World Environment Day : મોદી સરકારમાં પાછલાં પાંચ વર્ષોમાં 'વિકાસ'ના નામે દર મિનિટે ચાર વૃક્ષ કપાયાં - BBC Investigation

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
કોરોનાકાળમાં ઓક્સિજનની અછતને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો.
હજારો રૂપિયા ખર્ચવાની તૈયારી હોવા છતાં ઘણાએ પોતાના સ્વજનને પૂરતું ઓક્સિજન નહીં મળવાને કારણે ગુમાવ્યા હોવાના ઘણાં ઉદાહરણો છાપામાં ચર્ચાયાં છે.
આ વાતને પર્યાવરણપ્રેમીઓ વૃક્ષોની કદર કરવા અને આડેધડ થતું વૃક્ષચ્છેદન થતું અટકાવવા માટે ઉદાહરણ તરીકે લોકો સામે ધરી રહ્યા છે.
ઘણા પર્યાવરણ ક્ષેત્રના કાર્યકર્તા માને છે કે જો વૃક્ષોના જતન પ્રત્યે લોકો જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં કોરોના બાદ પણ વૃક્ષોના આડેધડ નિકંદનને કારણે આવી પરિસ્થિતિ સામાન્ય બની જશે. અને અત્યારે સરળતાથી સુલભ ઓક્સિજન પૈસા આપી ખરીદવાનો વારો આવશે.
જોકે, ઘણા પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે કોરોનાકાળમાં ઓક્સિજનની કટોકટીને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ઘણા લોકોનું હૃદયપરિવર્તન થયું છે અને ઘણા લોકો કોરોના દરમિયાન ઓક્સિજનની તંગીને કારણે પર્યાવરણ અને વૃક્ષોના જતન મામલે ઘણા જાગૃત થયા છે.
પરંતુ કુદરતમાં સરળતાથી સુલભ એવા ઓક્સિજનની કટોકટી અનુભવીને પણ સરકારી તંત્રોની આંખ ખૂલી હોય તેવું નથી લાગતું.
આ વાતની સાક્ષી સ્વયં ભારત સરકારના આંકડા પૂરે છે.

બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલી માહિતી અધિકારની એક અરજીમાં ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર સરકારે 'વિકાસ'ના નામે પાછલાં પાંચ વર્ષોમાં સમગ્ર દેશમાં 1,09,75,844 વૃક્ષો કાપવાની પરવાનગી આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તેની સરેરાશ કાઢવામાં આવે તો આ વર્ષો દરમિયાન સમગ્ર દેશમાં દર મિનિટે લગભગ ચાર વૃક્ષો કાપવામાં આવ્યાં છે.
પર્યાવરણ કાર્યકર્તાઓનું માનવું છે કે, પોતે 'પર્યાવરણપ્રેમી' હોવાની ગુલબાંગો મારતી મોદી સરકારમાં 'વિકાસ'ના નામે વૃક્ષોના 'મારણ'ની પ્રક્રિયામાં અસામાન્ય ઝડપ જોવા મળી છે.
આ વલણ સંદર્ભે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

'વિકાસ' નહીં 'વિનાશ' તરફ દોડ

ઇમેજ સ્રોત, Getty Images
પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ 'વિકાસ'ના નામે થઈ રહેલા વૃક્ષચ્છેદનના આ આંકડાઓને 'વિનાશ' તરફની દોટ ગણાવે છે.
તેઓ કહે છે કે, "આ આંકડા ખૂબ જ વધારે છે અને સરકાર પર્યાવરણને લઈને કેટલું બેદરકાર વલણ ધરાવે છે તે જણાવે છે."
બૉટનિસ્ટ અને વડોદરાસ્થિત કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર જિતેન્દ્ર ગવળી પણ આ આંકડા ખૂબ ચોંકાવનારા અને વધુ હોવાનું જણાવે છે.
આ સિવાય તેઓ આ વલણને સરકાર અને તંત્રની ઇચ્છાશક્તિના અભાવ તરીકે પણ જુએ છે.
તેઓ કહે છે કે, "એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું કે સરકાર પાસે આ ઝાડોને કાપવા સિવાય અન્ય ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે. પરંતુ કારણ કે તે સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય છે તેથી ઝાડ કાપવાનો રસ્તો ઝડપથી અપનાવી લેવાય છે."
રોહિત પ્રજાપતિ પણ માને છે કે 'વિકાસ'ની લહાયમાં વૃક્ષોની અદેખાઈ કરવામાં આવે છે.
તેઓ કહે છે કે, "જો એક સામાન્ય વ્યક્તિ પોતાનું ઘર બનાવતી વખતે એક પણ ઝાડ ન કાપવું પડે તેવી પ્લાનિંગ કરી શકે તો સરકાર આવું કેમ ન કરી શકે. પરંતુ તેઓ આવું નથી કરતાં. કારણ કે તેઓ જાણીજોઈને સરળ રસ્તો અપનાવવા માગે છે."

અસલ આંકડો ખૂબ વધારે હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ માને છે કે સરકાર દ્વારા ઓન રેકર્ડ પૂરા પાડવામાં આવેલા વૃક્ષચ્છેદનના આંકડા કરતાં અસલ આંકડા દસ ગણા વધુ હોઈ શકે.
તેઓ માને છે કે સરકારની મંજૂરી સિવાય પણ ઘણાં વૃક્ષો કપાતાં હોય છે. જેની કોઈ ગણતરી થતી હોતી નથી.
તેઓ કહે છે કે સરકાર માટે 'ટ્રી ઇઝ ઑન્લી ટિમ્બર'. એટલે કે વૃક્ષ એ સરકાર માટે માત્ર ફર્નિચર બનાવવાનું લાકડું માત્ર છે.
અમદાવાદસ્થિત સેન્ટર ફોર ઍન્વાયરમૅન્ટ ઍજ્યુકેશનના ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈ પણ માને છે કે દેશમાં આ દરમિયાન સરકારી આંકડાઓમાં ઉલ્લેખિત વૃક્ષછેદન કરતાં વધુ વૃક્ષો કાપવામાં આવ્યાં હોઈ શકે છે.
બૉટનિસ્ટ જિતેન્દ્ર ગવળી પણ માને છે કે આ આંકડા આટલા બધા વિચલિત કરનારા અને ખતરનાક હોવા છતાં અસલ આંકડો આના કરતાં અધિક મોટો હોઈ શકે છે.

પ્લાન્ટેશન એ વૃક્ષચ્છેદનનો ઉપાય નથી

ઇમેજ સ્રોત, Getty Images
સરકારનો દાવો છે કે તેઓ 'વિકાસ'નાં કામ અર્થે જેટલાં વૃક્ષો કાપવાની પરવાનગી આપે છે, તેના કરતાં દસ ગણાં વૃક્ષો આ વૃક્ષછેદનના વળતર સ્વરૂપે વાવવામાં આવે છે.
મોદી સરકારના પર્યાવરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બાબુલ સુપ્રિયોએ ફેબ્રુઆરી, 2020માં આપેલા લોકસભામાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પાછલાં ત્રણ વર્ષમાં 76,72,337 વૃક્ષો કાપ્યાં છે. જેની સામે વળતર સ્વરૂપે 7,87,00,000 વૃક્ષો વાવ્યાં છે.
પરંતુ રોહિત પ્રજાપતિ જેવા પર્યાવરણ કાર્યકર્તાઓ અને નિષ્ણાતો માને છે કે આ વાત માત્ર જાહેરાતો પૂરતી સીમિત છે.
તેઓ કહે છે કે, "પ્રથમ વાત તો એ કે કોઈ પણ વૃક્ષને કાપીને તેની સામે અમુક છોડ વાવી દેવાં એ વૃક્ષચ્છેદનના કામને વાજબી બનાવતું નથી."
"સરકારની જાહેરાત પ્રમાણે થતા વાવણી કાર્યક્રમોની સૌથી મોટી ત્રુટી એ હોય છે કે આ સમયે સ્થાનિક જાતનાં છોડ વાવવામાં આવતાં નથી."
તેઓ માને છે કે વૃક્ષછેદન બાદ કે પહેલાં વળતરના ભાગરૂપે કરાતું પ્લાન્ટેશન એ અવૈજ્ઞાનિક હોય છે.
તેઓ કહે છે કે, "વૃક્ષારોપણ વખતે જે તે સ્થાનનું જૈવવૈવિધ્ય જાળવવામાં આવતું નથી. જેથી વળતરરૂપે વાવણી કરાયેલ છોડ પહેલાંની સરખામણીમાં પર્યાવરણ પર એટલી અસર ઉપજાવી શકતાં નથી."
જિતેન્દ્ર ગવળી પણ આ વાત સાથે સંમત થાય છે.
તેઓ કહે છે કે, "કોઈ પચાસ વર્ષ જૂના ઝાડને દસ રોપાં વાવીને તેને કાપવાની ક્રિયાને વાજબી ન ઠેરવી શકાય."
ગવળી જણાવે છે કે, "આજે વાવેલાં છોડ અમુક વર્ષો પછી હયાત વૃક્ષ જેટલી પર્યાવરણીય અસર ઉપજાવી શકશે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું કુદરત આપણને એટલો સમય આપશે?"
તેઓ કહે છે કે, "જે છોડ વાવવામાં આવે છે તેમાં સ્થાનિક જાતો વાવવામાં આવે એ વાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે પર્યાવરણને ફાયદો થવાના સ્થાને નુકસાન થવાની શક્યતાઓ વધુ રહે છે."
જિતેન્દ્ર ગવળી જણાવે છે કે વૃક્ષારોપણની જેમ વૃક્ષોનું ટ્રાન્પૉર્ટેશન પણ વૃક્ષછેદનનો ઉપાય નથી.
તેઓ કહે છે કે એક વૃક્ષને પોતાની જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ રોપવાની ક્રિયામાં સફળતાદર ઘણો ઓછો હોય છે. પરંતુ આ વાતની અવગણના કરીને હવે આ પ્રકારે વૃક્ષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.
તેઓ આનો ઉપાય સૂચવતાં કહે છે કે, "વૃક્ષને કાપવા કે તેને પોતાની જગ્યાએથી ખસેડવા કરતાં આપણે તેની સાથે રહેતા શીખી લેવું જોઈએ. વિકાસનાં કામોમાં તેને સમાવી લેતાં શીખી લેવું જોઈએ."
રોહિત પ્રજાપતિ માને છે કે જંગલો ઉગાડી શકાતાં નથી. તેનું જતન કરવું પડે.
સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટ ઍજ્યુકેશનના વડા અને જાણીતા પર્યાવરણ ઍજ્યુકેટર કાર્તિકેય સારાભાઈ પણ એ વાત પર ભાર મૂકે છે કે વળતર સ્વરૂપે કરાઈ રહેલા વૃક્ષારોપણમાં સ્થાનિક જાતનાં વૃક્ષો વાવવામાં આવે એ વાત પર ભાર મૂકવો જોઈએ.
સારાભાઈ કહે છે કે, "જેટલાં ઝાડ કાપવામાં આવ્યાં છે. તેની સામે વાવવામાં આવેલાં ઝાડની પણ યોગ્ય સારસંભાળ રખાય છે કે કેમ અને તે પૈકી કેટલાં ઝાડ પર્યાવરણમાં જીવતાં બાકી રહ્યાં છે તેનું પણ ઑડિટિંગ કરવું જોઈએ. જે સેટેલાઇટ ઇમેજરી થકી ખૂબ જ સરળ કાર્ય બની ગયું છે. પરંતુ આ પ્રક્રિયા બધા કેસોમાં અનુસરાતી નથી."
સારાભાઈ પણ વૃક્ષારોપણ વખતે દેશી વૃક્ષો ઉગાડવામાં આવે તેવો આગ્રહ કરે છે. તેઓ કહે છે કે જે તે સ્થળને અનુસરીને તેને લગતાં સ્થાનિક ઝાડ વાવવામાં આવે એ જરૂરી છે.
તેઓ સ્થાનિક ઝાડ વાવવાનાં ફાયદા ગણાવતાં કહે છે કે, "જે-તે સ્થળને ધ્યાને રાખીને સ્થાનિક ઝાડ ઉગાડવાનું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આવું કરવાથી તે ઝાડ જલદી મોટું થઈ શકે છે. તેની સારસંભાળ ઓછી રાખવી પડે છે. અને જે-તે સ્થળના પર્યાવરણમાં ઝાઝો ફેર પડતો નથી."
ગવળી માને છે કે, મોટા ભાગે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રસ્તા પહોળા કરવા માટે વૃક્ષો કાપવામાં આવે છે.
તેઓ કહે છે કે, "અહીં એ સમજવું જરૂરી છે કે ઘણી વખત સરકારી તંત્ર દ્વારા આડેધડ વિકાસનાં કામો માથે ઉપાડી લેવાય છે. જ્યાં જરૂર નથી ત્યાં રોડને પહોળો કરવાનું કાર્ય શરૂ કરી દેવાતાં માત્ર આસપાસનાં વૃક્ષોનું નિકંદન કાઢવા સિવાય અન્ય કોઈ હેતુ પાર પડતો નથી."
"રસ્તાને પહોળા કરવા માટે નિષ્ણાતોને સાથે રાખીને અમુક હદ સુધી જ એ કાર્ય કરવું જોઈએ. જેથી બિનજરૂરી કામ ટાળી વૃક્ષો બચાવવાનું સુનિશ્ચિત કરી શકાય."

વૃક્ષચ્છેદન રોકવા માટેના ઉપાય

ઇમેજ સ્રોત, Getty Images
કાર્તિકેય સારાભાઈ વૃક્ષચ્છેદનના આ આંકડાને મોટો આંકડો માને છે. જોકે, તેઓ કહે છે કે આ પરિસ્થિતિનું સમગ્ર ચિત્ર જોયા કરતાં દરેક પરિસ્થિતિમાં ઓછાંમાં ઓછાં ઝાડ કાપીને પ્રોજેક્ટ પૂરો કરાયો છે કે કેમ એ જોવું પડે.
તેઓ માને છે કે દરેક પ્રોજેક્ટમાં એકેય વૃક્ષ નહીં કપાય, એ લક્ષ્ય હાંસલ કરવું થોડું અશક્ય સમાન છે.
તેમ છતાં તેઓ કહે છે કે, "જે તે પ્રોજેક્ટ ઓછાંમાં ઓછાં ઝાડ કાપી પૂરો કરવામાં આવે તે માટે તે માટેનું વલણ વિકસાવવું અગત્યનું છે."
કાર્તિકેય સારાભાઈ કહે છે કે, ઘણી વખત માત્ર પ્લાનિંગ વખતે થોડું ધ્યાન રાખવાથી ઘણાં બધાં વૃક્ષોને બચાવી શકાય છે. પરંતુ કોઈ પણ પ્રોજેક્ટની પ્લાનિંગ વખતે આ પ્રક્રિયા અનુસરવાનું વલણ આપણા દેશમાં હજુ વિકસ્યું નથી.
તેઓ કહે છે કે, "માઇક્રો લેવલ પર વૃક્ષો બચાવવાનું ધ્યેય દરેક પ્રોજેક્ટના પ્લાનિંગનો ભાગ હોવો જોઈએ."
"આ સાથે જ જો શક્ય હોય તો વૃક્ષો બચાવવા માટે પ્રોજેક્ટના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડતો હોય તો તે કરવો જોઈએ."

