ પડી શકે તેના દાખલા આપીને કહ્યું કે તમારા કિસ્સામાં આ કલમ લાગુ પડી શકે તેમ નથી.
મેં છતાં આગ્રહ રાખ્યો અને કહ્યું કે તમે અંગત રીતે જણાવો મારી સાથે થયું છે તે અયોગ્ય છે કે નહીં. તેમણે કહ્યું કે પીનલ કોડની બાબતમાં પોતે કશું કરી શકે નહીં, કેમ કે કાયદા ઘડવાનું કામ સંસદનું હોય છે.
મેં હવે તેમને જુદી રીતે સવાલ પૂછ્યો કે શું બ્રાઝિલમાં આવા કિસ્સામાં સજા થઈ જ ના શકે? તેમણે કહ્યું કે જો તમને ચેપી જાતીય રોગ લાગુ પડ્યો હોત તો કેસ થઈ શકત.
હું રડવા લાગી અને માંડ-માંડ બોલી શકી કે "જુઓ, હું તમારી સાથે ખરાબ રીતે વાત કરવા માગતી નથી, પણ હું તમારી મદદ માગું છું. તમે સ્ટેલ્થિંગ વિષયમાં જે સાહિત્ય છે તે વાંચો અને સમજવાની કોશિશ કરો કે મારા પર શું-શું વીત્યું હશે".
મને અહીં જવાબો બહુ આકરા મળ્યા હતા, પણ આમ વર્તન સારું થયું હતું.
મેં પ્રૉસિક્યૂટરનો આભાર માન્યો અને મોઢું ધોવા માટે અને સ્વસ્થ થવા માટે હું બાથરૂમમાં ગઈ.
મારી પાછળ એક બીજી મહિલા પણ બાથરૂમમાં આવી અને મને કહ્યું કે, "પ્રૉસિક્યૂટર તમારી સાથે વાત કરવા માગે છે."
હું ફરી તેમની ઑફિસમાં ગઈ ત્યારે તેમણે કહ્યું કે પોતે આ કિસ્સા વિશે વિચાર્યું છે અને તેમને હવે લાગે છે કે કઈ રીતે આ કિસ્સાને ગુનો ગણાવી શકાય. તેમણે કહ્યું કે આને અપરાધ ગણીને ફરીથી તપાસ કરાવી શકાય છે.
ત્રણ મહિનાની યાતના ભોગવ્યા પછી પહેલી વાર મને ક્યાંય આશાનું કિરણ દેખાયું. આખરે મને ન્યાય માટેની આશા જાગી.'

"બધી બાજુથી નિરાશા"

ઇમેજ સ્રોત, Getty Images
મને આશા તો જાગી હતી, પણ ફરી પાછું બધું નિરાશામાં જ પરિણમ્યું. હાલનાં અઠવાડિયાંઓમાં મને જાણ થઈ હતી કે મારા કેસને અન્ય એક પ્રૉસિક્યૂટરને સોંપવામાં આવ્યો હતો, પણ તેમણે મારા કેસને ફાઇલમાં ચડાવી દીધો.
પોતાનો નિર્ણય આપતી વખતે તેમનું કહેવું એમ હતું કે "પીડિત વ્યક્તિએ મૂકેલા વિશ્વાસનો ભંગ કરવાની વાત અયોગ્ય છે, પરંતુ એવા અપૂરતા પુરાવા છે કે છેતરપિંડી કરીને વિશ્વાસનો ભંગ કરવામાં આવ્યો હતો."
તેમણે એવું તારણ કાઢ્યું કે આમાં કોઈ છેતરપિંડીની વાત નથી આવતી, કેમ કે પીડિત વ્યક્તિ આરોપીના વર્તનથી છેતરાયાની લાગણી નહોતી અનુભવી પણ નવાઈની વાત અનુભવી હતી. જે થિયરીમાં જોઈએ તો સહમતી વિના તેણે કૉન્ડોમ વિના સહવાસ કર્યો હતો.
આ નવા પ્રૉસિક્યૂટરનું કહેવું હતું કે પુરાવામાં આ સંદર્ભ ગણાશે અને જણાવ્યું કે પોલીસે પૂરતી તપાસ વિના જ કેસ બંધ કરી દીધો હતો તેવા પણ કોઈ મોટા પુરાવા નથી.
