બિહારના હૃદયસ્પર્શી પૂરપીડિતોની આપવીતી, 'દરિયામાંથી લાવીને તળાવમાં ફેંકી દીધા' - ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, પૂર્વ ચંપારણથી
"અમારાં જેવી મજબૂરી કોઈની નથી. સાચું કહું છું, કોઈ લાલચ કે ખુશી માટે તો રસ્તા પર રહેવા નથી આવતાં!"
આમ કહેતાં-કહેતાં 50 વર્ષીય નગીનાદેવીની આંખમાંથી વહેતાં આંસુ આકાશમાંથી પડતાં વરસાદનાં ટીપાં જોડે ભળી જાય છે.
ઉત્તર બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મંઝોલિયા બ્લૉકના પૂરપ્રભાવિત મટિયાર ગામમાં આજે સાંજની શરૂઆત એ વેદના સાથે થાય છે, જે તેમની ભીતર જાણે કે અટકી ગઈ હતી.
'બુઢી ગંડક', જેને સ્થાનિક લોકો સિકરહના નદીના નામે પણ ઓળખે છે. 15 દિવસથી અહીંના લોકો પૂરનાં પાણીમાં ડૂબેલા છે.
દરેક વખતે પૂરનાં પાણી સાથે સાપ પણ તેમના ઘર સુધી આવે છે અને આ સાપ પાણી ભરેલાં ઘરોની સાથે-સાથે રસ્તા પરના રાહતકૅમ્પમાં ઘૂસી જાય છે.
મટિયારની આ અસ્થાયી રાહતશિબિરમાં 24 દલિત અને 17 મુસ્લિમ પરિવાર છે. સાપને કારણે મટિયારના લોકો રાતે ઊંઘી શકતા નથી.
જોકે ઘર પાણીમાં ડૂબી ગયા પછી અને આ રીતે અચોક્કસ સમય માટે રસ્તા પર આવી ગયા પછી આ કષ્ટદાયક ક્ષણોમાં નગીનાદેવી સાપ વિશે જે કરુણાથી વાતો કરે છે, તેમણે મને એક પળ માટે ચોંકાવી દીધી.

બે ઈંટના અસ્થાયી ચૂલા પર છ સભ્યોના પરિવાર માટે બટાકા-ટમેટાંનું શાક બનાવતાં તેઓ કહે છે, "અમારે આખી રાત ખુરશીઓ પર ઊંઘતાં જ વિતાવવી પડે છે, કેમ કે સાપનું કંઈ નક્કી નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો પન્ની (ટેન્ટ)માં સૂવા જઈએ તો ત્યાં ઘૂસી આવે છે. ક્યારેક માથે આવી જાય છે, તો ક્યારેય પગ પર વીંટળાઈ જાય છે. આથી બાળકોના જીવને જોખમ રહે છે અને અમે આખી રાત પહેરો ભરીએ છીએ."
"એક પળ માટે પણ આંખ મીંચી શકતા નથી. જોકે સાપ પણ બીચારા ક્યાં જાય? આ પૂરમાં જેટલા અમે બેઘર છીએ, સાપ પણ એટલા જ બેઘર છે."

'દરિયામાંથી લાવીને તળાવમાં ફેંકી દીધા'

મંઝોલિયા બ્લૉકના રામપુર મહાનવા ગ્રામપંચાયતમાં આવતાં મટિયાર ગામની આ કહાણી છે, અંદાજે 3000 મતદારો અને 4500ની વસતીવાળા આ જ ગ્રામપંચાયતના બઢિયાર ટોલા ગામ સાથે મળે છે.
મટિયાર ગામથી અંદાજે પાંચ કિલોમિટર દૂર વસેલા બઢિયાર ટોલાને સિકરહના નદીમાં આવતા પૂરનું પાણી જોડે છે.
મટિયારનિવાસી અમાનુલ્લાહ મિયાં કહે છે, "મટિયારમાં રહેતા બધા 41 પરિવારો પહેલાં બઢિયાર ટોલામાં રહેતા હતા. પણ 2003ના પૂરમાં અમારાં ઘરબાર તણાઈ ગયાં."
"પછી તો શરણાર્થીઓની જેમ રહેતાં-રહેતાં ઘણાં વર્ષોથી વીતી ગયાં. પણ એક દિવસે મેં બેતિહા રેલવેસ્ટેશન પર કોઈને છાપામાં વાંચતા સાંભળ્યા કે પૂરવિસ્થાપિતોને ઘર બનાવવા માટે પાંચ ડેસિમલ જમીન આપવાની જોગવાઈ છે. સાંભળીને મારા કાન સરવા થઈ ગયા."
રેલવેસ્ટેશન પર આમ અચાનક વિસ્થાપિતો માટે જમીનની જોગવાઈ 'સાંભળી'ને અમાનુલ્લાહને લાગ્યું કે તેમના દિવસો સુધરી જશે, પરંતુ સિકરહનાના પૂરની નિયતિ તેમનો ઝડપથી પીછો છોડવાની નહોતી.
તેઓ કહે છે, "જાણકારી મળતાં અમે ખૂબ ભાગદોડ કરી. કાગળબાગળ બધું કર્યું. પછી 2010માં એક સારા કલેક્ટર આવ્યા, જેમણે અમને જમીન આપવાનો આદેશ પાસ કર્યો."
"2014થી અમે 41 પરિવારના અંદાજે 250 લોકો અહીં મટિયારમાં રહેવા લાગ્યા. જોકે પૂરનાં પાણીએ અહીં પણ પીછો ન છોડ્યો."
"પૂરનાં પાણી ભરાઈ જતાં વર્ષમાં પાંચ મહિના રસ્તા પર રહીએ છીએ, બાકીના મહિના ઘરમાં. દર વર્ષે પાણીને કારણે ઘર પણ ખખડી ગયાં છે."
"ખબર નહીં ક્યાં સુધી ટકશે. આટલી દોડધામ પછી જમીન મળી હતી તો થયું કે શાંતિથી ગુજારો થશે. પણ હવે તો લાગે છે કે દરિયામાંથી ઉઠાવીને તળાવમાં ફેંકી દીધા છે."

રાતભર બત્તી પેટાવીને તટબંધ બાંધતાં રહ્યાં

વાતચીત બાદ અમાનુલ્લાહ અમને તેમના મૂળ ગામ બઢિયાર ટોલા લઈ આવ્યા. અંદાજે 4500ની વસતીવાળું આ ગામ અઠવાડિયા પહેલાં ચાર ફૂટ પાણીમાં ડૂબેલું હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં પાણી ઓસરી ગયું તો ગામલોકોએ પંપિંગ સેટથી પાણી ખેંચીખેંચીને આવવા-જવાનો રસ્તો ચાલુ કરવાની કોશિશ કરી.
ઉતાવળે પગલાં ભરીને પોતાનાં ઘરોમાં પાણીનાં નિશાન બતાવતાં ગામલોકોની વેદના મારા દિલમાં પણ ક્ષોભની રેખાઓ ખેંચતી હતી.
નેપાળમાં લાકડાનું કામ કરતાં સ્થાનિક ગ્રામીણ ફકરુદ્દીન જણાવે છે, "આ ગામના મોટા ભાગના લોકો નેપાળમાં લાકડાં કે જોડાણ-પ્લાસ્ટરનું કામ કરે છે. હાલમાં કોરોનાને કારણે ગામમાં બધું બંધ છે."
"ન કામ છે, ન રોજગાર અને ન પૈસા. બાકી પૂર તો વર્ષોથી જ જીવનમાં છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી અને અમારા લોકોની હાલત બહુ ખરાબ છે."
નમીર અસૂલ ફકરુદ્દીનની હામાં હા ભણતા કહે છે, "28 જુલાઈએ જ્યારે અમારા ગામમાં પાણી ઘૂસ્યું તો ગામના મોઢે આવેલો તટબંધ તૂટી ગયો હતો. ગામમાં પાણી ઘૂસી ગયું અને બંને તરફ રહેતા લોકોનો એકબીજાથી સંપર્ક કપાઈ ગયો."
"પછી કોઈ રસ્તો ન રહેતા રાતભર જાતે ઊભા કરીને અમે આ તટબંધને બંધાવ્યો. જાતે માટીગારો લાવ્યા અને બત્તી પેટાવીને તેના તૂટેલા ભાગને જોડવાની કોશિશ કરી. ત્યારે થોડું પાણી રોકાયું, પણ જો સહેજ પણ વધુ વરસાદ થયો તો આ ફરીથી તૂટી શકે છે."

બે કિલો પૌવા અને એક તાડપત્રી

બે કિલો પૌવા, અડધો કિલો ચણા અને એક તાડપત્રી સિવાય મટિયારના લોકોને કોઈ રાહતસામગ્રી મળી નથી. બઢિયાર ટોલાના લોકોને તો આ તાડપત્રી અને અનાજ પણ નસીબ થયું નથી.
બિહાર સરકાર તરફથી પૂરપીડિત લોકોને અપાતી 6 હજાર રૂપિયાની મદદ પણ અહીં કોઈને મળી નથી.
જોકે પશ્ચિમ ચંપારણના કલેક્ટર કુંદન કુમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રશાસન એ દિવસથી પૂરને નાથવાની તૈયારી કરી રહ્યું છે, જે દિવસથી ગંડક અને સિકરહનામાં પૂરની પહેલી આશંકા વ્યક્ત કરાઈ હતી.
તેઓ કહે છે, "સંપૂર્ણ અને આંશિક ક્ષતિને મિલાવીને જોઈએ તો પશ્ચિમ ચંપારણમાં અંદાજે 1.43 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. અમે પૂરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ."
"ઍન્જિનિયર, હોમગાર્ડ અને સ્થાનિક પ્રશાસનની ટીમોએ પીપી તટબંધ પર 187 અને ચંપારણ તટબંધની 55 જગ્યાઓને ઠીક કરી છે."
"તટબંધમાં એવી ગેપ હતી જે ન ભરીએ તો વિકરાળ સ્વરૂપ લઈ શકે તેમ હતી. આ અમારી મોટી સફળતા છે. સિકરહનાથી પ્રભાવિત પંચાયતો માટે સામુદાયિક રસોઈ, કોવિડ ટેસ્ટ સેન્ટર અને અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓની વ્યવસ્થા કરાઈ હતી."

જોકે મટિયાર ગામમાં રહેતાં રમાવતી દેવીની આપવીતી પ્રશાસનના તમામ દાવા પર સવાલ કરે છે.
રમાવતી દેવીને આઠમો મહિનો ચાલે છે અને પોતાના અસ્થાયી 'ઘર'માં રોટલી શેકતાં કહે છે કે તેમને જોવા કે તેમની તપાસ માટે આજ સુધી કોઈ આશાવર્કર પણ આવ્યાં નથી.
"તબિયત સારી રહેતી નથી, સારું લાગતું નથી. પણ કોને કહું? આશાવર્કર આવી નથી અને અહીં તો આમ પણ પૂર છે."
પ્રસૂતિને માત્ર એક મહિનાની વાર છે અને રમાદેવી આજુ સુધી એક પણ વાર તપાસ માટે હૉસ્પિટલ ગયાં નથી અને તેમજ ન તો મટિયારમાં આ વર્ષે કોઈ સ્વાસ્થ્ય કાર્યકરને જોયા છે.
પ્રશાસનના નામે મટિયારનિવાસી સુધી રામને માત્ર પૌવા અને તાડપત્રી વહેંચવા આવેલા તંત્રના અધિકારી પાસે પાણીની માગ કરી હોવાનું યાદ આવે છે.
"મેં તેમને કહ્યું કે અમારી પાસે પીવાનું પાણી નથી. કંઈ નહીં તો અહીં થોડે ઊંચાઈ પર હૅન્ડપંપ લગાવી દો, જેથી અમારો ગુજારો થઈ શકે. પણ તેઓને લગાવડાવ્યો નથી."
"બે અઠવાડિયાંથી અમે લોકો પાણી ગરમ કરીને તેને ઠંડું કરીને પીવા માટે મજબૂર છીએ. તબિયત પણ સારી રહેતી નથી."

બિહારમાં પૂર અને કોરોનાની સ્થિતિનું આકલન કરતા બીબીસીના આ વિશેષ કવરેજનો પહેલો ભાગ મટિયાર છે.
રસ્તામાં પાણી ડૂબેલાં ધાનનાં મોટાંમોટા તબાહ થયેલાં ખેતરો અને સુકાયેલી શેરડીનાં ઠુંઠાં નજરે આવે છે. સાંજ ઢળતાં મટિયારથી પરત ફરતાં મેં જોયું કે ગામના યુવા એકબીજાને ફોન પર મારેલા સાપની તસવીર દેખાડે છે.
પરત ફરતાં મને હિન્દીના મૂર્ધન્ય સાહિત્યકાર ફણીશ્વરનાથ રેણુનાં પૂર પર લખેલાં સંસ્મરણોમાં સતત આવતા સાપનો ઉલ્લેખ યાદ આવ્યો.
આ યાત્રામાં આવનારા દિવસોમાં આખા વિસ્તારની તસવીરો રજૂ કરીશું. બિહાર પૂરડાયરીનો પહેલું પાનું અહીં ખતમ થાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