શું વૃક્ષની કોઈ કિંમત હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પાંચ સભ્યોની ખાસ પૅનલે વૃક્ષના કિંમતનિર્ધારણ અંગેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે એક વૃક્ષની કિંમત 74,500 રૂપિયા તેની ઉંમરના પ્રતિવર્ષના હિસાબે ગણવામાં આવી જોઈએ.
આ સિવાય 100 વર્ષ જેટલી ઉંમર ધરાવતાં હેરિટેજ વૃક્ષોની કિંમત ઘણી વખત એક કરોડ કરતાં પણ વધુ હોઈ શકે છે.
આ રિપોર્ટમાં ઓક્સિજન અને વૃક્ષ દ્વારા પેદા થતું ખાતર વગેરેની કિંમત નક્કી કરાઈ છે.
રોહિત પ્રજાપતિ માને છે કે જેમ એક સજીવ તરીકે મનુષ્યના શરીરની કોઈ કિંમત ન હોઈ શકે તેમ એક વૃક્ષની પણ કોઈ કિંમત ન આંકી શકાય.
તેઓ વૃક્ષચ્છેદનની પ્રક્રિયાને 'વૃક્ષમારણ' ગણાવે છે.
આ વાત સાથે સંમતિ વ્યક્ત કરતાં બૉટનિસ્ટ જિતેન્દ્ર ગવળી પણ જણાવે છે કે, "એક વૃક્ષની કોઈ કિંમત ન હોઈ શકે. તે અણમોલ છે. માણસ કરતાં પણ અણમોલ."
તેઓ કહે છે કે, "વર્ષો જૂના વૃક્ષને કાપીને તેના સ્થાને માત્ર અમુક છોડ વાવીને કોઈ ફાયદો થવાનો નથી. અહીં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે વૃક્ષો કાપ્યાં એ અત્યારે પોતાની સેવા આપી રહ્યાં હતાં. જ્યારે તેના સ્થાને વાવેલાં વૃક્ષો અમુક સમય પછી આ સેવાઓ આપવાની શરૂઆત કરશે. તેથી હાલ વળતરરૂપે વાવવામાં આવેલાં છોડ કપાયેલાં વૃક્ષ જેટલાં કારગત નહીં સાબિત થઈ શકે."
ગવળી માને છે કે એક વૃક્ષ દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે માત્ર ઓક્સિજન પૂરતી કે લાકડાં પૂરતી મર્યાદિત કરીને ન જોવી જોઈએ.
એક વૃક્ષ પર્યાવરણમાં જળસંચય, જીવજંતુઓ માટે આશરો. તેમનું પાલનપોષણ. પુર સામે રક્ષણ, જમીનના ઘસારા સામે રક્ષણ, ફળ, પુષ્પો વગેરે અનેક વસ્તુઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સજીવસૃષ્ટિને આપે છે.
તેની કોઈ કિંમત ન આંકી શકાય.

શું ભારતનાં વનક્ષેત્રો અને હરિતક્ષેત્રોમાં ખરેખર વધારો થયો છે?

ઇમેજ સ્રોત, Getty Images
NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે પાછલા બે વર્ષમાં ભારતમાં હરિતક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે.
પર્યાવરણ વિભાગના એક અધિકારીએ આ અહેવાલમાં જણાવ્યું હતું કે બે વર્ષોમાં દિલ્હી અને ગોવા જેટલા વિસ્તારો જેટલો હરિતક્ષેત્રનો વધારો જોવા મળ્યો છે.
પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ રિપોર્ટ જારી કરતી વખતે જાહેરાત કરી હતી કે ભારતમાં ફૉરેસ્ટ અને વૃક્ષાચ્છાદિત ક્ષેત્રો 80.73 મિલિયન હેક્ટર થયો છે. જે દેશના ભૌગોલિક વિસ્તારના 24.56 ટકા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2014થી 2019 દરમિયાન ભારતનાં વનક્ષેત્રોમાં 13 હજાર વર્ગ કિલોમિટર કરતાં પણ વધુ વધારો થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ રિપોર્ટ ફ્રમાણે ભારતના હરિતક્ષેત્રમાં પાછલાં બે વર્ષોમાં કુલ 5,188 ચોરસ કિલોમિટરનો વધારો થયો છે. જેમાં વનાચ્છાદિત ક્ષેત્રોમાં 3,976 ચોરસ કિલોમિટરનો વધારો થયો છે અને વૃક્ષાચ્છાદિત ક્ષેત્રોમાં 1,212 ચોરસ કિલોમિટરનો વધારો થયો છે.
જોકે, નોંધનીય છે કે આ અહેવાલમાં એક નિષ્ણાતે મત વ્યક્ત કર્યો હતો કે ભારતના હરિત ક્ષેત્રોમાં વધારો થવા છતાં વર્ષ 2030 સુધી કુલ વિસ્તારના 33 ટકા હરિતવિસ્તાર બનાવવાનું લક્ષ્ય હજુ દૂર છે.
જોકે લાઇવમિન્ટ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે આ સર્વેમાં જે જમીનમાં 10 ટકા વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર હોય અને તેનો વિસ્તાર એક હેક્ટર કરતાં વધુ હોય તો તેવા વિસ્તારોને વનાચ્છાદિત ગણવામાં આવે છે.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ ગણતરીની આ રીત ભૂલભરેલી હોઈ શકે છે. કારણ કે વનાચ્છાદિત ક્ષેત્રોની માપણી માટે જે સેટેલાઇટ મૅપિંગ સિસ્ટમનો ઉપયોગ કરાય છે. તેમાં જમીનના ઉપયોગના પ્રકાર, તેની મલિકી અને વૃક્ષોની જાત વગેરે ધ્યાનમાં લેવામાં આવતી નથી.
તેથી કેટલાક નિષ્ણાતો માને છે કે જો આ વ્યાખ્યા પ્રમાણે જ માપણી કરવામાં આવે તો ફળફળાદી માટેની વાડોઓ, કૉફી કે નાળિયેરના બાગ કે શહેરી વિસ્તારમાં આવેલા પાર્ક પણ વનાચ્છાદિત ક્ષેત્રમાં ગણાઈ જાય છે.
આ પદ્ધતિ અને વ્યાખ્યાના કારણે આપણને ખરા વનાચ્છાદિત ક્ષેત્રોનું ખરું ચિત્ર મળી શકતું નથી. તેથી તેઓ માને છે કે આપણા જંગલ વિસ્તારોમાં શું થઈ રહ્યું છે તે અંગે આપણે આ ગણતરી આધારે જાણી શકતા નથી.
રોહિત પ્રજાપતિ પણ આ વાત સાથે સંમત થતાં કહે છે કે, "સરકાર જાણીજોઈને આવી અટપટી ગણતરીઓ થકી સાચું ચિત્ર લોકો સામે રજૂ ન થઈ શકે તે માટે પ્રયત્નો કરે છે. ઉપરાંત આવી ગણતરીઓમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારના જૈવવૈવિધ્ય પર ભાર આપવામાં આવતો નથી."
તેઓ માને છે કે આ ગણતરી સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી.
જોકે, કાર્તિકેય સારાભાઈ માને છે કે, સરકારે પાછલાં કેટલાંક વર્ષોમાં વૃક્ષાચ્છાદિત ક્ષેત્રોમાં વધારો થાય તે માટે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણું કરવાનું છે.
તેઓ માને છે કે સેટેલાઇટ મૅપિંગની પ્રક્રિયા ભરોસાપાત્ર છે. તેથી સરકારના આંકડાઓ પર અવિશ્વાસ થાય એવું નથી.

વૃક્ષો કપાતાં રોકવા માટે સરકારના પ્રયત્નો

ઇમેજ સ્રોત, Getty Images
માહિતી અધિકારની અરજીમાં પુછાયેલ પ્રશ્નના જવાબમાં વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં વનાચ્છાદિત ક્ષેત્રોમાં વૃક્ષ કાપવા માટે વન સંરક્ષણ કાયદો, 1980 હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની હોય છે.
જે અનુસાર સરકાર સુનિશ્ચિત કરે છે કે જ્યાં જરૂરિયાત ટાળી શકાય એવી ન હોય તેવી પરિસ્થિતિમાં ઓછાંમાં ઓછાં વૃક્ષો કાપવામાં આવે છે.
જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે.
જે વૃક્ષો આવી રીતે કાપવામાં આવ્યાં છે. તેના વળતર માટે જેટલા વિસ્તારમાંથી વૃક્ષ કાપવામાં આવ્યાં છે તેના કરતાં બમણા બિનજંગલ વિસ્તારમાં વૃક્ષો જે યુઝર એજન્સીના ખર્ચેથી લગાવીને ઉછેરવામાં આવે તે રાજ્ય જંગલ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.
બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ ઈમેઇલના જવાબમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચૅન્જ મંત્રાલયના ફૉરેસ્ટ કન્ઝર્વેશન ડિવિઝનના AIG સંદીપ શર્માએ જણાવ્યું હતું કે પાછલાં પાંચ વર્ષમાં કપાયેલાં લગભગ 1.10 કરોડ વૃક્ષોની સામે 12.6 કરોડ છોડ વાવવામાં આવ્યાં છે.
તેમણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, "વિકાસનાં કામો માટે ઓછામાં ઓછી જંગલની જમીનનો ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેના માટે આવી દરેક દરખાસ્તની ઊંડી તપાસ કરવામાં આવે છે. આ સિવાય આવા પ્રોજેક્ટ માટે જે તે રાજ્ય સરકારોની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે. કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે જ વિકાસનાં કામો માટે જેટલાં ઝાડ દૂર કરવાની પરવાનગી આપવામાં આવી હોય છે તેના કરતાં ઓછાં ઝાડ દૂર કરવામાં આવે છે."
શર્મા જણાવે છે કે, ફૉરેસ્ટ ડાયવર્ઝનના દરેક પ્રસ્તાવ માટે આવી જ પ્રક્રિયા સાર્વત્રિકપણે અનુસરાય છે.
આ પ્રકારની કાર્યવાહીમાં પ્રોજેક્ટ માટેનો સમય અને તેના પર થતો ખર્ચ વધી જતો હોવા છતાં આ પ્રક્રિયા અનુસરવામાં કોઈ બાંધછોડ કરાતી નથી.
તેમણે પોતાના જવાબમાં આગળ જણાવ્યું હતું કે, "પાછલાં પાંચ વર્ષોમાં સરકાર દ્વારા કરાયેલ 1.41 લાખ હેક્ટર ફૉરેસ્ટ ડાયવર્ઝનના વળતરરૂપે 2,11 લાખ હેક્ટર જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ પ્રકારના વૃક્ષારોપણમાં સારા નવા જંગલનું સર્જન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી પ્રાણીસૃષ્ટિ માટે યોગ્ય વાતાવરણ સર્જી શકાય. આ સિવાય આવા નવા વૃક્ષારોપણવાળા વિસ્તારોમાં સારી ગુણવત્તાનું જંગલ તૈયાર થાય તે માટે કાળજી સમયાંતરે રાખવામાં આવે છે. માત્ર 2020-21માં 2.4 લાખ હેક્ટર વિસ્તારમાં ફૉરેસ્ટ રિજનરેશન કરવામાં સફળતા મળી છે. આવનારાં વર્ષોમાં પણ આ જ પ્રકારની ઝડપ જાળવવાની તૈયારી છે."
"આ સિવાય ઘણી બધી અન્ય યોજનાઓ અંતર્ગત વૃક્ષારોપણની ઝડપ વધારવામાં આવે છે. માત્ર પાછલાં છ વર્ષોમાં જ સરકારે સમગ્ર દેશમાં 740 કરોડ નવાં છોડ વાવ્યાં છે."
પરંતુ નિષ્ણતો આ જોગવાઈઓ અંગે માને છે કે કોઈ પણ સંજોગોમાં વૃક્ષો કાપીને તેની ભરપાઈ માટે નવાં વૃક્ષો વાવવાની રણનીતિ યોગ્ય નથી. તેઓ માને છે કે સરકારી સંસ્થાઓએ વૃક્ષોની આસપાસ પોતાના વિકાસકાર્યો કરવા ટેવ પાડવી પડશે. તેમને પણ આવી યોજનાઓમાં ભાગ ગણી લેવાં પડશે. તો જ વૃક્ષો સંરક્ષિત રહી. આપણા પર્યાવરણ અને આપણને પોતાની મહામૂલી સેવાઓ પૂરી પાડી શકશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













