ખંભાતમાં અકીક તરાશતા કારીગરોને થતી એ બીમારી જેણે વિખેરી નાખ્યા કેટલાય પરિવાર

ખંભાતનાં 53 વર્ષનાં મહેફૂઝ બાનોએ અત્યાર સુધી તેમના પતિ સહિત કુટુંબના 25 લોકોને એક જ બીમારીનો ભોગ બનતા જોયા છે. તેઓ પોતે પણ અત્યારે સિલિકોસિસની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

તેઓ અને તેમનો આખો પરિવાર ખંભાતમાં અકીકમાંથી બનતી સુંદર કલાકૃતિઓ બનાવવાનું કામ કરે છે.

ખંભાતમાં કિંમતી પથ્થર અકીકમાંથી સુંદર કલાકૃતિઓ બનાવવાનો વ્યવસાય દાયકાઓથી ચાલી રહ્યો છે. એવા અનેક વિસ્તારો છે જ્યાં આખો પરિવાર પથ્થર ઘસવાનું કામ કરે છે. પરંતુ આ પથ્થરને સુંદર બનાવવાની કળાએ અહીં કેટલાય પરિવારોને વિખેરી નાખ્યા છે.

ખંભાતમાં પથ્થરને સુંદર બનાવવાની કળાએ અહીં કંઈ કેટલાય પરિવારોને વિખેરી નાખ્યા છે
ઇમેજ કૅપ્શન, ખંભાતમાં પથ્થરને સુંદર બનાવવાની કળાએ અહીં કંઈ કેટલાય પરિવારોને વિખેરી નાખ્યા છે

કારણ કે ખંભાતમાં પથ્થરોને ઘસીને કલાકૃતિ બનાવતા કારીગરો સિલિકોસિસ નામની ફેફસાંની ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે.

અકીકના પથ્થર ઘસવાથી સિલિકાના કણો શ્વાસમાં જાય છે અને તે ફેફસાંમાં ભરાતાં સિલિકોસિસ નામની બીમારી લાગુ પડે છે.

સિલિકાની એકદમ બારીક રજ ફેફસાંમાં ફસાઈ જાય છે અને તેના કારણે ફેફસાંની સ્થિતિસ્થાપકતા ખોરવાઈ જાય છે. ફેફસાંની કાર્યક્ષમતા ઘટતા શરીર દૂબળું પડતું જાય છે. આખરે સિલિકોસિસથી પીડાતો માણસ રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે.

line

પરિવારમાંથી 25 લોકોને એક જ બીમારીમાં ગુમાવ્યા

"તેમને ખબર હતી કે એમને આ બિમારી લાગુ પડશે પણ ચાર બાળકો અને સાસુ-સસરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરતા હતા"
ઇમેજ કૅપ્શન, "તેમને ખબર હતી કે એમને આ બિમારી લાગુ પડશે પણ ચાર બાળકો અને સાસુ-સસરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરતા હતા"

64 વર્ષીય રઈશ શેખ વર્ષોથી અલગ-અલગ કારખાનાંઓમાં પથ્થર ઘસવાનું કામ કરતા હતા. તેમના પરિવારજનો અનુસાર તેઓ પણ આ બીમારીનો ભોગ બની ગયા હતા.

તેઓ બે વર્ષ પથારીવશ રહ્યા અને આખરે ગત જાન્યુઆરીમાં મૃત્યુ પામ્યાં.

મૃતકનાં પત્ની મહેમૂદાબાનો કહે છે, "આ બીમારી થઈ શકે છે એવી તેમને ખબર હતી પણ ચાર બાળકો અને સાસુ-સસરા સહિત પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરતા હતા."

મૃતકના પુત્ર શાહનવાઝ કહે છે, "એક જાન્યુઆરી 2022ના રોજ મારા પિતાનું અવસાન થયું છે. હું 4 મહિનાથી સહાય માટેની ફાઇલ લઈને ફરુ છું. આશા રાખું કે સહાય મળી જાય. કેમકે હવે મારે જ એકલા હાથે પરિવારનું ગુજરાન ચલાવવાનું છે."

આવા કિસ્સા ખંભાતમાં પથ્થર ઘસતા અનેક કામદારોનાં પરિવારમાં જોવા મળશે.

53 વર્ષના મહેફૂઝ બાનોએ અત્યાર સુધી તેમનાં પતિ સહિત કુટુંબના 25 લોકોને આ બીમારીનો ભોગ બનતાં જોયા છે. તેઓ પોતે પણ અત્યારે સિલિકોસિસની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

લક્ષણોના આધારે મહેફૂઝ બાનોએ કરમસદની હૉસ્પિટલમાં તબીબી તપાસ કરાવી તો તેમને સિલિકોસિસની બીમારી હોવાનું બહાર આવ્યું.

મહેફૂઝબાનો કહે છે, "કરમસદના એ રિપોર્ટને સરકાર માન્ય ગણતી નથી અને સરકારી હૉસ્પિટલમાં રિપોર્ટમાં સિલિકોસિસ બીમારી પકડાતી નથી."

આમ મહેફૂઝબાનોને સરકાર સિલિકોસિસની રોગી ગણતી નથી.

આખરે તેઓ પથ્થરો ફોડવાનું કામ છોડીને હાલ કપડાં સીવવાનું કામ કરી રહ્યાં છે.

line

શ્વાસ ચડે અને છાતીમાં દુખાવો થાય

અકીક ઘસવાનું મશીન
ઇમેજ કૅપ્શન, અકીક ઘસવાનું મશીન

આવી જ કહાણી વારિસ અલીના પરિવારની છે. વારિસ અલી આ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. ઉંમરના આખરી પડાવે પહોંચેલા તેમનાં માતા એકલાં પડી ગયાં છે અને અન્યોની મદદનાં ઓશિયાળા બની ગયાં છે.

શહનાઝબાનો આ બીમારીને શરીરમાં સંઘરીને આજે પણ પથ્થર ઘસવાનું કામ કરી રહ્યાં છે.

તો અન્ય મહિલા હાજીબીબીનું પણ કહેવું છે કે તેમને પણ આ બીમારી લાગુ પડી છે. 63ની ઉંમરે તેઓ 80 વર્ષનાં લાગે છે. બોલતાં કે વાત કરતાં પણ તેમને હાંફ ચડે છે.

તેમનાં પુત્ર તેમની નજર સામે ઘરમાં પથ્થર ઘસવાનું કામ કરે છે.

હાજીબીબી કહે છે, "સરકારી દવાખાનામાં મને દવા નથી આપતા. મને કહે છે કે તમને ટીબી નથી, સિલિકોસિસ થયો છે અને તેની કોઈ દવા નથી. બે પુત્રો છે અને બંને મજૂરી કરે છે. સરકાર દવા માટે થોડી મદદ કરે તો સારું."

મુકેશ ભીલ ખંભાતના સિમાડે પથ્થર ઘસવાનું નાનકડું કારખાનું ચલાવે છે અને તેમને પણ આ બીમારી થઈ છે છતાં તેમણે આ કામ છોડ્યું નથી.

સ્થાનિક તબીબ ડૉ. આનંદ પટેલ કહે છે, "સિલિકોસિસના દર્દીને મુખ્યત્વે શ્વાસ ચડે છે અને ક્યારેક ક્યારેક ખાંસી આવે છે અને છાતીમાં દુખાવો થાય છે. બીમારી કેટલાં પ્રમાણમાં પ્રસરી છે તેના આધારે લક્ષણોની ગંભીરતા દેખાય છે. પ્રોગ્રેસિવ મૅસિવ ફાઇબ્રોસિસ તરીકે પણ આ બીમારીને ઓળખવામાં આવે છે. જેમાં આગળ જતા દર્દી મૃત્યુ પામે છે."

'કેટલાં મૃત્યું પામ્યા તેનો કોઈ હિસાબ નથી'

અકીક ઘસવાનું કારખાનું
ઇમેજ કૅપ્શન, અકીક ઘસવાનું કારખાનું

ખંભાત અને આસપાસના વિસ્તારોમાં અકીકના પથ્થર ઘસવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો સિલિકોસિસની બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે.

પરંતુ અકીક ઉદ્યોગનું ક્ષેત્ર અસંગઠિત હોવાના કારણે મૃતકોનો કોઈ ચોક્કસ આંકડો સરકારી ચોપડે મળી નથી શકતો.

ખંભાતના અકીક ઉદ્યોગની જેમ જ કોલરની સોનાની ખાણમાં, બિહારની અબરખની ખાણોમાં, મધ્યપ્રદેશના માનસોરમાં સ્લેટ પેન્સિલના ઉદ્યોગમાં, પન્નાની સૅન્ડસ્ટોન ખાણોમાં, આંધ્રપ્રદેશમાં પથ્થર દળવાની ઘંટીઓ બનાવવાના ઉદ્યોગમાં, પશ્ચિમ બંગાળમાં સિરામિકના કારખાનાંઓમાં, પૉન્ડિચેરીના કાચના કારખાનાંઓમાં અને ઉત્તર પ્રદેશના બંગડી બનાવવાના કારખાનાંઓમાં પણ સિલિકોસિસની બીમારીથી પીડાતા લોકો જોવા મળે છે.

ગુજરાતમાં પણ ખંભાત ઉપરાંત ગોધરા, બાલાસિનોર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, કડી અને હિંમતનગરમાં પણ સિલિકોસિસના રોગીઓ જોવા મળે છે તેમ છતાં આ બીમારીને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ અને સરકારમાં ઉદાસીનતા વર્તાય છે.

તેનું પ્રમુખ કારણ એ છે કે આ બીમારી મોટા ભાગે અસંગઠિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં જોવા મળે છે. તેથી તેઓ પોતાની સમસ્યા અસરકારક રીતે સરકાર સમક્ષ નથી રજૂ કરી શકતા.

એવી તો કઈ મજબૂરી છે કે લોકો આ કામ કરે છે?

સિલિકોસિસ
ઇમેજ કૅપ્શન, સિલિકોસિસને કારણે કારીગરો મૃત્યુ પામે છે

ખંભાતમાં સંખ્યાબંધ પરિવારો આ કામ જીવલેણ છે છતાં છોડી શકતા નથી. શિક્ષણનો અભાવ તેની પાછળનું મોટું કારણ છે. બીજું કંઈ કામ આવડતું નથી અને પેઢી દર પેઢીથી ચાલતું આ કામ છોડી શકાતું નથી.

અકીકના પથ્થરમાંથી મૂર્તિઓ, બૉલ્સ, માળાના મણકા, તસ્બી, ડિઝાઇનર આર્ટિકલ્સ, માછલીઘરમાં મૂકવાના પથ્થર, શિવલિંગ, બાઉલ્સ, ઘરના બગીચામાં સજાવવાના પથ્થરો જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.

અનેક કલાકૃતિઓની વિદેશમાં નિકાસ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેને વડા પ્રધાન મોદીએ ખંભાતના કારખાનામાં બનેલી અકીકની કલાકૃતિઓ ભેટ આપી હતી.

સિલોકોસિસ અસાધ્ય બીમારી છે. તેની કોઈ દવા નથી. રંગ અને ગંધહીન સિલિકા પેટમાં જમા થયા પછી બીમારી લાગુ પડ્યાના ઘણા સમય પછી તેનાં લક્ષણો દેખાય છે.

દર્દીને હાંફ ચડવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી , થોડું કામ કાર્ય પછી ભારે થાક લાગવો વગેરે આ બીમારીનાં લક્ષણો છે. બાદમાં ટીબી જેવી બીમારી પણ થઈ શકે છે.

આનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સિલિકાની રજકણ ઊડતી હોય તેવા કામથી બચવું. સ્થાનિક સ્તરે આ સમસ્યાના સમાધાન માટે હવે લોકો ખંભાતમાં અકીકના પથ્થર ઘસવા પાણી આધારિત મશીનનો ઉપયોગ કરે છે.

જોકે આ તકનીક કેટલી અસરકારક છે તે કહી શકાય તેમ નથી.

પથ્થર ફોડવાથી સિલિકાની રજ ફેફસામાં જમા થાય છે અને પરિણામે સિલિકોસિસ નામની જીવલેણ બિમારી લાગું પડે છે
ઇમેજ કૅપ્શન, પથ્થર ફોડવાથી સિલિકાની રજ ફેફસામાં જમા થાય છે અને પરિણામે સિલિકોસિસ નામની જીવલેણ બિમારી લાગું પડે છે

સિલિકોસિસ મૃત્યુ પામનારાના આધારભૂત આંકડા મળતા નથી. પરંતુ 2006માં ભારત સરકારના માનવાધિકાર પંચે સિલિકોસિસને દેશના આરોગ્ય સાથે સંળાયેલી એક મહત્વની સમસ્યા ગણાવી હતી.

પંચની ભલામણો આધારે કેટલાંક રાજ્યોમાં આ રોગને લઈને અમુક અંશે પૉલિસી બનાવાઈ છે પરંતુ ગુજરાત સરકાર આ મામલે હજુ કંઈ ખાસ કરી શકી નથી. હા, ગુજરાત સરકારે 2008માં આ વ્યવસાય સાથે સંકળાયેલા કામદારોને ફેકટરી ઍક્ટ હેઠળ આવરી લીધા હતા અને 2014માં સિલિકોસિસથી મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા એક લાખનું વળતર આપવાનું ઠરાવ્યું હતું.

વડોદરામાં રહેતા જગદીશ પટેલ છેલ્લાં બે દાયકાથી સિલિકોસિસથી પીડાતા લોકો અને તેમાં મૃત્યુ પામેલાના પરિવારના હકો માટે લડત ચલાવી રહ્યા છે. તેઓ લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમની માગણી છે કે, "ગુજરાત સરકાર તત્કાળ આ બીમારીની ગંભીરતાને ઓળખીને એક સુગઠિત પોલિસી બનાવવી જોઈએ."

"તેમની માગ છે કે જે પૈસા મૃતકના પરિવારને સહાય પેટે ચૂકવવામાં આવે છે તે પૈસા રોગીની સારવાર પાછળ ખર્ચવામાં આવે તો આ ગરીબ કામદારોના પરિવારો સાવ નિરાધાર ન થઈ જાય."

line

અન્ય રાજ્યોમાં શું સ્થિતિ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા પિપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (પીટીઆરસી)ના ડાયરેક્ટર જગદિશ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને એપ્રિલ 2020માં કહ્યું હતું, "અમારા રેકૉર્ડ અનુસાર, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાઓમાં છેલ્લા 16 મહિનામાં 70 કામદારોમાં સિલિકોસિસની બીમારી જોવા મળી હતી. જેમાં થાનગઢમાં 25, ધ્રાંગધ્રામાં 22, રાજકોટમાં 12 અને મોરબીમાં આઠ કેસ જોવા મળ્યાં હતાં અને 13 કામદારો સિલિકોસિસની બીમારીથી મૃત્યુ પામ્યા હતાં."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે સિલિકોસિસના દર્દીઓ માટે 10 કરોડ રુપિયાનું ભંડોળ ફાળવ્યું છે. બંગાળ સરકારે સિલિકોસિસ માટેની પૉલીસી બનાવી છે. પશ્ચિમ બંગાળમાં સિલિકોસિસ મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાય અને સિલિકોસિસની બીમારી થાય તેમને બે લાખની સહાય સાથે માસિક 4,000 રૂપિયાનું પેન્શન ચૂકવવાનું નિર્ધારિત કર્યું છે.

સિલિકોસિસથી મૃત્યુ પામેલા કામદારના પરિવારને પણ માસિક 35,00 રૂપિયાની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. સિલિકોસિસથી પીડિતના દિકરીના લગ્ન માટે 25,000 રૂપિયાની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

line

સારવાર અને સહાય અંગે સરકારી અધિકારીઓએ શું કહ્યું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એપ્રિલ 2017થી માર્ચ 2022 સુધીમાં સિલિકોસિસની બીમારીથી મૃત્યુ પામેલા 35 લોકોની યાદીનો સમાવેશ થાય છે.

સિલિકોસિસના દર્દીઓને સારવાર અને મૃતકોને સહાય અંગે વાત કરતા આણંદના કલેક્ટર એમ.વાય. દક્ષિણીએ કહ્યું, "આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ બીમારી થતી હોય છે. પરંતુ ગુજરાત સરકાર વારંવાર કામદારોના મેડિકલ ચેકઅપ કરાવે છે. તેમના ઍક્સ-રે, ડાયાલિસીસ વગેરે કરાવવામાં આવે છે અને તેમના રિપોર્ટના આધારે તેમને દવાઓ પણ આપવામાં આવે છે."

તેમણે ઉમેર્યું, "2022ના વર્ષમાં અત્યાર સુધી 47 આવા કેસ ધ્યાનમાં આવ્યા હતા ચકાસણી બાદ 31 લોકોને આ રોગ થયો હોવાનું જણાયું હતું."

મૃતકોને સહાય અંગે તેમણે કહ્યું, "સિલિકોસિસથી મૃત્યુ પામતા લોકોના પરિવારજનોને શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક લાખનું વળતર આપવામાં આવે છે."

આણંદ કલેક્ટરે બીબીસી ગુજરાતીને સિલિકોસિસથી મૃત્યુના કેસમાં આપવામાં આવેલી એક લાખ રૂપિયાની સહાયની યાદી પૂરી પાડી છે. જેમાં એપ્રિલ 2017થી માર્ચ 2022 સુધીમાં સિલિકોસિસની બીમારીથી મૃત્યુ પામેલા 35 લોકોની યાદીનો સમાવેશ થાય છે.

line

કોર્ટની અવમાનના?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, CHINA PHOTOS

થાનગઢ અને આસપાસના વિસ્તારના 225 સિરામિક યૂનિટમાં 20,000 જેટલા કામદારો કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રના કામદારોમાં સિલિકોસિસ, ટીબી અને લેડ પોઇઝનિંગનું ઊંચું પ્રમાણ જોવા મળી રહ્યુ છે.

એક પીઆઈએલના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે તારીખ 11 એપ્રિલ 2017ના આદેશમાં કહેવાયું છે કે રાજ્ય સરકારે સિલિકોસિસની બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર પેટે 3,00,000 રૂપિયાની સહાય ચૂકવવી. તેની સામે ગુજરાત સરકારે 2015માં સિલિકોસિસના મૃતકના પરિવારને સહાયની રકમ એક લાખ રૂપિયા નિર્ધારિત કરી હતી. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાની ફરિયાદ માનવાધિકાર પંચ સમક્ષ કરવામાં આવી હતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો