અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મના સીન માટે અસલી વાઘ સામે લડ્યા અને ગરદન પકડી લીધી

ઇમેજ સ્રોત, @SRBACHCHAN
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર, બીબીસી ઇન્ડિયા
ફિલ્મ – ખૂન પસીના
સીન – અમિતાભ બચ્ચનની ઍક્શન સિક્વન્સ
જો તમે બચ્ચનના ફૅન છો તો તમને ફિલ્મ ખૂન પસીનાનો એ સીન કદાચ યાદ હશે કે જેમાં રેખા તેમને ચૅલેન્જ કરે છે કે તેઓ ટાઇગરને પાંજરામાંથી બહાર કાઢે, તેની સાથે લડે અને પાંજરામાં બંધ કરીને બતાવે.
આજની તારીખમાં જો આ સીન થાય તો સ્પેશિયલ ઇફેક્ટની મદદથી તેનું શૂટિંગ કરાયું હોત. પરંતુ 45 વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ખરેખર ટાઇગર સાથે લડાઈ કરી હતી. એ સીનનો ક્લૉઝઅપ શોટ જુઓ તો બચ્ચનને વાઘની ગરદન પકડતાં જોઈ શકાય છે.
ફિલ્મના સીન માટે બચ્ચન ખરેખર ટાઇગર સામે લડ્યા હતા.
આ વિશે અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું હતું, “તે દિવસે જ્યારે ખૂન પસીના ફિલ્મના કૉસ્ચ્યુમ ડિપાર્ટમૅન્ટે મને જાકીટ પહેરવા માટે આપ્યું ત્યારે મને ખબર ન હતી કે મારે અસલી ટાઇગર સામે લડવું પડશે."
"આ ફિલ્મનાં 45 વર્ષ પૂર્ણ થયાં છે. ચંદીવાલી સ્ટુડિયો, મુંબઈમાં શૂટિંગ થયું હતું. અસલી વાઘ સામે લડવું એક અઘરું કામ હતું. તમને અનુમાન પણ નથી કે વાઘ કેટલો શક્તિશાળી હોય છે."
"હું ક્યારેય નહીં ભૂલું. હું આજના સ્ટન્ટ ડાયરેક્ટરને જ્યારે આ જણાવું છું તો તેમને લાગે છે કે હું ખરેખર ગાંડો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદી ફિલ્મોની વાત કરીએ તો હીરોનું ઍક્શનવાળું રૂપ કહો કે પછી મર્દાનગી, તે દર્શાવવા માટે 70-80ના દાયકામાં પ્રાણીઓનો- ખાસ કરીને વાઘનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના જમાનામાં પણ એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ હાજર છે.
કંઈક આવી જ રીતે મિસ્ટર નટવરલાલ, અદાલત જેવી એ જમાનાની ફિલ્મોમાં ક્યારેક વાઘ તો ક્યારેક હાથી તો ક્યારેક બીજાં પ્રાણી પ્રૉપની જેમ જોવા મળ્યાં છે.

ઇમેજ સ્રોત, @AMITABHBACHCHAN
અમિતાભે જ ફિલ્મ મિસ્ટર નટવરલાલમાં ફરી એક વખત ટાઇગર સામે લડાઈ કરી હતી કે પછી 1976ની ફિલ્મ અદાલત, જેમાં અમિતાભ એક ભોળા ગ્રામીણ હોય છે જે જંગલમાં શક્તિશાળી વાઘ સામે લડે છે અને શહેરના શિકારીઓનો જીવ બચાવે છે.
કહાણીમાં બહાદુરીવાળો રોમાંચ અને ટ્વિસ્ટ લાવવા સિવાય દૃશ્યો અને પ્રાણીઓનું વધુ કામ નહોતું. બસ હીરો પડદા પર લાર્જર ધેન લાઇફ ચોક્કસ લાગતા.
સમય સમય પર એવી હિંદી ફિલ્મો પણ બનતી રહી છે જે વાઘ જેવાં પ્રાણીઓને માત્ર ફાઇટ સીન માટે, કંઈક ઊંડી વાત કહેવાનો માધ્યમ બનાવતી રહી છે.

2018 વાઘની ગણતરી, ભારત
રૉયલ બંગાળ ટાઇગર – 2697
વાઘની સંખ્યા, મધ્ય પ્રદેશ – 526
વાઘની સંખ્યા, કર્ણાટક – 424
વાઘની સંખ્યા, ઉત્તરાખંડ – 442
મિઝોરમમાં કોઈ પણ વાઘ જોવા મળ્યો નથી
ચાર રાજ્યોમાં 300 કરતાં વધારે વાઘ

‘શેરની’ - વાઘ અને મનુષ્યનો જંગ

ઇમેજ સ્રોત, SHERNI MOVIE POSTER
ઉદાહરણ તરીકે 2021માં આવેલી ફિલ્મ શેરની. મધ્ય પ્રદેશનાં અસલી જંગલોમાં શૂટ થયેલી આ ફિલ્મ એક વાઘણની આસપાસ વર્ણવેલી છે જે એકસાથે ઘણી વાતો કહેવાનો પ્રયાસ કરે છે.
વર્ષોથી વાઘ અને મનુષ્યો વચ્ચે જમીન અને જંગલની જે વાત છેડાયેલી છે, ફિલ્મ શેરની એ જ એનિમલ-હ્યુમન કન્ફ્લિક્ટને સારી રીતે દર્શાવે છે.
ફિલ્મનું નામ શેરની છે, પણ કહાણી વાઘ અને વાઘણની છે. તેને ફિલ્મ બનાવનારાની સમજદારી જ કહીશું કે શેરનીના બહાને તેણે સમાજ પર, ગંદા રાજકારણ પર તમાચો માર્યો છે. તેના કરતાં પણ વધારે ઝાટકો વાઘણના માધ્યમથી સમાજની પુરુષવાદી વિચારધારાને લાગ્યો છે.
શેરની જેટલી જંગલની વાઘણની કહાણી છે જે ગામનાં ઘણાં પ્રાણીઓને મારી ચૂકી છે, તેટલી જ તે વિસ્તારનાં નવાં ફૉરેસ્ટ અધિકારી વિદ્યા વિંસેટ (વિદ્યા બાલન)ની પણ કહાણી છે, જેમણે નવી પોસ્ટિંગમાં વારંવાર પોતાની જાતને આ કામ માટે સાબિત કરવી પડે છે, કેમ કે તેઓ એક મહિલા છે.
ઉદાહરણ તરીકે આ ફિલ્મનો એક ડાયલૉગ જુઓ જેમાં એક ગ્રામીણ કહે છે, “જબ યહાં મુસીબત આન પડી હૈ તો એક લેડી અફસર કો યહાં ભેજ દીયા હૈ.”

'શેરની પોતાનો રસ્તો શોધી જ લે છે'
વાઘણને શોધવાના મિશન મામલે બધા વિદ્યા બાલનને મફતની સલાહ આપતાં નજરે પડે છે. જેમ કે શરત સક્સેનાનું કૅરેક્ટર કહે છે, “મૈં જંગલ ઔર જાનવરોં કે બારે મેં બહુત કુછ જાનતા હું. આપકા ઍક્સપીરિયન્સ અભી જરા કમ હૈ.”
ફિલ્મમાં વાઘણ પોતાનો રસ્તો ભટકી ચૂકી છે અને તેણે બધાથી બચીને નીકળવાનું છે. ત્યાં જ વનવિભાગનાં લૅડી ઑફિસરે પણ પોતાની જાતને સાબિત કરવાનાં છે.
જંગલની વાઘણ અને વનવિભાગનાં વિદ્યાને જોઈને લાગે છે કે તેઓ એક જેવા સંકટનો સામનો કરી રહી છે. ફિલ્મમાં એક જગ્યાએ વિદ્યા કહે છે, “જંગલ કિતના ભી ઘના ક્યું ન હો, શેરની અપના રાસ્તા ઢૂંઢ હી લેતી હૈ.”

ઇમેજ સ્રોત, KHOON PASINA MOVIE POSTER

વાઘવાળી ફિલ્મો
ખૂન પસીના
મિસ્ટર નટવરલાલ
અદાલત
જુનૂન
બાઘ બહાદુર
શેરની

ઇમેજ સ્રોત, HATHI MERE SATHI MOVIE POSTER
ફિલ્મ શેરનીમાં ન તો જંગલને, ન વાઘને એક્ઝોટિક રીતે દેખાડવામાં આવ્યાં છે અને ન કોઈ ઍક્શન સીનને.
આ લેખકની જ કમાલ છે કે તેણે કામકાજી મહિલા અને એક વાઘણને એકબીજાની સમકક્ષ ઊભાં રાખી દીધાં છે. અને આ ફિલ્મ તમને જંગલ, જમીન અને પ્રાણીઓ વચ્ચે નાજુક સંતુલન અને વાઘ પર તોળાતા ખતરા વિશે વિચારવા મજબૂર કરી દેશે.

એક હારેલો ‘બાઘ બહાદુર’

ઇમેજ સ્રોત, BAGH BAHADUR MOVIE POSTER
કળાની સુંદરતા એ જ છે કે તે એક મુદ્દાના એક છેડાને બીજા છેડા સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે. વાત વાઘ અને કળાની થઈ છે તો અહીં નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તાની ફિલ્મ ‘બાઘ બહાદુર’ યાદ આવે છે.

પ્રાણીઓને લઈને બનેલી ફિલ્મો
હાથી મેરે સાથી
તેરી મહેરબાનિયાં
ગાય ઔર ગોરી
નાગિન
નિર્દેશકની કલ્પના જુઓ કે તેમણે વાઘ અને એક કળાને કેવી રીતે માર્મિકરૂપે ફિલ્મમાં જોડ્યાં છે. આ ફિલ્મ વિદેશોમાં ધ ટાઇગરમૅનના નામે ખૂબ પ્રચલિત થઈ હતી.
ફિલ્મમાં પવન મલ્હોત્રા એક યુવા મજૂર છે જે આખું વર્ષ સખત મહેનત કરે છે અને વર્ષમાં માત્ર એક મહિનો પોતાના ગામડે જઈને તેની કળાનું પ્રદર્શન કરે છે. તેની કળા એ જ છે કે તે પોતાના શરીર પર રંગોની મદદથી વાઘનું રૂપ ધારણ કરે છે અને ગામડામાં ફરી ફરીને વાઘ સાથે જોડાયેલું એક ખાસ પ્રકારનું સુંદર નૃત્ય કરે છે જે તેમને તેમના વડવાઓ પાસેથી વારસામાં મળ્યું છે. લોકો તેમને ‘બાઘ બહાદુર’ કહે છે.
તેમના વડવાઓ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહમાં સામેલ હતા અને વાઘ બનીને ભારતીય સૈનિકોની અંદર જોશ તેમજ બહાદુરીનો ભાવ ભરવાનું કાર્ય કરતા હતા. વાઘના આ નૃત્યથી પવન મલ્હોત્રાને પૈસા તો મળે છે પણ તેના કરતાં પણ વધારે ગામમાં તેમને માન આપવામાં આવે છે.
પરંતુ પછી ગામમાં શહેરની સર્કસ મંડળી આવે છે જે ફિલ્મી ગીતોથી લોકોને લલચાવે છે અને અસલી ચિત્તાનો ખેલ દેખાડે છે. ધીમેધીમે બધા બાઘ બહાદુરનું કલાત્મક નૃત્ય છોડીને અસલી ચિત્તાનો ખેલ જોવા જતા રહે છે, જેમાં રાધા પણ સામેલ છે જેને પવન મલ્હોત્રા પ્રેમ કરે છે.

ઇમેજ સ્રોત, DR SANJAY K SHUKLA / WWF-INTERNATIONAL
પોતાની કળાના અપમાન પર બહાદુરનું દુ:ખ કંઈક એવી રીતે બહાર આવે છે કે જ્યારે તે ઢોલવાળા કાકાને કહે છે, “પતા હૈ સબ સે બડી ચીઝ ક્યા હૈ? ઇઝ્ઝત. સાલ ભર એક ગાંવ સે દુસરે ગાંવ ભટકતા હું, પેટ કી ખાતિર. મજદુરી કરતા હું, કુલીગીરી કરતા હું. પથ્થર તોડતા હું. માલિકો કી લાત તક ખા લેતા હું. સબ કુછ સહ લેતા હું ઇસ ગાંવ (નૂનપુરા) મેં એક મહિને કી ખાતિર. યહાં કે લોગ હમકો પસંદ કરતે હૈ. હમારા નાચ દેખ કે ખુશ હોતે હૈ. યહાં એક મહિના આકર હમકો લગતા હૈ કિ હમ ઝિંદા હૈ. હમ ભી ઇન્સાન હૈ. હમારે અંદર ભી કોઈ ગુણ હૈ. કિસી વાસ્તે હમારી કદર હૈ, હમારી ઇજ્જત હૈ જો રોટી કપડા સે કહીં બડી હૈ ચાચા.”
એક કલાકાર, તેની સંવેદનશીલતા, તેની સંસ્કૃતિની વિરુદ્ધ આધુનિકતાનું એક અલગ જ રૂપ વાઘના માધ્યમથી આ ફિલ્મમાં બતાવાવમાં આવ્યું છે. ખાસ કરીને એ છેલ્લો સીન જ્યારે વાઘની જેમ રંગોથી તૈયાર થયેલો બાઘ બહાદુર પોતાને સાબિત કરવા માટે પાંજરામાં અસલી ચિત્તા સામે લડે છે.
પરિણામ એ જ – જે થવાનું હોય છે. લોહીની ધારા વહેતા વહેતા નદીમાં મળી જાય છે. વાઘ બહાદુરનું લોહી, એક કળાનું લોહી અને એક કલાકારનું લોહી.
ખૂન પસીનાના અમિતાભની વિરુદ્ધ જે જીવતા વાઘને પકડીને તેની સામે લડીને તેને પરત પાંજરામાં બંધ કરીને મોટો હીરો બનીને નીકળે છે, દર્શકોની સીટીઓ અને તાલીઓ સાથે.
આ સિનેમાની જ કમાલ છે કે તે હકીકતને ખોટી અને ખોટી વાતને હકીકત બનાવીને મનુષ્ય અને જાનવરના સંબંધને ફિલ્મી પડદા પર દર્શાવવાનો રસ્તો શોધી લે છે.

ઇમેજ સ્રોત, JUNOON MOVIE POSTER
જેવી રીતે 1993ની ફિલ્મ જુનૂન- જે એક હૉરર ફેન્ટસી ફિલ્મ હતી અને તેમાં રાહુલ રૉય શાપિત હતા કે દરેક પૂનમની રાત્રે તે વાઘ બની જતા હતા. અહીં ટાઇગરની કહાણીમાં એક ટ્વિસ્ટ સિવાય કંઈ નથી.
અથવા લાઇફ ઑફ પાઈ જેમાં ટાઇગરને મેટાફર તરીકે વાપરવામાં આવ્યો છે.
લાઇફ ઑફ પાઇના નામે એક નવલકથામાં એક ભારતીય યુવકની કહાણી દર્શાવવામાં આવી હતી જે સમુદ્રી જહાજ તૂટી ગયા બાદ લાઇફબૉટ પર એક ટાઇગર સાથે પૅસિફિક મહાસાગર વચ્ચે ફસાયેલો છે.
આ પુસ્તકને 2002માં બુકર પ્રાઇઝ મળ્યું હતું અને નિર્દેશક આંગ લીએ તેના પર ફિલ્મ બનાવી છે.
2012માં આવેલી ફિલ્મ ‘લાઇફ ઑફ પાઈ’માં સમુદ્રી તોફાનમાં ફસાયેલા પાઈ (સૂરજ શર્મા) અને એક બંગાળ ટાઇગરના બદલતા સંબંધોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. પાઈ જે પોતાનાં માતાપિતા સાથે પ્રાણી સંગ્રહાલય પાસે મોટો થયો છે અને પ્રાણીઓને સમજે છે. સમુદ્ર વચ્ચે એક લાઇફબૉટ, એક ટાઇગર અને એક મનુષ્ય – જીવતા રહેવાના પ્રયાસમાં બંને વચ્ચે ડર, પ્રતિયોગિતા, કરુણા અને પ્રેમનો જટિલ સંબંધ છે જેને ઇરફાન ખાન ફ્લેશબૅકમાં સંભળાવે છે.
પરંતુ લાઇફ ઑફ પાઇનો વાઘ બચ્ચન વાઘની જેમ અસલી વાઘ ન હતો. 1977થી માંડીને 2012 સુધી એટલો વિકાસ તો થયો છે કે ડિજિટલ ઍનિમેશનની મદદથી વાઘને રિક્રિએટ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, SOUVIK KUNDU / WWF
એક એવા દેશમાં જ્યાં જંગલનો મોગલી અને શેર ખાન બાળકોનાં ફૅવરિટ કૅરેક્ટર રહ્યાં છે, ત્યાં મનુષ્ય અને પ્રાણીઓના સંબંધની કહાણીઓને ફિલ્મોમાં હંમેશાં સ્થાન મળ્યું છે, ક્યારેક કોરી કલ્પના બનીને તો ક્યારેક સત્ય ઘટના બનીને.
આપણે ત્યાં પ્રાણી તો શું, નાગ, નાગણ અને પક્ષીઓને પણ ફિલ્મોમાં રોલ મળી જાય છે. ફિલ્મ કુલીમાં અમિતાભનું બાજ પક્ષી તમને યાદ હશે અને એ ડાયલૉગ કે ‘બચપન સે હી સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહ રક્ખા મેરે સાથ’ – આ તેમના બાજનું નામ હતું જે તેમની સાથે રહે છે. ફિલ્મના પોસ્ટરમાં પણ બાજને બચ્ચનની સાથે સ્થાન મળ્યું હતું.
‘મૈંને પ્યાર કિયા’નું કબૂતર યાદ કરી લો. કે પછી ‘હમ આપકે હૈ કૌન’નો ટફી જે સલમાન ખાનના લાડલા હોય છે. તો સલમાન આજકાલ એમ કહેતા ફરે છે કે ‘ટાઇગર ઝિંદા હૈ’
અને ટાઇગરની તો વાત હંમેશાં અલગ રહી છે જેના પર ક્યારેક કેદારનાથ સિંહે આ કવિતા લખી હતી.

ઇમેજ સ્રોત, BBC Hindi
આજે સવારે એક સમાચારપત્રમાં એક નાના એવા સમાચાર છપાયા હતા કે રાત્રે શહેરમાં વાઘ આવ્યો હતો. પણ સવાલ એ છે કે આખરે આટલા દિવસો બાદ આટલા મોટા શહેરમાં વાઘ આવ્યો કેમ હતો?
શું તે ભૂખ્યો હતો? બીમાર હતો? શું શહેર વિશે તેના વિચાર બદલાઈ ગયા છે?
આ કેટલું અજીબ છે કે તે આવ્યો, તેણે આખા શહેરને તિરસ્કાર અને ઘૃણાથી જોયું, અને જે વસ્તુ જ્યાં હતી તેને ત્યાં જ છોડીને ચૂપચાપ બહાર જતો રહ્યો.
સુબહ કી ધૂપ મેં અપની-અપની ચૌખટ પર સબ ચૂપ હૈ, પર મૈં સુન રહા હું કિ સબ બોલ રહે હૈ...
પૈરોં સે પૂછ રહે હૈ જૂતેં, ગરદન સે પૂછ રહે હૈ બાલ, નખોં સે પૂછ રહે હૈ કંધેં...
બદન સે પૂછ રહી હૈ ખાલ કી કબ આયેગા, ફિર કબ આયેગા બાઘ?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












