ચાર ધામ યાત્રા: હિમાલયમાં પ્રવાસનને કારણે સર્જાતી કુદરતી સમસ્યાઓ અંગે નિર્ણાયક કદમ લેતા ખચકાટ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત તરફના હિમાલયમાં અનેક હિન્દુ આસ્થાનાં સ્થાનકો છે અને તેની દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે. આ યાત્રાધામોમાં સમયાંતરે કુદરતી આફતો સર્જાતી રહે છે, આ આફતોમાં હજારો લોકો માર્યા ગયા છે. પર્યાવરણવાદીઓ કહે છે કે સદીઓ જૂની પરંપરાઓ અને હિમાલય બંનેને બચાવવા માટે સંતુલિત અભિગમની જરૂર છે. બીબીસીનાં શરણ્યા હૃષિકેશ અહેવાલ રજૂ કરે છે.
2021માં, કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં 100 વર્ષોમાં આવ્યા હતા એ કરતાં વધુ પ્રવાસીઓ આગામી એક દાયકામાં ઉત્તરાખંડની મુલાકાત લેશે.
તેમણે જણાવ્યું હતું કે, આ મોટા ભાગે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકારને બહુમતી હિંદુઓનો ટેકો છે અને આ સરકાર દ્વારા પ્રસિદ્ધ તીર્થસ્થાનો સાથે જોડાણ સુધારવા માટેના મુખ્ય માળખાગત વિકાસને આભારી હોઈ શકે છે.
પર્વતીય રાજ્ય ઉતરાખંડમાં હિમાલયનાં અનેક શિખરો અને હિમનદીઓ સ્થિત છે, અહીં હિંદુઓનાં કેટલાંક પવિત્ર તીર્થસ્થાનો છે, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના મંદિરનાં નગરોનો સમાવેશ થાય છે જે હિમાલયની ચાર ધામ યાત્રા (ચાર તીર્થસ્થાનો)નો ભાગ છે.
હિમાલયમાં અમરનાથ ગુફા મંદિર અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર સહિત અન્ય ઘણાં પૂજનીય સ્થળો છે.
સદીઓથી, શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન માટે ભારે ઠંડી અને દુર્ગમ પર્વતીય માર્ગોનો સામનો કરતા આવ્યા છે, કેટલાંક દેવસ્થાનો તો વર્ષમાં માત્ર થોડા મહિનાઓ માટે જ ખુલ્લાં હોય છે.
જોકે નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે દાયકાઓમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. વાહન અને માર્ગની સુગમતાને સમાવતા માળખાકીય વિકાસથી ભૂકંપ અને ભૂસ્ખલન માટે સંવેદનશીલ એવા આ પ્રદેશના નાજુક ઇકૉલૉજિકલ સંતુલનને નુકસાન થઈ રહ્યું છે.
તેઓ કહે છે કે, સદીઓ જૂની પરંપરાઓ સંકળાયેલી હોય ત્યારે પ્રતિબંધ એ ઉકેલ ન હોઈ શકે, પરંતુ ધાર્મિક લાગણીઓનો અનાદર કર્યા વિના નિયમનકારી પગલાં લઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયાની લા ટ્રૉબ યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર કિરણ શિંદે કહે છે, "આ નાજુક પ્રદેશોમાં વધુ પડતો અને વારંવાર હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પહેલાં દૂરના વિસ્તારોના ગ્રામવાસીઓએ એક રસ્તો બને એ માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. હવે, સુવિધાઓમાં ભારે ઉછાળો આવ્યો છે - પરંતુ તેઓ સ્થાનિકોને તેટલી સગવડ આપતા નથી. જે તેઓ અન્ય રાજ્યોના લોકોને આપે છે."
પ્રોફેસર શિંદેએ ધાર્મિક પ્રવાસન અને શહેરી આયોજન પર વ્યાપકપણે કામ કર્યું છે.

હિમાલયમાં વિકાસકાર્યો અને પ્રકૃતિ સાથે સંતુલન અંગેની મુશ્કેલીઓ - સંક્ષિપ્તમાં

- ભારત તરફના હિમાલયમાં અનેક હિન્દુ આસ્થાનાં સ્થાનકો છે અને તેની દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે
- 2021માં, કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં 100 વર્ષોમાં આવ્યા હતા એ કરતાં વધુ પ્રવાસીઓ આગામી એક દાયકામાં ઉત્તરાખંડની મુલાકાત લેશે
- પર્યાવરણવાદીઓ કહે છે કે સદીઓ જૂની પરંપરાઓ અને હિમાલય બંનેને બચાવવા માટે સંતુલિત અભિગમની જરૂર છે
- પરંતુ સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં સમસ્યાઓ વિવિધ અને અનેક સ્તરની હોય છે.
- વધતાં તાપમાનથી હિમાલયમાં ભૂસ્ખલનનું આવર્તન વધી રહ્યું છે, જે લોકો માટે જોખમ વધારી શકે છે

ચાર ધામ પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Getty Images
મોટા પાયે ધાર્મિક સમારોહોનું સંચાલન કરવું હંમેશાં મુશ્કેલ કાર્ય હોય છે. ભારતમાં ચાર રાજ્યોમાં યોજાતા કુંભ મેળા જેવા સમારોહ સફળતાપૂર્વક હાથ ધરાઈ રહ્યા છે.
પરંતુ સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં સમસ્યાઓ વિવિધ અને અનેક સ્તરની હોય છે.
આ પ્રદેશમાં મહત્ત્વાકાંક્ષી ચાર ધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ સહિતની અનેક માળખાકીય પહેલને પર્યાવરણવાદીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા પર્યાવરણીય આધાર પર પડકારવામાં આવી રહી છે.
વરિષ્ઠ પર્યાવરણવાદી રવિ ચોપરાએ ચાર ધામ પ્રોજેક્ટ અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું. તેમણે એક પત્રમાં લખ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશથી "નિરાશ" થયા છે અને કોર્ટના આદેશમાં સમિતિ દ્વારા સૂચિત રસ્તાની પહોળાઈ અંગેની ભલામણોને અવગણવામાં આવી હતી.
તેમણે લખ્યું, "સસ્ટેનેબલ ડેવલપમૅન્ટમાં એવો અભિગમ હોવો જોઈએ જે ભૌગોલિક અને ઇકૉલૉજિકલી બંને રીતે યોગ્ય હોય... સભ્ય (સમિતિના) તરીકે, મેં એક સમયના અભેદ્ય હિમાલયને ખંડિત થતા જોયો છે."
આમાં બીજી ચિંતાઓ પણ જોડાયેલી છે.
સંશોધકોની એક ટીમે ફેબ્રુઆરી 2021માં ઉત્તરાખંડમાં 200થી વધુ લોકોનાં મોત નિપજાવનારી આવેલી પૂર હોનારતનો અભ્યાસ કર્યો હતો. તેણે એક અહેવાલમાં જણાવ્યું હતું કે વધતાં તાપમાનથી હિમાલયમાં ભૂસ્ખલનનું આવર્તન વધી રહ્યું છે, જે લોકો માટે જોખમ વધારી શકે છે.
મોટાભાગના દેશોની જેમ, ભારત પણ વારંવાર આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરી રહ્યું છે, જેને કેટલાક અભ્યાસોએ આંશિક રીતે આબોહવા પરિવર્તનને આભારી ગણાવી છે.
અગાઉ જુલાઈમાં, અમરનાથ મંદિરની નજીકના હંગામી કૅમ્પમાં અચાનક પૂર આવતાં ઓછામાં ઓછા 16 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા.
એક ટોચના હવામાન વૈજ્ઞાનિકે પત્રકારોને જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી પૂર આવ્યું હોઈ શકે છે, વાદળ ફાટવાના કારણે "અચાનક ભારે વરસાદ પડ્યો જેને અમારું સ્વચાલિત હવામાન સ્ટેશન પકડી શક્યું નથી".
જમ્મુ અને કાશ્મીરના હવામાનવિભાગનાં ડાયરેક્ટર સોનમ લોટસે ઉમેર્યું હતું કે, "અમારી પાસે ત્યાં વરસાદ માપવાનું કોઈ સાધન નથી કારણ કે તે એકદમ અંતરિયાળ વિસ્તાર છે."

કેદારનાથમાં રેકર્ડ શ્રદ્ધાળુઓ

ઇમેજ સ્રોત, Getty Images
2013માં, કેદારનાથને ચોમાસાના ભારે વરસાદને કારણે આવેલા વિનાશક પૂરથી ફટકો પડ્યો હતો, એ પૂરમાં હજારો લોકો તણાઈ ગયા હતા. પીડાદાયક સ્મૃતિ છતાં તીર્થયાત્રીઓનો પ્રવાહને મંદિરની મુલાકાત લેતા અટકાવી શકાયો નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં 2019ના દસ લાખ દર્શનાર્થીઓનો રેકર્ડ તૂટી જવાની અપેક્ષા છે.
એ હકીકત છે કે આ પ્રવાસીઓ રાજ્ય સરકારોને અત્યંત જરૂરી એવી પ્રવાસનની આવક પૂરી પાડે છે તેથી સરકાર આકરાં પગલાં લેતા ખચકાય છે.
ડૉ. શિંદે કહે છે કે ધાર્મિક પર્યટનને ખાળવાની વાત આવે ત્યારે મોટેભાગે "સંસ્થાકીય શૂન્યાવકાશ" સર્જાય છે.
તેમણે 2018નાં પેપરમાં લખ્યું હતું, "જ્યારે ધાર્મિક પાત્રો સ્થાનિક સ્તરે ધાર્મિક પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થાના પ્રમોશન અને સંચાલનમાં સક્રિયપણે ભાગ લે છે, ત્યારે તેઓ ભાગ્યે જ નકારાત્મક પર્યાવરણીય અસરોને ધ્યાને લેવાની જવાબદારીઓ નિભાવે છે."
જ્યારે વધી રહેલી આર્થિક સગવડતાના પગલે દેશભરના અને વિદેશના પણ ઘણા લોકો આ પવિત્ર મંદિરોની મુલાકાત લેતા થયા છે. ત્યારે નિષ્ણાતો કહે છે કે પ્રક્રિયા "સર્વાંગી પુનર્વિચાર" માંગી લે છે.
પર્યાવરણવિદ શ્રીધર રામામૂર્તિ કહે છે, "લાસ્ટ માઈલ (યાત્રાધામ સુધી)નો અભિગમ યાત્રાળુઓ માટે થોડો વધુ મુશ્કેલ બનાવવો જોઈએ. હાલમાં, માત્ર ગંતવ્ય સ્થાન જ નહીં, પણ રસ્તામાં વચ્ચેની જગ્યાઓમાં ભારે દબાણો થયાં છે."

ભૂપ્રદેશની ક્ષમતા અનુસાર યાત્રાળુઓની સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. શિંદે કહે છે કે પર્યાવરણીય રીતે નાજુક તીર્થસ્થળો માટે વધુ સારી નીતિઓ વિકસાવવા માટે સત્તાવાળાઓએ વધુ હિતધારકો સાથે વાત કરવાની પણ જરૂર છે.
તેઓ કહે છે, "મોટાભાગની તીર્થયાત્રાની અર્થવ્યવસ્થા અસંગઠિત છે, ભક્તો માટે ધાર્મિક સમારંભો કરાવતા સ્થાનિક પૂજારીઓથી માંડીને તીર્થયાત્રીઓને ટટ્ટુ પર મંદિર સુધી લઈ જતા લોકો સુધી."
મોટાભાગના નિષ્ણાતો એ વાતે સહમત છે કે ભૂપ્રદેશની ક્ષમતા અનુસાર યાત્રાળુઓની સંખ્યાને નિયંત્રિત કરવી જરૂરી છે.
ડૉ. શિંદે ઉમેરે છે કે આ ઉપરાંત, જાગૃતિ કાર્યક્રમો પણ થોડો ફરક લાવી શકે છે.
તેઓ કહે છે, "સાચો સંદેશો ફેલાય એ જરૂરી છે. સત્તાવાળાઓએ જાહેરાતો અને જાહેર સેવા પ્રસારણકર્તાઓ મારફતે મુસાફરીમાં સંકળાયેલા જોખમો અને ખતરાઓ ઉપર પ્રકાશ પાડતી અપડેટ કરેલી માહિતી નિયમિતપણે પ્રસારિત કરવી જોઈએ."
નિરીક્ષકો કહે છે કે આવા સંવેદનશીલ વિષય પર પ્રતિબંધોની જાહેરાત કરવામાં રાજકીય જોખમો હોઈ શકે છે, દેશના સૌથી લોકપ્રિય રાજનેતા પીએમ મોદી તેમ કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ














