ગ્લોબલ વૉર્મિંગ : ગુજરાતમાં ભારે વરસાદ અને યુરોપમાં હીટવેવ, આની પાછળ કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિદાલ અબૂ મરાદ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
યુરોપના મોટાભાગના વિસ્તાર હાલ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા દેશ જબરદસ્ત હીટવેવની ચપેટમાં છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પશ્ચિમ ફ્રાન્સમાં મોટી આફત આવવાની છે કેમ કે આખું યુરોપ ભારે ગરમીનો તાપ સહન કરી રહ્યું છે.
બ્રિટનમાં ગરમી રેકૉર્ડ તોડવા જઈ રહી છે, તો સ્પેન, પોર્તુગલ અને ગ્રીસમાં એવું લાગી રહ્યું છે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય. જંગલોમાં લાગેલી આગે આ દેશોમાંથી હજારો લોકોને ઘર છોડીને ભાગવા માટે મજબૂર કર્યા છે.
ભારત અને પાકિસ્તાનના પણ કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ ભારે ખરાબ છે. અહીં ગરમીની શરૂઆતમાં જબરદસ્ત લૂએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું અને ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી ગયું હતું. ભારે ગરમીના કારણે ઇથોપિયા અને સોમાલિયા દાયકાઓથી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.
અહીં લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે, "જુઓ, જળવાયુ પરિવર્તન દુનિયાના કેવા હાલ કરી રહ્યું છે."
ગુજરાતમાં પણ પહેલાં તો ભયંકર ગરમી અને પછી ભારેથી અતિભારે વરસાદને પગલે આવતું પૂરે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
પરંતુ શું એ જાણવું શક્ય છે કે આપણી આંખો સામે દેખાતા હવામાનના મોટા પરિવર્તન મનુષ્યોના કારણે થઈ રહેલા જળવાયુ પરિવર્તનનું કારણ છે?

જળવાયુ ઍટ્રિબ્યુશન

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલનો સંક્ષિપ્ત જવાબ છે - હા. વૈજ્ઞાનિકો વચ્ચે આ વાતને લઈને સહમતિ છે કે સૈદ્ધાંતિક રૂપે તેઓ આ વાતનો જવાબ આપી શકે છે કે કોઈ પ્રાકૃતિક ઘટનામાં જળવાયુ પરિવર્તનનો કેટલો હાથ છે અથવા આ પ્રકારની ઘટનાઓ તેના કારણે વધી છે.
આ પ્રકારના જવાબ માટે વિજ્ઞાન સાથે જોડાયેલું એક ક્ષેત્ર મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને એક્સટ્રીમ ઇવેન્ટ ઍટ્રિબ્યૂશન કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તુલનાત્મકરૂપે તે વિજ્ઞાનની નવી શાખા છે. લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ઍન્વાયરમૅન્ટલ જિઓગ્રાફીના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. થૉમસ સ્મિથનું કહેવું છે કે ભલે તે તુલનાત્મકરૂપે વિજ્ઞાનની નવી શાખા છે પરંતુ તેનું ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે.
ડૉ. સ્મિથનું કહેવું છે, "2018માં પહેલી વખત (ફ્લૉરેન્સ વાવાઝોડા સમયે) હવામાનમાં મોટા ફેરફાર સાથે જોડાયેલી ઘટનાઓના કારણોનું વિસ્તૃત અધ્યયન થયું હતું. ત્યારથી આ વાતને સમજવા માટે ઘણા અધ્યયન થયા છે કે શું મનુષ્યની ગતિવિધિઓથી થયેલા જળવાયુ પરિવર્તન હવામાનમાં થતા મોટા પરિવર્તનોનું કારણ છે."
"જંગલમાં લાગેલી આગ, વાવાઝોડું, લૂ, દુષ્કાળ અને અતિવૃષ્ટિની ઘટનાઓના વિશ્લેષણ માટે તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે."
વૈજ્ઞાનિકોના સંગઠન વર્લ્ડ વેધર ઍટ્રિબ્યુશને હાલ જ એક એવી ગાઇડ પ્રકાશિત કરી છે, જે હવામાનમાં મોટા પરિવર્તનની ઘટનાઓ અને જળવાયુ પરિવર્તન વચ્ચે સંબંધોને સમજવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ અભ્યાસના પ્રમુખ લેખકોમાંથી એક ઇમ્પિરિયલ કૉલેજ લંડનની જર્મન હવામાન વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ બીબીસીને કહ્યું, "જોકે, વધુમાં વધુ લોકો હવે એ વિશે જાણવા લાગ્યા છે કે ગ્લોબલ વૉર્મિંગ હવામાન સાથે જોડાયેલી ઘટનાઓને કેવી રીતે બદલી રહ્યું છે, પરંતુ હજુ પણ લોકોએ એ વિશે ઓછી જાણકારી છે કે અલગ અલગ વિસ્તારમાં તે કામ કેવી રીતે કરે છે."

જળવાયુ પરિવર્તન એકમાત્ર કારણ નથી

ઇમેજ સ્રોત, WORLD ATTRIBUTION INITIATIVE
ડૉ. ઓટ્ટો અને તેમના સહયોગી તેની સરખામણી ખૂબ સિગરેટ પીતી એવી વ્યક્તિ સાથે કરે છે, જેનાં ફેફસાં ધીમે ધીમે કૅન્સરનો શિકાર થવાં તરફ વધે છે.
તેઓ કહે છે, "આ એવું જ છે જેમ કે ડૉક્ટર એ નથી જણાવી શકતા કે કૅન્સરનું અસલી કારણ ધૂમ્રપાન છે પરંતુ તેઓ નિશ્ચિતરૂપે એ કહેવાની સ્થિતિમાં હોય છે કે સિગરેટના કારણે એ લક્ષણ વધારે વકર્યું હશે."
"એ જ રીતે માત્ર જળવાયુ પરિવર્તન હવામાનમાં કોઈ પરિવર્તન માટે જવાબદાર હોઈ શકતું નથી કેમ કે હવામાન સાથે જોડાયેલી તમામ ઘટનાઓના ઘણા કારણ હોઈ શકે છે. પરંતુ ગ્લોબલ વૉર્મિંગ આવી ઘટનાઓથી તીવ્રતાને પ્રભાવિત કરી શકે છે."
એટલે કે તેનાથી અનુમાન લગાવી શકાય છે કે જળવાયુ પરિવર્તનના કારણે હવામાન સાથે જોડાયેલી ઘટનાઓ કેવી હોઈ શકે છે. એ સાથે જ એ પણ અનુમાન લગાવી શકાય છે કે આવી ઘટનાઓની લોકો, સંપત્તિઓ અને પ્રકૃતિ પર શું અસર પડે છે.

તે કામ કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ રીતમાં કમ્પ્યૂટર મૉડલોનો ઉપયોગ થાય છે. બે કમ્પ્યૂટરમાં બે પરિદૃશ્ય બતાવવામાં આવે છે. પહેલું કમ્પ્યૂટર કોઈ ખાસ દિવસનું જળવાયુ બતાવે છે, તેમાં મનુષ્યોની ગતિવિધિઓના કારણે થયેલું જળવાયુ પરિવર્તન સામેલ છે.
તેનો મતલબ એ છે કે ક્લાઇમેટ મૉડલ સિમ્યુલેશનને વારંવાર જોઈને વર્તમાન જળવાયુમાં ઘણી ઋતુઓને સમજી શકાય છે.
બીજા પ્રયોગ અંતર્ગત ગ્રીન હાઉસ ઉત્સર્જનના પ્રભાવને હઠાવી દેવામાં આવે છે. તેની સાથે જ ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના જળવાયુ સાથે હળતાં-મળતાં જળવાયુનું સિમ્યુલેશન (એક જેવી સ્થિતિ) તૈયાર કરવામાં આવે છે.
ત્યારબાદ વૈજ્ઞાનિક એ વાતની ગણના કરે છે કે બંને મામલે કેટલી વખત હવામાનમાં મોટાં પરિવર્તન નોંધાયાં હતાં. એટલે કે આ મોટાં પરિવર્તન ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિમાં કેટલી વખત થયાં અને કેટલાં તેની વગર થયાં.
તેમની સરખામણી કરી તેઓ એ જણાવી શકે છે કે પહેલાં પરિદૃશ્ય અંતર્ગત હવામાન સાથે જોડાયેલી કોઈ ઘટના ત્રણ વખત થઈ છે તો મનુષ્યોની ગતિવિધિઓથી ઉત્પન્ન થયેલા ગ્લોબલ વૉર્મિંગના કારણે આવું થવાની શક્યતા ત્રણગણી હોઈ શકે છે.

હીટવેવ પર જળવાયુ પરિવર્તનની અસર

ઇમેજ સ્રોત, Getty Images
ભારે તપતપતી ગરમીના કારણે જળવાયુ પરિવર્તન પણ થઈ શકે છે. પરંતુ વ્યવ્હારિક રૂપે હવામાનમાં મોટા પરિવર્તનનું સ્તર જળવાયુ પરિવર્તનના સ્તર પર નિર્ભર કરે છે.
ડૉ. ઓટ્ટો કહે છે, "ગ્લોબલ વૉર્મિંગના કારણે બધી હીટવેવ પર જળવાયુ પરિવર્તનની અસર થાય છે."
હવે સવાલ એ છે કે જ્યારે કોઈ દેશ આ પ્રકારના હવામાનમાં પરિવર્તનનો સામનો કરી રહ્યો હોય તો ગ્લોબલ વૉર્મિંગે તેને કેટલું ખરાબ કર્યું છે કે પછી તેમાં થોડો ઘટાડો કર્યો છે?
ડૉ. ઓટ્ટો કહે છે, "જ્યારે અમે 2021માં સાઇબેરિયામાં હીટવેવ જોઈ હતી, તો જાણવા મળ્યું હતું કે જળવાયુ પરિવર્તનના કારણે એવું થયું છે. જો જળવાયુ પરિવર્તન ન થયું હોત તો એવી સ્થિતિ ન હોત."
તેઓ કહે છે, "અમે 2019માં યુરોપિયન દેશોમાં આવેલી કેટલીક હીટવેવનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ કારણે તાપમાનમાં પાંચ ગણો વધારો થયો છે."
વર્લ્ડ વેધર ઍટ્રિબ્યુશનના નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદનો મામલો વધારે સીધો છે કેમ કે ગરમ હવાના કારણે વધારે ભીનાશ બને છે.
જોકે, વાવાઝોડું, દુષ્કાળ, પૂર અને જંગલમાં આગ જેવી ઘટનાઓ માટે એ સવાલ હજુ પણ છે કે તેમાં જળવાયુ પરિવર્તનની ભૂમિકા કેટલી છે?
આ નિષ્ણાતોનું માનવું છે કે દુષ્કાળ ઘણાં કારણોથી પડે છે. તેમાં ઓછો વરસાદ, ઊંચું તાપમાન અને જળવાયુ અને જમીનનો પરસ્પર સંબંધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પૂર પણ ઘણા કારણોસર આવી શકે છે. નિશ્ચિતરૂપે તેમાં વધારે વરસાદની ભૂમિકા હોય છે, પરંતુ તેમાં મનુષ્યની ગતિવિધિઓનો પણ હાથ હોય છે. જેમ કે જમીનના ઉપયોગની રીત અને જમીનની સીમા બાંધવા સાથે જોડાયેલી ગતિવિધિઓ.
નિષ્ણાતોનું કહેવું છે કે દર વર્ષે આવતા વાવાઝોડાની સંખ્યા તો ઘટી નથી પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે તેની ભયાનકતા વધી છે. જ્યાં સુધી જંગલમાં આગ લાગવાની ઘટનાઓનો સવાલ છે તો તેની સાથે જોડાયેલા આંકડાં મર્યાદિત છે જે ઍટ્રિબ્યૂશન સ્ટડીઝને પડકારપૂર્ણ બનાવી દે છે. પરંતુ તેમનું માનવું છે કે આગ લાગવાની ઘટના બધા જ મહાદેશોમાં વધી રહી છે.

જળવાયુ પરિવર્તન સમાનતા અને ન્યાય માટે સૌથી મોટો ખતરો

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ઓટ્ટો માને છે કે દુનિયામાં સમાનતા અને ન્યાયના રસ્તે જળવાયુ પરિવર્તન સૌથી મોટો ખતરો છે. તેમનું માનવું છે કે વૈજ્ઞાનિકોના સમૂહોનું અધ્યયન જળવાયુ પરિવર્તનને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
તેઓ કહે છે, ઘણી વખત ઔપચારિક રિપોર્ટ્સનાં પ્રાકૃતિક આફતો માટે તુરંત જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવી દેવામાં આવે છે. જોકે, એ જરૂરી છે કે આ પ્રકારના હવામાનમાં પરિવર્તન માટે તાપમાનમાં વધારાને જવાબદાર ગણાવવાની પ્રવૃત્તિથી બચવામાં આવે.
તેઓ કહે છે, "અમારી ટીમના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મેડાગસ્કરમાં 2021ના દુષ્કાળનું કારણ જળવાયુ પરિવર્તન ન હતું."
જળવાયુ પરિવર્તનનું અધ્યયન કરતાં લોકોનું કહેવું છે કે ઍટ્રિબ્યુશનનો ઉપયોગ કાર્બન ઉત્સર્જન કરનારા લોકોને કોર્ટમાં લઈ જવા માટે થઈ શકે છે. તેના આધારે તેમની પાસે વળતર માગવામાં આવી શકે છે.
ડૉ. ઓટ્ટોનું કહેવું છે કે આ પ્રકારના અધ્યયન આપણને જળવાયુ પરિવર્તન અને તેનાથી થતાં નુકસાન અને દુર્ઘટનાઓને સમજવામાં મદદ કરે છે.
તેઓ કહે છે, "તેનાથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કેટલું ઉત્સર્જન કર્યું છે. પરંતુ આપણી પાસે જળવાયુ પરિવર્તનના અસરની ઇવેન્ટ્રી નથી. આ પ્રકારના અધ્યયન એટલે કે ઍટ્રિબ્યુશન આપણને આ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















