ભારતમાં મોઘવારી ઘટવાની આશા કેટલી કે ભાવો આ રીતે જ સતત વધતા રહેશે?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય અર્થતંત્ર હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. કોવિડ મહામારીની અસર ઓછી થઈ એ પછી, દેશની ખરાબ અર્થવ્યવસ્થા રિકવર થશે એવી અપેક્ષા હતી. પરંતુ મોઘવારી અને ઝડપથી સતત ગગડી રહેલા રૂપિયાએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ વધુ અઘરું કરી દીધું છે.
જૂનમાં દેશમાં છૂટક મોંઘવારી દર 7.01 ટકા હતો. જોકે મે મહિનામાં તે 7.04 ટકાથી ઓછો હતો પરંતુ તેમ છતાં તે આરબીઆઈની મહત્તમ મર્યાદા એટલે કે 6 ટકાથી વધુ છે.
બીજી તરફ ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. મંગળવારે ડૉલર સામે રૂપિયો ગગડીને 80ના સ્તરને પાર કરી ગયો હતો. ડૉલર મોઘોં થવાને કારણે ભારતની આયાત મોઘીં થઈ રહી છે અને તેના કારણે સ્થાનિક બજારમાં વસ્તુઓની કિંમતો પણ વધી રહી છે.

સંક્ષિપ્તમાં: ગગડતો રૂપિયો, વધતી મોઘવારી - ભારતીય અર્થતંત્રના કેવા હાલ છે?

- જૂનમાં દેશમાં છૂટક મોંઘવારી દર 7.01 ટકા હતો
- મંગળવારે ડૉલર સામે રૂપિયો ગગડીને 80ના સ્તરને પાર કરી ગયો હતો
- વિશ્વમાં મોઘવારી વધી તેનું મુખ્ય કારણ કોવિડના કારણે અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પુરવઠાની સમસ્યા ઉપરાંત તેલ અને ખાદ્યચીજોની કિંમતોમાં વધારો છે
- વિશ્લેષક આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવાના પગલાંને યોગ્ય માને છે
- તેઓ કહે છે, આપણે વ્યાજદરમાં વધારો કરીને રોકાણકારોને ન રોકીએ તો અહીંથી ડૉલર જવાનું શરૂ થઈ જશે. તેનાથી આપણો રૂપિયો વધુ નબળો પડશે
- મોઘવારી સતત વધી રહી છે એવા સમયે સરકારે કેટલીય જરૂરી વસ્તુઓ પર જીએસટી વધારવાનો નિર્ણય કેમ લીધો?
- શું ભારતમાં મોઘવારીનો વધેલો દર હવે કાયમી બની જશે? શું હવે અહીં મોઘવારી કાયમ માટે સાત-આઠ ટકા કે તેથી વધુ રહેશે?

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં મોઘવારી વધી છે અને તેનું મુખ્ય કારણ કોવિડના કારણે અને તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પુરવઠાની સમસ્યા ઉપરાંત તેલ અને ખાદ્યચીજોની કિંમતોમાં થયેલો વધારો છે.
પરંતુ ભારતમાં કોવિડ મહામારીને કારણે લથડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવાનાં માર્ગમાં તે એક મોટો પડકાર બની ગયો છે. કોવિડના કારણે ભારતીયોની આવકમાં થયેલો ઘટાડો જોતા તે સામાન્ય લોકોને પહેલાં કરતાં વધુ તકલીફ આપી રહ્યો છે.
આર્થિક વિશ્લેષક પૂજા મહેરા કહે છે, "કોવિડ પહેલાં પણ ભારતમાં મોઘવારી દર ઊંચો હતો. કોવિડમાં સપ્લાય મોરચે સમસ્યાઓને કારણે મોઘવારી વધી છે. આ ઉપરાંત 2019માં આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ પણ તેમાં કારણભૂત હતી. પરંતુ તાજેતરની મોઘવારી પાછળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાનો મોટો હાથ છે."
પૂજા મહેરા કહે છે, "સરકારની નીતિઓને કારણે ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. ચૂંટણી પૂરી થવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે એકાએક મોઘવારી વધી ગઈ છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો અને તેની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી. તો કોવિડમાં સપ્લાયને લગતી સમસ્યા અને વર્તમાન રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મોઘવારી વધી છે."

'મોઘવારી રોકવા રેપો રેટ વધારવાનું યોગ્ય પગલું'

ઇમેજ સ્રોત, Getty Images
પૂજા મહેરા આ સ્થિતિમાં આરબીઆઈ દ્વારા રેપો રેટ (જે વ્યાજ દર પર આરબીઆઈ બૅન્કોને ધિરાણ આપે છે) વધારવાના પગલાંને યોગ્ય માને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "જો આરબીઆઈ દ્વારા રેપો રેટ ન વધારાયો હોત તો રોકાણકારોને વધુ વ્યાજ ન આપી શકાત અને તો રોકાણકારો અહીંથી પૈસા ઉપાડીને બહાર લઈ જાત. યુએસ સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી રહી છે તેથી આપણે ત્યાંથી ડૉલરનું જવું શરૂ થઈ ચૂક્યું છે. મતલબ કે, રોકાણકારો તેમને વધું વ્યાજ મળી રહ્યું છે ત્યાં રોકાણ કરી રહ્યા છે.
"તેથી જો આપણે વ્યાજદરમાં વધારો કરીને રોકાણકારોને ન રોકીએ તો અહીંથી ડૉલર જવાનું શરૂ થઈ જશે. તેનાથી આપણો રૂપિયો વધુ નબળો પડશે. નબળો પડતો રૂપિયો આપણી આયાત વધુ મોંઘી કરશે અને મોઘવારી છે એથી પણ વધી જશે."

શું જીએસટી વધારવો એ યોગ્ય પગલું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મોઘવારી સતત વધી રહી છે એવા સમયે સરકારે કેટલીય જરૂરી વસ્તુઓ પર જીએસટી વધારવાનો નિર્ણય કેમ લીધો? શું આ લોકો પર બેવડો માર નથી?
આ પ્રશ્નના જવાબમાં પૂજા મેહરા કહે છે, "જ્યારે જીએસટીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સરેરાશ ન્યૂટ્રલ દર 12 ટકા રાખવાની વાત થઈ હતી. પરંતુ રાજકીય કારણોસર ઘણાં રાજ્યોએ માગ કરી હતી કે આ દર ઓછો રાખવો જોઈએ. તેથી, કેટલીક આવશ્યક વસ્તુઓ પર કોઈ જીએસટી લાગુ કરવામાં આવ્યો ન હતો અને કેટલીક વસ્તુઓ પર 5-10 ટકા ટૅક્સ વસૂલવામાં આવ્યો હતો. પરંતુ તેને કારણે સરકારની આવકમાં ઘટાડો થવા લાગ્યો છે."
તેઓ કહે છે, "પહેલેથી જ રિયલ એસ્ટેટ, પેટ્રોલ જેવી પ્રોડક્ટ્સ જીએસટીના દાયરામાં છે. તેથી જીએસટી દ્વારા જેટલો આવકનો લક્ષ્યાંક હતો તેટલી આવી રહી નથી. આ જ કારણે સરકારે જીએસટીના દરમાં વધારો કર્યો છે. જીએસટી દ્વારા ટૅક્સ નહીં આવે તો દેશનો ખર્ચ કેવી રીતે ચાલશે?"

શું મોંઘવારીનો આ દર હવે કાયમી છે?

શું ભારતમાં મોઘવારીનો વધેલો દર હવે કાયમી બની જશે? શું હવે અહીં મોઘવારી કાયમ માટે સાત-આઠ ટકા કે તેથી વધુ રહેશે?
પૂજા મેહરા કહે છે, "વિદેશના સંદર્ભમાં ન્યૂ-નૉર્મલની વાત થઈ રહી છે. ત્યાં મોઘવારી દર બે ટકાની આસપાસ રહેતી હોવાથી, મોઘવારીના વધેલા દરને ત્યાં ન્યૂ-નૉર્મલ તરીકે જોવામાં આવે છે. ચીનથી આવતા સસ્તા માલને કારણે તેમને ત્યાં મોઘવારી ઓછી હતી. પરંતુ હાલ ચીન તરફથી પુરવઠાની સમસ્યાને કારણે તેમને ત્યાં ઉત્પાદિત સામાન મોઘોં થઈ ગયો છે. બીજું, તેઓ હવે ચીન પર વધુ નિર્ભર રહી શકે તેમ નથી."
તેઓ કહે છે, "રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ત્યાં પુરવઠાની સમસ્યા પણ થઈ છે. પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં આ વધેલો મોઘવારી દર આગળ જતા નીચે આવી શકે છે. આપણી પાસે પહેલેથી જ મોઘવારી દર ઊંચો છે. તેથી, આરબીઆઈને મોઘવારી દરને 4 ટકા સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ચાર ટકાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પૂજા મેહરા કહે છે, "વાસ્તવમાં આરબીઆઈએ કોવિડ સમયે ઘણી બધી નોટો છાપી હતી જેથી સરકારને લોન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે. મોઘવારી વધારવામાં તેનો પણ હાથ હતો. હવે સરકાર આ લિક્વિડિટીને શોષવાનો પ્રયાસ કરી રહી છે. જેથી આગળ જતાં મોઘવારી પર કાબૂ મેળવી શકાય છે. પરંતુ જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલ મોઘું રહેશે ત્યાં સુધી અહીં મોઘવારીને કાબૂમાં રાખવી મુશ્કેલ બનશે. કારણ કે આપણે આપણી જરૂરિયાતના બે તૃતીયાંશ તેલ બહારથી મેળવીએ છીએ. આપણે આના પર ઘણા પૈસા ખર્ચીએ છીએ."

નબળા રૂપિયાની મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Getty Images
મોઘવારી સાથે વધુ એક બાબત ભારતને પરેશાન કરી રહી છે. અને તે છે ડૉલર સામે રૂપિયાનું સતત નબળું પડવું. જો કે, નિકાસના દૃષ્ટિકોણથી તે સારું છે. પરંતુ ભારત નિકાસ કરતાં વધુ આયાત કરે છે. તેથી, તેના વિદેશી વિનિમય ભંડારમાં ઉપલબ્ધ ચલણ, ખાસ કરીને ડૉલરનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. આખરે, રૂપિયો ગગડતો ક્યારે અટકશે અને ભારત આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશે?
વરિષ્ઠ પત્રકાર અને આર્થિક વિશ્લેષક આલોક જોશી કહે છે, "નબળો રૂપિયો નિકાસ માટે સારો છે. રૂપિયાની નબળાઈને બદલે ડૉલરની મજબૂતાઈ વધી રહી છે એમ કહેવું વધુ યોગ્ય છે. વાસ્તવમાં, તે યુએસ ફેડરલ રિઝર્વ તરફથી લિક્વિડિટીને શોષવાનું પરિણામ છે.
તેઓ કહે છે, "કોવિડ દરમિયાન, ફેડરલ રિઝર્વે ઘણાં ડૉલર છાપ્યા હતા. હવે તેને પાછી ખેંચવામાં આવી રહ્યા છે. આ કામ વ્યાજદર વધારીને કરવામાં આવી રહ્યું છે. તેથી ઊંચા વ્યાજદરને કારણે વિશ્વભરમાંથી ડૉલર અમેરિકા તરફ આવી રહ્યા છે. જે રોકાણકારો ભારતમાં રોકાણ કરતા હતા તેઓ હવે અમેરિકા જઈ રહ્યા છે કારણ કે તેમને ત્યાં વધુ વ્યાજ મળી રહ્યું છે. તેના કારણે ડૉલર સામે માત્ર રૂપિયો જ નબળો નથી પડ્યો. તેની તુલનાએ વિશ્વના તમામ દેશોનું ચલણ નબળું પડ્યું છે."
આલોક જોશી રૂપિયાના અવમૂલ્યનને વધારે ખરાબ બાબત નથી માનતા.
તેઓ કહે છે, "આપણા માટે ડૉલરની મજબૂતાઈ અને રૂપિયામાં અવમૂલ્યન ફાયદાકારક છે કારણ કે તેનાથી વિશ્વમાં આપણો માલ સસ્તો થશે અને આપણી નિકાસને ફાયદો થશે." ચીન, બાંગ્લાદેશ જેવા દેશોએ તેમના ચલણનું અવમૂલ્યન કરીને વિશ્વ બજારમાં પોતાનો માલ સસ્તો રાખ્યો છે અને તેનો ફાયદો તેમને મળ્યો છે. આપણને ડૉલરની જરૂર છે જેથી આપણે વિશ્વ બજારમાં સસ્તો માલ વેચીને વધુ ડૉલર કમાઈ શકીએ. કારણ કે આપણે વધુ આયાત કરવી પડે છે અને તે માટે આપણને ડૉલરની જરૂર છે."

શું સરકારે રૂપિયાને મજબૂત કરવા માટે પગલાં લેવા જોઈએ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પ્રશ્ન પર આલોક જોશી કહે છે, "રૂપિયો કૃત્રિમ રીતે મજબૂત કરી શકાય છે. પરંતુ તે ભારત માટે નુકસાનકારક સાબિત થશે. તેના બદલે સરકારે ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા જોઈએ જેથી તેઓ નિકાસ કરે અને ડૉલર કમાય."
ભારતમાં ઘણા લોકો પૂછે છે કે શું ભારતની સ્થિતિ પાકિસ્તાન અથવા શ્રીલંકા જેવી થઈ શકે છે, જ્યાં સ્થાનિક ચલણમાં ભારે ઘટાડો થયો છે અને અર્થવ્યવસ્થા ડગમગી રહી છે?
આલોક જોશી કહે છે કે આ દેશો સાથે ભારતની સરખામણી કરવી અર્થહીન છે. આવી સ્થિતિ ભારતમાં ક્યારેય નહીં આવે. ભારતનું સ્થાનિક બજાર ઘણું મજબૂત છે અને તેની અર્થવ્યવસ્થાનું કદ પણ ઘણું મોટું છે. આથી ભારતમાં પાકિસ્તાન અને શ્રીલંકા જેવી પરિસ્થિતિની કલ્પના કરવી મૂર્ખામીભર્યું ગણાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