મારો સવાલ એ છે શું તેણે "અકસ્માતે જ મારા પર બળાત્કાર કર્યો હતો? માત્ર ઉતાવળમાં થઈ ગયું હતું? પ્રૉસિક્યૂટરની અપક્ષા શું હતી? શું તેમને અપેક્ષા એવી હતી કે આરોપી પોતે રેપ કર્યો છે તેવું કબૂલી લેશે?
મેં પોલીસ સ્ટેશને મારી સાથે થયેલા દુર્વ્યવહારની પણ ફરિયાદ નોંધાવી. મારી જાણ પ્રમાણે મારી ફરિયાદને આંતરિક તપાસ કરનાર વિભાગને મોકલી આપવામાં આવી છે અને પ્રાથમિક તપાસ શરૂ થઈ છે.
મેં પ્રૉસિક્યૂટરે નિર્ણય કર્યો તેની સામે પણ મહિલા માટેના ઑમ્બેડ્ઝમૅનને ફરિયાદ કરી. તેની સામે મને એવો જવાબ મળ્યો કે "કાનૂની બાબતો અંગે કે તેના વિશ્લેષણ માટેની જવાબદારી ઑમ્બડ્ઝમૅન ઑફિસની નથી."
જો મહિલાઓની સમસ્યા અંગે મહિલાઓના ઑમ્બડ્ઝમૅન વિચાર નહીં કરે તો કોણ કરશે?
મેં વકીલની સલાહ લેવાની પણ કોશિશ કરી, પણ તેની ફી બહુ ઊંચી હોય છે અને મને પરવડે નહીં. દેશ માટે સારી સ્થિતિ નથી એમ મને લાગે છે.
જે મહિલા પાસે બિલકુલ જ પૈસા ના હોય તો તે કેવી રીતે ન્યાય મેળવશે?
હું થૅરપી માટે જાઉં કે લૉયરને મળું ત્યારે મારે પૈસા ચૂકવવા પડે. અત્યાર સુધી તો હું જ મારી વકીલ બનીને લડતી રહી છું.
મહિલા ફરિયાદ કરવા માગે તો પણ તેની આડે બહુ અવરોધો હોય છે. બહુ જ અવરોધો છે. તમને હંમેશાં હતોત્સાહ કરવામાં આવે અને એવું જ કહેવામાં આવે કે ફરિયાદ કરવાથી કંઈ વળવાનું નથી, તમે ખુલ્લાં પડી જશો વગેરે.
મારા ગુનેગારે ઇરાદાપૂર્વક કૉન્ડોમનો ઉપયોગ જાણીજોઈને નહોતો કર્યો અને તેણે પોતાના અપરાધની કબૂલાત કરી તે પણ મારા વૉટ્સઍપમાં છે અને પોલીસ સ્ટેશને આપેલા નિવેદમાં પણ તેણે ગુનો કબૂલ્યો છે. આમ છતાં ન્યાય મેળવવા માટે મારી આખી દુનિયા સામે લડવું પડ્યું.
મને આશા છે કે મારા અનુભવમાંથી આવી રીતે ભોગ બનતી બીજી મહિલાઓને મદદ મળશે.
મારા કેસમાં મને કોઈ સફળતા મળે તેમ લાગતું નથી, પણ મારા માટે તો પણ લડત સાર્થક છે. તેના કારણે મહિલાના શરીરનો આદર કરવાનું પુરુષ શીખે તેવું બની શકશે.આ સાથે લૈલાની વાત પૂરી થાય છે.

નિષ્ણાતો શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી બ્રાઝિલે "સ્ટેલ્થિંગ" વિશે કાનૂની નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી. તેઓનું કહેવું છે કે બ્રાઝિલના કાયદા પ્રમાણે આવું કરવું તે બળાત્કાર ગણી શકાય નહીં.
તેનું કારણ એ કે પીનલ કોડની કલમ 213 અનુસાર બળાત્કાર ત્યારે જ ગણાય, જ્યારે "કોઈને બળજબરી કરવી, હિંસાથી કે ગંભીર હાનીની ધમકીથી સેક્સ સંબંધો બાંધવા અથવા અન્ય રીતે કે બિભત્સ રીતે સેક્સ કરવું."
જોકે આવી સ્થિતિમાં મહિલા ભોગ બન્યાં હોવાનું લાગતું હોય તેવી મહિલાઓ માટે બીજા કાયદાકીય વિકલ્પો છે.
નિષ્ણાતો કલમ 130 (સમાગમથી થનારું જોખમ), 131 (ગંભીર બીમારી થવાનું જોખમ) અને 215 (છેતરપિંડીથી જાતીય હિંસા) વગેરે માટે પણ વિચારવાની સલાહ આપે છે, કેમ કે આવા કિસ્સામાં અસહમતીથી અને સલામતી રાખ્યા વિના સંબંધ થયો હોય તો ફરિયાદ કરી શકાય.
બીજો વિકલ્પ દીવાની દાવો માંડવાનો છે, જેમાં નુકસાનીનું વળતર માગી શકાય છે - ખાસ કરીને અનિચ્છનીય ગર્ભ રહે ત્યારે અને માનસિક ત્રાસ થયાની વાત પર.
જોકે તેમાં ઘણી મુશ્કેલી હોય છે, કેમ કે આ બાબતમાં કોઈ કાયદાકીય પ્રથા બની નથી અને આ અંગેના કોઈ આંકડાંઓ પણ ઉપલબ્ધ નથી.
મહિલા અધિકારો માટે કામ કરતાં વકીલ ઍના પૌલા બ્રેગાએ બીબીસી બ્રાઝિલને જણાવ્યું કે "સ્ટેલ્થિંગ માટેનો કોઈ ચોક્કસ કાયદો નથી એટલે તેનો આધાર અર્થઘટન પર રહે છે. આ મુદ્દે ચર્ચા જાગી છે, પણ હજી સુધી ન્યાયતંત્ર સુધી પહોંચી નથી."
રિયો-ડિ-જેનેરોમાં મહિલા અધિકારો માટે કોઑર્ડિનેટર તરીકે કામ કરતાં ફ્લેવિયા નેશ્ચિમેન્ટો પણ આ વાત સાથે સહમત થાય છે. આવી બાબતોમાં મહિલાઓ સાથે એટલા ભેદભાવ થાય છે કે હાલના સમયમાં જ નેશનલ કાઉન્સિલ ઑફ જસ્ટિસે બધી અદાલતોને ભલામણ કરી છે કે તેમણે જેન્ડરની બાબતમાં પ્રોટોકૉલનું પાલન કરવું જોઈએ.
તેઓ કહે છે, "મહિલાઓની વાતની ઘણી વાર અવગણના થાય છે. તેના વિશે આપણે વિચાર કરવો રહ્યો. તેમની સામે અત્યાચાર કરનારાને ખુલ્લા પાડવા માટે હંમેશાં મહિલાઓને આહ્વાન કરવામાં આવે છે, પરંતુ જ્યારે મહિલા અવાજ ઉઠાવે ત્યારે તેને કેવો પ્રતિસાદ મળે છે?"
"જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓએ ફરિયાદ કરતાં પહેલાં હિંમત એકઠી કરવી પડતી હોય છે. તે ફરિયાદ કરવા તૈયાર થાય ત્યારે તેની સામે નૈતિકતાની વાત કરવામાં આવે છે અને તેમની વાત પર ભરોસો કરવામાં આવતા નથી. આ વાસ્તવિકતા બદલવી બહુ મુશ્કેલ છે. ન્યાયતંત્રમાં મહિલાના અધિકારોને સાપેક્ષ રીતે જ જોવાય છે એમ હું હંમેશાં કહેતી રહી છું."
વકીલ બ્રેગા જણાવ્યા અનુસાર, "આ રીતને બદલવા માટે ફરિયાદ કરવી તો જરૂરી છે જ. મહિલાઓ સતત ફરિયાદ કરતી રહેશે તો આ સમસ્યા સૌના ધ્યાને ચડશે. હું એમ પણ માનું છું કે મીડિયાનો સહયોગ મળે અને જાગૃત્તિ ફેલાવવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે".


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















