'પાંચ હજાર રૂપિયામાં મારો પહેલો સોદો થયો' સેક્સવર્કર બનેલા પુરુષની કહાણી

'તમને ખબર છે તમે ક્યાં ઊભા છો, અહીં શરીરનું બજાર ભરાય છે.'

હું એક પુરુષ, ભૂરા અને ગુલાબી બલ્બવાળા આ કોઠામાં પોતાને વેચવા માટે ઊભો હતો.

મેં જવાબ આપ્યો, "હા દેખાય છે પણ હું પૈસા માટે કંઈ પણ કરીશ."

ગ્રાફિકલ ઇમેજ

મારી સામે આધેડ વયની મહિલા...ના એ ટ્રાન્સજેન્ડર હતી. પહેલી વખત તેમને જોયાં તો હું ડરી ગયો કે આ કોણ છે? તેમણે મને કહ્યું, 'તારામાં બહુ ઍટિટ્યૂડ છે. અહીં નહીં ચાલે.'

દિવસમાં નવ-દસ કલાક આઈટી કંપનીમાં કામ કરનાર હું એ વખતે ડરેલો હતો. લાગ્યું કે મારો અંતરાત્મા મરી રહ્યો છે.

હું એક એવા પરિવારમાંથી છું, જ્યાં કોઈ એવું વિચારી પણ ન શકે કે, હું આવું કરીશ. પણ મારી જરૂરિયાતોએ મને આ તરફ ધકેલી દીધો.

મેં પૂછ્યું, "મારે ક્યાં સુધી રોકાવું પડશે, કાલે મારે ઑફિસ જવાનું છે."

જવાબ મળ્યો કે, '...તો જા જઈને ઑફિસનું જ કામ કર. અહીં શું કરે છે.'

આ જવાબ સાંભળીને હું ચૂપ થઈ ગયો. થોડી જ ક્ષણોમાં આ બજાર માટે હું એક નવો માલ...એક છેલ થઈ ગયો.

line

જ્યારે એણે મારી તસવીર માગી

ગ્રાફિકલ ઇમેજ

તે ટ્રાન્સજેન્ડર નરમ થઈને બોલ્યા, "તારી તસવીર મોકલવી પડશે, નહીં મોકલીએ તો કોઈ વાત નહીં કરે."

આ સાંભળીને જ મારી હાલત ખરાબ થઈ ગઈ. મારી તસવીર જાહેર થવાની હતી. મને વિચાર આવ્યો કે કોઈ સંબંધી મારી તસવીર જોઈ લેશે, તો મારા ભવિષ્યનું શું થશે?

ડાબેથી, જમણેથી અને સામેથી મારો ફોટો લીધો. બે આકર્ષક તસવીરો પણ માગી.

મારી સામે જ આ તસવીરોને વૉટ્સઍપ પર કોઈને મોકલી. તસવીરો સાથે લખ્યું હતું, 'નવો માલ છે, વધારે પૈસા લાગશે. ઓછા પૈસાનો જોઈએ તો બીજાને મોકલું છું.'

મારી બોલી લગાવાઈ રહી હતી. બોલી આઠ હજારથી શરૂ થઈ અને પાંચ હજારમાં મારો પહેલો સોદો થયો.

line

ઇમોશન્સ વગર કેવી રીતે કરી શકું?

ગ્રાફિકલ ઇમેજ

ઇમેજ સ્રોત, Getty Images

મારે ગ્રાહક માટે બધું જ કરવાનું હતું. આ બધું કોઈ ફિલ્મમાં નહીં, મારી સાથે વાસ્તવિકતામાં થઈ રહ્યું હતું. ઘણું વિચિત્ર હતું.

હું જિંદગીમાં પહેલી વખત આ કામ કરવા જઈ રહ્યો હતો. પ્રેમ વગર, ઇમોશન્સ વગર કેવી રીતે કરી શકું? એક અજાણી વ્યક્તિ સાથે કરવું પડશે એવું વિચારીને જ મારું મગજ ભમી રહ્યું હતું.

એક પીળા રંગની ટૅક્સીમાં બેસીને હું એ જ દિવસે કલકત્તાના એક પૉશ વિસ્તારના ઘરમાં પ્રવેશ્યો. ઘરની અંદર મોટું ફ્રિજ હતું, જેમાં દારૂની બૉટલો ભરેલી હતી. ઘરમાં ઘણું મોટું ટીવી પણ હતું.

line

'તારી મજબૂરીને હું તારો શોખ બનાવી દઈશ'

કદાચ એ 32-34 વર્ષનાં પરિણીત મહિલા હતાં. વાતચીત શરૂ થઈ અને તેમણે કહ્યું, "હું તો ખોટી જગ્યાએ ફસાઈ ગઈ. મારો પતિ ગે છે. અમેરિકામાં રહે છે. તેનાથી કંઈ થતું નથી. છૂટાછેડા આપી શકતી નથી.”

“છૂટાછેડા થયા હોય એવી સ્ત્રી સાથે કોણ લગ્ન કરે. મને પણ મન થાય છે, કહો હું શું કરું."

અમે બન્નેએ દારૂ પીધો. તેમણે હિંદી ગીતો પર ડાન્સ કરવાનો શરૂ કર્યો. અમે બન્ને ડાઇનિંગ રૂમમાંથી બેડરૂમમાં ગયા.

અત્યાર સુધી તેમણે મારી સાથે પ્રેમથી વાત કરી હતી. પરંતુ જેવું કામ પૂરું થયું, પૈસા આપીને બોલ્યાં, "ચલ નીકળ અહીંથી."

તેમણે મને ટીપ પણ આપી. મેં તેમને કહ્યું, "હું આ બધું પૈસાની મજબૂરીના કારણે કરું છું."

તેમણે કહ્યું, "તારી મજબૂરીને હું તારો શોખ બનાવી દઈશ."

line

'મજબૂરી મને ઘરથી દૂર લઈ ગઈ '

જિગોલો

મારી મજબૂરી જે કલકત્તાથી સેંકડો કિલોમીટર દૂર મારા ઘરેથી શરૂ થઈ હતી.

મારી લોઅર મિડલ ક્લાસ ફૅમિલીને હું અનલકી લાગતો હતો. કેમ કે મારા જન્મ પછી મારા પિતાની નોકરી જતી રહી હતી.

સમય જતાં આ અંતર વધતું ગયું. મારું સપનું એમબીએ કરવાનું હતું, પણ એન્જિનિયરિંગ કરવા માટે મને મજબૂર કર્યો અને પછી કલકત્તામાં નોકરી મળી.

ઓફિસમાં બધા બંગાળી ભાષામાં જ બોલતા હતા. ભાષા અને ઓફિસ પૉલિટિક્સના કારણે હું પરેશાન રહેવા લાગ્યો. ફરિયાદ પણ કરી. પણ કંઈ જ ન થયું.

બાથરૂમમાં જઈને રડતો, તો કાર્ડના 'ઇન અને આઉટ' ટાઇમને નોંધીને કહેતા કે, 'આ સીટ પર નથી રહેતો.'

line

'ધીમેધીમે ડિપ્રેશને મને ઘેરી લીધો'

મારો આત્મવિશ્વાસ ખતમ થઈ રહ્યો હતો. ધીમેધીમે ડિપ્રેશને મને ઘેરી લીધો હતો. ડૉક્ટર પાસે ગયો પણ સમસ્યાઓનો અંત ન આવ્યો.

જવાબદારીઓ અને સમસ્યાઓનો બોજ એટલો વધવા લાગ્યો કે, મેં ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કરી દીધું. મારે પૈસા કમાવા હતા, જેથી હું એમબીએ કરી શકું, ઘરે પૈસા મોકલી શકું અને કલકત્તાની આ નવી નોકરી છોડીને ભાગી જઉં.

મને ઇન્ટરનેટ પર મેલ એસ્કૉર્ટ એટલે કે જિગોલો બનવાનો રસ્તો દેખાયો. એવું ફિલ્મોમાં જોયું હતું.

કેટલીક વેબસાઇટ્સ હોય છે જેમાં જિગોલો બનવા માટે પ્રોફાઇલ બનાવાય છે. પણ આ કોઈ જૉબ પ્રોફાઇલ નથી.

line

અહીં શરીરની બોલી લાગવાની હતી

પ્રોફાઇલ લખવામાં ડર લાગતો હતો. પણ હું એ ઉંબરે ઊભો હતો, જ્યાંથી મારી પાસે માત્ર બે જ રસ્તા બચ્યા હતા.

એક - ઉંબરાથી પાછળ હટી જઈને આત્મહત્યા કરી લઉં.

બીજું - ઉંબરો પાર કરીને જિગોલો બની જઉં. મેં ઉંબરો પાર કરવાનો નિર્ણય કરી લીધો હતો.

હું જે મહિલાઓને મળ્યો, એમાં પરિણીત, વિધવા, તલાકશુદા મહિલાઓ સામેલ હતી. એમાંથી મોટાભાગની મહિલાઓ માટે હું માણસ નહીં માલ હતો.

line

'એક વખત એક પતિ-પત્નીએ બોલાવ્યો'

જ્યાં સુધી તેમની ઇચ્છાઓ પૂરી ન થઈ જાય, ત્યાં સુધી તેઓ સારી રીતે વાત કરતાં હતાં.

એવું કહેતી કે હું મારા પતિને છૂટાછેડા આપીને તારી સાથે રહીશ. પણ બેડરૂમમાં થોડો સમય વિતાવ્યા પછી બધો જ પ્રેમ ખતમ થઈ જતો હતો.

સાંભળવા મળતું કે -

'ચલ નીકળ અહીંથી'

'પૈસા ઉપાડ અને ભાગ અહીંથી'

અને કેટલીય વખત અપશબ્દો પણ સાંભળ્યા...

આ સમાજ અમારી પાસેથી મજા પણ લે છે અને અમને પ્રૉસ્ટીટ્યૂટ કહીને ગાળો પણ આપે છે.

એક વખત એક પતિ-પત્નીએ બોલાવ્યો હતો. પતિ સોફા પર બેસીને દારૂ પીતો અમને જોઈ રહ્યો અને હું એની સામે જ એની પત્ની સાથે પલંગ પર હતો.

આ કામ બન્નેની પરવાનગીથી થઈ રહ્યું હતું. કદાચ બન્નેની આવી કોઈ ઇચ્છા રહી હશે.

line

'50 વર્ષથી વધારે વયની મહિલા પણ મારી ક્લાયન્ટ'

હાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઉપરાંત એક વખત 50 વર્ષથી વધારે વયની મહિલા પણ મારી ક્લાયન્ટ બન્યાં હતાં. એ મારી જિંદગીનો સૌથી અલગ અનુભવ હતો.

આખી રાત તેઓ મારી સાથે બેટા-બેટા કહીને વાત કરતાં રહ્યાં. કહેતાં રહ્યાં કે કેવી રીતે તેમનો પુત્ર અને તેમનો પરિવાર તેમની પરવાહ નથી કરતો. તે એમનાથી દૂર રહે છે.

તેમણે મને કહ્યું, "બેટા આ ધંધામાંથી જલ્દી નીકળી જા, આ બધું યોગ્ય નથી."

એ રાત્રે અમારી વચ્ચે વાત સિવાય કંઈ જ ન થયું. સવારે એમને મને બેટા કહીને નક્કી થયેલા પૈસા પણ આપી દીધાં.

જેવી રીતે એક મા સ્કૂલ જઈ રહેલા પોતાના દીકરાને પૈસા આપે છે એ રીતે જ. મને ખરેખર એ મહિલા માટે દુઃખ થયું.

પછી એક દિવસે હું દારૂના નશામાં હતો અને જિંદગીથી થાકી ગયો હતો ત્યારે મેં મારી માતાને ફોન કર્યો.

મેં તેમને ગુસ્સામાં કહ્યુ, "તું પૂછતી હતી કે અચાનક વધારે પૈસા કેમ મોકલવા લાગ્યો. મા હું ધંધો કરું છું...ધંધો"

તે બોલી, "ચૂપ કર. દારૂના નશામાં તું કંઈ પણ બોલે છે."

આ કહીને મારી માતાએ ફોન મૂકી દીધો.

મેં માતાને હકીકત કહી હતી પણ તેમણે મારી વાત જાણે સાંભળી ન સાંભળી કરી દીધી.

મારા મોકલેલા પૈસા સમયસર ઘરે પહોંચી રહ્યા હતા...હું એ રાત્રે બહું રડ્યો. શું મારી કિંમત એ પૈસા પૂરતી જ સીમિત હતી? ત્યારબાદ મેં ક્યારેય મારી માતા સાથે આ વિશે વાત ન કરી.

હું એ ધંધો કરતો રહ્યો, કેમકે મને પૈસા મળતા હતા. માર્કેટમાં મારી ડિમાન્ડ હતી. મને થયું કે જ્યાં સુધી કલકત્તામાં નોકરી કરવી પડશે અને એમબીએમાં એડમીશન ન મળી જાય ત્યાં સુધી આ કરતો રહીશ.

પણ આ ધંધામાં ઘણી વખત વિચિત્ર લોકો મળતા હતા. શરીર પર નિશાન છોડી દેતા હતા.

આ નિશાન શરીરની સાથે આત્મા પર પણ રહેતા હતા. આ પીડા માત્ર બીજા જિગોલો જ સમજી શકતા હતા, સમાજ ભલે ગમે તે નજરે જુએ.

આ પ્રોફેશનમાં જવાનો મને કોઈ અફસોસ નથી.

line

'કદાચ આ વાતો હું ક્યારેય કોઈને નહીં કહી શકું'

મેં એમબીએ કરી લીધું અને એમબીએના આધારે જ હું આજે કલકત્તાથી દૂર એક શહેરમાં સારી નોકરી કરું છું. ખુશ છું.

નવા મિત્રો બન્યા છે, જેમને મારા ભૂતકાળ વિશે કંઈ ખબર નથી. કદાચ આ વાતો હું ક્યારેય કોઈને નહીં કહી શકું.

અમે બહાર જઈએ છીએ, ફિલ્મો જોઈએ છીએ. રાની મુખર્જીની ફિલ્મ 'લાગા ચુનરી મેં દાગ' મારી પ્રિય છે. કદાચ એ ફિલ્મની કહાણીથી હું પોતાને રિલેટ કરી શકું છું.

હા, ભૂતકાળ વિશે વિચારું તો ઘણી વખત ખૂંચે છે. આ એક એવું ચૅપ્ટર છે, જે મર્યા પછી પણ ક્યારેય નહીં બદલાય.

(બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદી સાથે એક જિગોલોની વાતચીત આધારે. આ કહાણી કહેનારા શખ્સના આગ્રહના કારણે ઓળખ ગુપ્ત રાખી છે. સિરીઝનાં પ્રોડ્યૂસર સુશીલા સિંહ છે.)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન