ગીર : સિંહોની ગણતરી કેવી રીતે થાય છે અને કોણ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં એશિયાઈ સિંહો ગુજરાતના ગીર અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ વખતની ગણતરીમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાશે.
વર્ષ 2015માં સિંહોની ગણના કરાઈ હતી અને હવે મે 2020માં સિંહોની ગણતરી થવાની છે.
સિંહોની ગણતરી માટે અંદાજે 8થી 10 હજાર કૅમેરાનો ઉપયોગ કરાશે એવી પ્રાથમિક વાત ચાલી રહી છે.
વનવિભાગના એક અનુમાન પ્રમાણે ગત 2015ની ગણતરી કરતાં આ વખતે ગણતરીમાં સિંહની સંખ્યા વધી શકે છે.
વર્ષ-2018 દરમિયાન ગીરના સિંહોમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ જોવા મળ્યો હતો, જેના કારણે 20થી વધુ વનરાજનાં મૃત્યુ થયાં હતાં.
30 જેટલા સિંહને સારવાર અર્થે કેદ રાખવામાં આવ્યા છે, જેમના છૂટવાની સંભાવના બહુ ઓછી છે.

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ શ્યામલ ટીકાદારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે મુખ્ય મંત્રી સામે તેઓએ પ્રેઝન્ટેઝન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમે સિંહની ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છીએ.
"જે રીતે રાષ્ટ્રીય પ્રાણી વાઘની ગણતરી કરાય છે, એવી જ રીતે સિંહોની ગણતરી કરવાનું વિચારી રહ્યા છીએ અને તેના માટે ભારતીય વન્યજીવ સંસ્થાન (WII)ની મદદ લેવાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ કહ્યું કે સિંહની ગણતરી લાંબા સમય સુધી એટલે કે બે-ત્રણ મહિના સુધી ચાલતી હોય છે.
સિંહોના વધતાં વિસ્તાર અંગે પૂછતાં ટીકાદાર કહે છે કે ગુજરાતમાં સિંહનો વિસ્તાર દિવસે-દિવસે વધતો રહે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે સિંહોના અભ્યાસ માટે અંદાજે 1500થી 2000 ફિલ્ડ કર્મચારીની નિમણૂક કરાશે. તેમજ સિંહોની અવરજવરને નોંધવા માટે 8 હજારથી 10 હજાર કૅમેરા લગાવાશે.

સિંહની ગણતરી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિંહ સંવર્ધન અને પર્યાવરણક્ષેત્રે છેલ્લાં 10 વર્ષથી સંકળાયેલા અમરેલી જિલ્લાના લીલિયાના ઍક્ટિવિસ્ટ રાજન જોશી સિંહની ગણતરી અંગે વિસ્તારથી સમજાવે છે.
"સિંહોની ગણતરી માટે વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સ્થાનિક માણસો પણ જોડાતા હોય છે. ચાર કે પાંચ માણસોની ટીમ ફિલ્ડ સર્વે માટે જતી હોય છે."
"ગત વર્ષે 15 હજાર સ્ક્વેર કિલોમિટરના વિસ્તારમાં સિંહની ગણતરી થઈ હતી. જોકે આ વખતે 20થી 25 હજાર સ્ક્વેર કિલોમિટરમાં સિંહોની ગણતરી થાય તેવી શક્યતા છે, કેમ કે સિંહોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે."
"જેને સિંહની ગણતરીમાં જોડાવું હોય એ પણ જોડાઈ શકે છે. તેના માટે વનવિભાગ દ્વારા સ્થાનિકો પાસેથી કેટલીક અરજીઓ મંગાવવામાં આવે છે અને લોકોની પ્રવૃત્તિને જોઈને તેમને જોડવા કે નહીં તેનો નિર્ણય લેવાતો હોય છે."
તેઓ વધુમાં ઉમેરે છે, "સિંહોની ઓળખ કરવી સામાન્ય રીતે ઘણી સરળ હોય છે. મોટા ભાગે દરેક સિંહ કોઈને કોઈ કારણસર અન્યથી જુદો પડતો હોય છે.""સિંહોનાં શરીર પરનાં અમુક નિશાન સહિતની વસ્તુઓને ધ્યાનમાં રાખીને સિંહની ઓળખ થતી હોય છે."
તેઓ કહે છે કે આ વખતનું સિંહોની સંખ્યાનું અનુમાન એક હજારથી વધુનું ગણાવાઈ રહ્યું છે.
વર્ષ-2018માં ગીરની એક ફોરેસ્ટ રેન્જના સિંહોમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ જોવા મળ્યો હતો, જેની 50થી વધુ સિંહોને (એટલે કે કુલ વસ્તીના લગભગ દસ ટકા) અસર જોવા મળી હતી.
30 જેટલા વનરાજોને સારવાર અર્થે પાંજરે પુરવામાં આવ્યાં હતાં અને હજુ સુધી તેમને છોડાયાં નથી.
સિંહો ઘણી વાર માનવવસાહતમાં ઘૂસી જતાં હોય એવી ઘટના પણ ઘટતી હોય છે.
તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે દિવસે દિવસે સિંહોની સંખ્યા વધી રહી છે. તેમજ સિંહોના એરિયામાં પણ માનવવસ્તી આવેલી હોય છે. તેના લીધે સિંહ વિચરણ કરતો કરતો માનવવસ્તીમાં પહોંચી જતો હોય છે.
સિંહોના સંવર્ધન વધારવાની વાત કરતાં તેઓ કહે છે કે સ્થાનિક માણસો અને વનવિભાગનું સંકલન વધે એ જરૂરી છે. આ સંકલનને પરિણામે આપણે ગુજરાતના ઘરેણા સમાન સિંહોનું સંરક્ષણ કરી શકીશું.

એશિયાઈ સિંહનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું.
વર્ષ 1965માં સિંહોના સંવર્ધનની પ્રવૃત્તિએ જોર પકડ્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે.
વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27%નો વસતીવધારો નોંધાયો હતો.
વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું.
સિનિયર આઈએફએસ ઑફિસર ઓ. પી. સિંઘે એશિયાઈ સિંહો પર 'The Asiatic Lion: 50 years journey for conservation of an endangered carnivore and its habitat in Gir protected area' નામે એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે.
જેમાં તેમણે નોંધ્યું છે કે એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જેમાં મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપનો સમાવેશ થતો હતો.
ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતના ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગિરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.
હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે.
થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ સિંહ જોવા મળ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












