સંઘે કેટલી શરતોનું પાલન કર્યું, એ જોવા સરદાર જીવ્યા હોત તો?

સરદાર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'સરદારને સંઘતરફી, સંઘ પ્રત્યે સોફ્ટ કૉર્નર-કૂણી લાગણી ધરાવનાર, સંઘનો બચાવ કરનારા, સંઘના સમર્થક એમ જુદી જુદી રીતે ઓળખાવાતા રહ્યા છે'
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, રાજકીય વિશ્લેષક

સરદાર પટેલ પર થતો રહેલો સૌથી મોટો આરોપ હોય તો એ કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તરફદાર હતા.

સરદારને સંઘતરફી, સંઘ પ્રત્યે સોફ્ટ કોર્નર-કૂણી લાગણી ધરાવનાર, સંઘનો બચાવ કરનારા, સંઘના સમર્થક એમ જુદીજુદી રીતે ઓળખાવાતા રહ્યા છે.

હિંદુ મહાસભાની સ્થાપના 1915માં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં થઈ. પરંતુ એ તબક્કે વલ્લભભાઈને એ વિચારધારા પ્રત્યે કોઈ આકર્ષણ કે ભાવ જાગ્યાં હોય એવું જણાતું નથી.

તમને આ પણ વાંચવું ગમશે

આ સંગઠનો વિશે તેમને કંઇક કહેવાના પ્રસંગ મુખ્યત્વે ભાગલાની આસપાસના સમયમાં અને ખાસ કરીને ગાંધીહત્યા પછી ઉભા થયા.

line

ગાંધીહત્યાની ઉજવણી

ગાંધીજીનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ગાંધીજીનો આદર્શ એ હતો કે હિંદુ- મુસ્લિમો વચ્ચેનું અંતર ઘટાડવાની બાબતમાં મોટી જવાબદારી હિંદુઓની છે'

ગાંધીજીએ અનેક વાર સરેરાશ હિંદુની કાયરતા અને સરેરાશ મુસ્લિમનું માથાભારેપણું સૂચવતાં વિધાન કર્યાં હતાં.

તે માનતા હતા કે કોમી હિંસાની સ્થિતિમાં હિંદુઓએ અહિંસક પ્રતિકાર કરવો જોઈએ અને એ શક્ય ન બને તો લડી છૂટવું જોઈએ.

પરંતુ ગાંધીજીનો આદર્શ એ હતો કે હિંદુ- મુસ્લિમો વચ્ચેનું અંતર ઘટાડવાની બાબતમાં મોટી જવાબદારી હિંદુઓની છે.

વ્યવહારુ અને ચુસ્ત વહીવટી વલણ માટે જાણીતા સરદાર બિનસાંપ્રદાયિકતા અને કોમી એકતાને આદર્શ તરીકે સ્વીકારતા હતા.

પરંતુ મુસ્લિમો પ્રત્યે હિંદુઓની વિશેષ ફરજ હોવાની વાતમાં તે ગાંધી કે નહેરુ જેવા મતના ન હતા.

સંઘ શાખાઓમાં કવાયત-શિસ્ત અને સ્વરક્ષણના પાઠ શીખવે તે સરદારને ઇચ્છનીય લાગતું હતું, જ્યારે પંડિત નહેરુને સંઘની નીતિરીતિમાં ફાસીવાદનાં દર્શન થતાં હતાં.

ગાંધીહત્યા પછી તરત સરદારે સંઘ પર પ્રતિબંધ ન મૂક્યો, પણ સંઘ દ્વારા કેટલાક ઠેકાણે ગાંધીહત્યાની ઉજવણી થયાના સમાચાર જેવી હકીકતો જાણ્યા પછી તેમણે એ પગલું લીધું.

તેમ છતાં સંઘ પ્રત્યે પંડિત નહેરુને હતો એવો અભાવ તેમને થયો નહીં.

line

સંઘ પર પ્રતિબંધ

સરદાર પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'વ્યક્તિગત રીતે સરદારનું મુસ્લિમો સાથેનું અંતર ઘણી હદે રૂઢિગત હતું'

ગાંધીહત્યા પછી હિંદુ મહાસભા ઉપરાંત સંઘના કાર્યકરો પર હુમલા થયા ત્યારે હુમલાખોરો પ્રત્યે ઢીલાશ રાખવા બદલ તેમણે મુંબઈ સરકારના મુખ્ય મંત્રીને ઠપકો પણ આપ્યો.

સરદારના આ વલણને સંઘ કે હિંદુત્વનાં પરિબળોની તરફેણ તરીકે પણ દર્શાવી શકાય, તેમ કાયદાની હદની બહાર જઈને પગલાં નહીં લેવાની વૃત્તિ તરીકે પણ બતાવી શકાય.

વ્યક્તિગત રીતે સરદારનું મુસ્લિમો સાથેનું અંતર ઘણી હદે રૂઢિગત હતું.

કોમી રાજકારણ અને ધર્મઆધારિત ભાગલાએ તેને દૃઢ બનાવ્યું હશે, પરંતુ એ અંતરને મુસ્લિમદ્વેષ કે સંઘ પરિવાર સાથેના વૈચારિક તાદાત્મ્ય તરીકે ઘટાવવાનું કેટલી હદે યોગ્ય ગણાય, એ વિચારવા જેવું છે.

સ્વયંસેવકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'સંઘ પ્રત્યે પંડિત નહેરુને હતો એવો અભાવ સરદારને ન થયો'

સંઘ પ્રતિબંધ મુકાયા પછી જુદાં જુદાં સ્વરૂપે ચાલતી સંઘની પ્રવૃત્તિઓ અને તેના કોમી પ્રચાર વિશે નહેરુએ ચિંતા વ્યક્ત કરી (૨ મે ૧૯૪૪) ત્યારે સરદારે તેમને લખ્યું કે (સંઘ પર મુકાયેલા પ્રતિબંધ ઉપરાંત) 'આર.એસ.એસ.ની હંમેશની પ્રવૃત્તિઓને મળતું આવે એવું કશું ચાલવા દીધું નથી...

"પણ મુખ્ય મુશ્કેલી એ છે કે કેટલાક પ્રાંતોમાં આર.એસ.એસ.ના માણસોની એક સામટી ધરપકડોમાં પકડાયેલા માણસોને હાઇકોર્ટો છોડી મૂકે છે...જો આપણે આવી પરિસ્થિતિને પહોંચી વળવા વધારાની સત્તા મેળવીએ તો આપણી ઉપર નાગરિક સ્વાતંત્ર્ય પર આક્રમણ કરવાનો આક્ષેપ આવે." (૪ મે, ૧૯૪૮)

સંઘની ગાંધીહત્યામાં સંડોવણી નથી એવી ટેકનિકલ સચ્ચાઈ પંડિત નહેરુ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરનારા સરદારે શ્યામાપ્રસાદ મુખર્જીને એ જ બાબતે આંતર્યા હતા.

line

સરદારે અને શ્યામાપ્રસાદ મુખર્જી

સ્વયંસેવકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર બિનસાંપ્રદાયિકતા અને કોમી એકતાને આદર્શ તરીકે સ્વીકારતા હતા

નહેરુના સંઘવિરોધી ઉત્સાહની જેમ મુખર્જીના સંઘતરફી ઉત્સાહને ફગાવી દેતાં તેમણે મુખર્જીને લખ્યું, 'આર.એસ.એસ. અને હિંદુ મહાસભાની બાબતમાં કહેવાનું કે ગાંધીજીના ખૂનનો કેસ હજી અદાલતમાં છે એટલે આ બે સંસ્થાઓએ તેમાં ભાગ લીધેલો કે નહીં તે વિશે હું કંઈ કહેવા ઇચ્છતો નથી.'

"પણ અમારા અહેવાલો એટલી વાતનું તો સમર્થન કરે જ છે કે આ બે સંસ્થાઓની અને ખાસ કરીને આર.એસ.એસ.ની પ્રવૃત્તિઓને પરિણામે દેશમાં એક એવું વાતાવરણ ઉત્પન્ન થયું હતું જેમાં આવો ત્રાસ છૂટે એવો કરુણ બનાવ શક્ય બન્યો

"આર.એસ.એસ.ની પ્રવૃત્તિઓ સરકાર અને રાજ્યના અસ્તિત્વને જ સ્પષ્ટ જોખમરૂપ હતી. અમારા અહેવાલો સૂચવે છે કે આ પ્રવૃત્તિઓ બંધ થઈ હોવા છતાં બંધ થઈ નથી."

"ખરેખર તો વખત જાય છે તેમ, આર.એસ.એસ.નાં વર્તુળો વધુ અવજ્ઞા કરતાં જાય છે અને તેમની વિદ્રોહી પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ રમમાણ બનતાં જાય છે..." (૧૮ જુલાઈ, ૧૯૪૮ના)

મુખર્જીએ તેમના ઉપરોક્ત (૧૮ જુલાઈ, ૧૯૪૮ના) પત્રમાં મુસ્લિમો વિશે નુક્તચીની કરી હતી.

તેના વિશે સરદારે લખ્યું, 'તમારી સાથે પૂરેપૂરો સંમત છું કે ભારતમાં બેવફા તત્ત્વોનો એક વિભાગ હાજર હોય તેમાં કેટલીક જોખમભરી શક્યતાઓ રહેલી છે. અહીં પણ અમે સલામતીની આવશ્યકતાઓ સાથે અને આપણા રાજ્યના બિનસાંપ્રદાયિક સ્વરૂપ સાથે સુસંગત હોય તે રીતે બને તેટલાં પગલાં લઈ રહ્યા છીએ.'(૧૮ જુલાઈ, ૧૯૪૮).

line

હિંદુ રાષ્ટ્રનો વિચાર

સ્વયંસેવકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'પંડિત નહેરુને શંકા હતી કે ગાંધીહત્યા આર.એસ.એસ.ના મોટા કાવતરાનો હિસ્સો હતી'

પંડિત નહેરુને શંકા હતી કે ગાંધીહત્યા આર.એસ.એસ.ના મોટા કાવતરાનો હિસ્સો હતી અને આખું કાવતરું હજુ ખુલ્લું પડ્યું નથી.

એ વિશે સરદારે પૂરતી તપાસ પછી તેમને લખ્યું હતું, 'આ (આરોપીઓનાં) નિવેદનોમાંથી એ પણ સ્પષ્ટ બહાર આવે છે કે આર.એસ.એસ. આમાં બિલકુલ સંડોવાયેલો નહોતો.

હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચેની એક ઝનૂની પાંખે આ કાવતરું ઘડ્યું હતું અને પાર ઉતાર્યું હતું... આર.એસ.એસ. અને મહાસભાના જે માણસો એમની (ગાંધીજીની) વિચારસરણી અને નીતિથી ખૂબ વિરુદ્ધ હતા તે માણસોએ તેમની હત્યાને આવકારી હતી.

પણ એથી વધુ આર.એસ.એસ. અથવા હિંદુ મહાસભાના બીજા કોઈ સભ્યોને, આપણી પાસે આવેલા પુરાવાના આધારે, આમાં સંડોવવાનું શક્ય નથી.

તમને આ પણ વાંચવું ગમશે

આર.એસ.એસ. બીજાં ઘણાં પાપ અને ગુનાઓ માટે નિઃશંકપણે જવાબદાર છે, પણ આ પાપ માટે નહીં.' (૨૭ ફેબ્રુઆરી, ૧૯૪૮) સરદારના આ નિવેદનને સંઘ માટેની 'ક્લીનચીટ' તરીકે ખપાવતી વખતે શ્યામાપ્રસાદ મુખર્જી પરનો સરદારનો પત્ર યાદ રહેવો જોઈએ—અને સરદારનો સાવરકર વિશેનો અભિપ્રાય પણ.

સંઘની હિંદુ રાષ્ટ્રની કે મુસ્લિમવિરોધી વિચારસરણીની સરદારને અપીલ ન હતી.

પરંતુ નહેરુ સંઘ દ્વારા થતી કોમી ઉશ્કેરણીથી ભડકેલા હતા, જ્યારે સરદાર અભૂતપૂર્વ કોમી હિંસાના વાતાવરણમાં સંઘના સભ્યો દ્વારા થયેલા હિંદુ-શીખોને બચાવવાના પ્રયાસને ગણતરીમાં લેતા હતા.

line

સરદારની ચોક્કસ શરતો

સરદાર અને ગાંધીજીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધીહત્યા પછી આશરે દોઢેક વર્ષ સુધી ચાલેલો સંઘ પરનો પ્રતિબંધ સરદારની મંજૂરી પછી ચોક્કસ શરતોને આધીન દૂર થયો.

વાસ્તવવાદી સરદારે હિંદુ રાષ્ટ્રના વિચારને પાગલ ખ્યાલ ગણાવ્યો હતો.

તે ઇચ્છતા હતા કે હિંદુ હિતના રાજકારણની વાત કરનારાને સાવેસાવ હડધૂત કરવાને બદલે કોંગ્રેસમાં ભેળવીને રાષ્ટ્રહિતાર્થે લગાડી દેવામાં આવે.

હિંદુ મહાસભા અને સંઘના સભ્યોને તેમણે એ મતલબની અપીલ પણ કરી હતી.

ગાંધીહત્યા પછી આશરે દોઢેક વર્ષ સુધી (ફેબ્રુઆરી ૧૯૪૮થી જુલાઈ ૧૯૪૯ સુધી) ચાલેલો સંઘ પરનો પ્રતિબંધ સરદારની મંજૂરી પછી ચોક્કસ શરતોને આધીન દૂર થયો.

રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક 'સરદારઃ એક સમર્પિત જીવન'માં નોંધેલી એ શરતોઃ

સંઘે પોતાનું બંધારણ બનાવવું અને પ્રસિદ્ધ કરવું, કેવળ સાંસ્કૃતિક બાબતો અંગે જ પ્રવૃત્તિ કરવી, હિંસાખોરી અને ગુપ્તતા તજી દેવી, ભારતનાં ધ્વજ અને બંધારણને વફાદાર રહેવાના શપથ લેવા અને લોકશાહી વ્યવસ્થાતંત્ર સ્થાપવું.

સંઘે આમાંથી કેટલી શરતોનું શબ્દશઃ અને કેટલી શરતોના હાર્દનું પાલન કર્યું, એ જોવા સરદાર જીવ્યા હોત તો? ઇતિહાસમાં આવા 'જો' અને 'તો'નો અર્થ હોતો નથી.

પણ સરદાર-સંઘના સંબંધને વર્તમાન રાજકીય સ્થિતિમાં તપાસવા-મૂલવવાને બદલે એ સમયની રાજકીય-સામાજિક-કોમી-કાયદો-વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભે તપાસવામાં આવે તો જ સામાન્યીકરણથી બચીને સચ્ચાઈની વધુ નજીક પહોંચી શકાય.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો