‘યે મુસલમાન હૈ, તુમ ઈસ પર કેસ કર દો, તુમ્હે કુછ નહીં હોગા’

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર
    • લેેખક, શહબાઝ અનવર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પરિવારજનો મને લેવા આવ્યા ત્યારે તેમના પર પણ દબાણ કરવામાં આવ્યું હતું કે છોકરો મુસ્લિમ છે. તમે તેના પર કેસ કરો. તમને કશું નહીં થાય." ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મેડિકલની વિદ્યાર્થિની તથા તેના મુસ્લિમ સહાધ્યાયી સાથે કથિત હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે મારઝૂડની પીડિતાએ આ વાત કહી હતી.

મંગળવારે વાઇરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા પોલીસ કર્મચારી એ વિદ્યાર્થિનીને માર મારતાં અને કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓ એ વિદ્યાર્થિનીની ટીકા કરતા જોવા મળ્યા હતા.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસની કાર્યવાહી બાબતે સવાલ ઉઠવા શરૂ થયા હતા. એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રશાંત કુમારે ઉતાવળે મીડિયા સમક્ષ હાજર થવું પડ્યું હતું અને આ કિસ્સાની તપાસનો આદેશ આપી દેવાયો હતો.

હાલ અધિકારીઓ એ વીડિયોના વાઇરલ થવા બાબતે તપાસ કરી રહ્યા છે. એ તપાસના તારણના આધારે સમગ્ર પ્રકરણને તોળવામાં આવી રહ્યું છે.

યુવકે મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો જેહાદી કહી તેને પ્રાઇવેટ પાર્ટ પર માર મારવામાં આવ્યો હતો.

line

પીડિતા શું કહે છે?

મેરઠના થાણા મેડિકલનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, WHATSAPP IMAGE

પીડિત છોકરીએ તેની આપવીતી બીબીસીને સંભળાવી હતી.

શાલિની(કાલ્પનિક નામ)એ કહ્યું હતું, "મંગળવારે એક હિન્દુવાદી સંગઠન (અહીં છોકરીએ એ સંગઠનનું નામ કહ્યું હતું.) વાળા આવ્યા હતા. તેમણે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો."

"(મારી સાથે અભ્યાસ કરતા) છોકરાને બહાર કાઢીને બહુ માર માર્યો હતો. પોલીસ આવી. લેડી કૉન્સ્ટેબલને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે કશું સાંભળ્યું નહીં."

"તેઓ અમને બન્નેને અલગ-અલગ વાહનમાં બેસાડીને લઈ ગયા હતા."

શાલિનીએ ઉમેર્યું હતું, "હું જે વાહનમાં હતી, તેમાં જે કૉન્સ્ટેબલ હતા તેમણે મારો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. મેં કંઈ બોલવાનો પ્રયાસ કર્યો તો પોલીસે મારી કોઈ વાત સાંભળી ન હતી."

"તેમણે જે કહ્યું હતું તે તમે વીડિયોમાં સાંભળ્યું છે. પછી મારો વીડિયો વાઇરલ કરી દીધો હતો."

શાલિનીએ એમ પણ કહ્યું હતું, "મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં આર્ય સમાજનાં કોઈ મહિલા આવ્યાં હતાં. તેમણે મને ધમકાવીને કહ્યું કે એ મુસ્લિમ છોકરો છે, તું તેના પર કેસ કર. તને કંઈ નહીં થાય."

"મારા પરિવારજનો મને લેવા આવ્યા ત્યારે તેમના પર પણ દબાણ કરવામાં આવ્યું હતું કે છોકરો મુસ્લિમ છે. તમે તેના પર કેસ કરો. તમને કશું નહીં થાય."

"મારા પરિવારજનોએ તેને ખોટું ગણાવ્યું હતું અને કેસ કરવાનો ઇન્કાર કર્યો હતો."

શાલિનીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું, "મારો વીડિયો વાઇરલ થયો પછી મને ઘરની બહાર નીકળતાં શરમ આવતી હતી. બધા પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

"હિન્દુત્વવાદી સંગઠને આટલું અસભ્ય વર્તન કર્યું હતું. તેમણે ભવિષ્યમાં એવું ન કરવું જોઈએ. કોઈની સામે કાર્યવાહી થાય એવું હું ઇચ્છતી નથી."

line

છોકરો નિર્દોષ છે

યુવતીને અટકાયતમાં લીધા બાદ કારમાં તેને માર મારી રહેલી મહિલા પોલીસ કર્મચારી.

ઇમેજ સ્રોત, VIRAL VIDEO GRAB

ઇમેજ કૅપ્શન, યુવતીને અટકાયતમાં લીધા બાદ એક મહિલા પોલીસ કર્મચારી તેને માર મારતી વીડિયોમાં જોવા મળે છે.

સહાધ્યાયી સોહેલે (નામ બદલ્યું છે) કોઈ પણ રીતે દોષી હોવાના સવાલના જવાબમાં શાલિનીએ કહ્યું હતું, "છોકરાનો કોઈ વાંક નથી. તેમણે જાણીજોઈને ધમાલ કરી હતી. મારે કોઈને કંઈ કહેવું નથી. હવે લોકો અમને પરેશાન ન કરે. બસ."

સલામતી સંબંધી સવાલના જવાબમાં શાલિનીએ કહ્યું હતું, "સરકારે અમારી સલામતીની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ અમે પરેશાન ન કરે. કોઈ આક્ષેપ ન કરવામાં આવે. વાઇરલ વીડિયો બંધ કરાવવામાં આવે. એ ખોટું છે."

શાલિનીના જણાવ્યા મુજબ, સોહેલ સાથેની તેની દોસ્તીને પોલીસે જ બદનામ કરી છે. એ ઘટના પછી સોહેલ સાથે પોતે વાત ન કરી શકી હોવાનું શાલિનીએ જણાવ્યું હતું.

line

સોહેલ ક્યાં છે?

શાલિની પછી પીડિત સોહેલના ભાઈ પણ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે બીબીસીને કહ્યું હતું, "મારા ભાઈને ગંભીર ઈજા થઈ છે. એ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે."

સોહેલના ભાઈના જણાવ્યા મુજબ, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમને ન્યાય મળવાની આશા છે.

સોહેલ ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે, પણ તેમના ભાઈ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમને ચહેરા પર ભય સ્પષ્ટ પણ જોવા મળ્યો હતો.

સોહેલના ભાઈએ કહ્યું હતું, "અમારું અને અમારા પરિવારનું નામ તથા ગામનું સરનામું પ્રકાશિત કરશો નહીં. અમારો પરિવાર કોઈ મુશ્કેલીમાં ન ફસાય તેની અમને ચિંતા છે."

જોકે સોહેલે એનડીટીવી સાથે વાતચીતમાં કહ્યું હતું, "મારી આંખ અને નાકમાંથી લોહી નીકળતું હતું તો પણ તેમણે મને મારવાનું ચાલુ રાખ્યું હતું."

"તેમણે મને ગુપ્તાંગ પર પણ મૂઢ માર માર્યો હતો. તેમણે કહ્યું કે બધું પહેલા ફ્રેન્ડશિપથી ચાલુ થાય છે જે રોમાન્સ અને પછી લવ જેહાદ સુધી આગળ વધે છે."

line

અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ

મેરઠના થાણા મેડિકલનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, WHATSAPP IMAGE

આ ઘટનાની તપાસ બાદ મેરઠ પોલીસે કુલ 40 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.

શહેરના પોલીસ વડા રણવિજય સિંહે કહ્યું હતું, "બીટ કૉન્સ્ટેબલે આપેલી માહિતીને આધારે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે છોકરાને માર મારવામાં આવ્યો હતો."

"આરોપીઓ પૈકીના 15 હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીના અજ્ઞાત છે. તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે."

ક્યા સંગઠનના લોકોએ હુમલો કર્યો હતો એ જાણી શકાયું નથી. શહેરના પોલીસ વડાએ પણ કોઈ સંગઠનનું નામ લીધું ન હતું.

line

વધુ એક વીડિયો વારલ

મેરઠમાં આજકાલ વધુ એક વીડિયો વાઇરલ થયો છે.

શાલિની અને સોહેલ સાથે બનેલી ઘટના પછી નવા વીડિયો સોહેલને માર મારવામાં આવ્યો તેનો હોવાનું જણાવાય રહ્યું છે.

એ વીડિયોમાં કેટલાક યુવકો એક છોકરાને માર મારી રહ્યા છે, જ્યારે પોલીસ કર્મચારી એ છોકરાને યુવાનોના હુમલામાંથી બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો