પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘઉંનો લોટ પણ મોંઘો થયો, મોંઘવારી માટે જવાબદાર કોણ?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
એક વર્ષ પહેલાં ભારતના છૂટક બજારમાં ઘઉંના લોટની કિંમત 2880 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. હવે તે વધીને 3291 રૂપિયા ક્વિન્ટલ થઈ ગઈ છે. એટલે ઘઉંના લોટના ભાવમાં ગત એક વર્ષમાં છૂટક બજારમાં પ્રતિ ક્વિન્ટલ અંદાજે 400 રૂપિયાનો વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા ઘરના લોટના બજેટ પર પણ કંઈક આ પ્રકારે જ અસર પડી હશે. વર્ષ 2010 પછી લોટના ભાવમાં આ વખતે રેકૉર્ડ વધારો જોવા મળી રહ્યો છે.
આખરે કેમ? આ રિપોર્ટમાં આ સવાલનો જવાબ તપાસવાનો એક પ્રયત્ન કરીશું.

માર્ચ અને એપ્રિલમાં ભયંકર ગરમી

ઇમેજ સ્રોત, Getty Images
ઘઉંની ખેતી ઉત્તર ભારતમાં વધારે થાય છે. મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશમાં પણ ઘઉંની ઉપજ વધારે છે. ઘઉં લણવાનું કામ મોટાભાગના વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં થાય છે.
આ વર્ષે ઉત્તર ભારતમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો નવો વિક્રમ સર્જાયો, જેના કારણે ઘઉંના ઉત્પાદન પર અસર થઈ છે.
ઘઉંને માર્ચ સુધી 25-30 ડિગ્રી સેલ્સિયસના તાપમાનની જરૂર હોય છે, પરંતુ માર્ચમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પારો આનાથી ઉપર હતો.
સરકારી ફાઇલોમાં ઘઉંનું ઉત્પાદન 5 ટકા જેટલું ઓછું ગણાવવામાં આવી રહ્યું છે.
રુરલવોઇસ ડૉટ ઇન સાથે જોડાયેલાં વરિષ્ઠ પત્રકાર હરવીરસિંહ કહે છે કે, "પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે મેં વાત કરી. 15-25 ટકા ઉત્પાદન આ વખતે ઓછું થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોટ માટે ઘઉંની જરૂર પડે છે. ઉત્પાદન ઓછું થવાના કારણે ઘઉંના ભાવ પર અસર પડે. ઘઉંની કિંમતમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ આ છે.

રશિયા અને યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
વૈશ્વિક પરિસ્થિતિઓએ પણ ઘઉંના ભાવમાં વધારો કરવામાં યોગદાન આપ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના કારણે ભારતમાં ઘઉંની કિંમત થોડી વધી ગઈ.
વિશ્વમાં ઘઉંની નિકાસ કરનારા ટૉપ 5 દેશોમાં રશિયા, અમેરિકા, કૅનેડા, ફ્રાન્સ અને યુક્રેન છે. આમાંથી ત્રીસ ટકા નિકાસ રશિયા અને યુક્રેન કરે છે.
રશિયાના અડધા ઘઉં ઇજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ ખરીદે છે. જ્યારે યુક્રેનના ઘઉં ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, તુર્કી અને ટ્યૂનિશિયા ખરીદે છે.
ઘઉંની નિકાસના મામલે હવે દુનિયાના બે મોટા દેશ એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હોય, ત્યારે તેમના ગ્રાહક દેશમાં ઘઉંનો સપ્લાય અટકે તે સહજ સમજાય તેવી બાબત છે.
યુદ્ધ શરૂ થયું તેનાં કેટલાંક અઠવાડિયાં પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં ઘઉંના નિકાસકારોને એક અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું, "હાલના દિવસોમાં દુનિયામાં ભારતના ઘઉં તરફ આકર્ષણ વધવાના સમાચાર આવી રહ્યા છે."
"શું આપણા ઘઉંના નિકાસરકારોનું ધ્યાન આ તરફ છે? ભારતની ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટનું ધ્યાન આ બાજુ છે?"
તેમના આ નિવેદનનો અર્થ કાઢવામાં આવ્યો કે યુક્રેન સંકટની વચ્ચે ભારતના નિકાસકારો એ દેશોમાં ઘઉંની નિકાસ કરવા વિશે વિચારે, જે હાલ સુધી યુક્રેન અને રશિયામાંથી ઘઉં ખરીદતા આવ્યા છે.

ઘઉંની નિકાસમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
પરિણામ એ આવ્યું કે ઘઉંની નિકાસ પણ આ વખતે વિક્રમી સ્તર પર છે. ગત ત્રણ વર્ષમાં ઘઉંની નિકાસમાં વિક્રમી વધારો નોંધાયો છે.
નીચે આપેલા ગ્રાફમાં આ વધારાને સરળતાથી સમજી શકાય છે. રશિયા-યુક્રેન સંકટની અસર ઘઉંની સરકારી ખરીદી પર પણ પડી.
કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે આ વર્ષે સરકારી ખરીદી ઓછી થઈ છે કારણ કે ખાનગી વેપારીઓએ એમએસપીથી વધારે કિંમતે ઘઉં ખરીદ્યા છે.
હરવીરસિંહના કહેવા પ્રમાણે, "સરકારી ખરીદી ઓછી થવા પાછળ કેન્દ્રીય મંત્રીઓનું અભિમાન પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે. તેમને અંદાજ પણ ન હતો કે આવનારા દિવસોમાં ભાવ આ હદે વધશે."

