રફાલ મુદ્દે મોદી-અંબાણી અને બેતરફી નાટકમાં ગૂંચવાયેલા પાંચ સવાલ

ઇમેજ સ્રોત, Mikhail Svetlov/Getty Images
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજીટલ એડિટર, બીબીસી હિન્દી
હિન્દીમાં એક શબ્દ છે 'જવાબદેહી'. ગુજરાતના હોવાને લીધે મોદી વારંવાર જેને 'જવાબદારી' કહે છે. આ શબ્દનો એક સમાનાર્થી શબ્દ 'ઉત્તરદાયિત્વ' પણ છે.
સરળ ભાષામાં એનો મતલબ એ થાય છે કે જવાબ આપવાનું કામ કોનું છે?
રફાલ સોદો અને એમાં અનિલ અંબાણીની નવી-નક્કોર કંપનીની ભૂમિકાને મુદ્દે ઘણાં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જેની સીધી 'જવાબદારી' નરેન્દ્ર મોદીની છે.
ફક્ત એટલા માટે જ નહીં કે તેઓ વડા પ્રધાન છે અને આ સોદાના કરાર ઉપર તેમણે હસ્તાક્ષર કર્યા છે. એટલું જ નહીં, આ સોદાને તેના પરિણામ સુધી પહોંચાડવામાં તે સમયના રક્ષા મંત્રી મનોહર પર્રિકર અથવા કેબીનેટની ભૂમિકાના કોઈ પુરાવા નથી.
આ જ કારણ છે કે સવાલ વડાપ્રધાન મોદીને પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ જવાબ તેમની ટીમના સભ્યો આપી રહ્યા છે, સવાલો રૂપે અથવા પછી ટોણાં મારીને.
વડા પ્રધાને મધ્ય પ્રદેશમાં રાહુલ ગાંધીના આરોપોને વિદેશી કાવતરા ગણાવ્યા, પરંતુ જવાબ તો દૂર, રફાલ શબ્દ સુદ્ધાં તેમના મોઢેથી નીકળ્યો નહીં. એક ટોણો ચોક્કસ નીકળ્યો, "જેટલો કીચડ ઉછાળશો એટલું કમળ ખીલશે."
તમે આ વાંચ્યું કે નહીં?
કોઈ કૌભાંડ થયું છે અથવા કોઈએ લાંચ લીધી છે, એવું કહેવાનો કોઈ આધાર અથવા પુરાવા તો નથી, પરંતુ આ આખો મુદ્દો રાજીવ ગાંધીના કાર્યકાળના બોફોર્સ કૌભાંડની જેમ જ આમાં એક પછી એક પડ ખુલી રહ્યાં છે.
બોફોર્સની બાબતમાં પણ એ સાબિત નથી થઈ શક્યું કે તે કૌભાંડ હતું કે રાહુલ ગાંધીના પિતાએ લાંચ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ચોર' અને 'ખાનદાની ચોર'ના શોર-બકોર વચ્ચે ના તો સાચા સવાલ સંભળાય છે, ના કોઈ જવાબ મળી રહ્યાં છે.

બોફોર્સ અને રફાલ

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ ભારતના રાષ્ટ્રીય હિતો, સુરક્ષા, વડા પ્રધાનની કચેરીની ગરિમા અને પારદર્શકતા સાથે જોડાયેલા છે.
મુદ્દાની ગંભીરતાનો અંદાજ એ વાતથી બાંધી શકાય છે કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની કેબીનેટના બે મંત્રીઓ અને એક પ્રખ્યાત વકીલે તેને 'ઘોર અપરાધજનક અનિયમિતતા' જણાવતા, ઘણાં સવાલો પૂછ્યા છે.
આવા જ સવાલ 1980ના દશકામાં રાજીવ ગાંધીને પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમની જે પ્રતિક્રિયા હતી, તે ભાજપના આજના વલણ કરતાં બહુ જુદી નથી.
જે રીતે નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત રીતે ભ્રષ્ટ હોવાના આરોપ નથી મૂકાયા, તેમ એક જમાનામાં રાજીવ ગાંધીને 'મિસ્ટર ક્લીન' કહેવામાં આવતા હતા.
સૌથી પહેલી પ્રતિક્રિયા તો એ જ હતી કે ગંગા જેવી પવિત્ર છબી ધરાવતા નેતા ઉપર આવા આરોપ મૂકવાની હિંમત કેવી રીતે થઈ?
જે લોકોની ઉંમર 45થી વધુ છે, તેમને કદાચ યાદ હશે કે રાજીવ ગાંધીએ 1989ની ચૂંટણીમાં બોફોર્સ સોદા ઉપર સવાલો ઉઠાવનારાઓને 'વિદેશી શક્તિઓના મહોરાં' કહેવામાં આવ્યા હતા.
એમ પણ કહેવાયું હતું કે ભારત તોપ ખરીદીને શક્તિશાળી ના થઈ જાય એટલે વિપક્ષના 'દેશ વિરોધી' લોકો અવાસ્તવિક આરોપો મૂકી રહ્યા છે.
આજે પણ એવા જ સૂરો સંભળાય છે. ભાજપે સંયુક્ત સંસદીય તપાસ સમિતિની રચના કરવાનો નનૈયો ભણી દીધો છે, અદ્દલ આવું જ રાજીવ ગાંધીએ પણ કર્યું હતું, જોકે, પછીથી તેમણે વિપક્ષની એ માગણી માનવી પડી હતી.

પાંચ મોટા સવાલ અધ્ધરતાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુ સેનાની આવશ્યકતાઓને જોતાં, ફ્રાન્સની કંપની દસો એવિએશન પાસેથી 126 વિમાન ખરીદવાના હતાં. 2012થી મનમોહન સિંહની સરકાર સાથે ફ્રાંસની કંપનીની વાતચીત ચાલી રહી હતી.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પણ આ સિલસિલો ચાલુ રહ્યો. 2015માં ડાસોના પ્રમુખ એરિક ટ્રેપિએએ કહ્યું હતું કે "95 ટકા વાતો નક્કી થઈ ગઈ છે અને વહેલી તકે કામ શરૂ થશે."
પ્રથમ સવાલ
વડા પ્રધાન મોદીએ 10 એપ્રિલ 2015એ પોતાના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન 17 કરારો ઉપર હસ્તાક્ષર કર્યા, જેમાં એક કરાર રફાલ વિમાનની ખરીદીનો પણ હતો.
ફ્રાન્સની કંપની પાસેથી ખરીદવામાં આવનાર વિમાનોની સંખ્યા 126થી ઘટીને અચાનક 36 થઈ ગઈ. સરકારે હજુ સુધી દેશની સંસદ અથવા મીડિયાને જણાવ્યું નથી કે આટલો મોટો ફેરફાર ક્યારે, શા માટે અને કેવી રીતે થયો?

બીજો સવાલ

ઇમેજ સ્રોત, Suhaimi Abdullah/Getty Images
પહેલાં 126 ફાઈટર જેટ ખરીદવા ઉપરાંત તેમાંથી 108 વિમાન ભારતમાં ટેકનોલૉજી ટ્રાન્સફર કરાર અંતર્ગત, બેંગલુરૂમાં સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટીક્સ (એચએએલ)માં બનાવવાના હતાં, પરંતુ તે વિચાર છોડી દેવાયો.
સરકારી ક્ષેત્રની કંપની એએચએલની પાસે યુદ્ધ વિમાન બનાવવાનો ઘણો બહોળો અનુભવ છે, ટેકનોલૉજી ટ્રાન્સફર અંતર્ગત ત્યાં પહેલાં પણ સેંકડો જગુઆર અને સુખોઈ વિમાન બનાવવામાં આવ્યાં છે.
'મેક ઇન ઇન્ડિયા'માં રક્ષા ક્ષેત્રે ભાર મૂકવાની વાત કહેવામાં આવી હતી અને આ એ દિશામાં બહુ મોટું પગલું સાબિત થઈ શકે તેમ હતું.
લાંબી પ્રક્રિયાને પૂરી કરીને, વાયુ સેનાની જરૂરિયાતોનું આકલન કર્યા બાદ જ નક્કી કરવામાં આવ્યું હતું કે 126 વિમાનોની જરૂર પડશે.
શું ભારતની જનતાને એ જણાવવું જરૂરી નથી કે વાયુ સેનાની યુદ્ધ વિમાનોની જરૂરિયાત ઓછી કેવી રીતે થઈ ગઈ અને એચએએલને શા માટે આ તક ના અપાઈ?

ત્રીજો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
આ એક નવો સોદો હતો કેમ કે વિમાનોની કિંમત, સંખ્યા અને શરતો બદલાઈ ગઈ હતી. અરુણ શૌરી, યશવંત સિંહા અને પ્રશાંત ભૂષણનો આરોપ છે કે નરેન્દ્ર મોદીએ નિયમોનું પાલન નથી કર્યું.
સવાલ એ છે કે જો આ ઓર્ડર નવો હતો તો નિયમો મુજબ ટેન્ડર કેમ પ્રસારિત ના કરાયા? એ પણ પૂછાઈ રહ્યું છે કે આ નિર્ણયમાં તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકર અને કેબીનેટ કમિટી ઑન સિક્યુરીટીની શું ભૂમિકા હતી? જો નહોતી, તો શા માટે નહોતી?
તથ્ય એ છે કે દસો એવિએશનની સાથે સોદાની જાહેરાત થયાના લગભગ એક વર્ષ બાદ કેબીનેટ કમિટી ઑન સિક્યુરીટીએ તેને પોતાની ઔપચારિક મંજૂરી આપી.

ચોથો સવાલ

ઇમેજ સ્રોત, EPA
વિમાનની કિંમતને મુદ્દે સરકાર સંસદમાં જાણકારી આપવાથી દૂર ભાગે છે. સરકારે સુરક્ષા અને ગુપ્તતાનો હવાલો આપીને વિમાનની કિંમત જણાવવાનો એવું કહીને ઇન્કાર કર્યો છે.
આરોપ મુકનારા ભાજપ સાથે જોડાઈ રહેલા બે ભૂતપૂર્વ કેબીનેટ મંત્રીઓનું કહેવું છે કે નિયમો મુજબ, ગુપ્તતા માત્ર વિમાનની તકનીકી જાણકારીમાં જ વર્તવામાં આવે છે, કિંમતના વિષયમાં નહીં.
અરુણ શૌરીનું કહેવું છે કે લોકસભામાં એક સવાલના જવાબમાં, રક્ષા રાજ્યમંત્રી ડૉ. સુભાષ ભામરેએ 36 વિમાનો વાળો સોદો થયો એ પહેલાં જણાવ્યું હતું કે એક વિમાનની કિંમત 670 કરોડ રૂપિયાની આસપાસ હશે.
અરુણ શૌરી પૂછી રહ્યા છે કે દરેક વિમાનની કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા વધી ગયાં છે, હવે એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયાની નજીક છે.
શું સરકારની જવાબદારી દેશને એ જણાવવાની નથી કે ખજાનામાંથી લગભગ 36 હજાર કરોડ રૂપિયાનો વધુ ખર્ચ શા માટે થઈ રહ્યો છે?
સરકારના મંત્રીઓએ બચાવમાં કહ્યું છે કે વિમાનમાં ઘણો બધો સર-સામાન અને હથિયાર અલગથી લગાવવામાં આવ્યા છે એટલે કિંમત વધી છે.
સંસદમાં આપવામાં આવેલી જાણકારીને આધારે લોકો આરોપ મૂકી રહ્યા છે કે જે સોદો અગાઉ થયો હતો એમાં તમામ વધારાના સર-સામાન અને હથિયારોની પણ કિંમત સામેલ હતી. સરકારને જણાવવું જોઈએ કે કિંમતનું સત્ય શું છે?

પાંચમો સવાલ

ઇમેજ સ્રોત, AFP
જે દિવસે નરેન્દ્ર મોદીએ પેરિસમાં વિમાન ખરીદવાના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા, એ તારીખ હતી 10 એપ્રિલ, 2015.
25 માર્ચ 2015એ રિલાયંસે સુરક્ષા ક્ષેત્રે એક કંપની બનાવી જેને ફક્ત 15 દિવસ બાદ લગભગ 30 હજાર કરોડનો કોન્ટ્રકટ મળી ગયો.
એક એવી કંપની જેણે સુરક્ષા ઉપકરણો બનાવવાના ક્ષેત્રમાં કોઈ કામ કર્યું નથી, દિલ્હી મેટ્રો હોય કે ટેલીકોમનો વ્યવસાય, કંપનીના ટ્રેક રેકોર્ડ ઉપર સતત સવાલો ઉપસ્થિત થતા રહ્યા છે.
અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીનો ઉલ્લેખ ભારે દેવાને કારણે પણ થતો રહ્યો છે. આવામાં ફ્રાન્સની કંપની પોતાની મરજીથી એવો ભાગીદાર શા માટે પસંદ કરે એ એક કોયડો છે.
સોદાના સમયે ફ્રાન્સના રાષ્ટ્રપતિ પદે રહેલા ફ્રાંસ્વા ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "રિલાયંસના નામનો પ્રસ્તાવ ભારત તરફથી મુકવામાં આવ્યો હતો, તેમની સામે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો."
સરકારના મંત્રીઓ ખુલાસામાં કહી રહ્યા છે કે આ 'રાહુલ-ઓલાંદની જુગલબંધી' છે.
મોદી સરકારના મંત્રીઓનું કહેવું છે કે આમાં સરકારની કોઈ ભૂમિકા નથી, પરંતુ શું તેમણે 'ક્રોની કેપીટાલીઝમ'ના ગંભીર આરોપ ઉપર ખુલીને પોતાની સ્થિતિ વશે સ્પષ્ટતા કરવી ના જોઈએ?

રાજનીતિ બહારની કેટલીક વાતો

ઇમેજ સ્રોત, NurPhoto/Getty Images
રક્ષા મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે આ 'પરસેપ્શન'ની લડાઈ છે, જેમાં કોંગ્રેસ જુઠ્ઠુ બોલી રહી છે એટલેકે જેટલા સવાલ પૂછવામાં આવી રહ્યા છે તેનો જવાબ આપવાની કોઈ જરૂર નથી.
ફક્ત આ પરસેપ્શન બનાવવાની જરૂર છે કે સરકાર પવિત્ર છે કે કોંગ્રેસ વધુ ખરાબ છે.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે "મોદીએ દેશના યુવાનો અને વાયુ સેના પાસેથી ત્રીસ હજાર કરોડ રૂપિયા છીનવીને અનિલ અંબાણીને આપી દીધાં છે."
આ એવો આરોપ છે જેને અત્યાર સુધી ઉપલબ્ધ જાણકારી દ્વારા પુરવાર કરવો શક્ય નથી કારણકે તેઓ પણ પરસેપ્શનની લડાઈ જીતવામાં લાગેલા છે.
ભારતમાં ભાગ્યે જ કોઈ મોટો સુરક્ષા સોદો થયો હશે જેમાં કૌભાંડ, દલાલી અને લાંચખોરીના આરોપ મુકાયા ના હોય, પરંતુ કોઈ પણ કિસ્સામાં આરોપ સાબિત નથી થતા, સવાલોના જવાબ નથી મળતા.
રફાલ બાબતે પણ શું આવું જ થશે? દુનિયાની સૌથી મોટી લોકશાહીના જાગૃત નાગરીકો ટીવી ઉપર 'તુ ચોર' , 'તારો બાપ ચોર' વાળા નાટકો જોઈને સંતુષ્ટ થઈ જવું પડશે કે પરસેપ્શનની લડાઈમાં કેટલાંક તથ્ય અને તર્ક પણ સામે આવશે?
શી ખબર, જોતા રહો!
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ














