નીરવ મોદી અને વિક્રમ કોઠારી જેવા લોકો સાથે ચીન શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિજય માલ્યા, નીરવ મોદી અને હવે વિક્રમ કોઠારી. દેશ કે સરકારી બૅન્કોના કરોડો રૂપિયા પચાવી પાડીને ભાગેલા લોકોની વાત સામે આવે છે તો મગજમાં બસ એક જ સવાલ આવે છે કે આવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ.
મોટા કૌભાંડ કરતા લોકોનાં નામ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલું નુકસાન થઈ ગયું છે.
પરંતુ NPA (નોન- પરફોર્મિંગ એસેટ્સ) ના આંકડા એ વાત તરફ ઇશારો કરે છે કે ઉધાર લઇને ડકાર મારતા લોકો ભારતીયોની સૌથી મોટી સમસ્યા છે.
પંજાબ નેશનલ બૅન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો નીરવ મોદીએ ધમકી આપી છે કે બધા સમાચાર તેમની બ્રાન્ડને નુકસાન પહોંચાડી રહ્યા છે.

ન લોન, ન પ્રમોશન

ઇમેજ સ્રોત, Getty Images
આવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ? તેમને શું સજા મળવી જોઈએ? તેની એક ઝલક આપણા પાડોશી દેશ ચીનમાં મળી શકે છે.
ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે હાલ જ 67 લાખ કરતાં વધારે બૅન્ક ડિફૉલ્ટરોને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે.
તેનો મતલબ એ છે કે તેઓ વિમાનમાં મુસાફરી કરી શકતા નથી. લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકતા નથી અને તેમને પ્રમોશન પણ મળી શકતું નથી.
ગ્લોબલ ટાઇમ્સના સમાચાર અનુસાર અત્યાર સુધી ચીનની સરકારે 61.5 લાખ લોકો પર વિમાનની ટિકિટ ખરીદવા તેમજ 22.2 લાખ લોકો પર હાઈ સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે થાય છે કાર્યવાહી?

ઇમેજ સ્રોત, AFP
સુપ્રીમ પીપલ્સ કોર્ટે એક એન્ફોર્સમેન્ટ બ્યૂરો ચીફ મેંગ જિયાંગે કોર્ટને જણાવ્યું છે કે કોર્ટે ઓળખપત્ર અને પાસપોર્ટની મદદથી એરલાઇન તેમજ રેલ કંપનીઓ સાથે મળીને કામ શરૂ કર્યું છે.
મેંગે જણાવ્યું કે કોર્ટે જે ડિફૉલ્ટર્સને બ્લેકલિસ્ટમાં નાખ્યા છે, તેમાં સરકારી નોકર, સ્થાનિક ધારાસભ્યો અને રાજકીય સલાહકાર સંસ્થાઓના સભ્ય તેમજ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાના પ્રતિનિધિ સામેલ છે.
આ સિવાય ઘણા લોકો એવા પણ છે કે જેમનું ડિમોશન કરી દેવામાં આવ્યું છે અને આ કડક કાર્યવાહીની અસર શું જોવા મળી? ઓછામાં ઓછા દસ લાખ ડિફૉલ્ટર્સે જાતે જ કોર્ટનો આદેશ માનવાની વાત કહી છે.

સામાન ખરીદવા પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, BBC/KIRTISH BHATT
બિઝનેસ ઇનસાઇડરમાં ગત વર્ષે ડિસેમ્બરમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીન એવું બ્લેકલિસ્ટ રાખે છે કે જે પૈસા પચાવી પાડતા લોકોની અવર જવર તેમજ સામાનની ખરીદી પર પણ પ્રતિબંધ લગાવી દે છે.
દેશની સૌથી મોટી કોર્ટ પોતાની વેબસાઇટ પર અપ્રામાણિક લોકોનાં નામ તેમજ આઈડી નંબર છાપે છે.
આ લોકો ન તો વિમાનમાં કે હાઇ સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે કે ન તો તેમનાં બાળકો મોંઘી સ્કૂલોમાં ભણી શકે છે.
ડિફૉલ્ટર 3 સ્ટાર કે તેના કરતાં વધારે મોંઘી હોટેલમાં રોકાઈ શકતા પણ નથી. આ સિવાય જો તેઓ સિવિલ સર્વિસમાં જોડાવા માગે છે તો તેમણે અઘરી પરીક્ષા પાસ કરવી પડે છે.
કાર બુક કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડે છે.

પ્લાસ્ટીક સર્જરીનો સહારો

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રતિબંધો આઈડી નંબરની મદદથી લગાવવામાં આવતા હતા. કેટલાક લોકોએ મુસાફરી પર લાગેલા પ્રતિબંધથી બચવા માટે પોતાના પાસપોર્ટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું પરંતુ હવે તે ખામી પણ દૂર કરી દેવામાં આવી છે.
આ યાદી બનાવવાનું કામ વર્ષ 2013માં શરૂ કરાયું હતું અને તે સમયે તેમાં 31 હજાર કરતાં વધારે નામ હતા.
ત્યારથી માંડીને ડિસેમ્બર 2017 સુધી તેમાં 90 લાખ લોકો જોડાયા હતા.
વર્ષ 2017ની શરૂઆતમાં ચીનમાં એક આવા જ ડિફૉલ્ટરે વિમાનના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી હતી. જે બાદ તેના પર 15 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
ડિફૉલ્ટર પર કાર્યવાહીને લઇને એટલો ડર છે કે એક વ્યક્તિએ બચવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી હતી.
એટલું જ નહી, બ્લેકલિસ્ટમાં જે નામ જોડાયેલાં હોય છે તેનાથી રોજગારની સંભાવનાઓ પર પણ અસર પડે છે.
ઘણી કંપનીઓ તપાસ કરે છે અને લિસ્ટમાં સામેલ દોઢ લાખ કરતાં વધારે લોકોને કાર્યકારી પદ આપવામાં આવતાં નથી.
આ વર્ષની શરૂઆતમાં ચીનની એક કોર્ટે એક નિવેદનમાં કહ્યું હતું, "એવી આશા છે કે રોજીંદા જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ ઊભી કરવાથી ડિફૉલ્ટરમાં સમયસર પૈસા ચૂકવવાની ટેવ પડશે."
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનના સિચુઆન વિસ્તારની કોર્ટે 20 દેવાદારના ફોન પર રેકોર્ડ મેસેજ નાખ્યા હતા.

ફોન કૉલ પર મેસેજ રેકોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આવા ડિફૉલ્ટર દેવાદારને ફોન કરે છે તો અવાજ આવે છે, "જે વ્યક્તિને તમે કૉલ કરી રહ્યા છો, તેમને કોર્ટે ઉધાર ન ચૂકવવાના કારણે બ્લેકલિસ્ટમાં નાખી દીધા છે. કૃપા કરીને આ વ્યક્તિને લોનનું સન્માન કરવા માટે આગ્રહ કરો."
સમગ્ર ચીનમાં બૅન્ક ડિફૉલ્ટરના નામ, આઈડી નંબર, ફોટોગ્રાફ અને ઘરનું સરનામું હવે સમાચારપત્રોમાં પણ છાપી શકાય છે, રેડિયો કે ટીવી પર બતાવી શકાય છે.
આ સિવાય બસો તેમજ લિફ્ટમાં પણ ફોટોગ્રાફ લગાવવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે સ્થાનિક સરકારોએ પણ નેમ એન્ડ શેમ ડેટાબેઝ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ સર્ચ કરી શકે છે.
તેનો ઉદ્દેશ છે નામ લઈને તેમને શરમમાં મૂકવા. જેથી દેવું ન ચૂકવતા લોકો પાસેથી નાણા વસૂલ કરી શકાય.
ચીનમાં આ પ્રક્રિયા જૂની છે. વર્ષ 2015માં કોર્ટે ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ કંપનીઓ કોર્ટ તરફથી લગાવવામાં આવતા દંડ પર ડિફૉલ્ટ કરતા લોકોના ક્રેડિટ પૉઇન્ટ કાપી લે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