બજારનું વલણ - કિંમતો ઘટશે નહીં
નિકાસમાં વધારાને જોતા બજારમાં સ્થાનિક ખરીદી માટે ઘઉંની આવક ઓછી હતી. ભાવવધારાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેટલાક વેપારીઓએ પૂરો સ્ટોક બજારમાં ઉતાર્યો ન હતો.
સ્થાનિક બજારમાં પણ, જ્યારે ખરીદી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)થી ઉપર કરવામાં આવી હતી, ત્યારે વિવિધ શહેરોમાં ઘઉંના ભાવમાં વધારો થયો હતો.
બજારમાં વધેલા ભાવને જોતા એક સંદેશ એવો ગયો કે હજી ઘઉંના ભાવમાં તેજી રહેવાની છે.
જેના કારણે ઘઉંમાંથી બનેલી દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં બ્રેડ અને બેકરીની વસ્તુઓના ભાવમાં 8-10% નો વધારો થયો છે. આ કારણે લોટના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો.
અહેવાલો અનુસાર, સરકારની નીતિઓએ એપ્રિલ મહિનામાં નિકાસમાં મોટો ફાળો આપ્યો હતો. કેન્દ્ર અને સરકારે ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં.
ઉદાહરણ તરીકે, મધ્ય પ્રદેશની મુલાકાતે આવેલા કેન્દ્રીય ખાદ્યસચિવ સુધાંશુ પાંડેએ જાહેરાત કરી હતી કે નિકાસના ઑર્ડર બતાવતા રેલવે મંત્રાલય તરફથી તરત જ રેક આપવામાં આવશે.
આ સાથે ઍગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સપોર્ટ ડેવલપમૅન્ટ ઑથૉરિટી (એપીઈડીએ) દ્વારા ઘણા દેશોમાં બિઝનેસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી બજારની શોધમાં મદદ મળી હતી, નિકાસની ગુણવત્તાના ઘઉંની નિકાસ માટે મોટાપાયે પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

અસર

ઇમેજ સ્રોત, P SRUJAN/ICRISAT
સરકારી સ્ટોકમાં જે ઘઉંનો જથ્થો પહેલાં રહેતો હતો તે આ વખતે તેના કરતાં થોડો ઓછો છે. જેનું એક કારણ ઉત્પાદનમાં ઘટાડો છે, જેના કારણે સરકારી ખરીદીને પણ અસર થઈ છે.
બીજું કારણ પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજનાને સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવાનું છે. આ વર્ષે 1 એપ્રિલે સૅન્ટ્રલ પુલમાં ઘઉંનો પ્રારંભિક સ્ટોક લગભગ 190 લાખ ટન હતો.
કેન્દ્ર સરકારે આ વર્ષે માત્ર 195-200 લાખ ટન ઘઉં ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષો પછી એ સ્થિતિ આવી છે કે અગાઉની ખરીદીમાં જેટલા ઘઉં બાકી હતા તેટલા જ નવા વર્ષમાં ખરીદવાનો લક્ષ્યાંક છે.
હરવીરસિંહના જણાવ્યા અનુસાર, "ઘઉંની આયાત અને નિકાસના સંપૂર્ણ ડેટા જોયા પછી પણ, સરકાર પાસે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સારી વ્યૂહરચના હોય તેવું લાગતું નથી."
"પીડીએસ અને પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ યોજનામાં ઘઉંના વિતરણની આખા વર્ષની જરૂરને ધ્યાનમાં લેતાં સરકારને 480 લાખ ટન ઘઉંની જરૂર પડશે. પરંતુ ગત વર્ષનો ઘઉંનો સ્ટોક અને આ વર્ષનો સ્ટોક ભેગો કરીને જોઈએ તો માત્ર 380 લાખ ટન ઘઉંની જરૂર જ પૂરી થવાની ધારણા છે, એટલે કે 100 લાખ ટનની ઘટ પડી શકે છે."
જોકે, હરવીરસિંહનું માનવું છે કે લોટના ભાવ વધવાનું મુખ્ય કારણ હવામાન છે. પરંતુ તે એમ પણ કહે છે કે હવે યોગ્ય સમય છે કે ભારત સરકારે નિકાસને અંકુશમાં લેવા માટે કેટલાંક પગલાં લેવા જોઈએ, સંગ્રહખોરી સામે ઝુંબેશ શરૂ કરવી જોઈએ જેથી બજારમાં કિંમતને નિયંત્રિત કરી શકાય.
આલોક સિંહા 2006થી 2008 સુધી ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઈ) ના ચૅરમૅન હતા.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ વખતે ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) કરતાં વધુ ભાવે ઘઉંનું વેચાણ કર્યું છે."
"ખેડૂતોના આંદોલન વચ્ચે ખેડૂતોની સાથે-સાથે કેન્દ્ર સરકાર માટે પણ આ એક સારા સમાચાર છે."
"સરકારી ખરીદીનો અંદાજ હજુ બહાર આવ્યો નથી. પરંતુ મને નથી લાગતું કે ખાદ્યસુરક્ષા માટે જરૂરી ઘઉંના સ્ટોકમાં કોઈ કમી રહેશે. દેશની બે તૃતીયાંશ વસ્તી હવે દુકાન પરથી લોટ ખરીદતી નથી."
"ખાદ્ય વિતરણ પ્રણાલી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાંથી તેમને ઘઉં મળે છે, જેને તેઓ દળીને લોટનો ઉપયોગ કરે છે. એટલે કે લોટની કિંમતમાં વધારો માત્ર તે લોકો માટે છે કે જેઓ જેઓ લોટ ખરીદીને ખાય છે. સરવાળે ઘઉંની નિકાસથી કેન્દ્ર સરકાર અને ખેડૂતો બંનેને ફાયદો જ થઈ રહ્યો છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













