માથું કપાયા પછી પણ 18 મહિના કેવી રીતે જીવતો રહ્યો આ મરઘો?

ઇમેજ સ્રોત, BBC WORLD SERVICE
- લેેખક, ક્રિસ સ્ટોકલ વોકર
- પદ, બીબીસી મેગેઝિન સંવાદદાતા
અમેરિકામાં 70 વર્ષ પહેલાં એક ખેડૂતે એક મરઘાનું માથું કાપી નાખ્યું હતું. તેમ છતાં એ મરઘો મર્યો ન હતો, પણ 18 મહિના જીવતો રહ્યો હતો.
આશ્ચર્યચકિત કરી મૂકે તેવી આ ઘટના પછી એ મરઘો 'મિરેકલ માઇક'ના નામે વિખ્યાત થયો હતો.
માથું કપાયા પછી પણ એ મરઘો મહિનાઓ સુધી જીવતો કઈ રીતે રહ્યો હશે?
કોલારાડોમાં ફ્રૂટાસ્થિત પોતાના ફાર્મમાં લોયલ ઓલ્સેન અને તેમનાં પત્ની ક્લારા 1945ની 10 સપ્ટેમ્બરે મરઘા-મરઘીઓને કાપી રહ્યાં હતાં.
એ દિવસે કાપવામાં આવેલા 40-50 મરઘા-મરઘીઓમાંથી એક મરઘો તેનું માથું કાપી નાખવામાં આવ્યા છતાં મર્યો ન હતો.
ઓલ્સેન અને ક્લારાના પ્રપૌત્ર ટ્રોય વોટર્સે કહ્યું હતું, "કામ પતાવીને તેઓ માંસ ઉઠાવતા હતાં ત્યારે તેમને એક મરઘો જીવતો મળી આવ્યો હતો, જે માથા વિના પણ દોડાદોડી કરતો હતો."
ઓલ્સેન અને ક્લારાએ તેને એક બોક્સમાં મૂકી દીધો હતો પણ એ મરઘાનું શું થયું એ જોવા ઓલ્સને બીજી સવારે બોક્સ ખોલ્યું ત્યારે તેને જીવંત જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટ્રોય વોટર્સે બાળપણમાં તેમના પરદાદા પાસેથી આ કથા સાંભળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હેડલેસ ચિકન મહોત્સવ

અમેરિકાના ફ્રૂટામાં દર વર્ષે 'હેડલેસ ચિકન' મહોત્સવ યોજવામાં આવે છે.
ટ્રોય વોટર્સે કહ્યું હતું, "મારા પરદાદા મીટ માર્કેટમાં માંસ વેચવા ગયા ત્યારે માથા વિનાના એ મરઘાને પણ લઈ ગયા હતા. એ સમયે ઘોડાગાડી ચાલતી હતી."
"તેમણે બજારમાં આ આશ્ચર્યજનક ઘટના વિશે બીયર કે એવી ચીજો વિશે શરતો લગાવવાનું શરૂ કર્યું હતું."
એ વાત ફ્રૂટામાં ઝડપભેર ફેલાઈ ગઈ હતી. એક સ્થાનિક અખબારે ઓલ્સેનનો ઇન્ટર્વ્યૂ કરવા માટે પોતાના રિપોર્ટરને મોકલ્યો હતો.
થોડા દિવસ પછી એક સાઇડશોના પ્રમોટર હોપ વેડ 300 માઇલ દૂરના યૂટા પ્રાંતના સોલ્ટ લેક સિટીથી આવ્યા હતા અને પોતાના શોમાં આવવાનું આમંત્રણ ઓલ્સેનને આપ્યું હતું.

અમેરિકાની ટૂર

ઇમેજ સ્રોત, BBC WORLD SERVICE
તેઓ પહેલાં સોલ્ટ લેક સિટી ગયા હતા અને પછી યૂટા યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા, જ્યાં 'માઇક'ની ચકાસણી કરવામાં આવી હતી.
માથું કાપ્યા પછી મરઘાઓ જીવતા રહી શકે કે કેમ એ ચકાસવા માટે યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ અનેક મરઘાનાં માથાં કાપી નાખ્યાં હોવાની અફવા ફેલાઈ હતી.
એ આશ્ચર્યજનક મરઘાને 'મિરેકલ માઇક' નામ હોપ વેડે આપ્યું હતું. એ મરઘા વિશે 'લાઇફ' મેગેઝિને એક સ્ટોરી પણ કરી હતી.
એ પછી લોઇડ, ક્લારા અને માઇક આખા અમેરિકાની ટૂર પર નીકળી પડ્યાં હતાં. તેઓ કેલિફોર્નિયા, એરિઝોના અને અમેરિકાનાં દક્ષિણ-પૂર્વી રાજ્યોમાં ગયાં હતાં.
માઇકની આ ટૂર સાથે જોડાયેલી વાતોની નોંધ ક્લારાએ કરી હતી, જે આજે પણ ટ્રોય વોટર્સ પાસે છે.
જોકે, 1947ની વસંત ઋતુમાં ઓલ્સેન એરિઝોનાના ફીનિક્સમાં પહોંચ્યા ત્યારે માઇકનું મોત થયું હતું.
માઇક ડ્રોપ મારફત જૂસ વગેરે આપવામાં આવતાં હતાં અને તેના ભોજનની નળીને સીરિંજ વડે સાફ કરવામાં આવતી હતી, જેથી તેનું ગળું રૂંધાઈ ન જાય.
એ રાતે તેઓ સીરિંજને એક કાર્યક્રમમાં ભૂલી ગયા હતા અને બીજી સીરિંજની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં શ્વાસ રૂંધાવાને કારણે માઇકનું મોત થયું હતું.

આર્થિક સ્થિતિ સુધરી

ઇમેજ સ્રોત, CGDPR
ટ્રૉય વોટર્સે કહ્યું હતું, "પોતે માઇકને વેચી નાખ્યો હોવાનો દાવો ઓલ્સેન વર્ષો સુધી કરતા રહ્યા હતા પણ એક રાતે તેમણે મને જણાવ્યું હતું કે હકીકતમાં માઇકનું મોત થયું હતું."
માઇકનું શું કર્યું એ ઓલ્સેને ક્યારેય જણાવ્યું ન હતું પણ માઇકને કારણે તેમની આર્થિક સ્થિતિ જરૂર સુધરી હતી.
ન્યૂકેસલ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર બિહેવિયર ઍન્ડ ઇવોલ્યૂશન સાથે જોડાયેલા ચિકન એક્સપર્ટ ડો. ટોમ સ્મલ્ડર્સે જણાવ્યું હતું કે મરઘાનું આખું માથું તેની આંખોની પાછળના ભાગના એક નાનકડા હિસ્સામાં હોય છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, માઇકની ચાંચ, ચહેરો અને આંખો નીકળી ગયાં હતાં પણ સ્મલ્ડર્સના અનુમાન મુજબ, માઇકના માથાનો 80 ટકા હિસ્સો બચી ગયો હતો. એ કારણે તેનું શરીર, ધબકારા, શ્વાસ અને પાચનતંત્ર ચાલતા રહ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













