ફેસબુક પર રમાતી ક્વિઝ પાછળનું રહસ્ય બહાર પડ્યું

ઇમેજ સ્રોત, Ildo Frazao/Getty Images
તમારી પર્સનાલિટી ક્યા સુપરસ્ટારને મળતી આવે છે? તમે ગયા જન્મમાં કોણ હતા? તમારામાં મહાભારતના ક્યા પાત્ર જેવી ક્ષમતાઓ છે?
આવી કેટલીય પર્સનાલિટી ક્વિઝ ફેસબુક પર જોવા મળતી હોય છે. આવી ટેસ્ટના રિઝલ્ટ તમે તમારા મિત્રો સાથે શૅઅર પણ કર્યા હશે.
આ સઘળા ક્વિઝ વખતે તમારી પાસે અલગઅલગ માહિતી માટેની પરવાનગી માગવામાં આવે છે. પરંતુ આ પરવાનગી પછી ડેટાનું શું થાય છે તે હાલમાં જ જાહેર થયું છે.
બ્રિટિશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા પર આ ડેટાને એકત્ર કરવાનો આરોપ લાગ્યો છે. આ કંપનીએ પાંચ કરોડ લોકોની અંગત માહિતી એકત્ર કરી હોવાનું કહેવાયું છે.
આ કંપનીમાં કામ કરી ચૂકેલા ક્રિસ્ટોફર વાઇલી મુજબ અલગ અલગ પ્રકારની પર્સનાલિટી ક્વિઝની મદદથી કરોડો લોકોના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા.
જોકે, કંપનીએ તમામ આરોપો ફગાવી દીધા છે. આ આરોપોને પગલે સોમવારે ફેસબુકના શેરોમાં પણ ઘટાડો થયો હતો.

કઈ રીતે તમારી માહિતી બચાવશો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારી માહિતીનું એક્સેસ કોઈના માટે પણ જો તમારે પ્રતિબંધિત કરવું હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.
- એપ્લિકેશન્સ પર નજર રાખો. ખાસ કરીને તે કે જેના માટે તમારે તમારા ફેસબુક અકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ-ઇન કરવાની જરૂર પડે છે. આ એપ પાસે ઘણી બધી પરવાનગીઓ હોય છે. તેમાંની ઘણી બધી એપ તમારા ડેટાને ઉઠાવવા માટે બનાવાઈ હોય છે.
- જાહેરાતો મર્યાદિત કરવા માટે 'એડ બ્લોકર'નો ઉપયોગ કરો.
- તમારા ફેસબુક અકાઉન્ટના સિક્યુરિટી સેટિંગ્સને જુઓ અને ખાતરી કરો કે જે જે વિકલ્પો એનેબલ કરેલા છે તેની તમને જાણ છે. દરેક એપ્લિકેશનના સેટિંગ્સ તપાસો કે કઈ કઈ પરમિશન તમે આપેલી છે.
- તમે તમારી જે માહિતી ફેસબુક ધરાવે છે તેની નકલ ડાઉનલોડ કરી શકો છો, જોકે તેમાં બધી માહિતી હોતી નથી. જનરલ એકાઉન્ટ સેટિંગ્સમાં આ માટેનો વિકલ્પ હોય છે. તેમ છતાં ધ્યાનમાં રાખો કે તમારો ડેટા તમારા લેપટોપ કરતાં ફેસબુકના સર્વર પર વધારે સુરક્ષિત હોઈ શકે છે.
તમે ફેસબુક છોડી પણ શકો છો. પરંતુ 'પ્રાઇવસી ઇન્ટરનેશનલ' ગ્રૂપે ચેતવણી આપી છે કે ગોપનીયતાની ચિંતા તો સોશિયલ નેટવર્કની બહાર પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પ્રવક્તાએ જણાવ્યું છે "અત્યારે પૂરું ધ્યાન થર્ડ પાર્ટી દ્વારા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે તેનું રક્ષણ કરવાનું છે, તમારા ડેટા સાથે હંમેશા ચેડાં કરવામાં આવે છે."
"તમારા ફોન પરની ઘણી એપ્લિકેશન્સને તમારા લોકેશનની માહિતી, સંપૂર્ણ ફોન બુક અને તેથી વધુ ઘણી બધી માહિતીને એક્સેસ કરવાની પરવાનગી હશે. આ તો માત્ર એક નાનકડો સંકેત કહી શકાય."

કઈ રીતે લાગ્યા કંપની પર આરોપો?

ઇમેજ સ્રોત, Getty Images
આ એ જ કંપની છે જેણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ફેસબુકે ગયા અઠવાડિયે જ આ કંપનીના અકાઉન્ટને ફેસબુક પોલિસીના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કર્યું હતું.
ફેસબુકે કહ્યું છે કે તેમણે પોતાની નીમેલી ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ ઍનાલિટિકા કંપનીને ઑડિટ કરશે.
ચેનલ 4 ન્યૂઝ દ્વારા આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર નિક્સનું એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ રાજકીય નેતાઓની આબરૂ ઑનલાઇન ખરાબ કરવા માટેની યુક્તિઓ સૂચવે છે.
આ ફૂટેજમાં ચેનલ 4 ન્યૂઝના રિપોર્ટર પૂછે છે કે ઊંડાણમાં શું થઈ શકે? ત્યારે એલેક્ઝાન્ડર જવાબ આપે છે કે અમે તો તેનાથી પણ આગળ ઘણું બધું કર્યું છે.
તેમણે હની ટ્રેપ કરાવડાવાની વાત પણ કરી હતી. આ રિપોર્ટર શ્રીલંકામાં ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારના 'ફિક્સર' તરીકે કંપનીના સીઈઓને મળ્યા હતા.
કંપનીએ કહ્યું છે કે આ રિપોર્ટ ખોટી રીતે રજૂ કરાયો છે. વધુમાં કહ્યું છે કે કંપની આવા કોઈપણ પ્રકારના કામ કરતી નથી.
કંપનીના સીઈઓએ બીબીસીના કાર્યક્રમમાં કહ્યું છે કે તેમને ઇરાદાપૂર્વક ફસાવવામાં આવ્યા છે.
યુકેના ઇન્ફોર્મેશન કમિશનરે કહ્યું છે કે તેઓ બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટીકા દ્વારા ઉપયોગમાં લેવાતા ડેટાબેસ અને સર્વર્સને જોવા માટે વૉરંટ લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












