#HisChoice : 'પુરુષો તેમની સ્ત્રીઓને હવે મારા પાર્લરમાં જાતે મૂકી જાય છે'

ઉત્તરાખંડના નાના શહેર રુડકીમાં હું પહેલો કે બીજો પુરુષ હતો, જેણે લેડીઝ પાર્લર શરૂ કર્યું હતું. મને ઓળખતા લોકો મારી આ પસંદગી માટે નાકનું ટીચકું ચડાવતા હતા, ગ્રાહક મહિલાઓમાં પણ કચવાટ હતો.
પાડોશીઓ જાતજાતની વાતો કરતા હતા અને કહેતા હતા કે લેડીઝ પાર્લર તો છોકરીઓનું કામ છે.
છોકરીઓને રાજી કરવાનું, તેમનો વિશ્વાસ જીતવાનું અને હું પણ કોઈ છોકરી જેટલો જ સારો મેકઅપ કરી શકું છું એ તેમને જણાવવાનું બહુ મુશ્કેલ હતું.
મારા પાર્લરમાં કોઈ મહિલા આવતી તો પણ તેના પતિ, ભાઈ કે પિતા મને જોઈને તેમને રોકી દેતા હતા. તેઓ કહેતાઃ અરે, અહીં તો પુરુષ કામ કરે છે.
છોકરીઓ મારી પાસે થ્રેડિંગ સુદ્ધાં કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતી હતી. 8 X 10ના ઓરડામાં એક પુરુષ તેમની નજીક જઈને કામ કરે તેનાથી તેમને કદાચ અકળામણ થતી હશે.
સવાલ મારા મનમાં પણ હતા. સ્ત્રીઓ પાર્લરવાળી છોકરીઓને પોતાના ગમા-અણગમા જણાવતી હોય છે તેમ મોકળાશથી મને પણ જણાવશે?
એ બધાનો મને કોઈ અંદાજ ન હતો તેવું ન હતું, પણ મનગમતા કામને બિઝનેસને બદલવાની તક મળે તો હું શા માટે છોડું?

મહેંદી મૂકી આપતો એકમાત્ર છોકરો

તેની શરૂઆત, વર્ષો પહેલાં મારી બહેનના લગ્ન દરમ્યાન થઈ હતી. તેના હાથમાં મહેંદી લગાવવામાં આવી રહી હતી અને એ મહેંદી મૂકી આપનાર એકમાત્ર છોકરો હું હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છોકરમતની એ સાંજે મારાં દિલોદિમાગમાં મહેંદીની એ ડિઝાઇનો રચાઈ-સમાઈ ગઈ હતી.
કોન બનાવતાં શીખ્યો. કાગળ પર હાથ અજમાવ્યો અને પછી હું પણ નાનાં બાળકોના હાથોમાં મહેંદી લગાવવા લાગ્યો હતો.
થોડા દિવસ પર પછી આ બાબતે ખબર પડી, ત્યારે ઘરમાં લોકો મારા પર બહુ ગુસ્સે થયા હતા.
પપ્પાએ કડક અવાજમાં પૂછ્યું હતું કે, 'હું આ છોકરીઓ જેવાં કામ શા માટે કરું છું?'
તેઓ ઇચ્છતા હતા કે હું પણ તેમની માફક સૈન્યમાં ભરતી થઈ જાઉં, પણ મને સૈન્ય કે બીજી કોઈ પણ નોકરી પસંદ ન હતી.
આપને આ પણ વાંચવું ગમશે
પછી ફરી એકવાર એક લગ્નમાં જવાનું થયું અને ત્યાં મેં સ્ત્રીઓના હાથમાં મહેંદી લગાવી આપી, જે તેમને બહુ ગમી હતી. મહેંદી લગાવવા માટે મને 21 રૂપિયા મળ્યા હતા.
મારા જીવનની એ પહેલી કમાણી હતી. મારા માતા અને ભાઈ-બહેન મારા શોખને જાણી ચૂક્યા હતા, પણ પપ્પાને એ ત્યારે પણ પસંદ ન હતું.
આખરે હારીને હું હરિદ્વારમાં નોકરી કરવા લાગ્યો હતો. સવારે નવથી સાંજના પાંચ સુધીની નોકરી. બધા ખુશ હતા, કારણ કે હું પુરુષો કરે એવું કામ કરતો હતો.
મહેંદી લગાવવાનો શોખ એક ખૂણામાં દફન થઈ ગયો હતો. વારંવાર એવો વિચાર આવતો હતો કે આ નોકરીમાંથી મને શું મળી રહ્યું છે? વધુ પૈસા પણ નથી મળતા અને હૈયામાં ટાઢક પણ થતી નથી.

જવાબદારીએ ખોલ્યો નવો માર્ગ
એ દરમ્યાન એક લાંબી બીમારી પછી પપ્પાનું અવસાન થયું હતું. ઘર ચલાવવાની જવાબદારી અચાનક મારા ખભા પર આવી પડી હતી.
જોકે, એ જવાબદારીએ મારા માટે નવો માર્ગ પણ ખોલી આપ્યો હતો. રજાઓમાં હું ઘરે આવતો ત્યારે મહેંદી લગાવવાનું કામ કરતો હતો.
નોકરીમાં મારો પગાર માત્ર 1,500 રૂપિયા હતો, પણ લગ્નમાં મહેંદી લગાવવામાં મને 500 રૂપિયા સુધીની કમાણી થતી હતી.
કદાચ એ કમાણીનો પ્રભાવ જ હશે કે મહેંદી મૂકી આપવાનું મારું કામ મારા પરિવારજનોને યોગ્ય લાગવા માંડ્યું હતું.
એ દરમ્યાન મને ખબર પડી હતી કે ઓફિસમાં મારો એક સાથી કર્મચારી તેની પત્નીના બ્યૂટી પાર્લરમાં મદદ કરે છે અને બન્ને સારી એવી કમાણી કરે છે.
મને વિચાર આવ્યો કે હું પણ મારું પોતાનું એક બ્યૂટી પાર્લર શરૂ કરું તો?
આ વિચાર મેં મારા પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે બધાની નજરમાં એકાએક અનેક સવાલ સર્જાયા હતા. એ જ છોકરીઓનાં કામ અને છોકરાઓનાં કામના સવાલ.

પ્રારંભિક પડકારોનું નિરાકરણ

અલબત, દ્રઢ નિશ્ચય કરી લો તો રસ્તા ખુલી જતા હોય છે.
મારા મામાની દીકરી બ્યૂટી પાર્લરનું કામ શીખી રહી હતી. એ કામ તેણે મને પણ શીખવવાનું શરૂ કર્યું હતું. પછી અમે સાથે મળીને એક બ્યૂટી પાર્લર શરૂ કર્યું હતું.
પ્રારંભિક પડકારોનું નિરાકરણ મામાની દીકરીની મદદ વડે કરી શકાયું હતું.
પાર્લરમાં મારા ઉપરાંત મારી બહેન એટલે કે એક છોકરીનું હોવાનું મહિલા ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં મદદગાર સાબિત થયું હતું.
અમે અમારા નાનકડા ઓરડામાં જ અમે પડદા વડે એક દિવાલ બનાવી હતી. મારી બહેન છોકરીઓનું વેક્સિંગ કરતી હતી અને હું તેમનું થ્રેડિંગ તથા મેક-અપ.
ઉંમર અને અનુભવ વધવાની સાથે મારા કામની પસંદગી બાબતે મારો આત્મવિશ્વાસ વધતો રહ્યો હતો.

"આ મારી પોતાની ચૉઇસ"
લગ્ન માટે છોકરી જોવા ગયો ત્યારે તેણે પણ મને આ જ સવાલ કર્યો હતોઃ "તમે આ જ કામ કરવાનું કેમ પસંદ કર્યું?"
મારો જવાબ હતો, "આ મારી પસંદ છે, મારી પોતાની ચૉઇસ."
એ પછી આજ સુધી મારી પત્નીએ મારા કામ વિશે સવાલ કર્યા નથી.
આમ પણ એ મારાથી દસ વર્ષ નાની છે. વધુ સવાલ પૂછે પણ કઈ રીતે?
લગ્ન પછી મેં પત્નીને પણ બ્યૂટી પાર્લર દેખાડ્યું હતું. મારા ગ્રાહકો અને સ્ટાફ સાથે મુલાકાત પણ કરાવી હતી. હું ઇચ્છતો હતો કે તેના મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે.
એક વખત જે 8 x 10ની સાઈઝનું નાનકડું પાર્લર હતું એ 13 વર્ષના ગાળામાં ત્રણ ઓરડામાં વિસ્તરી ચૂક્યું છે.
હવે સગાંસંબંધી પણ આદર આપવા લાગ્યા છે અને મને ટોણા મારતા પુરુષો તેમની સ્ત્રીઓને જાતે આવીને મારા પાર્લરમાં મૂકી જાય છે.
(બીબીસી પ્રતિનિધિ નવીન નેગી સાથેની વાતચીતના આધારે. આ વ્યક્તિના આગ્રહને પગલે તેમનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ સિરીઝના પ્રોડ્યુસર સુશીલા સિંહ છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














