સેક્સ કોચ પલ્લવી બર્નવાલ : 'ભારતીયો એ બાબતે વાતચીત કરતા જ નથી, એટલે હું તેમને મદદ કરું છું'

ઇમેજ સ્રોત, PALLAVI BARNWAL
ઘણી ભારતીય સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન એટલે કે લૈંગિક શિક્ષણ આપવામાં આવતું નથી. પરિણામે સેક્સ અને સંબંધો વિશે પોતાના સંતાનોને સમજાવવાની જવાબદારી માતા-પિતા પર આવી પડે છે, પરંતુ આ વિશે સંતાનોને શું જણાવવું તે માતા-પિતા મોટાભાગે જાણતા નથી, એવું સેક્સ કોચ પલ્લવી બર્નવાલ બીબીસીનાં મેધા મોહનને જણાવે છે.
પાછું વળીને જોઉં છું તો લાગે છે કે રૂઢિચુસ્ત ભારતીય પરિવેશમાં થયેલો મારો ઉછેર જ વાસ્તવમાં મારા સેક્સ કોચ બનવાનો મજબૂત આધાર બન્યો છે.
મારા પરનો પ્રારંભિક પ્રભાવ મારાં માતા-પિતા વચ્ચેના સંબંધનો જ હતો, જે મને એ સમયે સમજાયું ન હતું.
મારાં માતા-પિતાના લગ્ન વિશે વર્ષો સુધી અફવાઓ ફેલાતી રહી હતી. હું લગભગ આઠ વર્ષની થઈ ત્યારથી મને એ વિશે સવાલો થવા લાગ્યા હતા. પાર્ટીઓમાં હું મારા પરિવારથી વિખૂટી પડી જતી ત્યારે આન્ટીઓનું એક ટોળું પૂછપરછ કરવા માટે મને ઘેરી લેતું હતું.
"તારાં માતા-પિતા એક જ ઓરડામાં સૂવે છે?"
"તેં કોઈ બોલાચાલી સાંભળી છે?"
"તેં કોઈ અન્ય પુરુષને તમારે ત્યાં આવતો જોયો છે?"
હું એક ચમચો આઇસક્રીમનો લેવા માટે ઊભી હોઉં કે પછી અન્ય બાળકો સાથે રમવા માટે ગાર્ડનમાં ચક્કર મારતી હોઉં એવા વખતે મને ખબર પડે એ પહેલાં જ કેટલીક અજાણી, ઉત્સુક સ્ત્રીઓ મને ઘેરી વળતી હતી અને મને એવા સવાલો પૂછતી હતી, જેના જવાબ હું જાણતી જ ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષો પછી, મારા પોતાના છૂટાછેડા બાદ મારી માતાએ મને તેમની આખી કથા કહી હતી. મારા ભાઈનો અને મારો જન્મ થયો એ પહેલાંના મારા પેરન્ટ્સનાં લગ્નજીવનમાં મારાં માતા એક પુરુષ ભણી આકર્ષાયાં હતાં અને વાત શારીરિક સંબંધ સુધી પહોંચી ગઈ હતી. થોડા સપ્તાહોમાં જ અપરાધ બોધ શરૂ થઈ ગયો હતો અને મારાં માતાએ તે સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું, પરંતુ ભારતીય જ્ઞાતિઓમાં આંખો અને મોં દરેક જગ્યાએ હોય છે. સમય જતાં એ અફવા મારા પિતાના કાને પહોંચી હતી.
એ ઘટનાના 10 વર્ષ બાદ અને બે સંતાનોનો જન્મ થયો પછી મારા પિતા મારાં માતાને એ વિશે સવાલ પૂછી શક્યા હતા.
મારા પિતાએ મારાં માતાને વચન આપ્યું હતું કે જવાબ ભલે ગમે તે હોય, પણ તેનો તેમના સંબંધ પર કોઈ પ્રભાવ પડશે નહીં, પરંતુ વર્ષો સુધી ચાલેલા ગણગણાટ પછી મારા પિતા એ જાણી શક્યા હતા. મારાં માતાએ તેમને બધું જ જણાવી દીધું હતું. માતાએ કહ્યું હતું કે તેમાં સેક્સનું તત્વ ઓછું અને આત્મીયતા વધારે હતી. મારાં પેરન્ટ્સે પરિવારનું સર્જન શરૂ નહોતું કર્યું ત્યારે, તેમની વચ્ચે સંપૂર્ણ ઐક્ય સ્થપાયું ન હતું ત્યારે એ બન્યું હતું.
મારાં માતાએ બોલવાનું બંધ કર્યું કે તરત ઓરડામાં કાતિલ શાંતિ પથરાઈ ગઈ હતી. મારા પિતા પણ તત્કાળ પાછા હઠી ગયા હતા. મારા પિતાને જેની વર્ષોથી શંકા હતી એ કથાને મારાં માતાએ સમર્થન આપ્યું કે તરત જ તેમની વચ્ચેનો વર્ષોનો વિશ્વાસ તૂટી પડ્યો હતો અને તેમનો સંબંધ ઝડપથી કોહવાવા લાગ્યો હતો.

ઇમેજ સ્રોત, PALLAVI BARNWAL
એ ઘટના પરથી મને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હતું કે સેક્સ અને આત્મીયતા વિશે યોગ્ય રીતે વાત કરવાની આપણી અસમર્થતાને કારણે પરિવારો ભાંગી પડતા હોય છે.
મારો પરિવાર પૂર્વ ભારતના બિહાર રાજ્યનો હતો. બિહાર દેશમાં સૌથી વધુ વસતી ધરાવતાં તથા વિશાળ રાજ્યો પૈકીનું એક છે. તે નેપાળની સીમાને અડીને આવેલું છે અને ગંગા નદી તેના મેદાની વિસ્તારોમાંથી પસાર થાય છે.
મારું બાળપણ રૂઢિચુસ્ત હતું. ઘણા બધા પરિવારોમાં હોય છે તેમ અમારા પરિવારમાં પણ સેક્સ વિશે મુક્ત ચર્ચા થઈ શકતી ન હતી. મારાં માતા-પિતા એકમેકનો હાથ પકડતાં કે એકમેકને ભેટતાં ન હતાં. અમારી જ્ઞાતિમાં શારીરિક સ્નેહ દર્શાવતા કોઈ દંપતી નિહાળ્યાનું પણ મને યાદ નથી.
સેક્સ સંબંધી કોઈ બાબત સાથેનો મારો સૌપ્રથમ પરિચય હું 14 વર્ષની હતી ત્યારે થયો હતો.
એક બપોરે હું કંટાળી હતી અને મારા પિતાના કબાટમાં ખડકાયેલાં પુસ્તકો જોઈ રહી હતી ત્યારે નવલકથાઓ અને ઇતિહાસનાં પુસ્તકો વચ્ચે રાખવામાં આવેલું એક પાતળું પેમ્ફ્લેટ બહાર સરી પડ્યું હતું. સ્ત્રીઓ અને પુરુષો એકમેકના દેહનો પરિચય મેળવ્યો હોય એવા ગુપ્ત વિશ્વની અનેક ટૂંકી વાર્તાઓ તેમાં હતી. એ પુસ્તક સાહિત્યનું નહોતું, પણ વધારે મસ્તીભર્યું હતું. તેમાં એક જિજ્ઞાસુ યુવતીની વાર્તા હતી, જેણે તેનું પરિચિત, પરિણીત દંપતી પથારીમાં સાથે સૂઈને શું કરે છે એ નિહાળવા માટે દીવાલમાં કાણું પાડ્યું હતું. હું એક હિન્દી શબ્દનો અર્થ સમજવા ઇચ્છતી હતી, જે શબ્દ મેં અગાઉ ક્યારેય સાંભળ્યો ન હતો. એ શબ્દ હતો ચુંબન. તેનો અર્થ થાય ઉત્કટતાસભર ફ્રેન્ચ કીસ.
મારા મનમાં ઘણા સવાલ હતા, પણ હું જેની સાથે વાત કરી શકું એવું કોઈ ન હતું.
હું પુસ્તકમાં તલ્લીન થઈ ગઈ હતી અને વર્તમાનમાં પાછા ફરવામાં તથા બીજા ઓરડામાંથી મને બોલાવી રહેલાં મારાં માતાનો અવાજ સાંભળવામાં લાંબો સમય લાગ્યો હતો.
એ સમયે એટલે કે 1990ના દાયકાના અંત ભાગમાં મેં કશું ખોટું કર્યું છે એ હું જાણતી ન હતી. આખી દુનિયામાં મારી ઉંમરનાં ઘણા છોકરાંઓ મોટેભાગે સ્કૂલોમાં આત્મીયતાના પાઠ ભણવાનું શરૂ કરી ચૂક્યાં હતાં એ પણ હું જાણતી ન હતી.
બેલ્જિયમમાં બાળકો સાત વર્ષની વયનાં હોય ત્યારથી જ તેમને સેક્સ વિશેનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ ભારત એ દેશ નથી, જ્યાં સેક્સનું શિક્ષણ શાળાના અભ્યાસક્રમનો અનિવાર્ય હિસ્સો હોય. વાસ્તવમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શાળાઓ માટેની સેક્સ્યુઅલ એજ્યુકેશન ગાઇડલાઇન્સ છેક 2018માં બહાર પાડી હતી. પસંદ કરવામાં આવેલાં 29 રાજ્યો પૈકીનાં ડઝનથી વધારે રાજ્યોએ તેનો અમલ કર્યો ન હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ગ્રામીણ ભારતમાંની કુલ પૈકીની અડધોઅડધ છોકરીઓ માસિકની પ્રક્રિયા બાબતે અને માસિક આવવાના કારણથી અજાણ છે.
એ પેમ્ફ્લેટની શોધ મને એક સમયગાળા તરફ દોરી ગઈ ન હતી. હકીકતમાં મેં એ ઘટનાને મારા મનમાં દાટી દીધી હતી અને ભારતમાં ઉછરતી અનેક છોકરીઓની માફક હું પણ રૂઢિચુસ્ત બની રહી હતી. મેં કૌમાર્ય ગુમાવ્યું ત્યારે હું 25 વર્ષની હતી અને બે વર્ષ પછી મારાં એરેન્જ્ડ મેરેજ વખતે પણ મને કોઈ અનુભવ ન હતો.

ઇમેજ સ્રોત, PALLAVI BARNWAL
મારી સુહાગરાતને તો દુર્ઘટના જ ગણાવી શકાય. મારાં સાસરાના ઘરમાં અમારા વેડિંગ બેડ પર વેરવામાં આવેલી ફૂલોની પાંખડીઓ પર મારી નજર પડી અને મને પરિસ્થિતિ હાસ્યજનક લાગી હતી. અમારા ઓરડાની દીવાલ પાતળી હતી અને બહાર ચાલતી ચણભણ મને સંભળાતી હતી. અમારા લગ્નમાં હાજરી આપવા માટે દૂરથી આવેલા મહેમાનો અમારા રૂમના દરવાજાની બહાર હકડેઠઠ ગોઠવાયા હતા, કારણ કે બીજે ક્યાંય ઉંઘવાની જગ્યા જ ન હતી.
હું વર્જિન (અક્ષતયોનિ) છું એવું મારા તત્કાલીન પતિને જણાવવા મારાં માતાએ મને પ્રોત્સાહિત કરી હતી. તેથી મારે હું શરમાતી હોઉં અને મૂંઝાયેલી હોઉં એવો દેખાવ કરવાનો હતો. લગ્ન પહેલાં અમે બન્નેએ ભાગ્યે જ વાત કરી હતી અને અમે અચાનક એક બેડરૂમમાં મળ્યાં હતાં. મારે અપેક્ષા અનુસાર પત્ની તરીકેની ફરજ બજાવવાની હતી. હું વર્જિન ન હતી, પણ તૈયાર ન હતી. આજની તારીખે મને સંખ્યાબંધ લોકો મૅસેજ કરીને પૂછે છે કે સુહાગરાતે શું કરવું જોઈએ, આપણું વર્તન કેવું હોવું જોઈએ, બહુ શરમાળ કે બહુ અનુભવી નથી એવું કઈ રીતે દર્શાવવું જોઈએ.
હું અને મારા પતિ પાંચ વર્ષ સુધી સાથે રહ્યા હતા. હું ખોટા માણસને પરણી છું તેની મને શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી. તેથી તેની સાથેનું સેક્સ એક એવી ઘટના હતી, જેનાથી હું બહુ ડરતી હતી. અમે બહુ સમાધાન કર્યાં હતાં. મારા એક સાથી પુરુષ કર્મચારી બાબતે વિચારવાનું શરૂ કર્યું એ પહેલાંથી જ મને સમજાઈ ગયું હતું કે અમારા લગ્ન ટકશે નહીં. મેં તેને બચાવવાના ખાસ કોઈ પ્રયાસ કર્યા ન હતા આખરે અમારું લગ્નજીવન ભાંગી પડ્યું હતું.
હું 32 વર્ષની વયની અને સિંગલ મધર હતી. મારા પર કોઈ બોજ ન હતો. હું એક ડિવોર્સી હતી અને સમાજની નજરમાંથી ઊતરી ગયેલી સ્ત્રી હતી. દિલ્હીમાં નિવાસ દરમિયાન હું શ્રેણીબદ્ધ સેક્સ્યુઅલ રિલેશનશીપ્સમાં રહી હતી. મેં પ્રયોગો કર્યા હતા. મેં વૃદ્ધ પુરુષ સાથે સહશયન કર્યું હતું, પરિણીત પુરુષ સાથે સહશયન કર્યું હતું. હું વધારે માનસિક રીતે વધારે ખુલતી ગઈ તેમ મારા સંવાદનો પ્રકાર પણ બદલાવો શરૂ થયો હતો. મારા પરિણીત દોસ્તો મારી સલાહ લેતા હતા. મારી સ્વતંત્રતાથી પ્રેરાઈને મારાં બળવાખોર માતા પણ મારી અને મારા પુત્રની સાથે રહેવા માટે દિલ્હી આવી ગયાં હતાં.
મારી આસપાસ સેક્સ અને મહિલાઓના અધિકાર વિશેની અનેક નારીવાદી ચર્ચાઓ થઈ હતી. દિલ્હીમાં 2012માં ચાલતી બસમાં એક યુવતી પર કરવામાં આવેલા બળાત્કારને કારણે શહેરમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.
જોકે, સેક્સને આનંદદાયક ગણવાને બદલે હિંસક ગણાવતી એ ચર્ચાઓ મારા મતે ચિંતાજનક હતી. વાસ્તવમાં ભારતીય સ્ત્રીઓ આત્મીયતાને તેમના અંકુશ હેઠળની આનંદદાયક બાબત મોટેભાગે માનતી જ નથી. આ વિષય બાબતે એટલી ખામોશી અને શરમ છે કે કેટલાક યુવા લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે ત્યારે તેને ઘણીવાર પારખી શકતા નથી.

ભારતમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ
2019માં ભારતમાં બળાત્કારની રોજ સરેરાશ 87 ઘટનાઓ (ઉપલબ્ધ લેટેસ્ટ આંકડા મુજબ) અને બાળકોની જાતીય સતામણીના 100થી વધુ કેસ રોજ નોંધાયા હતા.
2019માં મહિલાઓ વિરુદ્ધના કુલ 4,05,861 ગુના નોંધાયા હતા.
2020ના વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યૂ મુજબ, માથાદીઠ જાતીય ગુનાઓના સંદર્ભમાં ભારતનો સમાવેશ સૌથી ખરાબ રેકર્ડ ધરાવતા દેશોમાં થાય છે.
કસ્ટમર સેલ્સ વિભાગમાં કામ કરતી હોવા છતાં મેં કારકિર્દીમાં પરિવર્તન બાબતે વિચારવાનું શરૂ કર્યું હતું.
હું વિચારતી હતી કે સેક્સ વિશે મોકળાશથી વાત કરી શકાય એવું એક પૂર્વગ્રહરહિત સ્થાન અને લોકો મને સવાલ પૂછી શકે તેવો મંચ બનાવવો જોઈએ.
મેં સેક્સ તથા ન્યૂરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ કોચ બનવા માટેની ટ્રેનિંગ લીધી અને ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું, જ્યાં મને કોઈ પણ સવાલ પૂછવા મેં લોકોને આમંત્ર્યા. સંવાદને પ્રોત્સાહિત કરવા માટે મેં મારા પોતાના અનેક સેક્સ્યુઅલ અનુભવોની વિગત પેજ પર શૅર કરી હતી.
તે પ્રભાવક સાબિત થયું. સેક્સ્યુઅલ ફેન્ટસિઝ, હસ્તમૈથુન સંબંધી ગેરસમજણો, સેક્સ વગરનાં લગ્નો અને સતામણી સહિતના બીજા અનેક વિષયો બાબતે મારી સલાહ મેળવવા લોકો મારો સંપર્ક કરવા લાગ્યા. એ પૈકીના ઘણા સવાલ પેરન્ટ્સના હતા.
પેરન્ટ્સે તેમનાં સંતાનો સાથે સેક્સ અને સંમતિ વિશે વાતચીત કરવી શા માટે મહત્વનું છે એ વિષય પર વકતવ્ય આપવા માટે મને ટેડ ટૉક તરફથી બે વર્ષ પહેલાં આમંત્રણ મળ્યું હતું.
હું પશ્ચિમના રંગે રંગાયેલી અને સેક્સ માણતી ભારતીય સ્ત્રી જ નથી એ દર્શાવવા માટે મેં ટેડ ટોક આપતી વખતે સ્ટેજ પર સાડી પહેરી હતી અને પોર્નહબ નામની વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા 2019ના આંકડા તરફ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે આંકડા દર્શાવતા હતા કે દેશમાં સંખ્યાબંધ પોર્નસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભારતીયો વિશ્વમાં સૌથી વધુ પોર્નોગ્રાફી નિહાળે છે. આપણે ગુપચુપ સેક્સ માણીએ છીએ અને તેનાથી કોઈને લાભ થતો નથી.
એ ટેડ ટૉક પછી મને 30થી વધારે સવાલો પૂછાવાનું અને એક દિવસના કોચિંગની વિનંતી મળવાનું શરૂ થયું હતું.
સેક્સ ટોયનો ઉપયોગ કઈ રીતે કરવો એવો સવાલ કોઈ મહિલાએ પૂછ્યો હોય અને કોવિડમાંથી સાજા થયા પછી હસ્તમૈથુન ફરી શરૂ કરવું હિતાવહ છે કે કેમ એવો સવાલ કોઈ પુરુષે પૂછ્યો હોય એવું બની શકે. (હસ્તમૈથુન વિશેના સવાલનો મારો જવાબ એ છે કે કોવિડ દરમિયાન હસ્તમૈથુન કરવાથી શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે, પણ કોવિડમાંથી સાજા થયા બાદ અગાઉની માફક એ કરવામાં કોઈ વાંધો નથી)
અનેક સવાલ મને એ હકીકત વારંવાર યાદ અપાવતા હતા કે આપણા જીવનના કેટલાક સૌથી વધુ દર્દનાક હિસ્સાઓને સેક્સ વિશેની ચર્ચા નહીં કરવાની આપણી સંસ્કૃતિએ જકડી રાખ્યા છે. ઘણી વખત તો સેક્સ કોઈ મુદ્દો જ નથી હોતું. મારાં માતા-પિતા વચ્ચે સમસ્યા સર્જાઈ હતી, કારણ કે તેઓ માનવજીવનના સૌથી વધુ પ્રાકૃતિક હિસ્સા બાબતે એકમેકની સાથે ક્યારેય વાત જ કરી શક્યા ન હતા. મારા પોતાના લગ્નજીવનમાં પણ સેક્સનો અભાવ, અમે એકમેકની સાથે વાત કરી શક્યા ન હતા એ કારણે હતો.
મારો દીકરો હવે આઠ વર્ષનો થવા આવ્યો છે અને થોડાક વર્ષોમાં એ પણ જિજ્ઞાસુ બની જશે. મેં તેને સ્તનપાન કરાવવાનું બંધ કર્યું ત્યારે કહ્યું હતું કે હવે તું એ ઉંમરનો થઈ ગયો છે, જ્યારે તારે સ્ત્રીના શરીરના ચોક્કસ હિસ્સાઓને સ્પર્શ કરવો ન જોઈએ. એ વખતે મારો દીકરો બહુ નાનો હતો, પણ તરત સમજી ગયો હતો. તેના સેક્સ્યુઅલી એક્ટિવ થવાનો સમય આવશે ત્યાં સુધીમાં મેં એવા વાતાવરણનું નિર્માણ કર્યું હશે કે જેમાં મારો દીકરો સારી રીતે માહિતગાર તથા સલામત હશે અને તેના વિશેની મારી કોઈ ધારણા નથી એ જાણતો હશે.

પેરેન્ટ્સ માટે પલ્લવી બર્નવાલનાં સૂચનો
તમારાં સંતાનોએ સેક્સ વિશે શા માટે જાણવું જોઈએ તેની સમજણ સાથે પ્રારંભ કરો.
સેક્સ અને સેક્સ્યુઆલિટી વિશે વાત કરવાથી તમારાં સંતાનો તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ સામે સલામત રહેશે. કિશોર વયનાં બાળકો લાંબા ગાળાની જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં ઓછા આત્મસન્માન, બોડી ઇમેજ બાબતની ચિંતા, જાતીય સતામણી, અનિચ્છનીય સંબંધો અને સેક્સ કન્ઝ્યુમરીઝમનો સમાવેશ થાય છે.
તમારાં સંતાનોને તમારા પોતાના અનુભવો જણાવો.
સંતાનો તેમનાં માતા-પિતાના જીવનની કથાઓ સાથે ગાઢ રીતે સંકળાઈ જતા હોય છે. મારા પેરન્ટ્સ મોટા થતા હતા ત્યારે તેમને કેવા અનુભવ થવા હતા એ જાણવાનું સંતાનોને પસંદ હોય છે. તેઓ તમારા વાસ્તવિક વ્યક્તિત્વને જાણવા ઇચ્છતા હોય છે. તમે તમારા સંતાનની ઉંમરના હતા ત્યારે તમે સેક્સ સંબંધે પડકારો, મૂંઝવણ અને ગેરસમજનો સામનો કર્યો હતો એ વિશે તમારા સંતાનોને વાત કરશો તો તમારો તેમની સાથેનો સંબંધ ગાઢ બનશે.
તમારો દૃષ્ટિકોણ જણાવો
તમારા સંતાનો સાથે તમારાં સેક્સ્યુઅલ મૂલ્યો વિશે વાત કરો. તેમને જણાવો કે નગ્નતા, ડેટિંગ, ટીનેજમાં સેક્સ્યુઅલ ઍક્ટિવિટી, એલજીબીટી, ગે લોકોનાં લગ્નો, ગર્ભપાત, ગર્ભનિરોધકો, લગ્નબાહ્ય જાતીય સંબંધ, સ્વસ્થતાભર્યો સંબંધ અને પ્રતિક્ષાનું મહત્વ શું છે. એક વાત યાદ રાખજો કે તમે તમારાં બાળકોને મૂલ્યોનું માળખું બનાવવામાં મદદ કરી રહ્યા છો. તેના પર કશું ઠોકી બેસાડશો નહીં.
તેમને હકીકત જણાવો
તેમણે આયુષ્યના વિવિધ તબક્કે જે જાણવું જોઈએ એ જ જણાવો. તમારું સંતાન 10થી 14 વર્ષની વચ્ચેની વયનું થાય ત્યાં સુધીમાં એ નીચે મુજબની બાબતો વિશે માહિતગાર હોવું જોઈએ.
સેક્સ્યુએલિટી સંબંધી તમારી અપેક્ષા અને મૂલ્યો.
પુરુષ અને સ્ત્રીનાં જનનાંગોના ખરાં નામ તથા તેમની ભૂમિકા.
સંભોગ શું છે અને સ્ત્રી ગર્ભવતી કઈ રીતે થાય છે.
તરુણાવસ્થા દરમિયાન કેવા શારીરિક તથા ભાવનાત્મક ફેરફાર થતા હોય છે.
મેન્સ્ટ્રુઅલ સાયકલ (માસિક ચક્ર)ની પ્રક્રિયા અને તેનું કાર્ય
એલજીબીટી સંબંધો, જાતિ, હસ્તમૈથુન, ગર્ભપાત
ગર્ભનિરોધ શું છે
જાતિય સતામણી એટલે શું, તેને કઈ રીતે અટકાવી શકાય અને જાતીય સતામણી થાય ત્યારે શું કરવું.
આ બધી માહિતી વયલક્ષી છે. તેથી તમારા સંતાનો સાથે કઈ માહિતી, ક્યારે અને કેટલા પ્રમાણમાં શૅર કરવી એ તમારે નક્કી કરવાનું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













